nayana Shah

Tragedy

4  

nayana Shah

Tragedy

રૂપિયા ૧૦૦

રૂપિયા ૧૦૦

4 mins
484


"મમ્મી, શાક " પરંતુ કૌશિકીનું ધ્યાન જ કયાં હતું ! એણે તો દીકરાની થાળીમાં બે રોટલી મુકી દીધી. દીકરા પુલકે પપ્પા સામે જોયું. બંનેની નજર મળી, મોં પર આછું હાસ્ય આવી ગયું. કૌશિકીના પતિ કશ્યપે પત્નીને કહ્યું, "ભાત " અને કૌશિકીએ પતિને શાક પિરસ્યું. આ પહેલાં ક્યારેય આવુ બન્યું જ ન હતું. પતિ, દીકરો કે મહેમાન હોય એમની થાળીમાં માંગ્યા વગર પિરસાઈ જતું. એવું લાગતું હતું કે જાણે કે આ કૌશિકી જ નથી. જયારે એ બંને જણે કૌશિકી સામે જોયું તો કૌશિકીની આંખોમાં આંસુ હતાં. તેથીજ કશ્યપે કહ્યું, "તારી તબિયત સારી નથી લાગતી તું રૂમમાં જઈને સૂઈ જા."

કૌશિકી કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ રૂમમાં જતી રહી. આવું કદાચ પહેલીવાર જ બન્યું હતું કે બધા સાથે એ જમવા ના બેઠી. લગ્ન બાદ એની આંખોમાં આંસુ કયારેય આવ્યા ન હતાં. લગ્નના વીસ વર્ષમાં પહેલીવાર કૌશિકી રડી રહી હતી. તેથી જ કશ્યપે નોકરીમાં રજા માટે ફોન કરી દીધો.

જયારે એ કૌશિકી પાસે પહોંચ્યો ત્યારે પત્ની ચોધાર આંસુ એ રડી રહી હતી. ઘરમાં કોઈ કયારેય ઊંચા સાદે બોલતું ના હોય, પરસ્પર પ્રેમ હોય અને પૈસાની પણ તકલીફ ના હોય ત્યાં સ્વાભાવિક છે કે આંસુને પ્રવેશબંધી હોય.

કશ્યપે ઘણી પૂછપરછ કરી ત્યારે એ માંડ એટલુંજ બોલી, "કેદા... ર "

કેદારનું સ્થાન કૌશિકીના જીવનમાં શું હતું એ કશ્યપ સારી રીતે જાણતો હતો. આખરે કૌશિકી બોલી, "હવે એ આ દુનિયામાં નથી " બોલતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

"કૌશિકી, જેનો જન્મ એનું મૃત્યુ નિશ્ચિત હોય છે અને આમ પણ એની ઉંમર ૮૫ વર્ષથી પણ વધુ હતી. "ભલેને ઉંમર વધારે હોય તો શું થઈ ગયું ? મને તો કહેલું કે હું પુલકના લગ્નમાં જરૂરથી આવીશ. એ એટલી પણ રાહ જોઈ ના શક્યો ? "

"કૌશિકી, મનુષ્યની ઈચ્છાઓનો અંત હોતો જ નથી. પુલકના લગ્ન બાદ તું કહેત કે એના છોકરાને રમાડી ને જજે ".

" પહેલાં એ કહે કે આવું કયારે થયું ? "

"થોડીવાર પહેલાં જ હું તો એનું મોં જોવા પણ નહિ પામું"

"ના, તું એનું મોં જોવા પામીશ. ઊભી થા આપણે હાલ જ ડુંગરપુર જવા નીકળીયે.

જે નંબર પરથી ફોન આવ્યો છે ત્યાં કહી દે કે આપણી રાહ જુએ."

રડતાં રડતાં કૌશિકી ઊઠી. કશ્યપે ફોન કરી દીધો અને બંને જણાં કાર લઈને નીકળી પડ્યા.

કૌશિકીને નાનપણથી અત્યાર સુધી કેદાર સાથે વિતાવેલી દરેક ક્ષણ નજર સામે જાણે જોઈ રહી હતી.

આમ તો કેદાર એમના ઘરનો ઘરઘાટી હતો એ પણ એના જન્મ પહેલાંનો. નાનપણમાં પણ કેદાર એને ઉંચકી ઉંચકીને ફરતો હતો. બાલમંદિરમાં પણ સાયકલ પર મુકવા આવતો. સ્કૂલમાં પણ એ બસસ્ટેન્ડ સુધી મુકી જતો. એ જમવા બેસે તો એનો પાટલો તથા પાણી પણ ભરી આપે. જાણે કે આખા ઘરના કેન્દ્ર સ્થાને કેદાર જ હતો. દરેક પોતાના કામ માટે કેદાર પર જ આધાર રાખતું. બધા ધીરેધીરે ભૂલી ગયા કે આ કેદાર ઘરનો નોકર છે. ત્રણ માળના ઘરમાં ચોખ્ખાઈ એ જ રાખતો. જયારે એના પપ્પાને ફેક્ચર થયું ત્યારે એના પપ્પા એને તિજોરીની ચાવી આપીને પૈસા કાઢી લાવવાનું કહેતાં. એમના ઘરમાં કયારેય કોઈ ને એવો વિચાર પણ આવતો નહિ કે આ નોકર છે. એના ભાઈને પણ કેદારે જ સાયકલ શિખવાડી હતી. જયારે કૌશિકીએ કહ્યું ત્યારે એને ચોખ્ખું કહી દીધું, "તમારે સાયકલ શિખવાની નહિ, પડી જાવ અને વાગે તો ! તમારા માટે તો અમારે રાજકુમાર લાવવાનો છે. તમારી સુંદરતા જળવાઈ જ રહેવી જોઈએ.

ત્યારબાદ તો ઘરનાએ પણ એને સ્કુટર શીખવાની મનાઈ કરી દીધી. ઘરમાં કેદારનો પણ અવાજ હતો. કૌશિકી અને એના ભાઈના લગ્ન એકાદ વર્ષના અંતરે જ થયેલા. એના ભાઈના લગ્નના માત્ર ૬ મહિનામાં જ કેદારે કહી દીધું કે, "હવે મારી ઉંમર થઈ છે હવે મારાથી કામ થતું નથી એટલે હું મારા બંને છોકરાંઓ સાથે ખેતી કરીશ. જયારે કૌશિકીએ જાણ્યું ત્યારે એને જક પકડી જતાં પહેલાં મને મળવા મારે સાસરે આવ. ત્યારે કેદાર કૌશિકીને મળવા એના સાસરે પણ આવેલો. કશ્યપે પણ જતી વખતે એને પેન્ટ શર્ટનું કાપડ તથા રોકડા રૂપિયા પણ આપેલા. કૌશિકી સમજી શકતી ન હતી કે એકાએક એની ઉંમર વધી ગઈ એવું કેમ કહ્યું હશે ? પરંતુ કશ્યપે કહ્યું કે હવે તારી ભાભી આવી ગઈ છે એટલે એ ચિંતા મુકત થઈ ગયો હોય એવું પણ બને. અને મનુષ્ય પણ પાછલી ઉંમરમાં પોતાના કુટુંબની સાથે રહે. એનો નિર્ણય બરાબર છે. તારી ભાભી પણ આવી ગઈ છે. એને જતાં જતાં કહેલું કે એ હવે વારંવાર નહિ આવી શકે પરંતુ પુલકના લગ્નમાં જરૂરથી આવશે. "

"કૌશિકી, કેદારનું ઘર આવી ગયું ."

કૌશિકી દોડીને કેદારના શબ પાસે જઈ ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. કશ્યપ પણ કેદારની અંતિમયાત્રામાં જોડાઈ ગયો હતો. જયારે એ બંને જવા તૈયાર થયા ત્યારે એના દીકરાએ એને એના માબાપનો ફોટો આપતાં કહેલું, "પપ્પા એ કહેલું કે કૌશિકી જરૂરથી આવશે. દિવાલ પર તો કૌશિકીના માબાપનો ફોટો હતો જ કે જેની પર હાર ચઢાવેલો હતો. એના દીકરાએ કહ્યું કે એ દરરોજ આ ફોટા આગળ દીવો અને અગરબત્તી કરતાં હતાં. બીજી એક કોપી તમને આપવા કહેલું.

થોડીવાર અટકીને એ બોલ્યો કે પપ્પા એ કહ્યું છે કે ૧૦૦રૂપિયા કૌશિકીને આપીને કહેજો કે એની ભાભીને આપી દે. કારણકે તિજોરીમાં હજારો રૂપિયા હોવા છતાં પણ મારી પર વિશ્વાસ મૂકી મને ચાવી આપતાં પરંતુ એના ભાભીએ માત્ર ૧૦૦રૂપિયા માટે મારા પિતા પર ચોરીનો આરોપ મૂક્યો. એ વાત પપ્પા જીવ્યા ત્યાં સુધી એમને ડંખતી રહી. એ વાતનું દુઃખ એમને હંમેશા રહ્યું.

આખરે બે હાથ જોડીને એને કૌશિકીના હાથમાં ૧૦૦ની નોટ મૂકી ત્યારે એના આંસુ સુકાતાં ન હતાં. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy