Hardik G Raval

Comedy Drama

3.4  

Hardik G Raval

Comedy Drama

ધરમ સંકટ

ધરમ સંકટ

5 mins
256


આજે અમારા ઘરમાં અનેરું ધરમ સંકટ આવી ચઢ્યું. અમે સહપરિવાર અમારા કુળદેવીના મંદિરે જવાનો કાર્યક્રમ નક્કી કર્યો હતો, સવારથી સૌ પોતપોતાની રીતે તૈયારીમાં લાગી ગયાં હતાં. ડ્રાઈવર રામુએ ગાડીની કન્ડિશન ચેક કરી લીધી હતી. મમ્મીજી એટલે કે મારાં સાસુજીએ પ્રસાદ, માતાજીને ચઢાવવાની સાડી અને અન્ય વસ્તુઓ તૈયાર કરી રાખી હતી. પપ્પા હંમેશાની જેમ મમ્મીજી કહે તેમાં હામાં હા કરવા માનસિક તૈયાર થઈ ગયા હતા અને મારા 'એ' એટલે મી.શુક્લજી દાઢી, વાળ સેટ કરાવી હિરો બની ચૂક્યા હતા, જાણે એ ફરી જાન જોડીને પરણવા જઈ રહ્યા હોય તેવા સોહામણા લાગી રહ્યા હતા.

મેં પણ આજે વરસના વચલા દિવસે સાડી પહેરી હતી, આજના દિવસે સાડી પહેરવાનું કારણ માત્ર કે કુળદેવીનાં દર્શન કરીએ ત્યારે માથે ઓઢવું પડે ! જો કે મમ્મીજીનો સ્વભાવ જાણતાં હોવા છતાં દુપટ્ટાથી પણ માથે ઓઢી શકાય જેવી નબળી દલીલ મેં કરી હતી પણ મમ્મીજીની જિદ સામે ઘરના બે બે પુરુષ સભ્યોનું નથી ચાલતું તો મારું શું ચાલે ? મારી નબળી દલીલને ફગાવી દેવામાં આવી અને કમને સાસુહઠ સામે મારે ઝૂકવું પડ્યું. મમ્મીજી સામે ઝૂકવું પડ્યું એ ધરમસંકટ ન હતું પણ અમે જેવો ઘરનો ઉંબરો ઓળંગવાની તૈયારી કરતાં હતાં ત્યારે જ મારે પીરિયડ આવ્યા, એ હતું ધરમસંકટ.

મેં આ વાત ધીરે રહીને પતિદેવને જણાવી અને ત્યારબાદ મમ્મીજીને જણાવી. આ ઓચિંતી આવી પડેલી આફતની મમ્મીને જાણ થતાં જ જાણે કોઈ આસમાન તૂટી પડ્યું હોય એવા હાવભાવ મમ્મીજી દ્વારા આપવામાં આવ્યા. કરોડો રૂપિયાનો ધુમાડો કર્યો હોય અને ટ્રમ્પનો ભારત પ્રવાસ કેન્સલ થાય તો મોદીજીના ચહેરાના જે હાવભાવ હોય તદ્દન એવા જ હાવભાવ મમ્મીજીના ચહેરા પર હતા.

ત્યારબાદ આગળ શું પગલાં લેવાં એ અંગે ઘરના આંગણામાં જ હિંચકા પર બેઠાં બેઠાં ચર્ચા વિચારણા અને મિટિંગ કરવામાં આવી.

"તમે જઈ આવો, હું અહીં નિશા સાથે રોકાઈ જઉં" શુકલજી બોલ્યા.

"આવતા રવિવારનો પ્રોગ્રામ રાખીએ?" પ્રશ્નાર્થ ચહેરે પપ્પાજી બોલ્યા.

"આ સાવ કેવી છે, ભૂલક્કડ! તારીખ પણ યાદ નથી રહેતી, ત્યાં આખા ગામમાં મેં આપણે આવવાની જાણ કરી દીધી છે, ભંડારો રાખી દીધો છે" મમ્મીજી મારી સામે જોઈને બબડયાં.

મમ્મીજી આંગણામાં આમતેમ આંટો મારવા લાગ્યાં. મને મારો સાડી પહેરીને કુળદેવીને દર્શન કરતો ફોટો લેવાનો પ્લાન ખતરામાં લાગ્યો. ઇન્સ્ટામાં હેશ ટેગ ટ્રેડિશનલ લુક, હેશ ટેગ પ્યારી બહુ વગેરે વિચારેલા હેશ ટેગ એળે ગયા હોય એવી અનુભૂતિ થઈ. થોડીવાર માટે સન્નાટ્ટો છવાઈ ગયો. રામુ ગાડીમાં બેઠો બેઠો વારાફરતી અમારા ચારેયના ચહેરા જોઈ રહ્યો હતો. એ ફેસ રીડર હોય એમ અમારા ચહેરા વાંચવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. વધુમાં એને આગળ શું કરવાનું છે આદેશ મળે એની રાહમાં એ બેસી રહ્યો હતો.

મમ્મીજી કોઈ વચલો રસ્તો વિચારી રહ્યાં હતાં એ દરમિયાન મને મારી સ્કૂલના દિવસો યાદ આવી ગયા. મારી સખીઓને પીરિયડના દિવસોમાં કેવી રીતે અન્યોથી અલગ જમાડવા બેસાડવામાં આવતી, ઘરમાં ક્યાંય અડકવા દેવામાં ન આવતી, જાણે કોઈ ગુનો કર્યો હોય એવી રીતે વર્તન કરવામાં આવતું, અને એ ગંદું કપડું....એ પાંચ દિવસ જાણે જેલની સજા કરતાં પણ એ લોકોને બદતર લાગતા.

"ચલો જઈએ, જઈને માતાજીની માફી માંગી લેશું અને આને દૂરથી દર્શન કરાવશું" હું વિચારોમાં ખોવાયેલી હતી ત્યારે જ મારી સાસુમાનો આદેશ કાને પડ્યો.

"એટલે મારે આવવાનું ?" હું અચકાતાં બોલી. મારી નજર સામે ઈન્સ્ટાના હેશટેગ આવી ગયા, અને મારી આંખોમાં ઉત્સાહ દેખાયો. મારું ચાલે તો હું હેશટેગ પીરિયડ પણ લખી નાખું એવો આનંદ મમ્મીજીના આ નિર્ણયથી આવ્યો.

મારા સવાલનો જવાબ ન મળ્યો અને મમ્મીજી ગાડી તરફ ચાલવા લાગ્યાં, પાછળ પપ્પાજી અને પછી અમે લોકો પણ ગાડીમાં ગોઠવાયાં. મને આગળ રામુની બાજુમાં બેસવાનો આદેશ મળ્યો.

રામુના ચહેરા પરથી પ્રશ્નાર્થ ચિહ્ન પણ ગાયબ થયું અને અમારી ગાડી ઉપડી. હા, ગાડી ઉપડે એ પહેલાં મમ્મીજી શોપિંગ કરવા ગયેલાં ત્યારે કાગળમાં વીંટાળેલું અને એના પર કાળું ઝભલું ચઢાવી થેલીમાં અલગ રાખીને લાવેલા સ્ટે ફ્રીના પેડનો ઉપયોગ કરી લીધેલો.

અમારા કુળદેવીનું ગામ સાડી ચારસો કિલોમીટર દૂર આવેલું. અમારી ગાડી પુરપાટ ઝડપે રોડ પર દોડી રહી હતી. કોઈ અગમ્ય કારણોસર રોડની બન્ને સાઈડ રહેલાં વૃક્ષો પાછળની તરફ દોડી રહ્યાં હતાં. ટેપમાં મમ્મીજીની સૂચનાથી માતાજીના ગરબા અને ભજનો વાગી રહ્યાં હતાં કે અચાનક જ રામુએ જોરદાર બ્રેક મારી. રામુએ ગાડી રોડની સાઈડમાં ઊભી રાખી. અમને એ સમજતાં વાર ન લાગી કે આગળ પાછળનાં ટાયરોમાં રોડ પર પડેલ ખીલ્લીઓના કારણે પંક્ચર પડી ગયું હતું અને કોઈ કારણસર ગાડીના પાછળના ભાગમાં આગ પણ લાગી હતી.

અમે નીચે ઊતર્યાં, રામુએ ગાડીની ફરતાં ત્રણ ચાર ચક્કર લગાવ્યાં અને રામુની પાછળ પાછળ અચાનક આવી ચઢેલું કૂતરું પણ ચક્કર લગાવી રહ્યું હતું. આ દૃશ્ય મને થોડું ફની લાગ્યું. હું બોલી ઊઠી "બસ, રામુભાઈ હવે વધુ ગાડીના ફેરા ન ફરો નહીં તો આ અગ્નિની સાક્ષીએ તમારા અને આ કૂતરાનાં લગ્ન થઈ જશે". મને લાગ્યું કે મેં કોઈ મસ્ત જોક માર્યો છે અને હમણાં મારા ઘરનાં સભ્યો ખડખડાટ હસી પડશે પણ તદ્દન મારા વિચારોથી ઊલટું થયું.

"બધું આના લીધે થયું" મમ્મીજી હવે એકતાકપુરની સિરિયલની સાસુમાની જેમ મારા પર દોષનો ટોપલો ઢોળી રહ્યાં હતાં. એ મમ્મીજીમાંથી સાસુ બની રહ્યાં હતાં.

"મને ખબર ન હતી કે જે માસિકસ્રાવ જીવને જન્મ આપવા શરીરને સક્ષમ બનાવે છે એના લીધે ગાડીમાં પંચર પણ પડે અને આગ પણ લાગે" હું ધીમા અવાજે બોલી ઊઠી.

પરંતુ મારા જૂના વિચારોવાળાં સાસુમાએ તો સમાચાર ત્રોમાં અને ટીવીમાં જોયેલું કે માસિકધર્મના લોહીની ગંધ માત્રથી કૂતરાઓ પાગલ બની જાય, જો પીરિયડ્સ દરમિયાન કોઈ સ્ત્રી કોઈની સુવાવડ કરાવે તો કસુવાવડ થાય, પીરિયડ દરમિયાન સ્ત્રી અપશુકનિયાળ ગણાય એટલે એમના માટે તો ગાડીમાં પંચર અને આગ પીરિયડના કારણે લાગે એ સ્વાભાવિક હતું. કદાચ જો એ સમયે રશિયા દ્વારા સિરિયા પર હુમલામાં સિરિયાનું અસ્તિત્વ ભૂંસાઈ જાય તો પણ એની પાછળ મમ્મીજીની દૃષ્ટિએ મારા પીરિયડ જવાબદાર ગણાત.

રામુ બન્ને દિશામાં પાંચથી સાત કિલોમીટર ચાલીને જઈ આવ્યો પણ કોઈ મિકેનિક ગાડી જોવા ન આવ્યો. કદાચ માસિકના લોહીની શક્તિએ જ એમને ન આવવા મજબૂર કર્યા હોય, બની શકે ! અમે પૂરા ત્રણ કલાક ગાડીમાં વિતાવ્યા. આગળ જવું કે પાછળ જવું કે એ નક્કી થઈ શકતું ન હતું એટલામાં જ મમ્મીજીનો ફોન રણક્યો અને એમને ગામડેથી સમાચાર મળ્યા કે માતાજીના મઢમાં આગ લાગી છે અને ઘણુંખરું નુકસાન પણ થયું છે.

સમાચાર મળતાં જ મમ્મીજી એ મારી તરફ ગુસ્સામાં જોયું અને પસ્તાવાથી ડોકું ધુણાવ્યું. મને સાથે લાવવાના નિર્ણયે એમને પસ્તાવા મજબૂર કર્યાં. મને સાથે લાવવાથી જ મંદિરમાં આગ લાગી હતી એ શંકા એમના મનમાં ઘર કરી ગઈ એવું અમને એમના ચહેરાના હાવભાવ પરથી જણાયું.

"વાહ, તારું માસિક તો બસ્સો કિલોમીટર દૂર આગ પણ લગાડી શકે છે !" શુકલજી કટાક્ષમાં બોલી ઊઠ્યા.

"એક રીતે જોઈએ તો આપણે ત્યાં સમયસર પહોંચી ગયા હોત તો આગમાં ભસ્મીભૂત થઈ ગયાં હોત, મારા પીરિયડના કારણે આપણે બચી ગયાં !" હું ઉત્સાહમાં બોલી ગઈ.

શુકલજીના કટાક્ષભર્યા વાક્યના કારણે અને મારા ઉત્સાહભર્યા વાક્યના કારણે અમારા ઘરમાં ચોક્કસ આગ લાગવાની હતી એ નક્કી હતું. કેટલા દિવસો સુધી રસોડામાં કરફ્યુ રહેવાનો હતો, ભૂખ હડતાળો થવાની હતી, સમાધાન અને સમજૂતી માટે વિચારણા પણ થવાની હતી એ નક્કી હતું.

એ દરમિયાન જ રામુએ એક આવતી ગાડી ઊભી રાખી અમારી સમસ્યા જણાવી, લિફ્ટ લીધી અને અમારા પરત ફરવાનો પ્રબંધ કર્યો.

અને પરત ફરતી વખતે મેં ઈન્સ્ટાગ્રામ પર #પીરિયડ કરીને સેલ્ફી મૂકી.


Rate this content
Log in

Similar gujarati story from Comedy