સીમંત
સીમંત


સવાર એ મનુષ્યને કુદરતે આપેલ એક અણમોલ ભેટ સોગાદ છે. ઈશ્વરે જાણે ખૂબ જ સમય લઈને આ કુદરતનું સર્જન કરેલ હોય તેવું લાગી રહ્યું હોય છે. સમયચક્ર એ કુદરતે ગોઠવેલ એક ફીનોમીના છે, તે આપમેળે નિરંતર ચાલ્યા જ કરે છે. સવાર એટલે આખી રાતનાં આરામ બાદ એક નવી તાજગી અને સ્ફુર્તિ સાથે એક નવા દિવસની શરૂઆત.
પરંતુ મિત્રો આ સવાર હરકોઈ માટે સમાન હોતી નથી. આવનાર સવાર અમુક લોકો માટે હજારો સપનાઓ અને આશાઓ લઈને આવતી હોય છે, તો અમુક લોકો માટે આવનાર સવાર દુઃખ, હતાશા કે નિરાશા લઈને આવતી હોય છે.
સ્થળ : રાજહંસ મોલ.
સમય : સવારનાં 11 : 30 કલાક.
રાજહંસ મોલની બહાર આવેલ રસ્તા પર 30 વર્ષની આસપાસની ઉમર ધરાવતી એક યુવતી લોહી લુહાણ હાલતમાં હતી, જેનું માથું એક પહાડી યુવકનાં ખોળામાં હતું, તેની આંખો જોઈને એવું લાગી રહ્યું હતું કે જાણે તેણે પોતે વર્ષોથી જોયેલાં હજારો સપનાઓ પળવારમાં જ તૂટી ગયાં હોય, તેની આંખોમાંથી વહી રહેલાં ચોધાર અશ્રુઓ સાથે જાણે તેનાં સપનાનો પણ વહી રહ્યાં હોય તેવું લાગી રહ્યું હતું. આ પહાડી માણસ આજુબાજુમાંથી પસાર થઈ રહેલાં લોકોને મદદ માટે બૂમો પાડી રહ્યો હતો. બરાબર એ જ સમયે પેલી યુવતીએ તે યુવકનો હાથ પકડીને બોલી.
"મને નથી લાગતું કે હવે હું બચી શકીશ, આવી રીતે મારે આ દુનિયામાંથી અજાણતાં જ વિદાય લેવી પડશે એવું મેં સપનામાં પણ નહોતું વિચારેલ, એ બાબતનો મને હાલ ખુબ જ વસવસો છે, પણ એ સાથે મને એ બાબતનો પણ ખુબ જ આનંદ છે કે હું મારો છેલ્લો શ્વાસ તારા ખોળામાં માથું રાખીને લઈશ...બસ તું એકવાર મારા કપાળ પર પ્રેમથી અને વ્હાલપૂર્વક હાથ ફેરવ..!" યુવતી ખચકાતા ખચકાતા અને ડુસકા ભરતાં ભરતાં બોલે છે.
આ સાંભળીને પેલો યુવક તે યુવતીએ જેવી રીતે જણાવ્યું તે મુજબ તેનાં કપાળ અને માથાં પર ખુબ જ વ્હાલપૂર્વક હાથ ફેરવવા લાગ્યો. જેવો તે યુવકે પોતાનો હાથ પેલી યુવતીના કપાળનાં ભાગે ફેરવ્યો એ સાથે જ એ યુવતીએ પોતાનો શ્વાસ છોડી દીધો...અને આ દુનિયાને કાયમિક માટે અલવિદા કહી દીધું.
આ જોઈ યુવક પર જાણે કોઈ મોટો દુઃખનું આભ ફાટી પડ્યું હોય તેવી વેદના સાથે શ્રેયાનાં લોહીથી તરબતોળ હથેળી તરફ નજર કરીને "શ્રેયા….શ્રેયા…શ્રેયા" એવી હૃદય કંપાવી દે તેવી એક ભયંકર ચિચિયારી કરી. આ સાથે જ આ યુવકનો અવાજ તેની નજર સમક્ષ પોતાનાં હાથમાં મોબાઈલ લઈને રિકોર્ડિંગ કરતાં વિડીયોમાં કાયમિક માટે સમાય ગયો.
એક દિવસ પહેલાં
સમય : સવારનાં 9 કલાક.
સ્થળ : ભારતીય સેના મુખ્ય મથક.
વિકાસે ગયાં અઠવાડિયે દુશનમ દેશ તરફથી એકાએક અણધાર્યા હુમલામાં એકદમ નીડરતા, બહાદુરી દર્શાવેલ હતી, અને દુશ્મન દેશનાં સૈનિકોને ધૂળ ચાટતાં કરી દીધેલ હતાં, આથી કર્નલ ધ્યાનચંદે વિકાસને પોતાની કચેરીમાં મળવા માટે આમંત્રિત કરેલ હતાં. આથી વિકાસ ખુશ થતાં થતાં કર્નલ ધ્યાનચંદની કચેરીમાં પ્રવેશે છે. કચેરીમાં પ્રવેશ્યા બાદ વિકાસ કર્નલ ધ્યાનચંદને સલામી ભરીને "જય હિન્દ" એવું બોલે છે.
ત્યારબાદ વિકાસ અને ધ્યાનચંદ વચ્ચે થોડીઘણી વાત થાય છે. વાતચીતનાં અંતે વિકાસ થોડી મૂંઝવણ અનુભવે છે. જેને કર્નલ ધ્યાનચંદ પારખી લે છે.
"સોલ્જર ! એની ડાઉટ ?" ધ્યાનચંદ પોતાનાં પહાડી અને ભારે અવાજમાં વિકાસની સામે જોઇને પૂછે છે.
"જી ! સર..હું છેલ્લાં છ મહિનાથી ઘરે નથી ગયો તો મને મારા ઘરે જવા માટે રજા જોઈએ છે." વિકાસ ખચકાતા ખચકાતા બોલે છે.
"એની સ્પેસિફિક રીજન ?" ધ્યાનચંદ વિકાસની સામે જોઇને પ્રશ્ન પૂછે છે.
"જી ! સર ! મારી પત્ની શ્રેયા હાલ પ્રેગનન્ટ છે, અને તેને હાલ સાતમો મહિનો ચાલી રહ્યો છે, તો તેનું "સીમંત" છે, ઉપરાંત દિવાળીનો પર્વ પણ આવી રહ્યો છે." વિકાસ વાસ્તવિકતા જણાવતાં બોલે છે.
"ઓહ ! ધેટ્સ રિયલી ગુડ ન્યુઝ !" ધ્યાનચંદ ખુશ થતાં થતાં બોલે છે.
"યસ ! સર...એક નાનો સોલ્જર હવે મારા ઘરે અવતરવાનો છે, જે મારી જેમ પોતાના દેશ માટે હરહંમેશ પ્રાણની પરવા કર્યા વગર ખડે પગે ઊભો રહેશે..!" વિકાસ પોતાની જાત અને આવનાર બાળક પર ગર્વ અનુભવતા ધ્યાનચંદને જણાવે છે.
"યોર લિવ ફોર વન વીક ઇસ ગ્રાન્ટેડ...ગીવ યોર ચાર્જ ટુ યોર સબઓર્ડીનેટ." પોતાની સામે રહેલ રજીસ્ટરમાં કંઈક લખતાં લખતાં ધ્યાનચંદ બોલે છે.
"થેન્ક યુ વેરી મચ સર…!"
"જય હિન્દ...ભારતમાતા કી જય" વિકાસ ધ્યાનચંદને સલામી ભરી ખુશ થતાં થતાં કચેરીની બહાર નીકળે છે.
હાલ વિકાસ ભલે ખુશ થતાં થતાં કચેરીની બહાર નીકળી રહ્યો હોય પરંતુ થોડા જ સમયમાં તેની આ ખુશીઓને અમાસનાં કાળા ડિબાંગ વાદળો રૂપી આફતો ચારેબાજુએથી ઘેરી વળશે..જેનાં વિશે વિકાસે સપનામાં પણ વિચાર્યું નહીં હોય.
આથી વિકાસ પોતાનો સામાન પેક કરીને પોતાનાં ઘરે જવા માટે રવાનાં થાય છે, પોતે ઘરે આવી રહ્યો છે, એ બાબતની વિકાસ પોતાની પત્ની શ્રેયાને જાણ કરતો નથી, કારણ કે પોતે શ્રેયાને સરપ્રાઈઝ આપવા ઈચ્છતો હતો, પણ વિકાસને એ બાબતનો ક્યાં ખ્યાલ હતો ? કે કુદરત તેને ક્યારેય ભૂલાય નહીં એવી દુઃખદ સરપ્રાઈઝ આપશે.
બીજા દિવસે
રાજહંસ મોલ એ શહેરનો ખૂબ જ જાણીતો અને નામચીન મોલ હતો, આ મોલ જાણીતો એટલા માટે હતો કે આ મોલમાં જીવન જરૂરી નાનામાં નાની વસ્તુથી માંડીને મોટામાં મોટી કિંમતી વસ્તુઓ મળી રહેતી હતી.
શ્રેયા પણ દિવાળીનો તહેવાર આવતો હોવાથી ઘરનાં સુશોભનની વસ્તુઓ ઉપરાંત અમુક જીવન જરૂરી વસ્તુઓ ખરીદી કરવાં માટે પોતાનાં ઘરેથી રાજહંસ મોલે જવા માટે નીકળેલ હતી.
શ્રેયા મોલે પહોંચી પોતાની ખરીદી કરીને મોલની બહાર ઊભાં રહીને કોઈ રીક્ષા આવે તેનાં માટે રાહ જોઈ રહી હતી, બરાબર એ જ સમયે વિકાસ સામેની તરફનાં રસ્તે રીક્ષામાં બેસીને પસાર થાય છે. બરાબર એ જ સમયે વિકાસની નજર શ્રેયા પર પડે છે. આથી વિકાસ રીક્ષા ડ્રાઈવરને રીક્ષા ઊભી રાખવા માટે ઈશારો કરીને "શ્રેયા" એવી એક જોરદાર બૂમ પાડે છે.
વિકાસનો અવાજ શ્રેયાનાં કાને આવી રીતે એકાએક પડતાની સાથે જ શ્રેયાનાં આશ્ચર્ય અને નવાઈનો કોઈ જ પાર ના રહ્યો, આથી વિકાસ શ્રેયા તરફ આગળ વધવા લાગે છે.
બરાબર એ જ સમયે એક પુરઝડપે આવતી એક કાર શ્રેયાને અડફેટે લઈને વાયુવેગે પસાર થઈ જાય છે, આ દ્રશ્ય જોઈને "ભલા ભલા દુશ્મનો સામે ખુલ્લી છાતીએ બંદૂકો લઈને કૂદી પડતો વિકાસ પળભર માટે તો સ્તબ્ધ થઈ ગયો, જાણે તેનું શરીર પળભર માટે બેશુદ્ધ બની ગયું, જાણે એક જ પળમાં તેણે જોયેલાં બધાં જ સપનાઓ વેર વિખેર થઈ ગયાં હોય તેવું હાલ વિકાસ અનુભવી રહ્યો હતો.
મિત્રો પ્રેમ પણ કેવી વિશેષતા ધરાવે છે, કે અમુક લોકો સાચો પ્રેમ મેળવવામાં સફળ થાય છે, જ્યારે અમુક લોકો કોઈ અન્ય વ્યક્તિઓનાં ક્ષણિક આનંદનો ભોગ બનીને પોતાનો પ્રેમ વિકાસની માફક ગુમાવી બેસતાં હોય છે, આ ઉપરાંત એ નિર્દોષ ભ્રુણ કે જેને હજી આ દુનિયા જોવાની જ બાકી હતી, એ નિર્દોષ જીવનો શું વાંક ? તો આપણે એ બાબતનો ખાસ ખ્યાલ રાખવો કે આપણે આપણાં ક્ષણિક આનંદ ખાતર આપણે કોઈ "શ્રેયા" કે કોઈ "વિકાસ" નાં પ્રેમનો ભોગ તો નથી લઈ રહ્યાં ને ?