બુશર્ટની બાંય
બુશર્ટની બાંય
"ફાટેલી તોય મારા બુશર્ટની બાંય..મારો ભાઈ."
" હા, હવે ઈ ભાઈ જ તમારું ધનોત પનોત કાઢવા બેઠો છે તો ય તમને ઈ બુશર્ટની બાંય લાગે છે... ?"
" ગોમતી, એવું ના બોલ, આખરે તો મારો માં જણ્યો છે એ, ને હાલ દુઃખમાં છે તો મારું મન કેમ ઝાલ્યું રહે !"
" બધુંય હાચુ..પણ જ્યારે તમારા પર દુઃખ આયું ત્યારે ઈ નો ' તો આવ્યો.."
"અરે, એ વખતે એ નોકરી અર્થે બહાર હતો ને, તમારા બૈરાંનાં ઝગડાએ બધું વાતાવરણ એવું ડહોળી નાંખેલું કે,..કે..એ ક્યાંથી આવે ?"
" બસ, બધામાં તમને એ નિર્દોષ દેખાય ને અમે બધા દોષમાં નહીં ?... પણ, સાંભળી લો, તમારે ખબર કાઢવા જાઉં હોય તો જાઓ...હું નહીં આવું, હમજ્યા ?"
"ભલે...હું એકલો જઈશ."
***
ગોમતીનું રૌદ્ર રૂપ ગમે તેમ કરીને થાળે પાડી મધુકરે ઘરની બહાર આવી કાર સ્ટાર્ટ કરી, સોસાયટીની બહાર આવેલ હાઈવે પર લીધી.
નજર સામે નાના ભાઈ દિનકરનો ચહેરો તરવરી રહ્યો હતો. હોસ્પિટલના બિછાને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો દિનકર પોતાને યાદ કરતો હશે તેવી ચિંતા વચ્ચે ભૂતકાળ માનસપટ પર તાજો થયો.
વાત આમ તો ક્યાં મોટી હતી, કે ખરેખર મોટી હતી ?
દિનકરની પત્ની વિદ્યાનો ઝઘડાળુ સ્વભાવ પણ કારણભૂત ખરો કે નહીં ?
પિતાજીના સ્વર્ગવાસ પછી બાપીકી મિલકતની વહેચણી જ્યારે થઈ ત્યારે આ વિદ્યા એ જ ઝગડો કરેલો ને ?
બા ને પોતાની સાથે રાખવા મોટા તરીકે સૌજન્ય દાખવ્યું છતાં બા તો ધરાર દિનકર સાથે જ રહી. નાના તરફ લાગણી ખરી ને..! ને, બદલામાં..મેડી બંધ મકાન અને કૂવાવાળું ખેતર હઠ કરીને નાના દીકરા ને આપવા બધાને મજબૂર કરેલા. આ બધું વિદ્યાનું જ કારસ્તાન હતું એવું ગોમતી ઘણીવાર બબડતી.
મન તો ત્યારથી ઊંચા જ થઈ ગયેલા પણ, પોતે મન વાળ્યું હતું કે, હશે ... એ નાનો છે ને ! હું તો મારું ફોડી લઈશ.
પણ, પછી...બે એક વરસ વીત્યા ને બા ને કેન્સરનું નિદાન થયું, સારવારમાં ખર્ચનું પ્રમાણ વધવા લાગ્યુ. પોતે કેટલીય વાર બા ને જાતે સારવાર કરાવવા લઈ જતો, પણ દિનકર અને વિદ્યા તો જાણે બાનાં દુઃખથી અલિપ્ત જ રહેવા લાગ્યા હતા. આ ખરેખર મનને આંચકો આપી જાય તેવું હતું.
ગોમતી, આખરે તો સ્ત્રીનો જીવ, બા પ્રત્યે લાગણી ય ખરી ! મને કદી આ દવાખાના ના ખર્ચ બાબતે ટોક્યો નથી. પણ, એકવાર પણ દિનકર કે વિદ્યાએ બા સાથે દવાખાને જવા તસ્દી લીધી નથી. અમે પોતે બન્ને જણા કાયમ જમી પરવારી દિનકરનાં ઘેર જઈ બાની સેવા કરતા ને સાંજે ગોમતી ઘરે આવી જમી ને મારું ટિફિન લેતી આવે.
એવું તો શું ખોટું કરેલું કે, મને ને ગોમતી ને દિનકરનાં ઘરે ખાવાનો ય ભાવ પૂછતા નહીં ?
આવી વિકટ પરિસ્થિતિમાં પણ બા એ દિનકરનું ઘર છોડવાની સંમતિ ના આપી. જ્યારે દિનકર ઓફિસ જતાં પહેલા બા ના રૂમમાં ' આંટો ' મારવા આવતો ત્યારે બાની આંખોમાં ઉભરતી ચમક મને ને ગોમતી ને ખૂંચવા ય લાગેલી. પણ, આખરે મન મનાવે રાખેલું !
બા પણ છેવટે, સ્વર્ગે સિધાવ્યા ને છેલ્લે દિનકરનાં હાથે પાણી પીવાનો આગ્રહ રાખેલો તે જ દિનકરની સેવા !
બાનાં મરણ પાછળ કારજ-પાણીમાં પણ એ જ વિમાસણ આવી પડેલી. બધો ખર્ચ મારે કરવો પડ્યો. દિનકર ને વિદ્યા જેનું નામ, મગનું નામ મરી ન પાડે !
સમાજ અને ફરજનાં પ્રભાવ તળે બધું ગળી ગયેલ અને સહી પણ ગયેલ હું..., ગોમતીનાં વાકબાણો સાંભળવા ટેવાતો ગયેલો, કારણ કે હવે ગોમતીની લાગણી અને સમજણ મને સાચી લાગતી હતી.
***
શ્રી હોસ્પિટલનાં પ્રાંગણમાં કાર પાર્ક કરી ઝડપથી પગથિયાં વટાવી મધુકર રિસેપ્શન પર પહોંચી ગયો.
" એક્સક્યુઝ મી, મે'મ... દિનકર પારેખ કયા રૂમમાં છે ?"
" રૂમ નં.૪, આઈઆઈસીયું ...એક જ જણ જોડે રહી શકશે..."
" હા, તો જોડે તો એના પત્ની હશે...હું જઈ શકું ?"
" એક મિનિટ..., હા...એ પેશન્ટ જોડે કોઈ નથી, કોઈ બહેન સવારે થોડી વાર આવે છે પછી કોઈ આવતું નથી, તમે જઈ શકો છો...ત્યાં "
***
લકવાગ્રસ્ત મોં વડે બોલી તો શું શકે..પણ, એક આંખમાંથી વહેતાં અવિરત આંસુ મધુકર ને આવકારી રહ્યા હતા.
એ આંસુ પસ્તાવાના હતાં કે પીડાના...એ કોણ જાણી શકે ?
ભાઈનો હાથ પોતાના હાથમાં લઈ મધુકર બેઠો હતો ત્યાં...
"આ પેશન્ટનાં જોડે તમે છો ? ડોક્ટર ત્રિવેદીની રૂમમાં આવશો જરા ?"
***
" જુઓ ...મધુકર ભાઈ..."
ડોક્ટર ત્રિવેદી એ થોડો શ્વાસ રોક્યો ને અટક્યા પછી પાછું બોલવાનું શરૂ કર્યું...
" પેશન્ટ ત્રણ દિવસ થી આઈઆઈસીયુ માં છે. હજુ આગળ ઘણી ટ્રીટમેન્ટ કરવાની બાકી છે. માનવતાની દ્રષ્ટિ એ કહું તો, ઉપલબ્ધ સારવારમાં કોઈ કમી આવવા દીધી નથી. પણ, તમે તો જાણો છો...હોસ્પિટલ મેનેજમેન્ટના પણ નિયમો હોય છે. શરૂઆતમાં ભરેલી ડિપોઝિટ બાદ વારંવાર સૂચવ્યા છતાં સારવારની રકમ કે દવા અંગે કોઈ ક્રેડિટ જમા કરાવવામાં નથી આવી. આવા સંજોગોમાં નાછૂટકે સારવાર રોકી દેવી પડે તેમ છે. જો પેશન્ટ એફોર્ડ ના કરી શકે તેમ હોય તો સરકારી હોસ્પિટલમાં શિફ્ટ કરી દો તે ઉચિત રહેશે. તાત્કાલિક સારવાર જરૂરી છે...પ્લીઝ અંડરસ્ટેન્ડ મી..."
" બાય ધ વે, આપ એમના... ?"
"હું..., દિનકર મારો નાનકો ભાઈ..."
મધુકરના ગળે ડૂમો બાઝી ગયો હતો.
" ઓહ ! તમારો ભાઈ છે...પ્લીઝ પેશન્ટને ઝડપથી સારવાર માટે આયોજન કરો તો સારું..."
મધુકર જાણે મનમાં બબડ્યો...
"ફાટેલી તોય મારા બુશર્ટની બાંય"
...પછી ડોકટરને ઉદ્દેશી બોલ્યો...,
"મારા બુશર્ટની ફાટેલી બાંય તો મારે જ સાંધવી રહી..."
આમ કહી, મધુકરે ખિસ્સામાંથી એટીએમ કાર્ડ કાઢ્યું ને હાથમાં લઈ કેશ કાઉન્ટર તરફ ધીમે પગલે આગળ વધ્યો.