Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract Inspirational

4.4  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract Inspirational

ખરે ટાણે

ખરે ટાણે

5 mins
293


કેવી વિટંબણાઓ વેઠી હતી ! યાદ કરતાં વેંત ઘણીવાર મીનું બેનનું મન વિચલિત થઈ ઊઠતું. દુનિયાદારીની અનેક થપાટો સહી મીનું બેન આખરે ઘડાઈ ગયાં. જો કે એમના સમય મુજબ પોતે શિક્ષિત અને સમજદાર હોવાની છાપ અપરણિત અવસ્થાથી જ ધરાવતાં આવેલ. પિતા દશરથલાલએ સામાજિક અને પોતાની મર્યાદાઓ અનુસરી પ્રથમ પત્નીના ધામગમન પછી બીજા લગ્ન કર્યા. મીનું તે વખતથી જ સાવકી માં ની રહેમ તળે જીવવાનું છે તેવું સમજી ગયેલ. મીનું ને સાસરે સુખ મળી રહે તે માટે સારું ઘર અને સારો મુરતિયો જોવામાં પિતાએ પગના તળિયાં જાણે ઘસી નાખેલ. છેવટે, યોગ્ય ઘર મળ્યું ને મીનું ને પરણાવી. સુખ ની છાજલી ના છાંયડે નમાઈ મીનું નો સંસાર પલ્લવિત થયો. પણ, હજુ ઓશિયાળાપણું જાણે મીનુંના લલાટે લખાયેલું બાકી રહી ગયું હોય તેમ ઘરસંસારના મધ્યાહને અકાળે વૈધવ્ય અને બે બાળકો ને એકલા હાથે પોષવાની કપરી જવાબદારી આવી પડી. પિયરમાં સગી મા હતી નહીં ને સાસરે ટુંકુ કુટુંબ !

પતિએ સ્થાપેલ સંસ્થા નું ઘડતર અને બાળકો ના જીવનનું ઘડતર કરવામાં શરૂઆતના અકથ્ય સંઘર્ષ પછી મીનું બેને બધું આપબળે સંભાળી લીધું હતું. પણ, આ આવડત કેળવવામાં વૈધવ્ય અને એકલતા ની કાળી સુરંગ માં યુવાની ક્યાં ઢળી ગઈ...કંઈ ખબર જ ન પડી !

***

દીકરો સૌરભ હવે ઠીક ઠીક યુવાન થઈ ગયો હતો અને સંસ્થાની કામગીરીમાં જોતરાઈ ગયો હતો. દીકરી ક્ષિપ્રા કે જેણે તો ઘોડિયામાં જ પિતાને ગુમાવી દીધા હતા તે પણ કોલેજના બીજા વર્ષમાં હતી. પિતાની હેતાળ હૂંફથી વંચિત બાળકોને એકલપંડે બેવડી ભૂમિકા ભજવી યોગ્ય રીતે સિંચ્યા હતા મીનું બેને.., એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી.

***

ધીમે ધીમે સુખની થાપણો પાકવા માંડી. હવે, શહેરમાં ઠીક ઠીક કહેવાય એવા વિસ્તારમાં પ્રમાણસર પરંતુ સુંદર મજાનું ઘર હતું. દીકરા સૌરભ માટે સારા ઘરનાં માંગા આવવા લાગ્યા. દીકરી પણ પોતાની યુવાની વખતના અપ્રતિમ રૂપની પ્રતિકૃતિ સમાન નીરખી ઊઠી હતી. ઘણીવાર, પોતાના આ હાથવેંત રહેલ સુખની છાબડી જાણે ઝૂંટવાઈ તો નહીં જાય ને ? એવા અકારણ ભયથી મીનું બેન વ્યાકુળ થઈ ઉઠતા !

છેવટે, નંદા એમને પોતાના ઘર ને દીકરા માટે ઉચિત પાત્ર તરીકે મનમાં વસી. સૌરભ પણ નંદા ને પામી ખુશ હતો. આ બાજુ માં દીકરી પણ ઘરમાં આ નવા સભ્ય ને આવકારવા જાણે વિશેષ આનંદિત બન્યા હતા.

વેવિશાળ થયું ને લગ્ન ને હજુ વાર હતી. નંદા ખૂબ જ સંસ્કારી અને શાલીન હોવાની સાથે ચબરાક પણ હતી. એક બે વાર ઘરે આવવા જવાનું થયું એમાં મીનું બેન પામી ગયા કે ભાવિ વહુ ઘણી હોંશિયાર છે અને પોતાના દીકરા તથા ઘર ને કુશળતાથી સંભાળશે. સાથે એવી પણ લાગણી થઈ કે પોતાને ને દીકરી ક્ષિપ્રા ને સારી રીતે રાખશે તો ખરી ને?

***

નંદા તો ભાવિ સાસરીના સ્નેહમાં ઓતપ્રોત થઈ હતી..પણ, તેની નિર્દોષ સંલિપ્તતા મીનું બેન ને આનંદની સાથે ઉચાટ પણ આપવા માંડી. હજુ, ગઈકાલની જ વાત છે. નવું બુલેટ મોટર સાયકલ લાવવાનું મુહુર્ત હતું. નંદા હંમેશની જેમ આનંદમાં સહભાગી થવા આગળના દિવસે જ આવી ગઈ હતી. સવારે નવું બાઈક લેવા જવા માટે બધા વહેલા ઊઠી જઈ તૈયાર થઈ ગયા. મીનું બેન ને એમ હતું કે..સૌરભ હમણાં કાર બહાર કાઢી બધાને બેસી જવાનું કહેશે, પણ તેમના આશ્ચર્ય વચ્ચે નંદા અને સૌરભ સ્કુટી લઈને નીકળી ગયા. બાઇક ઘરે આવ્યું તો પણ હાર તોરા ને પૂજા કરેલ કંકુ ચાંદલા સાથે.

" શું મારો અને ક્ષિપ્રા નો આ આનંદ પર કોઈ અધિકાર નહીં ? " એવા પ્રશ્ન સૂચક મૌન વચ્ચે મિનુબેને જોયું કે ક્ષિપ્રા નવા બાઇક ને જોઈ અને તેના પર બેઠેલ ભાઈ ને જોઈ ઘણી ખુશ હતી. તે નંદા ને ભેટી પડી હતી.

નંદા પણ બોલી ઊઠી હતી...

"ગમે તેવી પૂજા કરાવી હોય પણ બેનબા ના હાથે કંકુ ચાંદલો કર્યા વગર અધુરી કહેવાય, ક્ષિપુ બેન લાવો કંકુ થાળી ને બાઇક ને વધાવો... !"

અને, વાત હળવી થઈ ગઈ હતી...

***

આજે પણ કાંઈક એવું જ થયું. શ્રાવણ માસનો પહેલો સોમવાર હોય ત્યારે દર વખતે પોતે બન્ને બાળકો સાથે સોમેશ્વર મહાદેવ ના દર્શને અચૂક જતાં. આજે જ્યારે સવારે મંદિરે જવા નું યાદ કર્યું ને સૌરભ બોલ્યો હતો...

" મમ્મી, અમે બાઇક ઉપર બન્ને જણા જઈ આવીએ..તું પણ ક્ષીપુ સાથે જઈ આવ સ્કુટી પર..."

મીનું બેન કંઈ પણ બોલ્યા વગર પરાણે આણેલા સ્મિત સાથે ઘરકામ માં જોતરાઈ ગયાં. આવે વખતે, નંદા એ જ રસ્તો કાઢ્યો હતો કે, સ્કુટી અને બાઇક લઇ બધા દર વર્ષની જેમ જોડે જઈશું....

***

શું સૌરભ નંદાના મોહમાં પોતાની મમ્મી પ્રત્યે અત્યારથી જ પ્રેમ ભાવમાં ઓછપ કેળવી રહ્યો છે કે પછી નંદા નો જ આ પ્રભાવ છે ? આવી અજબની ચિંતા અને વિચાર યાત્રા મીનું બેન ને પજવતી થઈ ગઈ હતી. નાના મોટા દરેક કિસ્સામાં તેમને હવે આ બાબત દેખાતી હતી કે પછી પોતાનો દૃષ્ટિકોણ નકારાત્મક હતો ? તે નક્કી કરી શકતા ન હતા...ને મનમાં મૂંઝારો વધતો ચાલ્યો.

***

" આ વખતે તો, બોલી જ નાખીશ...હજુ વેવિશાળ જ છે ક્યાં લગ્ન થયા છે ? ખોટું લાગશે એને તો જતી રહેશે એટલું જ ને ! મારો છોકરો કંઈ કુંવારો નહીં રહે !"

મીનું બેન મનમાં આજે આ નિશ્ચય ઉપર નીચે થઈ રહ્યો હતો. વાત જાણે એવી હતી કે, બે દિવસ પછી સંસ્થાની નવી ઓફિસનું ઉદઘાટનનું આયોજન હતું.  આ પ્રસંગના કારણે સૌરભ અને મીનું બેન ની દોડાદોડી વધી પડી હતી. પણ, આ વખતે પણ નંદા એ બધું હાથમાં જાણે લઈ લીધું હતું. ઉદઘાટન વખતે સંતો ની પધરામણી થી માંડીને સુશોભન, નાસ્તા નું મેનુ વગેરે માટે નંદાએ આપેલ સુઝાવ જ આખરી બન્યા હતા. નંદા પણ જો કે દૂધમાં સાકર ભળે તેમ ઘરને પોતાનું જ ગણી બધી જવાબદારી ઉઠાવી સાસુ મીનું બેન ને હળવા રાખવા ની ભાવના થી કામ કરી રહી હતી. પણ, મીનું બેનની વિચાર દૃષ્ટિ અલગ રસ્તે નીકળી ચૂકી હતી.

"ઉદઘાટનના દિવસે પણ આવી જ ચાંપલાશ રાખે તો તડ ને ફડ કરી દઈશ.." મીનું બેન નિર્ધાર કરી ચૂક્યા હતા.

***

નિયત દિવસે ઉદઘાટન માટે સંત શ્રી અને અન્ય મહાનુભાવોની રાહ જોવાઈ રહી હતી. નંદા એ ઉદઘાટન માટેની તમામ તૈયારી માથે લઈ લીધી હતી જાણે ! તેનું આયોજન અને મહેનત ના કારણે ખરેખર સારી ગોઠવણ થવા પામી હતી. મીનું બેન નું મન આ બાબતની નોંધ લીધા વગર રહી ના શક્યું. ક્ષિપ્રા તો ભાભીની આ આવડત ઉપર ઓળઘોળ થઈ ગઈ હતી.

મહેમાનો અને ઉદઘાટક આવી ગયા. ઔપચારિક સ્વાગત પછી શુભ મંત્રોચ્ચાર સાથે ઓફિસ ના મુખ્ય દ્વારે રીબીન કાપવાની પ્રક્રિયા થઈ રહી હતી.

" ઓફિસમાં પ્રથમ પગલું કુંવારિકાનું પાડો...શુભ રહેશે."

ઉદઘાટન રિબીન કપાયા પછી સંત શ્રી બોલ્યા હતા. મીનું બેને ક્ષિપ્રા ને બોલાવવા આમતેમ નજર કરી એટલામાં સૌરભ બોલી ઊઠ્યો,..

" નંદા, આવ...ઓફિસમાં પ્રથમ પગલું મૂકવા..."

મીનું બેન આઘાતની ભાવનાથી સૌરભ તરફ જોઈ મનમાં એકઠી થયેલ બળતરા બધાની વચ્ચે ઠાલવવા જ જતાં હતાં ...ત્યાં,..

" ક્ષિપુ બેન ક્યાં છે ? તેમને બોલાવો પહેલાં.. !"

નંદા નો અવાજ મીનું બેન ના અંતરના દાવાનળને એકદમ ઠારી ગયો. ખરે ટાણે નંદા એ પરિસ્થિતિ સાચવી લીધી હતી જાણે !

" તમે બન્ને ઘરની લક્ષ્મી જ છો, એક સાથે પગલાં માંડો ઓફિસમાં..."

આટલું બોલીને ખરે ટાણે હૈયાની હોળી ઠારી નાખવા બદલ પોતાની વહુ નંદા ને મીનું બેન મનોમન વંદી રહ્યાં હતાં.


Rate this content
Log in

Similar gujarati story from Abstract