વચેટિયો- માઈક્રોફિક્શન
વચેટિયો- માઈક્રોફિક્શન
ધાર્મિક અને ઉદાર ગણેશકાકાને બહોળી ખેતી હતી. ખળામાં અનાજટાણે જરૂરિયાતમંદોને સુડલે સુડલે અનાજ આપતા. ગૌશાળાઓ માટે ગાડાં ભરીભરીને ઘાસ મોકલતા. મંદિરના પૂજારી નીલકંઠગીરી ઉપર તો એમના ચાર હાથ રહેતા. મંદિર માટે જરૂરી ખાદ્યસામગ્રીના ભંડાર ભરી આપતા.
તેઓશ્રી કદીય મંદિરમાં પ્રવેશતા ન હતા. દ્વાર આગળ જ ઊભા રહીને દેવમૂર્તિને વંદન કરી લેતા. તેઓ નીલકંઠગીરી મહારાજને કહેતા, ‘દેવ અને મારી વચ્ચે તમે વચેટિયા. મારા કલ્યાણ માટેની દેવને ભલામણ તમારા શિરે.’
એ દિવસે ખેતસાથી માંદો પડતાં તેઓ ખાતર ખેંચતા હતા. એ ઉકરડાનો છેલ્લો ફેરો હતો અને તેમણે થોડોક વધારે ભાર ભર્યો હતો. રસ્તામાં ચઢાવ આવતાં ગાડું પાછું પડવા માંડ્યું. ગણેશકાકાને લાગ્યું કે ચારેય બળદ ટૂંપાઈ જશે. તેમણે ગાડામાંથી કૂદકો મારીને પૈડું આપવા માંડ્યું કે જેથી ચારેય બળદોને મદદ મળે. પરંતુ કમભાગ્યે તેમનો જમણો હાથ ગાડાના પૈડા નીચે ચગદાઈ ગયો. ધુઆંપુઆં થતા પોતાના લોહીલુહાણ તુટેલા હાથે બળદોને તેમની હાલત ઉપર છોડીને તેમણે ગામના મંદિર તરફ દોટ લગાવી.
સાધુવૃંદ લાડુ જમીને ઘોરતું હતું. ગણેશકાકાએ ડાબા હાથે પગમાંનો જોડો નીલકંઠગીરી ઉપર ઝીંક્યો. ખૂણામાં પડેલી લાકડી લઈને તમામ ઉપર તૂટી પડ્યા. બધા ગણેશકાકાના આક્રોશને પામીને ભાગ્યા. ગણેશકાકાએ ભાગતા નીલકંઠગીરી મહારાજને ચેતવણી આપી કે તેઓ બિસ્તરાંપોટલાં બાંધવા માંડે.
છેલ્લે ગણેશકાકા મંદિરના દ્વાર સામે ગળગળા અવાજે એટલું જ બોલી શક્યા, ‘હવેથી આપણી વચ્ચે કોઈ વચેટિયો નહિ!’