Ankita Soni

Drama Tragedy

4  

Ankita Soni

Drama Tragedy

અણધાર્યો ઘા

અણધાર્યો ઘા

2 mins
225


ખેતરને શેઢે ઊભા ઊભા લહેરાતા પાકને જોઈને રામજીથી ઊંડો નિસાસો નંખાઈ ગયો. ખાસ્સીવાર એમનેમ ઊભો રહ્યો પછી ઘર તરફની વાટ એણે પકડી. રસ્તામાં એનો ખાસ ભાઈબંધ હરિયો મળ્યો પણ એની તરફ એણે નજર સુધ્ધાં ન નાંખી. એથી હરિયો થોડો ઝંખવાણો પડ્યો.

ઘરે આવીને રામજી સીધો ઓરડે જઈને ખેતરના કાગળો તપાસવા લાગ્યો. સરકારી કાગળોમાં કશી ગતાગમ ન પડતાં એણે બધું પાછું મૂકી દીધું. રામજીને આ રીતે જોઈને એની પત્ની રેવા કેટલાય દિવસથી ચિંતામાં હતી. આટલો મોટો દગો કોઈ ક્યાં સુધી ખામી શકે ? એણે એની રીતે નણંદને સમજાવવાની કોશિશ કરી જોઈ પણ બધું વ્યર્થ.

રામજીની મોટી બહેન રૂપા બહુ સમજુ ને કહ્યાગરી. જ્યારે પિતાનું દેહાંત થયું ત્યારે રૂપાએ જ એને સંભાળ્યો હતો. આટલી ગુણિયલ બહેન કેમ આવી જિદે ચડી હશે એનું કારણ રામજી સમજી શકતો નહતો. પૈતૃક સંપત્તિમાં દીકરીનો ભાગ હોય એવો કાયદાનો એ ફાયદો ઉઠાવી રહી હતી.

ઘર અને જમીનમાં પોતાનો હિસ્સો આપી દેવા રૂપાએ જ્યારે કહેણ મોકલ્યું ત્યારે રામજીને રીતસરનો આંચકો જ લાગ્યો. એમ તો બહેન માટે પોતે બધું ત્યજી શકે એમ હતો પરંતુ રૂપાની માંગણી એને સાવ અજુગતી લાગી. વળી લાંબા સમયથી એ અવસર-પ્રસંગે ભાઈને મળવા આવવાનુંય ટાળતી. 

છેવટે જે વાતનો ડર હતો એ થઈને જ રહી. રૂપાએ કાયદેસર નોટિસ મોકલી ને સંપત્તિમાં એનો હિસ્સો પડાવી લીધો. ઘર તો રામજીને ભાગે આવ્યું પણ ખેતર.. એક પળમાં રામજી ખુદ ખેડૂત મટીને ખેતમજૂર થઈ ગયો. 

થોડા દિવસમાં રૂપાએ જમીન વેચવા કાઢી ત્યારે રામજીને દાળમાં કંઈક કાળું હોવાની શંકા ઉપજી. હરજી, રામજીનો ખાસ ભાઈબંધ. રામજીએ હરજીને રૂપાનું ખેતર લેવા વિનવણી કરી. ઉછીના પાછીના કરીને હરજીએ ખેતરનો સોદો કર્યો.

આ વખતની ભાઈબીજ કરવા રૂપાએ ભાઈને નોતર્યો નહોતો તેમ છતાં રેવાને સમજાવીને રામજી રૂપાના આંગણે આવીને ઊભો રહ્યો. અંદરના ઓરડેથી કોઈકના હાથ ઉપાડવાનો અને બાઈ માણસનો રડવાનો અવાજ આવી રહ્યો હતો. રામજી અને રેવા પળભરમાં જ અવાજ ઓળખી ગયા. ધડામ દઈને બારણું ખોલીને રામજી અંદર પ્રવેશ્યો. ખૂણામાં ટૂંટિયું વાળીને રૂપા પડી હતી અને એનો ધણી લાતે લાતે મારી રહ્યો હતો. રામજીએ પોતાના બનેવીને ઊંધા હાથની બે લગાવી દીધી અને રૂપાને લઈને ઘર તરફ પગ માંડ્યા.

ઘરે પહોંચીને રૂપાએ એના પતિની કાળી બાજુના એક પછી એક પાનાં ખોલ્યાં. પતિએ જ પોતાના ભાઈ પાસેથી હિસ્સો મંગાવ્યો ને એણે આનાકાની કરી તો રામજીને જાનથી મારી નાખવાની ધમકી આપી. રૂપા ડરી ગઈ ને ભાઈને બચાવવાના હેતુથી જમીનનો ભાગ એણે લઈ લીધો.

ઘણા દિવસો પછી બંને ભાઈબહેન મુક્ત મને રડ્યા.. લાગણીથી..પસ્તાવાથી..અને ઉજ્જવળ ભાવિની ખુશીથી.


Rate this content
Log in

Similar gujarati story from Drama