રાજેશની નોકરી
રાજેશની નોકરી


સોમચંદભાઈ પોતે ભલે સામાન્ય કલાર્ક પણ બાળપણથી રાજેશને ભણવામાં કોઈ ઉણપ આવવા ન દીધેલી. રાજેશે જે કહી એ સ્ફૂલ, એ કોલેજ, એની ફી, બધું જ એને અપાવેલું. સોમચંદભાઈ પોતે દેવા નીચે દબાઈ ગયેલા. તેમની બસ એક જ ઈચ્છા હતી કે ભણીને રાજેશ સરસ નોકરી મેળવી લે.
આજે રાજેશ ઇન્ટરવ્યુ આપવા ગયો છે. સવારની સાંજ થઈ, સોમચંદભાઈ ને ચંપાબેન કાગડોળે દીકરાની રાહ જુએ છે. ત્યાં દરવાજે દસ્તક થાય છે. સોમચંદભાઈ ઝડપથી દરવાજો ખોલવા જાય છે, સાથે બોલતા જાય છે, "રાજેશ ગામમાં ગરમ જલેબી લેવા ગયો હશે એટલે જ એને વાર લાગી હશે." "રાજેશ, કેમ મોડું થયું દીકરા?..." સામે રાજેશની બદલે પોલીસને જોઈને સોમચંદભાઈ એક ઘડી તો અટકી જાય છે, પછી કહે છે,"સાહેબ, મને એમ કે મારો દીકરો હશે, બોલો ને?" પોલીસ ટોપી ઉતારીને એક ચિઠ્ઠી સોમચંદભાઈના હાથમાં મૂકે છે, ચિઠ્ઠીમાં લખ્યું હતું,"નોકરી માટે 20 લાખની માંગણી થઈ એટલે હવે હિંમત તૂટી ગઈ છે ને એટલે ભારે હૈયે હું આ પગલું લઉં છું."