Rahul Makwana

Drama Tragedy Crime

4  

Rahul Makwana

Drama Tragedy Crime

માર્ગરિટા પીઝા

માર્ગરિટા પીઝા

10 mins
455


સમય : રાત્રિના 10 કલાક

સ્થળ : જવેરભાઈનું ઘર

રાતે ઘરનાં બધાંજ સભ્યો એટલે કે ઝવેરભાઈ, તેમના પત્ની રૂપાબેન, પુત્રી સોનમ અને પુત્ર અવિનાશ બધા જમીને, ઘરના હોલમાં બેસેલા હતાં. દરરોજ કરતા આજે ઝવેરભાઈના ઘરનું વાતાવરણ થોડું ગંભીર હતું, દરરોજ જે ઘરમાં ભાઈ-બહેનની મસ્તીનો કલબલાટ સંભળાતો, તે જ ઘરમાં આજે એકદમ નીરવ શાંતિ છવાયેલી હતી, તેનું કારણ હતું….અવિનાશની પરીક્ષા. અવિનાશ હાલમાં 12 વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરી રહ્યો હતો, જેની દસ દિવસ બાદ બોર્ડની ફાઇનલ પરીક્ષા હતી, આથી સૌ કોઈને અવિનાશની ચિંતા અંદરો-અંદર કોરી ખાતી હતી. ઘરનાં બધાજ સભ્યો અવિનાશની પરીક્ષામાં બને એટલા મદદરૂપ થવા માંગતા હતાં. જેથી કરીને અવિનાશ પરીક્ષામાં સારા માર્ક્સ સાથે પાસ થઈ જાય.

પરંતુ આ બાજુ અવિનાશ, તારે જમીન પરના ઇશાંત અવસ્થીની માફક પોતાની મસ્તીભરી દુનિયામાં જ રચ્યો-પચ્યો રહેતો હતો, બોર્ડની પરીક્ષાની ગંભીરતાથી એ તદ્દન અજાણ હતો, આખો દિવસ સ્કૂલમાં મોજ, મસ્તી, ગમતો કરવામાં જ વિતાવતો હતો, શિક્ષકોની મિમિક્રી કરવી, તેમનાં કાર્ટૂન બનાવવા, ચાલુ કલાસે નાસ્તો કરવો આ બધો તેનો શોખ હતો, અને અવિનાશને તેમાં આનંદ પણ આવતો હતો.

અવિનાશના આવા તોફાનભર્યાં વર્તનને કારણે ઘણીવાર ઝવેરભાઈને સ્કૂલે પણ બોલાવવામાં આવેલા હતાં, પરંતુ માર મારવાથી કે ઠપકો આપવાથી, અવિનાશ કદાચ સુધરી તો જાશે પરંતુ તેની ખરાબ અસર તેના મગજ પર થાશે….આવું વિચારીને ઝવેરભાઈએ અવિનાશને સખતાઈપૂર્વક ઠપકો આપવાને બદલે પ્રેમથી સમજાવતા રહ્યાં.. પરંતુ તેની કોઈ જ અસર અવિનાશના વર્તન પર થતી ન હતી.

બે વર્ષ અગાઉ

સ્થળ : જે.પી.વસાણી હાઈસ્કૂલ

સમય : સાંજના 6 વાગ્યા

“તો હવે હું સ્ટેજ પર આમંત્રિત કરીશ...અવિનાશ ઝવેરભાઈ પટેલ કે જેણે ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 90% મેળવીને આખા જિલ્લામાં સૌ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી, આપણી સ્કૂલનું નામ રોશન કરેલ છે….” - સ્ટેજ પરથી વકતા બોલ્યા.

 આ સાંભળી, હોલમાં બેસેલા સૌ કોઈએ તાળીઓના ગળગળાટ થી અવિનાશની આ સિદ્ધિને વધાવી લીધી, અને સમગ્ર હોલ તાળીઓના ગળગળાટથી ગુંજી ઉઠ્યો.

 ત્યારબાદ ઝવેરભાઈએ અવિનાશ સાથે વાતચીત કરીને અવિનાશને પોતાના જ શહેરની નામાંકિત ‘ડેલ્ટા સ્કૂલ ઓફ સાયન્સ’’ સ્કૂલમાં વિજ્ઞાનપ્રવાહમાં એડમિશન આપાવ્યું, અવિનાશ પણ પોતાને મનગમતા પ્રવાહમાં એડમિશન મળવાથી ખુબ જ ખુશ હતો, ત્યારબાદ અવિનાશ પોતાનો જરૂરી સામાન, વસ્તુઓ, પુસ્તકો વગેરે લઈને હોસ્ટેલમાં રહેવા માટે આવી ગયો.

 સ્કૂલમાં એડમિશન લીધા બાદ અવિનાશને ખ્યાલ આવ્યો કે જે સ્કૂલો મોટી-મોટી ડંફાંસો મારે છે, જાહેરાતો કરે છે, ખરેખર એ બધી સ્કૂલોમાં શિક્ષણના નામે એક વેપાર જ ચાલતો હોય છે, પોતે જે સ્કૂલમાં એડમીશન લીધેલ હતું, એ એક M. L. A ની સ્કૂલ હતી, જે સરકારની રહેમ-રાહે જ ચાલતી હતી, જ્યાં એકપણ પ્રકારના એજ્યુકેશન સ્ટાન્ડર્ડ અનુસરવામાં આવતા ના હતાં, ત્યાંના બધા જ શિક્ષકો કલાસમાં પોતાના પર્સનલ ટયુશન કલાસની જાહેરાત કરવા આવતા હોય તેવું લાગતું હતું.

ધીમે-ધીમે દિવસો, અઠવાડિયા, મહિના વીતવા લાગ્યાં, પરંતુ મિત્રો આપણે ત્યાં એક કહેવત છે કે ‘સંગ તેવો રંગ’....અવિનાશના નસીબ એટલા નબળા હતાં કે તે હોસ્ટેલમાં ખરાબ મિત્રોની સંગતે ચડી ગયો, અવિનાશ અત્યાર સુધી ક્યારેય પણ પોતાનું ગામ કે ઘર છોડીને બહારગામ ગયેલ ન હતો, દુનિયા એટલું શું….? એ તેને ખબર જ ન હતી, અત્યાર સુધી અવિનાશે પોતાનું બધું જ ધ્યાન ભણવામાં જ કેન્દ્રીત કરેલ હતું.

જે વ્યક્તિના આખા પરિવારમાં કોઈને જગત ધાણાદાળ ખાવાનું પણ વ્યસન ન હતું, એ જ પરિવારના સભ્ય એટલે કે અવિનાશ, તમાકુ, ગુટકા, માવા, સિગારેટ અને દારૂનું પણ વ્યસન કરવા લાગ્યો.

આ બધાની અસર અવિનાશના અભ્યાસ પર પડી, અને અવિનાશને ધોરણ 11ની પરીક્ષામાં માત્ર 60 % આવ્યાં, જે વિદ્યાર્થીએ ધોરણ 10ની પરીક્ષામાં 90% મેળવીને પોતાના પરિવાર તેમજ સ્કૂલનું નામ રોશન કરેલ હતું, તે જ વિદ્યાર્થી 60% સાથે પાસ થાય એ અવિનાશના પરિવારજનો અને શિક્ષકોની સમજમાં નહોતું આવી રહ્યું, પરંતુ અવિનાશે પરીક્ષા સમયે પોતાની તબિયત સારી ન હોવાનું ખોટું બહાનું બતાવીને પોતાની જાતનો બચાવ કરી લીધો, અને સાથે - સાથે ધોરણ 12ની પરીક્ષામાં વધુ મહેનત કરશે તેવા ખોટા વચનો પણ આપ્યાં.

 હાલમાં અવિનાશને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા હોવાને લીધે, સ્કૂલોમાં 20 દિવસનું રીડિંગ વેકેશન આપવામાં આવ્યું હતું, આથી અવિનાશ પોતાના ઘરે આવેલ હતો, અવિનાશના બે મિત્રો કે વિકાસ અને તરૂણ કે જે ડેલ્ટા હાઈસ્કૂલમાં પોતાની સાથે જ ભણતા હતાં, તેઓએ વાંચવા માટે ગામમાં એક રૂમ ભાડે રાખેલ હતો, જ્યારે એ લોકોને ખ્યાલ આવ્યો કે અવિનાશ પણ પોતાના ઘરે આવ્યો છે, તો વિકાસે કોલ કરીને અવિનાશને પોતાના રૂમે વાંચવા માટે બોલાવ્યો, અને અવિનાશ પણ તેઓ સાથે વાંચવા માટે રાજી પણ થઈ ગયો, ખરેખર તો અવિનાસ વાંચવા માટે રાજી થયો તેનું કારણ કંઈક બીજું જ હતું, અને અવિનાશના પરિવારજનો પણ અવિનાશના આ વિચાર સાથે સહમત થયા. 

ત્યારબાદ અવિનાશ પોતાના મિત્રો સાથે રૂમ પર રહેવા માટે ચાલ્યો જાય છે, એકાદ અઠવાડિયા પછી વિકાસનો જન્મદિવસ હતો, જન્મદિવસની આ ત્રણેય મિત્રોએ ભવ્ય ઉજવણી કરી, કેક કાપી, અને સાંજે વિકાસે પોતાના મિત્રો માટે “રોયલ સ્ટેગ” વાઈન મંગાવી, ત્યારબાદ ત્રણે મિત્રોએ દારૂની પાર્ટી કરી….

“યાર ! વિકાસ… પીવાનું તો થઈ ગયું હવે….જમવાનું શું છે…?” - પાર્ટી પછી તરૂણ નશાની હાલતમાં બોલ્યો.

“હા ! યાર, મને પણ ખુબ જ જોરદાર ભુખ લાગી છે…” - અવિનાશ બોલ્યો.

“પણ ! અત્યારે 10 વાગ્યે શું જમીશું…? અને આપણે બહાર જઈને જમી શકીએ એવી આપણી હાલત પણ નથી…” - વિકાસે કહ્યું.

“ઓકે ! તો એક કામ કરીએ તો….?” - અવિનાશ કંઈક વિચારીને બોલ્યો.

“યાર ! આપણે આપણાં સરનામાં પર પીઝા મંગાવીએ તો…?” 

“નાઈસ આઈડિયા…!” - તરૂણ અને વિકાસે અવિનાશના આ વિચાર સાથે સહમતી દર્શાવતા કહ્યું.

 ત્યારબાદ તરૂણે પોતાનો ફોન કાઢી ડોમીનોઝ પીઝામાં ફોન કરીને બે લાર્જ પીઝા અને એક બિગ કોકનો ઓર્ડર કર્યો, અને જણાવ્યું કે પીઝાની ડિલિવરી માટે સારા એવા ડિલિવરી મેનને મોકલજો, ખુબ જ ભારે ભૂખ લાગી છે.

“જી ! સર, વિધીન વન હાફ હવરમાં પીઝા તમારા ઘરે પહોંચી જશે….” - રિસેપનિસ્ટે જણાવ્યું.

“થેન્ક યુ વેરી મચ” - આટલું બોલી અવિનાશે કોલ ડિસ્કનેક્ટ કર્યો.

 પછી બધા મિત્રો બોટલમાં જે છેલ્લો પેક વધ્યો હતો, તે પીવા માટે બેસી ગયાં, અને પોતાની વાતોમાં વળગી ગયાં.

ત્રણેય મિત્રો સિગારેટ ફૂંકી રહ્યા હતાં, એવામાં ડોરબેલ વાગ્યો, આથી અવિનાશ પોતાના હાથમાં સિગારેટ લઈને, એકપછી-એક દમ લેતાં-લેતાં ઉભો થયો, અને લથડીયા ખાતા-ખાતા દરવાજા તરફ ગયો, દરવાજો ખોલીને જોયું તો સામે પીઝાબોય પીઝા અને કોક લઈને ઉભો હતો, અવિનાશે સિગારેટ બુઝાવીને ફેંકી દીધી,હજુપણ અવિનાશ નશાની હાલતમાં મદમસ્ત હતો અને પીઝાબોયઝને ટીપ આપવા માટે પોતાના પાકીટમાંથી 100 રૂપિયાની નોટ કાઢી, અને પીઝા પોતાના હાથમાં લઈને 100 રૂપિયાની નોટ આપતાં કહ્યું….

“આ લો તમારી ટીપ, તમે અડધી કલાકમાં પીઝા લઈને આવી ગયાં તેના માટે…!” અવિનાશ બોલ્યો.

“પણ ! બેટા આ સો રૂપિયાથી કઈ નહીં થાય, મને તો લાખો રૂપિયાની ખોટ ગઈ છે...એનું શું…?” - પીઝાડિલિવરી બોય પોતાની કેપ ઉતારતા બોલ્યો.

આ સાંભળી અવિનાશ એક્દમથી ઝબકી ગયો, અને દરવાજાની બહાર રાખેલ લાઇટની સ્વીચ ઓન કરી,અને જોયું તો જાણે અને પગ નીચેની જમીન સરકી ગઈ હોય એવું લાગ્યું, એક જ ઝટકામાં જાણે દારૂનો બધો જ નશો ઉતરી ગયો હોય તેવું લાગ્યું, પોતાની આંખો ચોળતાં-ચોળતાં અવિનાશે સામે જોયું ….તો એ ડિલિવરી બોય બીજું કોઈ નહીં પરંતુ ખુદ અવિનાશના પિતા ઝવેરભાઈ હતાં, ઝવેરભાઈને જોયું અવિનાશ એક્દમથી ડઘાય ગયો, શું કરવું એ કંઈ સમજાય રહ્યું ન હતું, એટલીવારમાં ઝવેરભાઈ બોલ્યાં.

“સાહેબ ! આ કોલ્ડ ડ્રીંક લો...મારે હજુપણ ઘણી જગ્યાએ પીઝાની ડિલિવરી કરવા જવાનું છે, ત્યારબાદ ઝવેરભાઈ અવિનાશ પાસેથી સો રૂપિયા લઈને એકપણ શબ્દ બોલ્યા વગર જતાં રહ્યાં.

 આ બાજુ “કાપો તો લોહી ના નીકળે એવી હાલત અવિનાશની થઈ ગઈ હતી, પોતાના પિતાને આવી હાલતમાં જોઈને અવિનાશ પોતે પણ નવાઈ પામ્યો હતો, એવી તો શું પરિસ્થિતિ આવી હશે કે તેના પિતા આવી રીતે પીઝાની દુકાનમાં ડિલિવરીબોયનું કામ કરવાની જરૂર પડી હશે… ?

બીજે દિવસે

અવિનાશ વહેલો ઉઠીને, ફ્રેશ થઈને પોતાની બેગ લઈને ઘરે ગયો, અને લગભગ સવારના 9 વાગ્યાની આસપાસ, પોતાના ઘરે પહોંચી ગયો, ઘરે પહોંચીને જોયું તો તેના પિતા દુકાને જઈ રહ્યા હતાં, અને રૂપાબેન ઘર કામ કરી રહ્યાં હતાં, અને સોનમ રસોડામાં કામ કરી રહી હતી.

 અવિનાશને આવતો જોઈ તેના પિતા પોતાનું મોઢું ફેરવીને એકપણ શબ્દ બોલ્યા વગર દુકાને જવા રવાના થયાં, અવિનાશને એવું હતું કે તેના પિતાએ ગઈકાલે બનેલા ઘટના તેના મમ્મી અને બહેનને જણાવી હશે….પરંતુ હકીકતમાં ઝવેરભાઈએ ઘરે કોઈને આ વાત કરી જ ન હતી, અને પોતાના દીકરાને આવતો જોઈ તેની મમ્મી અને બહેન ખુબ જ ખુશ થયા, અને નાસ્તો કરવા માટે બેસડ્યો, નાસ્તો કરતાં- કરતાં અવિનાશે તેના મમ્મીને પૂછ્યું.

“મમ્મી….! હું તને એક વાત પૂછું…? મને સાચે સાચો જવાબ આપજે…” 

“હા ! બેટા પૂછ…!” - થોડાક ગભરાયેલા અવાજમાં રૂપાબેન બોલ્યા.

“મમ્મી ! પપ્પા અત્યારે કયાં ગયાં…”

“બેટા ! તું જ્યારે હોસ્ટેલમાં હતો, ત્યારે આપણી દુકાનમાં ભયંકર આગ લાગી હતી, અને આખેઆખી દુકાન, રૂપિયા બધું જ રાખમાં ફેરવાઈ ગયું હતું, કુદરતે આપણને એક જ ઝાટકામાં રાજામાંથી રંક બનાવી દીધી, આથી તારા પિતા તેમના કોઈ વેપારીમિત્રની દુકાને કામ પર રહી ગયાં, અને હું અને તારી બહેન રૂપા આજુબાજુ વાળા લોકોના ઘરે ઘરકામ કરવા લાગ્યાં, જેથી તારા પિતાને થોડોઘણો સ્પોર્ટ મળી રહે, તું આવવાનો હતો એ સમાચાર સાંભળીને અમે થોડા દિવસ કામ પર રજા રાખી હતી, તે ફોન પર કહેલું હતું કે, “પપ્પા ! મારે શાળામાં એકામ ફી અને સ્કૂલ ફી ભરવાની છે”, આ સાંભળી આપણી આવકમાંથી માંડ-માંડ ઘર ચાલે એવું હતું, આથી તારા પિતાએ તારી સ્કૂલ ફી અને ટ્યુશન ફી આપવા માટે પીઝાસેન્ટરમાં ડિલિવરી બોયની નોકરી શરૂ કરી દીધી…!” - આટલું બોલી રૂપાબેન અને સોનમ બને રડવા લાગ્યાં.

“પણ ! મમ્મી મને કેમ આ વાતની કોઈએ જાણ ન કરી….?” - અવિનાશે આશ્ચર્ય સાથે પૂછ્યું.

“બેટા ! તારા પપ્પાએ અમને આ વાત તને કહેવાની ના પાડી હતી, તેઓ કહેતા હતાં કે જો આ વાત આપણે અવિનાશને કહીશું તો તેની અસર તેના અભ્યાસ અને પરિક્ષા પર પડશે...આથી તને આ વાત અમે નહોતી કહી…”

 આ વાત સાંભળી અવિનાશને પોતાની જાત પ્રત્યે નફરત થઈ ગઈ હતી, પોતાના પરિવારનો દરેક સભ્ય, પોતે પરીક્ષામાં સારા માર્ક્સ લાવે તેના માટે આટ-આટલો ભોગ આપી રહ્યા હતાં, અને પોતે એક કુપુત્રની જેમ મોજ મસ્તી, અને અય્યાસી ભરેલ જિંદગી જીવતો હતો, ત્યારબાદ અવિનાશ પોતાના રૂમમાં ગયો, અને એકાદ કલાકમાં પોતાનો થેલો લઈને બહાર આવ્યો. અને રૂપાબેનને કહ્યું કે

“મમ્મી ! હું મારી હોસ્ટેલે જાવ છું, અને હવે તેમ ચિંતા ના કરતાં તમે મારા માટે આપેલ ભોગ હું વ્યર્થ નહીં જવા દઈશ, પપ્પાને મારા વતી સોરી કહેજો, હવે હું સીધો જ પરીક્ષામાં ફતેહ કરીને જ આવીશ…” - આટલું બોલી અવિનાશ આંસુ લૂછતાં - લૂછતાં પોતાના ઘરની બહાર નીકળી ગયો, જાણે એક જ ઘટનાએ તેનું સંપૂર્ણ હૃદય પરિવર્તન કરી નાખ્યું હોય એવું લાગી રહ્યું હતું, અને હોસ્ટેલ જવા માટે રવાના થઈ ગયો, અને હોસ્ટેલના વોર્ડનને વિનંતી કરવાથી તેને હોસ્ટેલમાં રહેવાની પરમિશન મળી ગઈ.

ધીમે -ધીમે દિવસો વીતવા લાગ્યાં, અને અવિનાશ પણ દિવસ-રાત જોયા વગર તનતોડ મહેનત કરવા લાગ્યો, જાણે પોતે મગજમાં કંઈક કરી બતાવવાનું નક્કી કર્યું હોય તેવું લાગી રહ્યું હતું, થોડાક જ દિવસોમાં અવિનાશની પરીક્ષા પણ આવી ગઈ, પરીક્ષા પણ સારી ગઈ, અને એકાદ મહિનામાં પરીક્ષાનું પરિણામ પણ આવી ગયું…..બીજે દિવસે છાપામાં મોટા અક્ષરે સમાચાર લખેલા હતાં કે સમગ્ર ગુજરાતમાં 98 % સાથે - ડેલ્ટા સ્કૂલ ઓફ સાયન્સનો વિદ્યાર્થી અવિનાશ ઝવેરભાઈ પટેલને બોર્ડની પરીક્ષામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ ખુબ ખુબ અભિનંદન….!

 તે જ દિવસે અવિનાશે પોતાના ઘરે ફોન કર્યો, અને રૂપાબેન અને સોનમ સાથે વાત કરી, ઘરના દરેક સભ્યો અવિનાશની આ સિદ્ધિ બદલ ગર્વ અનુભવતા હતાં, અવિનાશે તેના મમ્મી સાથે ફોન પર વાત કરતાં કરતાં પૂછ્યું.

“મમ્મી ! પપ્પા શું કરે છે..”

“કઈ નહીં બેટા, એ નાસ્તો કરવા બેઠા છે, અને સોનમ તેને નાસ્તો આપી રહી છે…”

“મમ્મી ! મારી એકવાર પપ્પા સાથે વાત કરાવને…!”

“હા ! ચોક્કસ…” - આટલું બોલી રૂપાબેન ઝવેરભાઈને મોબાઈલ આપ્યો.

“હેલ્લો ! પપ્પા” - અવિનાશ અટકતા -અટકાતા બોલ્યો.

“હા ! બોલ બેટા… !” - ઝવેરભાઇ થોડુંક વિચારીને બોલ્યાં.

“પપ્પા ! શું હજુ પણ તમને એવું લાગે છે કે તમારે લાખો રૂપિયાની ખોટ ગઈ હોય એવું…..તમે મને તે દિવસે જે હાલતમાં જોયો એનાથી તમને કદાચ એવું લાગ્યું હશે કે તમને તમારા પુત્રના રૂપમાં લાખો રૂપિયાની નુકસાની ગઈ છે, પરંતુ હવે એ જ પુત્રએ આખા રાજ્યમાં તમારું નામ ફેમસ કરી દીધું, પપ્પા તમારા માટે હું લાખો રૂપિયા સમાન હતો, પરંતુ પરિસ્થિતિ અને સંજોગો પ્રમાણે એ લાખો રૂપિયા ખોટા હાથમાં ચાલી ગયેલા હતાં, જે હાલમાં તમારા જ છે….” - આટલું બોલી અવિનાશ રડવા લાગ્યો.

અવિનાશ દ્વારા બોલાયેલા એક -એક શબ્દો જાણે ઝવેરભાઈના હૃદયની આરપાર નીકળી ગયાં હોય એવું લાગી રહ્યું હતું, અવિનાશની આ વાતો સાંભળી ઝવેરભાઈ પણ નાના બાળકની માફક રડવા લાગ્યાં. 

“બેટા ! તું જ નહીં પરંતુ દુનિયામાં રહેલા કોઈપણ માં-બાપ માટે તેના સંતાનો લાખો રૂપિયા સમાન જ હોય છે, પછી ભલે તે માતા-પિતા ગમે તેટલા અમીર કે ગરીબ હોય, પરંતુ મને એ વાતનો આનંદ છે કે મારા લાખો રૂપિયા ખોટા રસ્તે, એટલે કે ખોટી સંગતે ચડી ગયા હતાં, એ હવે પાછા મારી પાસે આવી ગયાં છે, એટલે કે તું સાચા રસ્તે આવી ગયો એ જ મારું વળતર છે…” - આટલું બોલી અવિનાશે બધાને આવજો કહીને કોલ ડિસ્કનેક્ટ કર્યો.

ત્યારથી માંડીને આજસુધી અવિનાશે ક્યારેય દારૂ તો ઠીક પરંતુ તમાકુને પણ ક્યારેય હાથ લગાવ્યો નથી, અને તેના પિતાએ પણ અવિનાશની આ વાત કાયમિક માટે પોતાના હૃદયના કોઈ એક ખૂણામાં કેદ કરી દીધી.

ઘણીવાર આપણી સાથે પણ આવું જ બનતું હોય છે કે આપણા સંતાનો ગેરમાર્ગે ચડીને ખરાબ કુટેવોના ભોગ બનતા હોય છે, પરંતુ તેના માટે જવાબદાર તેની ખરાબ સંગત જ હોય છે, જે અવિનાશ જેવા નિર્વ્યસની વ્યક્તિને દારૂ સુધીનું વ્યસન કરાવવા માટે જવાબદાર હોય છે, અને આપણાં સંતાનોને મારવાથી કઇં ફાયદો થવાનો નથી, પરંતુ જ્યાં સુધી તે તેના મનથી ના સમજે કે હું જે આ બધું કરી રહ્યો છું, તે ખોટું છે, મારે આ ના કરવું જોઈએ, ત્યાં સુધી બધા જ પ્રયત્નો વ્યર્થ છે, જો કદાચ ઝવેરભાઈએ અવિનાશને પીઝાની ડિલિવરી કરવા ગયાં, ત્યાં જો તેને સખત માર માર્યો હોત તો કદાચ જે હાલમાં પરિણામ મળ્યું એના કરતાં કદાચ અવળું જ પરિણામ મળ્યું હોત, કદાચ ઝવેરભાઈને પોતાના એકના એક દીકરા અવિનાશને પણ ખોવાનો વારો આવ્યો હોત એવી પણ નોબત આવી શકત…..મારી આ સ્ટોરી વાંચીને જો એકપણ યુવકને એવું લાગે કે પોતે જે વ્યસન કરી રહ્યો છે તે ખોટું છે, જે ના કરવું જોઈએ તો મારી આ સ્ટોરી લખવા પાછળની મહેનત સફળ થઈ એવું હું માનીશ….

આ સાથે સાથે મારી દરેક વાલીને મારી નમ્ર વિનંતી છે કે પોતાના સંતાનને સ્કૂલમાં કે હોસ્ટેલમાં મુકતા પહેલા સ્કૂલ અને હોસ્ટેલની બધી જ માહિતી પૂરેપૂરી મેળવીને પછી જ પોતાના સંતાનનું એડમિશન લેવું.


Rate this content
Log in

Similar gujarati story from Drama