અંતિમ ઈચ્છા
અંતિમ ઈચ્છા


સમય એ કુદરત કે ઈશ્વરે કરેલ એવું સર્જન છે કે જેને હજુસુધી કોઈ જ વ્યક્તિ સંપૂર્ણપણે સમજી શક્યો નથી. ઇતિહાસ સાક્ષી છે કે હજુસુધી કોઈપણ મનુષ્ય સમય પર પોતાનું આધિપત્ય જમાવી શક્યો નથી, તે પછી કોઈ વિશ્વ સમ્રાટ સિકંદર હોય કે પછી રસ્તા પર ફૂટપાથ પર સૂતેલો ભિખારી. જે બાબતનો પ્રાચીન ઈતિહાસ આજે પણ સાક્ષી પૂરે છે.
આથી જ્યારે પણ આપણી પાસે સમય હોય તો આપણે એ સમય વેડફવાને બદલે સદુપયોગ કરવો જોઈએ. ક્યારેય આપણ કોઈ વ્યક્તિ માટે સમય ફાળવવા કે વિતાવવા માંગતા હોઈએ છીએ, ત્યારે કદાચ એવું પણ બની શકે કે સામેવાળી વ્યક્તિ પાસે કે આપણે પાસે સમય જ ના હોય.
નિખિલ પણ એક એવો જ યુવક હતો, કે જે જીવનમાં તો સારી એવી નામનાં મેળવવામાં તો સફળ થયો હતો પરંતુ આ સફળ થવાની હોડમાં તે એક આદર્શ પુત્ર બનવામાં નિષ્ફળ ગયેલો હતો.
આપણાં માતા પિતા નાનપણથી જ કોઈપણ પ્રકારનાં અંગત સ્વાર્થ વગર આપણો પુરેપુરા તન, મન, ધન, પ્રેમ, વ્હાલ અને લાગણી સાથે ઉછેર કરે છે. પોતાનો જન્મદિવસ ભૂલીને પોતાનાં સંતાનોનો ધામધૂમથી જન્મદિવસ ઉજવે છે, પોતે ભલે અભણ હોય પરંતુ પોતાનાં પેટે પાટ્ટો બાંધીને પણ પોતાની આવડત અને આવક મુજબ સંતાનોને ભણાવે છે. પોતાનાં બધાં મોજશોખ જતાં કરીને પણ સંતાનોની દુનિયામાં મેઘધનુષની માફક બધી જ ખુશીઓ અને આનંદ આપવાં માટે હરહંમેશ પ્રયત્ન કરતાં જ હોય છે. આથી દરેક માતા પિતાને પણ છેલ્લે એટલી તો મહત્વાકાંક્ષાઓ હોય છે કે તેઓનાં સંતાન ઘડપણમાં તેનો આધાર બને. જો આપણી દુનિયાનો કોઈપણ સંતાન આવું કરવામાં સફળ થઈ જાય તો તે પોતે એક આદર્શ પુત્ર તરીકેનો પોતાનો રોલ ભજવવામાં સંપૂર્ણપણે સફળ રહ્યો છે એવું કહેવામાં પણ કોઈ અતિશયોક્તિ નથી એવું હું માનું છું.
સ્થળ : આઈ.સી.યુ. સીટી હોસ્પિટલ
સમય : સાંજનાં છ કલાક
નિખિલ આઈ.સી.યુ ની બહાર આવેલ બાંકડા પર પોતાનાં પત્ની સેજલ અને માતા કલ્યાણીબેન સાથે બેસેલ હતાં. હાલ તે બધાનાં ચહેરા પર કાળા ડિબાંગ વાદળોની માફક ચિંતાઓ સંપૂર્ણપણે છવાયેલ હતી. તે બધાંની આંખોમાં હતાશા અને લાચારી સ્પષ્ટપણે જોઈ શકાતી હતી. તે બધાં મનોમન ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યાં હતાં.
બરાબર એ જ સમયે ડૉ. યાદવ ઉદાસીભર્યા અને હતાશાભર્યા ચહેરે આઈ.સી.યુ ની બહાર આવે છે. આઈ.સી.યુ ની બહાર આવીને ડૉ. યાદવ પોતાનાં ગંભીર અને ભારે અવાજમાં નિખિલ, સેજલ અને કલ્યાણીબેનની સામે જોઇને બોલે છે.
"સોરી ટુ સે...ભાર્ગવભાઈ ઇસ નો મોર."
આ સાંભળતાની સાથે જ આઈ.સી.યુ ની બહાર ઉભેલાં તમામને એક જોરદાર ઝટકા સાથે ઊંડો આઘાત લાગે છે. આ આઘાત એટલો ઊંડો હતો કે જાણે તેઓનાં પગ નીચે રહેલ જમીન એકાએક ખસી ગઈ હોય તેવું અનુભવી રહ્યાં હતાં.
એક દિવસ અગાવ.
સ્થળ : સિગ્મા ગૃપ ઓફ કંપની.
સમય : સાંજનાં છ કલાક.
નિખિલ આજે પોતાની કંપની "વિઝન ટાર્ગેટ" નો વિદેશી કંપની "સિગ્મા ગૃપ ઓફ કંપની" સાથે એમ.ઓ.યુ કરવાં માટે વિદેશમાં ગયેલો હતો. હાલ નિખિલ એક બિઝનેશ મિટિંગમાં બેસીને એમ.ઓ.યુ નાં કાગળો પર સહી કરી રહ્યો હતો.
બરાબર એ જ સમયે નિખિલનો મોબાઈલ રણકી ઊઠે છે, આથી નિખિલ પોતાનાં મોબાઈલ ફોનની ડિસ્પ્લે પર નજર કરે છે, તો ડિસ્પ્લે પર "મોમ" એવું લખેલ હતું, પરંતુ હાલ પોતે અગત્યની એક બિઝનેસ મિટિંગમાં હોવાને લીધે કોલ કટ કરી દે છે. લગભગ આવું ચારથી પાંચ વાર બન્યું પણ નિખિલ કોલ રિસીવ કરતો નથી.
એમ.ઓ.યુ પર પોતાની સિગ્નેચર કર્યા બાદ અને સિગ્મા કંપની સાથે પોતાની ડીલ સફળતાપૂર્વક પાર પડવાને લીધે હાલ નિખિલ ખૂબ જ ખુશ હતો, આથી નિખિલ આ ખુશખબર પોતાની પત્ની સેજલને જણાવવા માટે કોલ કરે છે, પણ સેજલ સાથે પોતાની વાત થઈ શકતી નથી. બરાબર એ જ સમયે નિખિલને યાદ આવે છે કે થોડીવાર પહેલાં પોતે જ્યારે મિટિંગમાં હતો, ત્યારે તેની મમ્મીનાં ચારથી પાંચ કોલ આવ્યાં હતાં. આ વિચાર આવતાની સાથે જ નિખિલ કલ્યાણીબેનને કોલ કરે છે, પરંતુ કલ્યાણીબેન પણ સેજલની માફક નિખિલનો કોલ રિસીવ કરતાં નથી.
આથી નિખિલનાં મનનાં એક ઘણાંબધાં અનવના વિચિત્ર પ્રશ્નો જેવા કે, "શાં માટે મમ્મી એ મને આટલાં કોલ કરેલાં હશે ? શાં માટે મમ્મી કે સેજલ મારો કોલ રિસીવ નથી કરી રહ્યાં ? શું તેઓ કોઈ મુસીબતમાં તો નહીં ફસાય ગયાં હશે ને ? શું તેઓ પર અચાનક કોઈ આફત તો નહીં આવી પડી હશે ને ? - પોતાનું આધિપત્ય જમાવી રહ્યાં હતાં.
એકાદ કલાક બાદ.
નિખિલ ડિનર કરીને હોટલનાં રૂમમાં બેસીને ટી.વી જોઈ રહ્યો હતો, બરાબર એ જ સમયે તેનાં મોબાઈલ પર સેજલનો કોલ આવે છે. આથી થોડાં ગુસ્સા સાથે કોલ રિસીવ કરતાં કરતાં નિખિલ બોલે છે.
"શું કરો છો..તમે બંને ? મેં આટલાં તેને અને મમ્મીને ઘણાબધાં કોલ કર્યા પરંતુ તમારા બંનેમાંથી કોઈએ પણ મારો કોલ રિસીવ કર્યો જ નહીં. અને મમ્મી પણ છે ને કે કોઈ વાતમાં સમજે જ નહીં એને ખ્યાલ હતો કે હું એક અગત્યની બિઝનેશ મિટિંગમાં છું તો પણ આટલાં બધાં કોલ કરે છે, વળી હું જ્યારે કોલબેક કરું છું તો મારો કોલ રિસીવ નથી કરતાં." નિખિલ પોતાનાં મનમાં રહેલ ભડાશ ઠાલવતા સેજલને પૂછે છે.
>
"કામ ડાઉન ! નિખિલ...મારી અને મમ્મીની પરિસ્થિતિ જ એવી હતી કે અમે એ સમયે ઇચ્છતા હોવાં છતાંય તારો કોલ રિસીવ કરી શકીએ એવી પરિસ્થિતિમાં હતાં જ નહીં." સેજલ નિખિલને શાંત પાડતાં પાડતાં જણાવે છે.
"કેમ શું થયું…?" નિખિલ થોડાં ગભરાયેલા અવાજે સેજલને પૂછે છે.
"તમે અહીં એકવાર આવી જાવ પછી હું તમને બધી બાબત વિગતવાર જણાવીશ….!" સેજલ નિખિલને સમજાવતાં સમજાવતાં બોલે છે.
"પણ...સેજલ હું ઈન્ડિયા બે દિવસ પહેલાં તો કોઈપણ સંજોગોમાં પહોંચી શકું તે શક્ય જ નથી." નિખિલ થોડાં લાચારીભર્યા અવાજે સેજલને જણાવતાં બોલે છે.
"ઓકે...પપ્પાને….!" આટલું બોલતાં સેજલ થોડું અટકે છે.
એવામાં કલ્યાણીબેન સજેલની નજીક આવીને સેજલનાં હાથમાંથી પોતાનાં હાથમાં મોબાઈલ લઈને રડતાં રડતાં બોલે છે કે,"તારા પપ્પાની હાલત એકદમ નાજુક છે, આવનાર ચોવીસ કલાક માટે કંઈપણ કહેવું મુશ્કેલ છે, અને તેમની એક અંતિમ ઈચ્છા છે કે પોતાનાં છેલ્લાં શ્વાસ દરમિયાન પોતાનાં પુત્ર નિખિલનું એકવાર મો (ચહેરો) જોવાં માંગે છે.
"મમ્મી ! ચિંતા ના કરીશ...બધું સારું થઈ જશે...બસ ભગવાન અને ડોકટર પર ભરોસો રાખ." નિખિલ કલ્યાણીબેનને સમજાવતાં સમજાવતાં બોલે છે.
આટલું બોલી નિખિલ કોલ ડિસ્કનેટક કરીને બાજુમાં રહેલ ટીપાઈ પર પોતાનો મોબાઈલ રાખીને વિચારોનાં વંટોળે ચડે છે, કે "શું વ્યક્તિ ખરેખર રૂપિયા કમાવવા કે સફળ થવા પાછળ એટલો બધો અંધ બની જતો હોય છે કે તેં પોતાનાં માતા પિતા કે પરિવાર માટે પણ સમય નથી ફાળવી શકતો ? આવો બિઝનેશ શું કામનો કે જ્યારે સાચા અર્થમાં મારા પિતાને મારી જરૂર છે અને હું વિદેશમાં બેઠાં બેઠાં "એમ.ઓ.યુ" પર સહી કરી રહ્યો છું ? જો હાલ હું સફળતાનાં શિખરો સર કરી શક્યો છું તો તેનું એક માત્ર કારણ મારા પિતા જ છે, કે જેઓ જ્યારે પણ હું નિષ્ફળતાની નજીક હોવ ત્યારે પોતાનાં મજબૂત હાથ દ્વારા મારી પીઠ થબથબાવીને મને હરહંમેશ હિંમત અને ઉત્સાહ આપતાં રહ્યાં, ભલે તેઓ મજૂરી કામ કરતાં પણ મારા માટે તો તેઓની પાસે સમય હતો જ તે, અને એક હું છું કે હાલ મારા પિતાને સમય નથી આપી શકતો.
આવા વિચારો આવતાની સાથે જ નિખિલ પોતાની સેક્રેટરી અને જનરલ મેનેજરને કોલ કરીને પોતાનાં રૂમ પર બોલાવે છે, અને તે બંનેને જણાવે છે કે હાલ મારે કોઈપણ સંજોગોમાં ઇન્ડિયા પાછું જાવું ખૂબ જ મહત્વનું છે તો આગળની જે કોઈ ડીલ કે મિટિંગ છે એ તમારે બંનેએ હેન્ડલ કરવાની રહેશે.
ત્યારબાદ નિખિલ એ જ દિવસે રાતે 12 વાગ્યે ઇન્ડિયા આવવા માટે વિદેશથી નીકળી જાય છે. બીજે જ દિવસે નિખિલ ઈન્ડિયા પહોંચતાની સાથે જ સીટી હોસ્પિટલ ખાતે આફળા ફાંફાળા થતાં થતાં આવી પહોંચે છે.
હાલનાં સમયે…
સીટી હોસ્પિટલે પહોંચ્યા બાદ નિખિલને ખ્યાલ આવે છે કે તેનાં પિતા ભાર્ગવભાઈને આઈ.સી.યુ માં દાખલ કરવામાં આવેલાં છે, જેઓની હાલ એકદમ નાજુક હાલત છે. અને તેઓ "નિખિલ" એક જ નામનું રટણ કરી રહ્યાં છે. આથી નિખિલ ડૉકટરની પરમિશન લઈને આઈ.સી.યુ માં પ્રવેશે છે.
નિખિલને પોતાની નજર સામે જોઈને ભાર્ગવભાઈની આંખોમાં એક અલગ જ પ્રકારની ચમક આવી જાય છે, નિખિલને જોયાં બાદ જાણે તેનાં જીવને એકદમ શાંતિ થઈ હોય તેમ રાહતનો એક ઊંડો શ્વાસ લે છે, ત્યારબાદ તેઓ નિખિલને પોતાની નજીક આવવાં માટે ઈશારો કરે છે, આથી નિખિલ તેનાં પિતાની નજીક જાય છે.
"બેટા ! મને એવું હતું કે કદાચ હું તારું મોઢું જોયા વગર જ મૃત્યુ પામીશ….પરંતુ તે મારા માટે આટલો પણ સમય કાઢ્યો એ બદલ તારો ખુબ ખુબ આભાર..!"
ભાર્ગવભાઈ દ્વારા બોલાયેલાં એક એક શબ્દો કોઈ વેધક તીરની માફક નિખિલનાં હૃદયને વીંધીને આરપાર નીકળી ગયાં હતાં. હાલ નિખિલને ભાર્ગવભાઈએ ખૂબ જ ઓછા શબ્દોમાં જાણે ઘણુંબધું સમજાવી દીધેલ હોય તેવું હાલ નિખિલ અનુભવી રહ્યો હતો.
બરાબર એ જ સમયે ભાર્ગવભાઈનાં શરીર સાથે લાગેલા મોનિટરોમાંથી અલગ અલગ એલાર્મ વાગવા માંડે છે, સાથોસાથ તેઓનાં હૃદયનાં ધબકારા અને શ્વાસોશ્વાસ વધવા માંડે છે. શ્વાસ લેવામાં પણ હાલ ભાર્ગવભાઈ ખૂબ જ મુશ્કેલીઓ અનુભવી રહ્યાં હતાં...આથી ત્યાં હાજર બધાં ડોકટરો ભાર્ગવભાઈ પાસે આવી છે, અને એક નર્સ નિખિલનો આઈ.સી.યુ ની બહાર બેસવા માટેની સૂચના આપે છે. બરાબર એ જ સમયે ત્યાં સુપર સ્પેશિયાલિટી ડૉ. યાદવ આઈ.સી.યુ ખાતે આવી પહોંચે છે.
જ્યારે આ બાજુ નિખિલ આઈ.સી.યુ ની બહાર જઈ રહ્યો હતો, જતાં જતાં તે એવું અનુભવી રહ્યો હતો, કે મારા પિતાનો આત્મા જાણે મારો ચહેરો જ જોવા માટે તેના શરીરમાં અટવાયેલો હતો.
ત્યારબાદ નિખિલ તેનાં પિતાના હિન્દૂધર્મનાં ધાર્મિક રીતિ રિવાજો મુજબ અંતિમ સંસ્કાર વિધિ કરે છે.
આપણે કદાચ હાલ ભલે સફળતાનાં શિખરો પર હોઈએ, પણ આપણે બધાએ એકવાર એ બાબતે ચોક્કસ વિચાર કરવો જોઈએ કે આપણે જાણતાં કે અજાણતાં નિખિલની માફક કોઈ ભૂલ તો નથી કરી રહ્યાં ને ? જો તમે તમારા ખુદનાં માતાપિતા માટે જરા પણ સમય ફાળવી શકતા ના હોય તો તમારી હજારો, લાખો કે કરોડોની સંપત્તિ ભંગારની પસ્તીથી વિશેષ કાંઈ જ નથી એવું હું દ્રઢપણે માનું છું.