Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Drama Tragedy Inspirational

4  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Drama Tragedy Inspirational

દે તાલી !

દે તાલી !

5 mins
320


"માસ્ક પહેરવાથી વાતો ઓછી થાય..મીરા !"

"ખરેખર, એવું ! કઈ રીતે અલી ..?"

" વારે વારે માસ્ક સરખો કર્યા કરવો પડે એના કરતાં વાત ઓછી કરવી સારી ..."

" પણ, ઓલ્યા મનસુખ કાકાની વાત કર્યા વગર તો કોઈ ના બાકી રે ..હોં !"

" હા, મનીષા..એ વાત સાચી, જોરદાર જીવડો છે હોં !"

***

સરકારી સિવિલ હોસ્પિટલના કોવિડ કેર વિભાગના ઈમરજન્સી વોર્ડની બે નર્સ બહેનોનો વાર્તાલાપ ઈશારો કરી રહ્યો હતો ગંભીર રીતે બીમાર એવા દર્દી નામે મનસુખ ભાઈના વ્યક્તિત્વ તરફ...

આજે ઓગણપચાસમો દિવસ હતો. અગાઉ ચાલીસ દિવસ ખાનગી હોસ્પિટલમાં કોરોના સામે અને એ થકી ઊભી થયેલ આર્થિક સંકડામણ સામે ઝઝૂમી રહેલ પરિવારને છેવટે વેઈટિંગમાંથી મુક્તિ મળતા સરકારી સિવિલ હોસ્પિટલમાં પથારી મળી હતી પણ આ પહેલાં મોંઘા ઈન્જેક્શન અને તોતિંગ મેડિકલ બિલો, ઓક્સિજનના બાટલાઓ ભેગાં કરવાની ભયંકર હાડમારીમાંથી મનસુખભાઈનો પરિવાર પસાર થઈ ગયેલો. આ સંઘર્ષમાં છેક સુધી અટલ રહી ઝઝુમનાર ફકત ત્રણ જણ, મનસુખભાઈ ના પત્ની શાંતાબેન, અપરણિત પુત્ર મહેશ ઉર્ફે રઘુ અને મિત્ર કહો કે દુઃખનો સાથી તેમનો મિત્ર અજબસિંહ !  ખેતી પર નભતા મનસુખભાઈના શ્વાસ આ ત્રણ જણાની દોડાદોડી અને મહેનત થકી ટકી ગયા હતા એ કહેવું યથાર્થ બને. બાકી, જ્યાં રૂપિયા વેરવા ના આવે ત્યાં માડીજાયા પણ છેટા રહે આ કળિયુગમાં ! 

પરિવાર, કુટુંબ કબીલો મોટો હોવા છતાં, રોગનો ભય અને તેથી ય વિશેષ ખર્ચનો ભય પરિવારના અન્ય સભ્યોને ક્રમશઃ ટેલીફોનીક ખબર પૂછવાથી પણ દૂર રાખી રહ્યો હતો.

મનસુખભાઈની સ્થિતિ જોઈએ તો તેમના બંને, ફેફસાં એંશી ટકા ઈન્ફેક્શન યુક્ત હતા. બાયપેપ પર મુકાયેલ મનસુખભાઈ અચાનક ભાનમાં આવે ને પાછા નિંદ્રામાં સરી પડતા... ! પરાણે બોલી શકતા. હજુ હમણાંની જ વાત છે, જાગૃત થયા ને...,બોલ્યા..

" રઘુની બા, આજે ઘેરથી કોઈ આયુ ?"

" રઘો બહાર બેઠો છે, અજબભાઈ ટિફિન લેવા ગયા છે.. બીજું કોણ આવે ?"

" કાંઈ વાંધો નહીં...અહી બધાનું શું કામ છે..દે તાલી !"

આટલી પીડા વચ્ચે તેમનો તકિયા કલામ 'દે તાલી' ભૂલ્યા વગર અચૂક બોલી પડતા.

***

આજે કાંઈક સારું હતું મનસુખ ભાઈ ને..ડોક્ટર પણ ફેફસાં કાર્યરત રાખતું મશીન હટાવી વેન્ટિલેટર પર રાખવાની વાત કરતા હતા તે મનસુખભાઈ એ સાંભળી હતી. થોડી તકલીફ સાથે પણ બોલ્યા,..

" યાર...અજબ, આ સિવિલ હોસ્પિટલમાં તો ઓક્સિજન મળે છે...થોડા દિ' પહેલાં પેલા દવાખાને હતા ત્યારે બાટલાનો કેવો કકળાટ હતો નહીં !"

" હા...મનસુખ, હવે તો ઘણું સારું છે, સરકારે સગવડો ફટાફટ ઊભી કરવા માંડી છે ને રોગ પણ કાબૂમાં આવતો લાગે છે."

" પણ, હેં..., અજબ, એ રોજેરોજ બાટલાનો ને દવા, ઈન્જેક્શનનો જુગાડ કરવામાં ખર્ચો ઘણો થઈ ગયો હશે ને યાર.. !"

" આપણે સલામત છીએ એ મોટી વાત...મનસુખ, બીજું છોડ હવે..ઘરે જઈશું ત્યારે આંબે બેસી નિરાંતે વાત્યું કરશું...અબઘડી આરામ કર મારા ભાઈ ! હવે અહીંયા કોઈ ખર્ચા નથી...બધું સરકારની સગવડ છે."

" વારુ, બે મહિનાથી આરામ તો કરું છું...હેં..., દે તાલી !"

ધીમા સાદે પણ મનસુખ ભાઈએ તાળી માંગતો હાથ ધર્યો ને અજબસિંહે પણ પોતાની હથેળી મનસુખની હથેળી સાથે જાણે અથડાવી જ..

***

"હાશ,...છેવટે આપણે બચી ગયા...રઘુ, દે તાલી !"

આજે મનસુખભાઈ કોરોના અને તેની આડ અસરોથી થયેલ શારીરિક નુકસાનમાંથી બેઠા થઈ લગભગ બે માસ પછી દવાખાનાનો માહોલ છોડી રહ્યા હતા. કોરોના વોર્ડના બધા જૂના દર્દીઓ અને સ્ટાફ આ 'દે તાલી' વાળા સજજન ને લગભગ ઓળખતા થઈ ગયેલા. માંડ માંડ બચેલા મનસુખભાઈના પરિવારે કેવું દુઃખ અને આર્થિક કટોકટી વેઠી છે એ પણ ઘણા વાતો વાતોમાં જાણતા થઈ ગયા હતા. સહાનુભૂતિ સાથે નર્સિંગ સ્ટાફ અને બીજાઓ એ વિદાય આપી. બાજુના ખાટલા વાળા લબર મૂછીયા અલ્પેશને પણ મનસુખભાઈ એ જતા જતા તાળી તો આપી જ... !

"અલ્પેશભાઈ, જલદી તૈયાર થઈ જા... આપણે તો હવે ચાલ્યા ઘેર..., દે તાલી !"

***

મનસુખભાઈ અને પરિવાર ...અજબ સિંહ સાથે રિક્ષામાંથી ઉતર્યો અને મનસુખભાઈ એ લગભગ બે માસ ઉપરાંત ના સમય બાદ પોતાના ગામ - ઘર આંગણે પગ મૂક્યો. મનસુખભાઈ એ ઢોરની ખાલી ગમાણ તરફ અછડતી નજર નાખી ને સીધા ઘરમાં જતા રહ્યા.. 

***

આજે, મનસુખભાઈ ને પોતાનું જ ઘર જાણે બદલાયેલું હોય તેવું લાગ્યું.. પણ, ચૂપ રહ્યા ને આરામ કર્યો. વાતે વાતે ' દે તાલી ' બોલનાર આજે અચાનક ચૂપ કેમ ? તે પ્રશ્ન સૌના મનમાં ઘૂમરાતો રહ્યો. સાંજે વાળુ કરી દવા ગોળી લીધા બાદ અજબસિંહ અને મનસુખભાઈનો પરિવાર ભેગો થયો.

" રઘુના બાપુ, આ કોરોનાએ આખી દુનિયાને પાયમાલ કરી મૂકી છે...તમે બચીને ઘેર આવ્યા એ જ અમારા સૌનું મોટું સુખ છે. હવે, બીજી કશી ચિંતા કરવાની નથી...સૌ સારું થઈ રહેશે.."

" બધું હાચુ, રઘુની માં..પણ, આપણા બળદ અને બે ભેંસો ક્યાં બાંધી છે ?"

"બાપુ, એ બધી વાતો છોડો, આપણા જીવન કરતાં ભેંસ, બળદ કે ખેતર થોડું વધારે છે ?"

" હેં...રઘલા, કંઈ સમજાય એવું બોલ !"

અજબ સિંહથી હવે રહેવાયું નહીં...

" જો મનસુખ, શરૂઆતની તારી દવા અને ઓક્સિજનના બાટલા અને મોટા દવાખાનાના ખર્ચા જેટલો જોગ મારા તારા જેવા નાના ખેડુ પાસે ક્યાંથી હોય ? તારો બળદ ને મારા બળદની જોડી પેલા અભરામ સેક્રેટરીને ગમતી હતી..મે રૂપિયાનો જોગ કરવા..."

અજબથી આગળ બોલી શકાયું નહીં...

" એટલે, તારો માણકો, જે તને જીવથીય વ્હાલો હતો ઈ તે મારી હાટુ..?"

" મનસુખ, ભાઈ...મારો, માણકો મને વ્હાલો ઘણો..પણ તારા જીવથી થોડો ઓછો !"

અજબ અટક્યો...ને વાતનું સાંધણ રઘુ એ પૂરું કર્યું..

" બાપુ, અજબ કાકા એ તો ઈમનું ખેતર પણ ગીરો મૂકી દીધું હતું...પણ, માં એ ધના મુખી પાસે જઈ આપણા ખેતર ને બે ભેસ્યુંના બદલે એ છોડાવી લીધું..."

" અરેરે...કાળમુખા કોરોના ! મારા ભાઈ જેવા ભેરુ ને મારા ઘર ને તે આવી આકરી કષ્ટી આપી ? બધું તારી પાછળ ફના થયું ?"

બંને પરિવારની આંખો આ વેદના અને નિર્વ્યાજ ભાવથી ભીની થઈ પડી...થોડીવાર ખામોશી છવાઈ. અચાનક, મનસુખ તકિયાને અઢેલીને સરખો થયો...

" દોસ્ત..અજબ સિંહ...આ કપરા સમયમાં મારા ને મારા પરિવાર ને તે જે સાથ આપ્યો તેના લીધે જ હું આજે મારા ઘરમાં પાછો આવી શક્યો છું...ને, ...બીજું એ કે,..."

મનસુખ ભાઈ બોલતા અટકી ગયા...વાત અડધી જાણે ગળી ગયા પછી, પત્ની સામે જોઈ રહ્યા ને બોલી પડ્યા...

" બધા આમ શું દુઃખમાં ડૂબ્યા છો ? ચ્હા મૂકો બધા પીએ...ને, અજબ સિંહ, તારા જેવો ભાઈબંધ ને આ રઘુ જેવો દીકરો, શાંતા જેવી પત્ની છે તો ગયું જ છે શું મારું ! .. દે તાલી !"

મનસુખ ભાઈની હથેળી પર અજબ સિંહની હથેળી અથડાઈ ને તાળીનો અવાજ ઘરમાં ગુંજી ઊઠ્યો.

" દે તાલી.... !"


Rate this content
Log in

Similar gujarati story from Drama