Valibhai Musa

Inspirational

2.8  

Valibhai Musa

Inspirational

હરિયો અને જીવલો

હરિયો અને જીવલો

10 mins
1.1K


શિયાળાની વહેલી એ સવાર હતી. ખુશનુમા શીતળ હવા હતી. કૂવા પાસે જ ઘઉંના લહેરાતા મોલનું મોટું ખેતર હતું. છોડવાઓ ઉપર ભરપુર દાણા બાઝેલાં કણસલાં હતાં. મંદમંદ હવામાં એ કણસલાં ડોલતાં હતાં. કૂવાકાંઠે એક પાકી ઓરડી હતી. ખેતરના એક ખૂણે માટીનું ખોરડું હતું. ખોરડાના કટલા પાસે ગોઠવેલી ઈંટોનો નાનો ઓટલો હતો. ઓટલા ઉપર ખોરડાની દિવાલને અઢેલીને મૂકેલી સિમેન્ટની શીટ હતી. તેના ઉપર ઢંગધડા વગરના અક્ષરોએ કોલસાથી લખેલી નોટિસ હતી : ‘દલિયા અને નરસંગડા સિવાય કોઈએ રજા વગર દાખલ થવું નહિ. કૂતરાથી ચેતવું. લિખિતંગ હરિયો.’


નોટિસમાંનું લિખિતંગ વાંચીને હું મલકી પડ્યો. પેલા બે જણ ‘હરિયા’ના ખાસ માણસો હોઈ શકે. છતાંય તેઓ ત્રાહિત તો ગણાય જ અને તેમને તોછડા નામે ઓળખાવવામાં આવે તે તો થોડીક ગળે ઊતરે તેવી વાત હતી. પરંતુ સિગ્નેચર નેઇમ હરિયો ? હરિભાઈ નહિ, હરિદાસ નહિ, હરિચરણ નહિ, હરિસિંહ નહિ; અને ‘હરિયો’ ! અહો, વૈચિત્રિયમ્ !


આસોપાલવના થડને અઢેલીને ઊભો કરેલો ઢોલિયો ઢાળીને હું બેઠો. મળસકાના પ્રકાશમાં દૂરદૂર સુધી નજર નાખી. રવિપાકની કામકાજની સિઝન હતી. કોઈ માણસ દેખાતું ન હતું. હોઈ શકે કે ઘઉંરાઈ કાપણીયોગ્ય થયાં હોઈ પિયત બંધ કર્યું હોય. વળી ડીઝલ એન્જિનનું ખર્ચ વધારે આવે એટલે બિનજરૂરી પાણી પાય પણ નહિ ને ! ખોરડાના બારણા આગળની છૂટા પથ્થરોની હાર પ્રતિબંધિત વિસ્તારની સરહદ હોય તેવું લાગ્યું. એ સરહદના બહારના ભાગને અડીને એક દેશી કૂતરું બેઠેલું હતું, જેને કેળવેલું હોય તેવું લાગ્યું. આગળના બંને પગ ઉપર જડબું ટેકવીને બેઠેલું એ મારી સામે જોઈ રહ્યું હતું. હું અજાણ્યો હોવા છતાં એ ભસ્યું પણ ન હતું. સરહદ ઓળંગનારને જ ભસવું અથવા બચકું ભરવું તેવી તેને કદાચ તાલીમ અપાઈ હશે !


વહેલી સવારે મારી બાઈક ઉપર હું અહીં આવ્યો હતો. ઠંડા પવનના કારણે શરદી લાગી ગયાનો મને અહેસાસ થતો હતો. એ અહેસાસને નક્કર સાબિત કરતી મને ઉપરાઉપરી ચારપાંચ છીંકો આવી અને ખોરડામાંથી અવાજ આવ્યો, ‘કોણ છે, લ્યા ?’


‘હું તમારા ઈલેક્ટ્રીક મોટરના નવા કનેક્શન માટેનો ટેસ્ટ રિપોર્ટ ભરવા આવ્યો છું.’


’હંઅ, વીજળિયા સાહેબ છો ?’


’ના, હું વીજળી ખાતાનો માણસ નથી; ખાનગી માણસ છું, ટેસ્ટ રિપોર્ટની એજન્સીનો માણસ.’


’જે હો તે, બેસો. થોડીવારમાં ઓરડીની ચાવી લઈને દલિયો આવશે, મારો સેક્રેટરી; મારા ખેતસાથીનો છોકરો. નરસંગડાને થોડુંક મોડું થશે. તે વહેલી સવારે બાજુના ગામે હજામત કરાવવા અને અસ્ત્રાને ધાર કઢાવવા ગયો છે.’


‘અસ્ત્રાને ધાર કઢાવવા ?’


‘હા, એ મારું દાઢું છોલશે ને ! મારા ઢીંચણે વાની તકલીફ છે અને મારા બેટા ગામના ઘાંયજા અહીં વગડે આવતા નથી. નરસંગડાએ પણ તેમનો બહિષ્કાર કર્યો છે.’


‘એ નરસંગ કોણ છે ?’


‘નરસંગ નહિ, નરસંગડો કહો ! મારો પુતર છે. મહિને દહાડે મારા માથાનું એ વતું પણ કરે છે અને અઠવાડિયે દાઢી પણ !’


‘નરસંગડાની કેટલી ઉંમર છે ?’ મારે નાછૂટકે ‘નરસંગડો’ કહેવું પડ્યું.


‘ત્રણ છોકરાંનો બાપ છે !’


‘અરર..., એને તમે તોછડાઈથી બોલાવો છો !’


‘એ જ મને ‘હરિયો’ કહીને બોલાવે છે ને !’


‘તમને, બાપને ?’


‘મને ‘હરિયો’ ન કહે તો, તો હું બોલું જ નહિ ને ! મારો એવો ઓર્ડર છે. હું ક્યારનોય ધ્યાન રાખું છું કે તમે મને કોઈ નામથી બોલાવ્યો નથી. જો તમે પણ મને ‘હરિયા’ સિવાય સંબોધ્યો હોત, તો તમારી સાથે પણ વાત ન કરત ! મારાં પોતરાં પણ મને ‘હરિયો’ કહીને બોલાવે છે. મારી ડોશી એના ભાના રોટલા લઈને ગઈ છે, પણ જીવતી હતી; ત્યારે હું એને ‘લખુડી’ કહેતો હતો અને એ મને ‘હરિયો’’ !’


‘આ કંઈ સંસ્કારિતા ન કહેવાય, હરિકાકા.’


‘એ શું બોલ્યા ?’


‘સોરી, હરિયાકાકા !’


‘નહીં, ખાલી ‘હરિયા’ ! અને હવે એ પણ નહિ. ચૂપચાપ બેસી રહો, દલિયો આવે ત્યાં સુધી; અને હવે મને આ જીવલા સાથે થોડોક સત્સંગ કરવા દેશો ખરા !’


‘એ વળી કોણ છે ?’


‘મેં કહ્યું તો ખરું કે, હવે ચૂપ થાઓ; નહિ તો પછી કૂતરાને હલકારું ?’


‘ના બાપલિયા, ના !’


કૂતરાએ કાન સરવા કર્યા. મેં તેની સામે જોઈને મારા કાન પકડ્યા. મારી છાતી તરફ મે મારી તર્જની ચીંધી. એ જ આંગળીને મેં મારા હોઠ અને નાકના ટેરવે ઊભી ધર્યા પછી બે હાથ જોડ્યા. તે મારા ઈશારાને સમજી ગયું અને પોતાની મૂળ સ્થિતિમાં જતું રહ્યું. મારે ડાહ્યાડમરા થઈ જવું પડ્યું. પેટની ડુંટી ફરતાં સાત કે ચૌદ ઈન્જેક્શનના વિચારમાત્રથી મારી તો ઠંડી જ ઊડી ગઈ !


ખોરડામાં વાતચીત શરૂ થઈ.


‘અલ્યા જીવલા, રાત્રે ક્યારે વહ્યો ગયો હતો ? મને ખબરેય ન પડી !’


‘હરિયા, તું ચાલુ વાતે નાક ઘરડવા માંડ્યો; એટલે હું કંઈ બેઠો રહું ?’ જીવલાએ જવાબ વાળ્યો.


હરિયાનો અવાજ ઘોઘરો હતો, પણ સામેવાળા જીવલાનો અવાજ સાંભળતાં મને લાગ્યું કે તે આધેડ વયનો હોવો જોઈએ.


‘જીવલા, બહાર બેઠેલો બાપડો આપણા કામે આવ્યો અને મેં તેને ખોટો ઝાડ્યો, નહિ ?’


‘સાચું કહું, હરિયા ? તું દહાડેદહાડે કડવોવખ થતો જાય છે. અલ્યા, જતે દહાડે તો સુધર.’


‘હેઈ.ઈ..ઈ... પડી પટોળે ભાત, ફાટે પણ ફિટે નહિ ! જીવલા, રામલીલાવાળાં નાટકો કેવાં મજાનાં ભજવાતાં હતાં, હેં ! નરસંગડો કે’ કે ખોરડામાં ટીવી મેલાવું, આપણે હવે લાઈટ આવવાની છે. મેં કીધું કે મેલ્ય પૂળો તારી ટીવીબીવી ઉપર ! જો મને પૂછ્યા વગર લાવ્યો છે, તો કૂવામાં ફેંકી દઈશ. હું અને મારો ભેરુડો જીવલો ભલા ! અમે બે જીવતાંજાગતાં ટીવી જ છીએ ને ! ’


‘હરિયા, મને પાક્કો વહેમ છે કે તેં પેલા વીજળિયા ઉપર બીજી કોઈક વાતની દાઝ કાઢી છે !’


‘તારો વહેમ સાચ્ચો ! શું કરું લ્યા, એ સંસ્કારિતાની પત્તર ફાડતો હતો. મેં કૂતરાની હુલ આપી એટલે બચ્ચારો જીભ જ ગળી ગયો ! હી...હી...હી...’


‘અલ્યા, હરિયા બેહર ! તારો સગલો બહાર બેઠો છે, ધીમે ભસ્ય, નહિ તો એ વીજળિયો નાસી જશે.’


‘બોલ્ય, લાગી શરત ! એ નહિ જતો રહે. મેં એની બોલતી બંધ કરી છે, પણ એના કાનમાં સિમેન્ટ થોડો ભરી દીધો છે ! પેલા બેમાંથી એકેય નખોદિયો નહિ આવે ત્યાંસુધી બાપડાને બેસવું પડશે અને ઊલટાનો આપણી બેઉની વાતોથી એનો ટાઈમ નીકળી જશે.’


‘પણ ઓરડીની ચાવી તારી પાસે રાખી લીધી હોત તો એ એનું કામ પતાવીને ક્યારનોય જતો ન રહ્યો હોત ! બચ્ચારાને કેટલાય કૂવા ગણવાના હશે, એટલે જ તો વહેલો આવી ગયો છે ને !’


‘હવે, તું એની ચમચાગીરી કર્યા વગર થોડી સત્સંગની વાત કર. તને ખબર તો છે કે મેં લખુડી જીવતી હતી, ત્યારે પણ તિજોરીની ચાવી ક્યાં પકડી હતી ! મારી વા’લી, જીવી ત્યાં લગણ એણે ઘર કેવી રીતે સાચવ્યું એની મને લગીરેય ખબર નોં પડવા દીધી હોં !’


મને એ બે ભેરુડાઓની વાતમાં એટલો બધો રસ પડવા માંડ્યો હતો કે હું મનોમન ઇચ્છવા માંડ્યો કે પેલા બે જણામાંથી એકેય હાલમાં ન આવે તો સારુ, નહિ તો રંગમાં ભંગ પડ્યા વગર રહેશે નહિ. મને એ પણ વિચાર આવતો હતો કે આ હરિયો ભલે ગાંડિયા જેવી વાતો કરતો હોય, પણ એ કંઈક ઊંચી વાત કરતો હોય તેમ લાગ્યું.


જીવલાએ સંસ્કારિતાની વાતનો તંતુ પકડતાં કહ્યું, ‘જો હરિયા, આપણે સંસ્કારિતાની જે વાત સમજ્યા છીએ, તેની એ લોકોને ખબર ન પડે. આપણે ભીતરની સંસ્કારિતામાં માનીએ છીએ. મન મેલું હોય અને મોંઢેથી મીઠડુંમીઠડું બોલાતું હોય એ તો લોકોને ઠગવા જેવું ગણાય, કેમ ખરું કે નહિ ?’


‘જો જીવલા, એ બધી સત્સંગની વાતો તો આપણે રોજ કરીએ છીએ અને જીવીએ ત્યાંસુધી કર્યે જઈશું પણ ખરા ! પરંતુ હાલ આપણે હું લોકોને કેમ તોછડું સંબોધન કરું છું અને સામે ‘હરિયો’ એવું તોછડું સંબોધન હું સાંભળું પણ છું, તેનો ભેદ ખોલીએ તો બાપડા બહાર બેઠેલા વીજળિયાને થોડીક ધરપત થાય. વળી એના મગજમાં આપણી વાત બેસે તો લોકોને સમજાવે પણ ખરો કે ખરી સંસ્કારિતા શું છે. આપણે છાપાંમાં ઘણાખરા ધર્મોના કહેવાતા મહાપુરુષોની લીલાઓને વાંચીએ છીએ. દેશદાઝની મોટીમોટી વાતો ફાડનારા નેતાઓનાં કૌભાંડો બહાર આવે છે. માબહેનોની છડેચોક ઈજ્જત લુંટાય છે. સરકારી બાબુઓ સરેઆમ લાંચરુશ્વત લે છે. મતદારો તેમના મતને વેચે છે. અલ્યા જીવલા, લિસ્ટ તો ઘણું લાંબું થાય, પણ એ કહેવાનો કોઈ મતલબ નથી. મારી વાતનો સાર એટલો જ છે કે દેશ અને દુનિયામાં સંસ્કારિતાનું નાહી નાખવાનો સમય આવી ગયો છે. પેટની ભૂખ તો બે રોટલા અંદર ઊતારી દો અને સંતોષાઈ જાય, ગળાની તરસ બે ઘૂંટડા પાણીએ મટી જાય. ફાટ્યાંતૂટ્યાં બે કપડાં શરીરે નાખો અને તન ઢંકાઈ જાય, માથું ઢાંકવા છાપરું પણ બંધાઈ જાય; આ બધી જીવવા માટેની પ્રારંભિક જરૂરિયાતો છે અને એ બધી મળી જતાં ધરપત થઈ જવી જોઈએ. બિચારા ગરીબોને તો એ થાય છે, સંતોષીજનોનેય થાય છે, સાદગીપૂર્ણ જીવન જીવનારાઓને તો થાય જ છે; પણ...પણ પેલા ધનભૂખ્યા, સત્તાભૂખ્યા, એશોઆરામના ભૂખ્યા; એ બધાની ભૂખ તો કદીય ભાંગતી નથી હોતી, ઊલટાની રોજેરોજ વધ્યે જતી હોય છે.’


‘બસ કર હરિયા, બસ કર. હવે ભાષણ ભરડવાનું મેલ્ય પડતું અને મુદ્દાની વાત કર કે આ બધું નઠારું જન્મે છે ક્યાંથી ? જોજે પાછો લાંબીપહોળી વાત ન કરતો, એક જ શબ્દ બોલી નાખ; નહિ તો મને બોલવા દે એ શબ્દ !’


‘તું ગદ્ધી શું કહેવાનો હતો ? હું જ કહું કે એ શબ્દ છે, અહમ્ ! બસ, એને મારો અને બધાં દુ:ખદર્દ ખતમ !’


હું ‘ગદ્ધી’ સંબોધનથી મનમાં હસ્યા વગર ન રહી શક્યો અને સાથેસાથે હરિયાના સૂત્રાત્મક વિધાને પણ મને વિચારતો કરી દીધો. કેવી ગાગરમાં સાગર સમાઈ જાય તેવી અહમ્ અંગેની હૃદય સોંસરવી નીકળી જાય તેવી સાવ ટૂંકી અને ટચ વાત !


જીવલો હરખભેર બોલી ઊઠ્યો,‘વાહ હરિયા, વાહ ! લાવ્યો બાપુ, લાવ્યો; લાખ રૂપિયાની વાત લાવ્યો. એટલે જ તું તને ‘હરિયા’ તરીકે ઓળખાવે છે, ખરું ને; 'અહમ્'ને ઓગાળવા જ તો !’ હવે જો, પેલા બહાર બેઠેલા વીજળિયાના મનમાં એક બાબતનું સમાધાન થતું ન હોય તેમ મને લાગે છે. જો હરિયા, તારો અહમ્ ઓગાળવા માટે તું ‘હરિયા’ તરીકે બોલાવાય એ તો બરાબર, પણ તું બીજાઓને એમ બોલાવે એ તો તારી તોછડાઈ જ કહેવાય ! જોજે, પાછો મારા ઉપર બગડતો નહિ, થોડુંક જરા શાંત મને વિચારી જો.’


‘અલ્યા જીવલા, તું મારો જન્મારાનો ભેરુડો ખરો; પણ તું મને સમજ્યો નથી લાગતો. હું મારાં ઘરવાળાં, નિકટનાં સગાં અને મારા ત્યાં કામ કરતાં લોકોને જ એ રીતે બોલાવું છું. તેમના તરફ મારો જીવ બળે છે, માટે જ તો ! ગાંડિયા, એ બધાં મારાં પોતીકાં છે અને તેમને હું કેળવું છું. ‘તુંકાર’ સાંભળવાથી તેમની સહનશક્તિ કેળવાય ! મારા નરસંગડાનો ટેણિયો અંગ્રેજી નિશાળમાં ભણે છે. મને એક દહાડો કે’ કે આપણા સ્વર્ગસ્થ પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાત્રી ડાઉન ટુ અર્થ (Down to Earth) હતા. હું પોતે પણ એવો બનવાનો પ્રયત્ન કરું છું અને મારાં વાલીડાં પણ એવા સંસ્કાર ધારણ કરતાં થાય માટે જ તો તેમને એ ડોઝ આપ્યે રાખું છું. યાદ કર, મેં મારાં એ જણ સિવાય અન્યોને કદીય એ રીતે બોલાવ્યાં છે ખરાં ? હા, મારી જાત માટે તો એ નિયમ પાક્કો, કોઈ મને માનથી બોલાવે તો ચૂપ રહું છું, વાતનો હોંકારો પણ દેતો નથી. બહારના લોકોને ઓછું મળવાનું થાય એટલે જ તો વગડે આ ખોરડામાં પડ્યો રહું છું.’


મને એ બેઉના સત્સંગમાં એટલો બધો રસ પડ્યો કે પેલા કૂતરાની પરવા કર્યા સિવાય ખોરડામાં ધસી જઈને એ બે જણા ભેગો હું ત્રીજો ભળું અને હરિયાના પગ પકડીને તેને મારો ગુરુ બનાવી દઈને તેની પાસેથી મને એ આપે તે ગુરુમંત્ર લઈ લઉં, પણ પેલા કૂતરાની લાંબી જીભમાં મને વિરાટ દર્શન થયાં અને મને સરકારી દવાખાનાનો હડકવાની સારવાર માટેનો વોર્ડ દેખાયો.


પરંતુ સાચા આધ્યાત્મજ્ઞાનના ભૂખ્યાજનને કોઈક માર્ગ તો મળી જ રહે અને મારા મગજમાં ચમકારો થયો કે મારી પાસેના બગલથેલામાં નાસ્તા માટેનાં બિસ્કીટ છે. હજુ ઘરેથી કોઈ સ્ત્રી આ લોકો માટે ભાત લઈને આવી પણ નથી. શ્વાનમહારાજ ભૂખ્યા તો થયા હશે જ અને જો એ બિસ્કીટ તેમને દક્ષિણારૂપે ધરી દેવામાં આવે તો હું ખોરડામાં દોડીને ઘૂસી શકું.


મારી યોજના સફળ થઈ અને હું લાગ જોઈને ખોરડામાં ઘૂસી ગયો. પણ આ શું ? અંદર ખાટલા ઉપર બારણા તરફ પીઠ રાખીને એક જ માણસ બેઠેલો હતો. એને ખબર ન હતી કે હું ખોરડામાં પ્રવેશી ગયો છું, પણ એણે તો બદલાતા અવાજે પોતાનો સત્સંગ ચાલુ જ રાખ્યો હતો ! હરિયો પોતાની જાત સાથે, પોતાના જીવ સાથે વાત કરી રહ્યો હતો; અને એટલે જ તો તેણે તેનું નામ જીવલો પાડ્યું હતું.


હું આંસુ છલકતી આંખે હેરત પામતો ચૂપચાપ નવી પંદરેક મિનિટ સુધી એ આધ્યાત્મિકતાની ગહન વાતોને સાંભળતો જ રહ્યો. મને થયું કે કાશ લોકો આમ જ પોતાની જાત સાથે વાત કરતા થાય તો માનવજાતની કેટલી બધી સમસ્યાઓ હલ થઈ જાય !


Rate this content
Log in