Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Tragedy

4.5  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Tragedy

હેપ્પી બર્થ ડે

હેપ્પી બર્થ ડે

4 mins
390


બંનેની જન્મ તારીખ એક જ તેથી જ તો દર વર્ષે ઉજવણી એક સાથે જ થાય. પૌત્ર અને તેના દાદા વચ્ચેનો આ અનોખો યોગાનુયોગ દર વર્ષે જન્મદિનની ઉજવણીમાં અનોખું કુતૂહલ પ્રેરી રહેતો.

" યતીન બેટા, મારો જન્મ દિવસ તો મારા ગયા પછી પણ ઉજવાશે હોં !"

" એમ કેમ..? દાદુ.."

" અરે, સમજ્યો નહિ ! હું હવે ખર્યું પાન...ભઈલા, દુનિયા છોડી જઈશ પણ તારા જન્મ દિવસની ઉજવણી વખતે મારી પણ જન્મતારીખ ઉજવાતી રહેશે ને !! છે ને લોજીક મજાનું...હા..હા..હા.."

" સારું..દાદુ, આપણા બંનેના ફોટાવાળું આ બર્થડે કાર્ડ મે બનાવ્યું છે ખાસ તમારા માટે એ...જુઓ...છે ને મસ્ત !"

" વાહ, દીકરા... આપણો તો જોરદાર " હેપ્પી બર્થ ડે " થઈ ગયો..હોં !"

***

યુવાન પૌત્રના ઉમંગોનું પાવર હાઉસ તેના દાદા હતા જ્યારે વૃદ્ધ ' દાદુ ' પૌત્ર ની પ્રેમ મધુર લાગણીના સહારે જીવનના અંતિમ પડાવ તરફ સ્વસ્થતાથી ગતિ કરી રહ્યા હતા. વર્ષ એક વીતવા આવ્યું ને...અણધારી આફત જાણે આ બંને એકમેકને પૂરક પાત્રો ને ઝકઝોરવા આવી ગઈ હતી. નામ હતું એનું..." કોવિદ -૧૯" ઉર્ફ કોરોના.

***

એકના એક પૌત્ર ને કોરોના સામે ઝઝૂમતો જોવાની શક્તિ વૃદ્ધ પાસે ક્યાંથી હોય...પણ, શું થાય ? યતીન ને જોવાની જીજીવિષા છેવટે ઘરના અન્ય સભ્યો વિડિયો કોલિંગ કરે ત્યારે પૂરી કરી લઈ...ચૂપચાપ પોતાની પથારીમાં જતા રહેવું. આ નિત્ય ક્રમ બની ગયો હતો છેલ્લા એક અઠવાડિયાથી..

જ્યારથી યતીન વેન્ટિલેટર પર છે એવું જાણ્યું કે દાદાએ વાતચીત કરવાનું પણ બંધ કરી પોતાની જાતને વ્યગ્ર અંતરમનમાં જાણે સંકેલી લીધી હતી. ઘરના એકના એક યુવાન પુત્રની કોરોના સામે ચાલી રહેલ હતાશ લડતમાં જાણે આખું ઘર કોરોનાગ્રસ્ત થઈ પડ્યું હતું. ભાગ્યે જ એક બીજા સાથે વાતચીત થાય ! હરદમ તણાવ અને ચિંતા સાથે હોસ્પિટલ, લેબોરેટરી કે ઓક્સીજન સપ્લાયર તરફની દોડાદોડી એ જાણે સમગ્ર ઘરનું અસ્તિત્વ હચમચાવી દીધું હતું. આવી સ્થિતિમાં એક બાબત બધાની નજરમાં આવી જ ન હતી. તે એ કે ' દાદુ ' એ ભોજનનું પ્રમાણ નહિવત કરી નાખ્યું અને આખો દિવસ અગમ્ય લાચારી અને વેદનાનો સથવારો ઓઢી લીઘો.

***

"યતીનની મમ્મી આજે હોસ્પિટલ જઈ યતીનને પોતાના હાથે બે કોળિયા ખવડાવી આવી છે. યતીન ને હજુ ઓક્સિજનની નળી લગાવવી પડે છે પણ, પહેલાં કરતાં થોડું સારું છે"...વગેરે વગેરે વાક્યો ' દાદુ ' ના કાને અથડાતાં રહેતાં. આવા સમાચાર સાંભળતી વેળા તેઓની સમગ્ર ચેતના બોલનાર ના અવાજ તરફ કેન્દ્રિત થઈ જતી...પણ, વળી પાછું એ જ વિચારશૂન્ય અવસ્થામાં ધ્યાન સરકાવી લેતા.

***

આજે સવારથી જ ' દાદુ " એ અનોખી ચેતના જાણે ધારણ કરી હતી. વારંવાર...ભીંતે લટકાવેલ કેલેન્ડર તરફ ચશ્મા ઊંચા નીચા કરીને જોઈ આવતા, વળી ક્યાંક ક્યાંક યતીનના રૂમમાં લટકાવેલ ગયા વર્ષના ' બર્થ ડે સેલિબ્રેશન ' ના ફોટા ઉપર નજર નાખી આવતા. ઘરના સભ્યો આજે વિશેષ દોડાદોડી અને ગ્લાનિ ભર્યા વદનો યુક્ત હતા તે બાબત ' દાદુ ' થી અલિપ્ત હતી. 

મોટા સ્ક્રીનવાળો મોબાઈલ ટીવીની બાજુમાં પડ્યો હતો તે સળવળ્યો...ઘરના કોઈ સભ્ય ફોન ઉઠાવે તે પહેલા તો..

' દાદુ ' યુવાન જેવી ત્વરા બતાવતા હોય તેમ ઊભા થઈ તે તરફ ધસી ગયા હતા. ભલે પરિસ્થિતિ વશ આ કોઈના ધ્યાનમાં ના રહ્યું પણ, આ સમૂળગો ફેરફાર બધા માટે અનોખો હતો કારણ કે, મોબાઈલ ઉઠાવવા માટે દાદુ એ કદી આવી તત્પરતા બતાવી નહતી. જો કે, વૃદ્ધ પગમાં કેટલું જોર હોય ! મોબાઈલ સુધી પહોંચે તે પહેલાં વાતચીત શરૂ અને પૂરી થઈ ગઈ. 

એ વિડિયો કોલ દવાખાનેથી ન હતો...એની ખાતરી થતા જ પગમાં આણેલું બધું જોર જાણે ઓગળી ગયું..ને, "દાદુ " 

પાછા પથારી એ જઈ ફસડાઈ પડ્યા.

થોડી વાર વીતી, અચાનક યતિનની મમ્મી ની હૃદયદ્રાવક ચીસ આખા ઘરને ઘેરી વળી !

***

જોતજોતામાં નજીકના સગા કે જેઓએ ' કોરોના ' ની પાબંદીઓ છતાં આવવું જ પડે તે આવી ગયા હતા. યતીનની અણધારી વિદાય બધાને હચમચાવી ગઈ હતી. 

આ બાજુ, પથારીમાંથી સહસા બેઠા થઈ ગયેલ ' દાદુ ' નું રુદન બધાનું ધ્યાન દોરી રહ્યું,..

" યતીન બેટા, ...આજ તારો હેપ્પી બર્થ ડે...મારો હેપ્પી બર્થ ડે.....આ શું કર્યું.....તે ?...હે ભગવાન....."

બધાની નજર અચાનક કેલેન્ડરમાં ઝૂલતી તારીખ પર જઈ અટકી ને, પુત્રવધૂના આક્રંદે ફરી ઘર ભીંજવી મૂક્યું હતું.

આ બાજુ...' દાદુ ' પાછા પથારીમાં ફસડાઈ પડ્યા ને જાણે શૂન્યમાં સરકી ગયા હતા.

***

યતિનના અગ્નિ સંસ્કાર તરત થઈ ગયા પણ...તે કોરોના પ્રોટોકોલ મુજબ જ ! માતા પિતા દૂરથી પોતાના જિગરના ટુકડાના દેહ ને પ્લાસ્ટિકમાં વીંટળાયેલો માત્ર જોઈ શક્યા.

ભારે હૃદયે, ઘરે આવેલ બંનેને સધારો આપવા એક બે સગા દરવાજે જ બેઠા હતા. બધા ઘરમાં જઈ દાદાને સાંત્વના આપવા માંડ્યા.

" દાદા...જે થવાનું હતું તે થયું, આપણા હાથમાં શું છે ? 

બેઠા થાઓ...તમારા દીકરા અને વહુને દિલાસો આપો."

દાદા, ટગર ટગર જાણે જોઈ રહ્યા...યતીનના રૂમ તરફ જ નજર હતી. એકાએક રુંધાયેલો અવાજ નીકળ્યો...

" હેપ્પી બર્થ ડે...દીકરા આ... આ..." ને...પૌત્રના પરલોક ગમનના શોકથી વ્યથિત દાદુ આજે જાણે પૌત્રને સથવારો આપવા અનંતની યાત્રાએ નીકળી પડ્યા..!


Rate this content
Log in

Similar gujarati story from Tragedy