Hardik G Raval

Crime Thriller

4  

Hardik G Raval

Crime Thriller

મારી સખી

મારી સખી

5 mins
421


અમારી સોસાયટીમાં અમે સાત બહેનપણીઓ. અમારી દરેકની ઉંમરની વચ્ચે એક બે વરસનો તફાવત હતો. અમારા સાતમાંથી મને દીક્ષિતા સાથે સારું બનતું. અમારી ઉંમર પણ સરખી. મારી અને દીક્ષિતાની મિત્રતા 'જય-વીરુ' ટાઇપની હતી. બાળપણથી અમે અમારી ટોળકીનું નેતૃત્વ કરતી, એ કપ્તાન અને હું ઉપકપ્તાન જ સમજી લો. કોઈપણ નિર્ણય અમારી સહમતી વગર ન થતો. અમે સાતેય અમારી સોસાયટીનું દરેક કામ કરતી અને અમારા સોસાયટીના કોઈ પ્રસંગમાં અમે સાતેય બાળકીઓ અગ્રેસર હોય, નાનાં અને મોટાં તમામ કામો અમારા ભાગે આવતાં.

શાળાકાળથી લઈને હાઈસ્કુલમાં અને પછી કોલેજમાં પણ મારો ને દીક્ષિતાનો અભ્યાસ સાથે થયો હતો. અમારા બન્નેની મિત્રતા દિવસે અને દિવસે ઘનિષ્ઠ થતી ગઈ હતી, બહુ લગાવ હતો અમારી વચ્ચે. ઉદાહરણ જ જોઈએ લો, એક વખત શાળામાં નીતા મેડમે દીક્ષિતાના લેશન ન લાવવાના કારણે હાથમાં ફૂટપટ્ટી મારી અને એ મારાથી સહન ન થયું, તેથી મેં નીતા મેડમના માથામાં તેમનું જ ડસ્ટર મારી દીધું હતું. બીજો એક કિસ્સો અમે અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરતા ત્યારનો હતો, એકદિવસ અમે એક્ટિવા પર ઘરે આવી રહી હતી, તે દરમિયાન બે બાઇક સવાર યુવકોએ દીક્ષિતાના શરીર વિશે અભદ્ર ટિપ્પણી કરેલી અને મેં ચાલુ એક્ટિવાએ એને લાત મારી અને એમનું બાઇકનું કન્ટ્રોલ ગુમાવીને તેઓ રોડથી સાઈડમાં જઈને પટકાયા. મારાથી સહન ન થતું કોઈ મારી મિત્ર વિશે એક શબ્દ પણ બોલે.

એવું ન હતું કે હું જ દીક્ષિતાની રક્ષા કરતી કે એને હેરાન કરનારને સબક શીખવાડતી, દીક્ષિતા તરફથી પણ આવો જ પ્રતિભાવ આવતો જો કોઈ મને હેરાન કરવાનો પ્રયત્ન કરતું.

અમારી મિત્રતા જોઈને અમારા પરિવાર જનોને પણ ચિંતા થતી કે અમારાં લગ્ન થશે ત્યારબાદ અમે એકબીજા વગર કઈ રીતે રહેશું ! પણ એમને ક્યાં ખબર હતી કે સમય, સ્થળ સંજોગો માનવનો સ્વભાવ બદલવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે, અમારી મિત્રતા પર પણ સમય હાવી થઈ ગયો. સમયે એની રમત રમવાનું ચાલું કરી દીધું હતું.

અમે કોલેજના પ્રથમ વરસમાં આવી ત્યાં સુધી બધું જ સારું ચાલતું, પરંતુ કોલેજના વાતાવરણે મારી અને દીક્ષિતા વચ્ચે અંતર લાવવાનું ચાલું કર્યું. કોલેજમાં હાર્દિક અમારો ક્લાસમેટ હતો, તેની સાથે દીક્ષિતાને પ્રેમ થયો, મારી મદદથી જ તેણે આ વાત હાર્દિકને જણાવી અને બંને વચ્ચે પ્રેમસંબંધ ચાલુ થયો. દીક્ષિતા અને હાર્દિકની જોડી ખરેખર અદ્ભુત લાગતી, દીપિકા અને રણબીર જ જોઈ લો ! હાર્દિક સાથેની મિત્રતા પછી જ અમારી બંન્ને વચ્ચે અંતર આવવાનું ચાલુ થયું. અમારી મિત્રતામાં હાર્દિકનું આગમન ટર્નિંગ પોઇન્ટ સાબિત થયું.

કોલેજમાં લેક્ચર સિવાયનો સમય એ હાર્દિક સાથે ગાળતી, અને ઘરે આવ્યા બાદ પણ જ્યારે અમે મળીએ ત્યારે એ હાર્દિક સાથે મોબાઈલ પર જ વાતો કરતી રહેતી. શરૂઆતમાં આ વાતમાં મને કશું અજુગતું ન લાગ્યું પણ સમય જતાં હાર્દિક સાથેનો દીક્ષિતાનો સંબંધ મને આંખોમાં ખૂંચવા લાગ્યો. હાર્દિકે જાણે મારા શરીરનું કોઈ મહત્ત્વનું અંગ કાપી ન નાખ્યું હોય, એવી મને અનુભૂતિ થતી. દિવસે અને દિવસે હાર્દિક પ્રત્યે મને અકળામણ થવા લાગી. હવે, હું દીક્ષિતાને હાર્દિકથી દૂર કરવાના પ્રયત્નો કરતી. કોલેજમાં એની પાસે પરાણે લેક્ચર ભરાવતી અને સાંજે અમારા મળવાના સમયે હું જ એના ઘરે પહોંચી જતી તેથી એ હાર્દિક સાથે વાત કરી જ ન શકે. દીક્ષિતાએ અમુક દિવસો બાદ મારા સ્વભાવમાં આવેલું પરિવર્તન નોંધ્યું હતું. એણે મને આડકતરી રીતે આવું ન કરવા સમજાવી પણ ખરી. એ હજુ પણ એ વાતથી તદ્દન અજાણ હતી કે મારા દિલોદિમાગમાં હાર્દિક મારો દુશ્મન બની ગયો હતો.

હું હવે હાર્દિક નામનો કાંટો અમારી વચ્ચેથી હટાવવા મથતી. દીક્ષિતાને હાર્દિકથી દૂર રહેવા સમજાવ્યું પણ ખરું અને આ જ કારણે અમારા વચ્ચે ઝઘડો થયો અને એ ઝઘડો એ હદે વધી ગયો કે અમે એકબીજા સાથે અબોલા લઈ લીધા. મારી સખી સાથે આટલાં વરસોમાં પહેલી વખત જ ઝઘડો થયો હતો અને એ ઝઘડો બહુ લાંબો ન ચાલ્યો. એક દિવસ એણે મને મનાવી લીધી.

હું માની ગઈ પણ એણે પ્રથમ વખત ઝઘડો થયો ત્યારે 'સાયકો' ન બનવા સલાહ આપી હતી તે વાત હજુ પણ ખૂંચતી હતી. એણે હાર્દિક જેવી વ્યક્તિ માટે થઈને મને 'સાયકો' કહી, આટલાં વરસોની મિત્રતાને કોઈ ત્રીજી વ્યક્તિના કારણે સાયકો નામ આપ્યું, મને ન ગમ્યું. મેં ઉપર ઉપરથી એને માફ કરી દીધી પણ મનમાં હજુ પણ મને એના પર અને હાર્દિક પર ગુસ્સો હતો. હું આ વાતનો બદલો હાર્દિક સાથે લેવા માગતી હતી.

મેં મારા તરફથી દીક્ષિતાને હાર્દિકથી દૂર કરવાના બનતા પ્રયાસો ચાલુ કરી દીધા હતા. એમના સંબંધ વિશે દીક્ષિતાના પરિવારને જણાવ્યું. મને એમ હતું કે દીક્ષિતાનો પરિવાર રૂઢિચુસ્ત વિચારધારાવાળો હોવાથી આ પ્રેમ નહીં સ્વીકારે પરન્તુ મારા આશ્ચર્ય વચ્ચે એ લોકોએ આ સંબંધને સહર્ષ સ્વીકાર્યો. આ મારી એકતરફી હાર હતી. હા, એકતરફી કારણ કે દીક્ષિતા કે હાર્દિક મારી સામે જીતવા માગતાં ન હતાં છતાં પણ મારે તેમને હરાવવા હતાં.

હવે તેઓ ઓફિશિયલી મળવા લાગ્યાં, હાર્દિક એના ઘર સુધી પહોંચી ગયો. હું જ્યારે પણ તે બન્ને ને સાથે જોતી તે મને ન ગમતું, મારું મન વ્યાકુળ થઈ જતું. હું મન શાંત કરવા માટે અન્ય સખીઓ સાથે મૂવી જોવા જતી તો ત્યાં પણ મને હીરો હિરોઈન સ્વરૂપે એ બન્ને દેખાતાં. મારી સખીને હવે હું સંપૂર્ણપણે ગુમાવવાની હતી.

તેઓની સગાઈ થઈ, લગ્નની તારીખ પણ નક્કી થઈ. સગાઈમાં મારી હાજરી હોવા છતાં તૈયારીઓમાં મારો કોઈ ફાળો ન હતો, હા અન્ય સખીઓએ આ પ્રસંગને સફળ બનાવવા માટે ચોક્કસ મદદ કરી હતી. આ મારી બીજી હાર હતી. મારી અન્ય સખીઓ પણ હવે ધીમે ધીમે મારાથી દૂર થતી ગઈ. મારી એક સખી આરતીએ તો એક વખત મને એ પણ કહ્યું કે હું ઈર્ષ્યાની આગમાં બળી રહી છું. આ વાત મને સમજાઈ ન હતી, મને દીક્ષિતાથી ઈર્ષ્યા ન હોય એ ગાંડી ને સમજાવું એ પહેલાં જ એના પર એક રાત્રે કોઈએ હુમલો કર્યો અને એ હુમલામાં એનું મૃત્યુ થયું.

અમને આરતીના મૃત્યુથી દુઃખ થયું હતું, મેં દીક્ષિતા પછી મારી બીજી સખી ગુમાવી, હા દીક્ષિતા મારાથી દૂર થઈ અને આરતી 'બહુ દૂર' થઈ ગઈ હતી. આ વાત ને અમુક સમય વીતી ગયો.

થોડાં અઠવાડિયાં બાદ હાર્દિકની માતા પર પણ કોઈએ રાત્રે ઘરમાં ઘૂસી હુમલો કર્યો અને એમાં એ ગંભીર રીતે ઘવાયાં. લૂંટનો ઈરાદો ન જણાયો, કોઈ માત્ર ને માત્ર તેમને મારવા માગતું હતું. એકબાજુ આરતીનું મૃત્યુ અને દીક્ષિતાના થનારા સાસુ પર હુમલાએ દીક્ષિતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું. દીક્ષિતાએ આ બંને હુમલા પાછળ મને જવાબદાર ઠેરવી. એને એવું લાગ્યું કે હું આમ કરી એના લગ્ન પાછળ ઠેલવા માગું છું. કેટલી પાગલ છે એ છોકરી, કોઈ મિત્રને ફસાવતું હશે, આવી રીતે ! મારા આશ્ચર્ય વચ્ચે એણે હાર્દિકની મદદથી સીસીટીવીના કેમેરામાં ગરબડ કરાવી અને જે સ્થળે આરતીનું ખૂન થયું હતું એ ખૂનીને કોમ્પ્યુટરની કરામત દ્વારા મારો ચહેરો ચડાવ્યો અને એવું જ હાર્દિકના ફ્લેટના સીસીટીવી કેમેરામાં હાર્દિકની માતા પર થયેલા હુમલાના થોડા સમય પહેલાં મને હાર્દિકના ફ્લેટમાં પ્રવેશતી બતાવી. પોલીસ દ્વારા મારી ધરપકડ થઈ.

દીક્ષિતાના આ પ્રયાસ સામે હવે હું હારી ગઈ, આ મારી એક તરફી હાર ન હતી. હું હકીકતમાં એમના પ્રયાસોથી હારી હતી. કાયદેસર મને મર્ડર અને અટેમ્પટ ઓફ મર્ડરના કેસમાં આજીવન કેદની સજા કરાવી અને ત્યારબાદ ડોક્ટરની ટીમે મને માનસિક બીમાર પણ ગણાવી પાગલખાને મોકલી.

આ રીતે 'મારી સખી'એ એમનાં લગ્નની વચ્ચે આવતો કાંટો દૂર કર્યો, પણ હું ક્યાં દૂર થઈ હતી તેમનાથી, મને હજુ આ ડોકટરના ચહેરામાં હાર્દિકનો ચહેરો અને એમની કેબિનમાં ચોરીછૂપીથી મળતી નર્સમાં દીક્ષિતાનો ચહેરો દેખાતો.


Rate this content
Log in

Similar gujarati story from Crime