Ankita Soni

Drama Fantasy Inspirational

4  

Ankita Soni

Drama Fantasy Inspirational

સાચું હીર

સાચું હીર

3 mins
412


હાથમાં પચાસ લાખ રૂપિયાનો ચેક પકડીને પોતાની મોટીમસ કંપનીની કેબિનમાં બેઠેલા મશહૂર ગાયક જગમોહન સજળ આંખે પોતાનો ભૂતકાળ વાગોળી રહ્યા હતા. 

વર્ષો પહેલા ધૂળમાં રમતો ને આખા ગામમાં રખડતો જગલો..કોઈ કંઈ કહે તો સામો થઈ જતો ને મારામારી પર ઉતરી આવતો. ભણવામાં રસ ન પડતા નિશાળમાંથી ઊઠી ગયેલો. ગામના વડીલો સમજાવે તોય અપમાન કરી નાખે એવા વંઠેલ જગલાથી બધા દૂર ભાગતાં. 

ગામની શાળામાં એક શિક્ષકની બદલી થતા નવા શિક્ષક તરીકે રાવલસાહેબની નિમણૂંક થઈ. રાવલસાહેબ સ્વભાવે પરગજુ પણ વિદ્યાર્થીઓમાં કડક શિક્ષક તરીકે ઉપસી આવેલા..એથી ગામના વડીલોમાં ખૂબ આદર પામ્યા હતાં. ગામના બધા લોકો નાની મોટી કાંઈ પણ સમસ્યા હોય તો રાવલસાહેબની સલાહ અચૂક લેતા. છોકરાઓ તો એમને દૂરથી આવતા જોવે ને આઘાપાછા થઈ જતા એવો એમનો દબદબો.

એકવાર રાવલસાહેબ બજારમાંથી ખરીદી કરીને ઘરે જતા હતા ત્યાં જગલો ઊભો ઊભો મોટેથી ગીત ગાવા લાગ્યો. રાવલસાહેબે પાછું વળીને જોયું પણ જગલાને કોઈ અસર ના થઈ ..બીજા છોકરાઓએ એને ટોક્યોય ખરો..ઉલટાનું એ વધારે જોરથી ગાવા લાગ્યો. રાવલસાહેબ જગલાની પાસે આવ્યા. બીજા છોકરાંને એમ કે હવે જગલાનું આવી જ બન્યું સમજો.

"શું નામ તારું ?" રાવલસાહેબે નરમાશથી પૂછ્યું.

"તે તમારે જાણીને શું કામ છે ?" જગલો ઉદ્ધતાઈથી બોલ્યો.

"એ તો બસ અમસ્તુ જ..સરસ ગાય છે હોં.." રાવલસાહેબ એના વખાણ કરતા બોલ્યા.

" હાસ્તો..બંદાનો અવાજ છે જ મસ્ત.." જરા ફુલાતો જગલો બોલ્યો.

"સાંજે મારા ઘરે આવજે..થોડી વાત કરવી છે..હું તારી રાહ જોઈશ" રાવલસાહેબે જરા આગ્રહપૂર્વક કહ્યું અને ચાલવા લાગ્યા.

જગલાને મનમાં થયું, "ઘરે બોલાવીને ઠપકો આપશે..પણ હું એમની નિશાળનો થોડો છું કે કઈ પણ સાંભળી લઉં.. મને વઢશે તો હું પણ સામો જવાબ આપી દઈશ.."

ગમેતેમ પણ જગલો રાવલસાહેબના ઘરે પહોંચ્યો ખરો. સાહેબે એને પ્રેમથી આવકાર્યો ને એના વિશે બધી પૂછપરછ કરી. જગલાને ગાવાનો બહુ શોખ છે..ને અવાજ પણ સારો છે..એને થોડું માર્ગદર્શન મળે તો આગળ જાય એમ છે..એવું લાગતા રાવલસાહેબે પોતાની સાથે નોકરી કરતા સંગીત શિક્ષક પાઠક સાહેબને જગલાને સંગીતની તાલીમ આપવા માટે ભલામણ કરી. એ સાથે સાથે જીવનમાં અભ્યાસનું મહત્વ સમજાવીને એક પણ પૈસાની ફી વગર પોતાના ઘરે બોલાવીને શિક્ષણ આપવાની શરૂઆત કરી. 

જગલો એમ તો ભારે ચપળ..એટલે સફળતાનું પહેલું પગથિયું ચડવામાં ભલે રાવલસાહેબે એને મદદ કરી પણ એ પછી બાકીના પગથિયાં એ આપોઆપ ચડી ગયો. પોતાની કુશાગ્ર બુદ્ધિ ને આવડતના જોરે કાળક્રમે એ ગામના રખડું જગલામાંથી વિખ્યાત ગાયક જગમોહન બની ગયો.

આજે એને એક ગીત ગાવાની સાઈનિંગ અમાઉન્ટ રૂપિયા પચાસ લાખ મળી ત્યારે એને એના ગુરુજી રાવલસાહેબ યાદ આવી ગયા.

ડાયરીમાંથી નંબર કાઢી પોતાના જુના મિત્રો પાસેથી રાવલસાહેબનું સરનામું મેળવી એ મારતી ગાડીએ રાવલસાહેબના ઘરે પહોંચ્યો ને સીધો એમના પગે પડી ગયો. રાવલસાહેબે પોતાને સાચે રસ્તે ના વાળ્યો હોત તો પોતે આજે કોઈ ગુંડો કે મવાલી હોત..એ વાત પણ એણે અશ્રુસહ હાજર રહેલા સૌને કરી. ત્યારે વાત્સલ્યની મૂર્તિ સમાન રાવલસાહેબ એના માથે હાથ મૂકી આશિષ દેતા ફક્ત એટલું જ બોલ્યા, "મેં તો માત્ર તારામાં રહેલું સાચું હીર પારખ્યું હતું..બાકી એને પાસા પાડીને અણમોલ બનાવવાનો શ્રેય તો તારી મહેનત ને લગનને જાય છે.." 

ગુરુશિષ્યના અલૌકિક મિલનનો દિવસ ભલે સામાન્ય હતો પણ ગુરુપૂર્ણિમાના દિવસ જેટલો જ પવિત્ર બની રહ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Drama