Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Inspirational Thriller

4.4  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Inspirational Thriller

પ્લાનિંગ

પ્લાનિંગ

4 mins
663


"આજે તો બખ્ખાં થઈ ગયા...મારો પોર્ટફોલિયો વીસ હજાર પ્લસ થયો છે. શેર બજાર જોરદાર તેજીમાં છે..."

" રિંગ રોડ પર નવું એન એ થયું તેમાં એક પ્લોટ બુક કરાવ્યો ...જો જો...એક વર્ષમાં બમણા થઈ જશે.."

"આપણું પ્લાનિંગ પરફેક્ટ જ હોય..! ફ્લેટ પચ્ચીસ લાખમાં લીધેલો ને આજે...આજે બત્રીસ લાખ ભાવ છે બોલો ! વળી, દર મહિને ભાડુઆત સાત હજાર ભાડું આપે છે એ જુદું !"

" આપણે ભલે ત્રીસ વરસે લગ્ન કરેલા...દીકરો એકવીસનો થયો ને હવે સગાઈ કરી દીધી છે ..આવતા વર્ષે લગ્ન પાક્કું. છે ને જોરદાર પ્લાનિંગ !"

" અને, છોકરાને નોકરીનું પણ ગોઠવ્યું છે...એસ કે કોર્પોરેશનમાં....એમ.કોમ.નું રિઝલ્ટ આવે કે પાક્કું"

" અમારા બધાનો પાંચ લાખનો મેડી ક્લેમ વીમો પણ લઈ લીધો છે...સારવારના ખર્ચની કોઈ ચિંતા નહીં..ને ટર્મ પ્લાન તો ખરો !"

પ્લાનિંગ એટલે પ્લાનિંગ, આપણે ત્રણ વરસ પછી નિવૃત્ત થઈશું એ વખતે દીકરો પણ સેટ ને આપણી જિંદગી પણ સેટ હશે. પ્રોપર્ટી ને શેર બજારના રોકાણ બમણા થઈ જશે...પછી શું ચિંતા ?!!"

***

જયસુખ ભાઈ પોતાના પુત્ર, પત્ની અને નજીકના મિત્ર સાથે આજે પૂરા પ્લાનિંગ સાથે નીકળ્યા હતા અંબાજી તરફ. હજુ અડધો પંથ કપાયો હતો પણ, જયસુખ ભાઈનું સચોટ પ્લાનિંગ તેમની વાતોમાં વ્યક્ત થઈ રહ્યું હતું ને મિત્ર તે સાંભળી અહોભાવ વ્યક્ત કરતા રહ્યા ને જયસુખભાઈનો આ ખાસ આવડતવાળો અહમ પોષાતો ગયો.

સરકારી કર્મચારી એવા જયસુખ ભાઈનું બધુ કામ પ્લાનિંગથી ચાલતું. સવારે ઊઠે ત્યારથી સાંજે ઊંઘવા જાય ત્યાં સુધી દરેક બાબતનું આયોજન કરવાની ટેવ ! વીસ મિનિટ ચાલવા જવાનું હોય તો એકવીસમી મિનિટ ના થવી જોઈએ...એ જ રીતે કેટલા વાગ્યે જમવું, કેટલા વાગે ચા પીવી તે થી માંડીને જીવનના દરેક દૈનિક પ્રસંગો ને બાબતોનું પ્લાનિંગ કરી ચાલતા જયસુખ ભાઈ ને પોતાના આ આયોજન કૌશલ્યનો ગર્વ પણ રહેતો.

અંબાજી તરફના પ્રવાસમાં પણ પોતાના મિત્ર સાથે પોતાના પ્લાનિંગ અને એ થકી સફળ થયાની યશગાથા ગાવાનું ડ્રાઈવિંગ કરતા કરતા ચાલુ રાખેલું...

***

"ખેડબ્રહ્મા આવ્યું...ચાલો જરા દર્શન કરતાં જઈએ ?"

" ના, સાડા અગિયારે અંબાજી મંદિરમાં પહોંચવાનું મારું પ્લાનિંગ છે તે ડિસ્ટર્બ ના થવું જોઈએ... અહી રોકાવું નથી."

પતિ પત્ની વચ્ચેના સંવાદમાં મિત્ર પણ સામેલ થયા.

"અરે, જયસુખ ! ખેડબ્રહ્મા માતાજીનું સ્થાન ખૂબ જ ચમત્કારિક છે .. થોડી વાર લાગશે... ચાલ દર્શન કરતાં જઈએ..."

" યાર, નવીન...દર્શન કરવા જઈએ તો મારું પ્લાનિંગ ખોરવાઈ જાય..."

" અંબાજી થોડા લેટ પહોંચીશું તો શું વાંધો ? .. ચાલ ને !"

" અરે...પણ, મારું પ્લાનિંગ...?"

" પ્લાનિંગ છોડ... ચાલ હવે, ગાડી સાઈડ પર લઈ પાર્ક કર !"

***

આખરે જયસુખભાઈ પોતાના પ્લાનિંગ ને બદલવા તૈયાર થયા મનમાં ધૂંધવાતા બધા સાથે મંદિર તરફ ચાલ્યા..

" પૂજારી જી...આ મારા ભાઈબંધ ને તેના બધા પ્લાનિંગ સફળ થાય તેવા આશીર્વાદ અને માતાજીની કૃપા મળે તેવી વિનંતી કરો ...માં ભગવતી ને !"

આમ કહી, નવિનભાઈ એ શ્રીફળ અને પ્રસાદી ચૂંદડી સાથે પૂજારીને અર્પણ કરતા મિત્ર ભાવ દર્શાવ્યો ને પૂજારીજી પણ જવાબ આપ્યા વગર ના રહ્યા.

" વડીલ, આપણું પ્લાનિંગ ક્યાં ચાલે છે ? બધું પ્લાન તો આ પરમ શકિત કરે છે... આપણે જે પ્લાનિંગ કરીએ છીએ તેની કોઈ વિસાત નથી, એના પ્લાન સૌથી નિરાળા હોય છે... બાપલીયા ! માં જગદંબા તમને અને સર્વે ને કુશળ રાખે !"

દર્શન કરી પૂજારીના શબ્દો વાગોળતાં વાગોળતાં જયસુખભાઈ પણ વિચારે ચઢી ગયા હતા. બધા પાર્કિંગ તરફ રવાના થયા.

***

" ફકત દસ મિનિટ થઈ...જયસુખ તું નાહક પ્લાનિંગ પ્લાનિંગ કરતો હતો...આ દર્શન કરી કેટલી તૃપ્તિ ને શાંતિ મળી... જોયુંને ?"

" હા...હવે, જલદી ચાલ નવીન, પાર્કિગમાંથી ગાડી બહાર કાઢતા બીજી દસ મિનિટ થશે...મારું બધું પ્લાનિંગ ખોરવાશે...યાર"

" હજુ પ્લાનિંગનું ભૂત મગજમાં છે....? પૂજારીજીએ શું કહ્યું તે ના સાંભળ્યું..?"

***

" અરે...ત્યાં શું છે....શામાં આગ લાગી છે...લોકો દોડી રહ્યા છે ને કાંઈ !"

જયસુખભાઈ અને બધા હતપ્રભ બની જોઈ રહ્યા હતા. તેમની કાર આગની જ્વાળાઓ વચ્ચે સપડાઈ હતી. લોકો આજુબાજુની કાર સળગી ના ઊઠે તે માટે મથામણ કરી રહ્યા હતા..

" આ કારનું ફેમિલી હમણાં જ આવી ને દર્શને ગયું...જો ચાલુ ગાડીએ આ શોર્ટ સર્કિટની આગ લાગી હોત તો કોઈ બચ્યું ના હોત !"

" હા, માતાજી એ બચાવી લીધા...બીજું શું ?"

લોકો અંદરોઅંદર વાતો કરી રહ્યા હતા.

***

જયસુખ ભાઈ નું મન ચગડોળે ચઢી ગયું...

"પોતે જો...પ્લાનિંગની લ્હાયમાં અહીં ઊભા રહ્યા વગર ગાડી ચલાવે રાખી હોત તો...?!!

આ કેસમાં તો જાણે ભગવાને જ પરાણે અહીં દર્શન માટે રોક્યા ને બધા બચી ગયા...ખરેખર આપણા આયોજન કરતાં ઉપરવાળાનું આયોજન અનોખું હોય છે તેવું પૂજારીજી બરોબર કહેતા હતા."

"અરે, જયસુખ ભાઈ શું વિચારો છો ? ચિંતા ના કરો, માતાજી એ આપણને બચાવી લીધા..છે."

" હા....હો ! સાચું છે..."

"અને, તમારું પ્લાનિંગ તો પાક્કું હોય છે એટલે કારનો ફૂલ વીમો હશે જ...માટે ચિંતા છોડો, વીમા કંપની અને પોલીસને જાણ કરી દઈએ ...ચાલો."

"હા...વીમો છે. પણ, નવીન આ પ્લાનિંગ કરવાવાળા આપણે કોણ ? ' એના ' પ્લાનિંગ જેવું કોઈનું નહીં ભાઈ !"

જયસુખ ભાઈ બે હાથ જોડી મનોમન એ સૌથી મોટા પ્લાનિંગવાળા પ્રભુ ને વંદી રહ્યા હતા જાણે !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational