પેંડા
પેંડા
નયનાની પ્રસવની પીડાએ સાસુમા ચંદ્રિકાબેનના પગમાં અનેરું જોમ ભરી દીધું હતું. વહુનો છૂટકારો થાય એટલે તરત દવાખાનાના સ્ટાફને બે કિલો પેંડા આપવાની પૂર્વતૈયારી રૂપે ઘનશ્યામ કંદોઈને ફોન કરી ઓર્ડર આપી દીધો હતો.
લેબર રૂમની પ્રસવ પીડાની ચીસો તેમને અનોખી અપેક્ષા તરફ દોરી રહી.
અચાનક નવજાતના રુદનની તીણી ચીસ સાસુમાને વાસ્તવિક દુનિયામાં લઈ આવી.
"અભિનંદન, લક્ષ્મી આવી."
ડોક્ટરના શબ્દો કાને અથડાયા ને ધીમા પગલે બારી પાસે જઈ ફોન પર કંદોઈને ચંદ્રિકાબેને સૂચના આપી.
"પેંડાનો ભાવ વધારે છે...એક કિલો જ મોકલશો."
