માઁ તે માઁ
માઁ તે માઁ
મૃત શરીર હજુ ત્યાં જ હતું. થોડા પોલીસ ઓફિસર તેની ફરતે નિશાની કરી રહ્યા હતા. એક પોલીસ વડા પડોશીની પૂછપરછ કરતા હતા. રીટાબેન ધ્રુજતાં-ધ્રુજતાં બોલતા હતા, " સાહેબ, અમે તો મજૂર માણસ. રોજ સવારથી સાંજ ઘરે ન હોઈએ. અમને તો અહીં આવ્યે પણ ખાલી બે મહિના જ થયા છે. અમે રોજ રાત્રે વાળું કરવા બેસીએ તો બારીમાંથી દેખાય કે એક બેન આ છોકરાને જમાડતા હોય, એના માઁ હશે." પોલીસ વડા પૂછે છે, " તો એ ક્યાં?" રીટાબેન સાડીનાં છેડાથી પરસેવો લૂછતાં-લૂછતાં જવાબ આપે છે, "સાહેબ, ખ્યાલ નથી. અમે તો બહુ વાસ આવતી હતી એટલે અહીં આવ્યા ને જોયું તો આ છોકરો આમ અહીં પડયો હતો. મારા દીકરાએ એનો ફોન જોયો તો એમાં 'બેની' લખેલો એક નંબર હતો છેલ્લે વાત કરી હોય એ, અમે એની બહેનનો સમજી એને ફોન લગાડ્યો છે, અમને એમ કે એ બહેન ક્યાંય ગયા હશે, કશી ખબર નથી, દેખાયા નથી."
> ત્યાં એક સામાન્ય દેખાતી છોકરી દોડીને આવે છે ને તરત જ એ 'બોડી' પર માથું નાખી ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગે છે. થોડીવાર પછી માંડ સહેજ સ્થિર થાય છે. પોલીસ વડા પૂછે છે કે, "હવે તમે અમારી સાથે વાત કરી શકશો?" પેલી છોકરી માથું સહેજ હલાવીને હા પાડે છે. પોલીસ પૂછે છે,"પડોશી કહે છે કે આ છોકરા સાથે એક બહેન અહીં રહેતા, રોજ રાત્રે આ છોકરાને જમાડતા, એ બેન, કે તમારા મમ્મી, એ ક્યાં છે?" પેલી છોકરી ડઘાઈ જાય છે. "સાહેબ, મારા મમ્મી તો 8 મહિના પહેલા જ ગુજરી ગયેલા. ભઈલાને એનું બહુ હતો. હું બાર દહાડા રોકાઈને ગઈ હતી ત્યારે એ બોલતો કે માઁ નહિ જમાડે તો હું જમીશ નહિ, મને ફોનમાં કહેતો કે માઁ મને જમાડવા આવે છે, પણ મને એમ કે મને સાંત્વના આપે છે, પણ સાહેબ મારી માઁ તો ક્યારનીયે આ દુનિયા મૂકી ચુકી છે." રીટાબેનની નજર એ છોકરી સામેથી ખસતી નથી.