અપવાદ – માઈક્રોફિક્શન
અપવાદ – માઈક્રોફિક્શન
ટ્રેઇનના દ્વિતીય વર્ગના ડબ્બાની કેબિનમાં શિક્ષણના માધ્યમ ઉપર ગરમાગરમ ચર્ચા ચાલી રહી હતી. સમાચાર હતા કે આગામી વર્ષ માટે નવી ખાનગી માધ્યમિક શાળાઓની દરખાસ્તો અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ માટે અનુક્રમે એંશી અને બે હતી.
ચર્ચામાં એક પક્ષે અંગ્રેજીના પ્રોફેસર હતા, બીજા પક્ષે મારા સિવાય બધાં જ હતાં. નવાઈની વાત હતી કે પ્રોફેસર ગુજરાતી માધ્યમના હિમાયતી હતા. તેઓશ્રી ગુજરાતી માધ્યમમાં ભણ્યા હતા, પણ અંગ્રેજીમાં એક વિષય તરીકે પ્રભુત્વ મેળવ્યું હતું. તેમનાં સંતાનો પણ ગુજરાતી માધ્યમમાં ભણી રહ્યાં હતાં. પોતાની નોકરીના સમય સિવાયના પોતાના દૈનિક જીવનમાં પોતે ચુસ્ત રીતે માતૃભાષાને જ પ્રાધાન્ય આપતા હતા.
સામેના પક્ષે બધાંયની હૈયાવરાળ એ હતી કે ઉચ્ચતમ સરકારી નોકરીઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગુજરાતીભાષી ઉમેદવારો દક્ષિણ ભારત, પશ્ચિમ બંગાળ આદિ રાજ્યોના ઉમેદવારો સામે શરમજનક રીતે પરાજય પામતા હોય છે. વળી આજકાલ વૈશ્વિકરણના માહોલમાં પશ્ચિમના દેશોમાં ગુજરાતી માધ્યમમાં ભણેલા વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બનાવી શકતા નથી.
ચર્ચા અધૂરી હતી અને પ્રોફેસરશ્રીનું સ્ટેશન આવી જતાં તેઓ પોતાની હેન્ડબેગ લઈને દરવાજા તરફ જઈ રહ્યા હતા. ઓચિંતી મારી નજર તેમની બેગ ઉપરના લખાણ પી.જી.એલ. ઉપર પડી. મેં મારું મૌન તોડતાં તેમને કહ્યું, ‘મિ. પ્રોફેસર, હાથીની જેમ બે જાતના દાંત ન રખાય! આ શું છે?’
પ્રોફેસરે સ્મિતસહ કહ્યું, ’મારા માટે આ જ અપવાદ છે. મારું નામ પાર્થ ગણેશ લખતરિયા છે.’