Ankita Soni

Drama Tragedy

4.1  

Ankita Soni

Drama Tragedy

સંકલ્પ

સંકલ્પ

3 mins
138


"અંકલ..તમારી બાઈક પર આ સળિયો લગાવી દઉં ? ચાઈનીઝ દોરીથી તમારી સેફટી માટે..ખાલી પચાસ રૂપિયા જ થશે .." ચાર રસ્તે સિગ્નલ પર લાલ બત્તી થતાં હાથમાં સળિયા લઈને આવતા-જતા બાઈકસવારોને રોકીને એક છોકરો વિનંતી કરી રહ્યો હતો. ઓફિસ છૂટતાં ઘરે જઈ રહેલા સમીરભાઈ અને એમના સહકર્મી વિજયભાઈને પણ એણે રોક્યા.

"આવા સળિયાથી કાંઈ થાય નહીં ને બાઈક ચલાવતા પણ તકલીફ પડે..ખોટા પચાસ રૂપિયા ફેંકવામાં જાય..મારે નથી લગાવવો સળિયો.. તું તારે કોઈ બીજાને પકડ.." સમીરભાઈએ જરા અણગમો ઠાલવ્યો. 

"અરે ! આ તો આપણી સલામતી માટે જ છે ને..આપણી સલામતી આગળ પચાસ રૂપિયા કંઈ જ ન કહેવાય." પેલા છોકરાને સળિયો લગાવવાનું કહીને વિજયભાઈ મુસ્કુરાઈને બોલ્યા. 

"ઉત્તરાયણ આવે ને આવા લોકોના ધંધા શરૂ થઈ જાય..પહેલાં આપણને આમ થઈ જશે ને તેમ થઈ જશે એવો ડર બતાવે પછી ડર ભગાડવાના ઉપાયો..પતંગ-દોરા વેચવાવાળાની સાથે સાથે આવા બધા પણ કમાઈ લે.." સમીરભાઈ બાઈક ઉપાડતા બોલ્યા.

સમીરભાઈના એકના એક દીકરા સૌમિલે કોલેજનાં પગથિયે પગ મૂકતા જ નવી બાઈક લાવવાની જિદ પકડી હતી. જુવાનજોધ દીકરો કુસંગતમાં પડીને બગડી ન જાય એટલા માટે સમીરભાઈ આર્થિક સંકળામણનું બહાનું ધરીને એની માંગણીની અવગણના કરતા. એથી સૌમિલની નજર પપ્પાની બાઈક પર તો ક્યારનીયે હતી. પપ્પા ક્યાંક બહારગામ જાય ત્યારે થોડો સમય બાઈક લઈને મિત્રો સાથે બહાર ફરી આવતો.

ઉત્તરાયણ આડેના બે દિવસ પહેલાં જ્ઞાતિમાં કોઈકના મરણપ્રસંગે જવાનું હતું એટલે સમીરભાઈએ ઓફિસમાં રજા લીધી. સમીરભાઈ અને એમના પત્ની લતાબેન બસમાં ગામડે જવા ઉપડ્યા. સૌમિલને તો ફાવતું જડી ગયું. મિત્રોને ફોન કરીને બાઈક પર ફરવાનો પ્રોગ્રામ ઘડી કાઢ્યો અને બાઈક લઈને ઉપડ્યો.

"હેલ્લો.. સમીરભાઈ..તમે જલ્દી આવી જાવ..અહીં સૌમિલ..." વિજયભાઈએ હાંફળા ફાંફળા થઈને સમીરભાઈને ફોન પર અડધું પડધું કહ્યું ને ફોન કપાઈ ગયો. સમીરભાઈ અને લતાબેન બંનેના શરીરમાં જાણે લોહી થીજી ગયું. ઊંચા જીવે અનેક શંકાકુશંકા કરતા સમીરભાઈ અને લતાબેન વળતી બસમાં પરત આવ્યા. વિજયભાઈએ કોઈ હોસ્પિટલનું સરનામું આપેલું. હોસ્પિટલની લોબીમાં પહોંચતા જ સમીરભાઈ ફસડાઈ પડ્યા. અચાનક ખભા પર કોઈના હાથનો સ્પર્શ થયો અને જોયું તો સામે સૌમિલ ઊભો હતો. એકદમ સાજોનરવો..એના માતાપિતાને જીવમાં જીવ આવ્યો. 

"તો પછી એ ફોન કોલ ? વિજયભાઈએ કેમ એવું કીધું ? " સમીરભાઈએ સૌમિલનો હાથ પંપાળતા પૂછ્યું. નીચી મુંડી કરીને ઉભેલા સૌમિલની આંખમાં ચોધાર આંસુ આવી ગયા. એટલામાં વિજયભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા.

"સમીરભાઈ, તમે ગામડે જવા ઉપડ્યા ને આ સૌમિલ બાઈક લઈને નીકળ્યો. એનો ખાસ મિત્ર રિતેશ સૌમિલની પાછળ બેઠો હતો. ભાઈબંધો વચ્ચે બાઈક સ્પીડમાં ચલાવવાની રેસ લાગી એટલે રીતેશે સૌમિલનું બાઈક પોતે ચલાવીને રેસ જીતવાની ઈચ્છા વ્યક્ત કરી. એમાં ને એમાં અચાનક ક્યાંકથી ચાઈનીઝ દોરી સામે આવી ગઈ અને રિતેશ.." વિજયભાઈએ આખી કથની સમીરભાઈ આગળ રજૂ કરી.

"એટલે રિતેશ.. ? કેમ છે એને ? " સમીરભાઈ બેબાકળા બની ગયા. 

"સદનસીબે બચી ગયો.. એને ગંભીર ઈજા નથી થઈ. પણ બાઈકને નુકસાન થયું એટલે સૌમિલ ગભરાયો ને એણે મને ફોન કર્યો. તમે સૌમિલને ઠપકો ન આપશો. એ ખૂબ ડરેલો છે." વિજયભાઈએ સમીરભાઈને સમજાવતાં કહ્યું.

"વિજયભાઈ..મેં એ દિવસે દોરીથી બચવા બાઈક પર સળિયો લગાવ્યો હોત તો.. ! તમે સાચું જ કહ્યું હતું." પસ્તાવાના સૂરમાં સમીરભાઈ બોલી ઊઠ્યા. 

"ચાઈનીઝ દોરીના લીધે આજે રિતેશનો જીવ ગયો હોત. બીજું કશું તો આપણે બદલી ન શકીએ પણ પતંગની મોજ માણવા ચાઈનીઝ દોરી ન વાપરવાનો સંકલ્પ તો આપણે લઈ જ શકીએ ને.. આપણા માટે ..મૂંગા પક્ષીઓ માટે.." મક્કમ સ્વરે પોતાની વાત પૂરી કરતા સમીરભાઈ આગળ વિજયભાઈ, સૌમિલ તથા હાજર રહેલા સૌમિલના મિત્રોએ સંકલ્પયુક્ત સંમતિ દર્શાવી.


Rate this content
Log in

Similar gujarati story from Drama