Nayanaben Shah

Action

4  

Nayanaben Shah

Action

પ્લાસ્ટિક સર્જરી

પ્લાસ્ટિક સર્જરી

12 mins
28


ચારેબાજુ એક જ વાત ચર્ચાતી હતી-નવા ઇન્કમટેક્ષ કમિશનરની. એક ઇન્કમટેક્ષ કમિશનર જાય અને બીજો આવે એમાં કંઈ આશ્ચર્યજનક વાત ન હતી. પરંતુ નવા કમિશનરની વાત અદ્ભૂત હતી. નવા કમિશનર તરીકે હતી એક અત્યંત લાવણ્યમયી સ્ત્રી. જોનાર વ્યક્તિ એની સામે જોઈ જ રહેતી. અવનવી વેશભૂષાનો એને શોખ લાગતો હતો. ક્યારેક લાગતું કે આ સ્ત્રી અચૂક બંગાળી હશે તો ક્યારેક પંજાબી તો કોઈક વખત ગુજરાતી કે મરાઠી, એનું વ્યક્તિત્વ જ અનેરુ હતું. ભલભલા એનું કહેલું કરવા સહેજમાં તૈયાર થઈ જતા છતાં પણ આ સ્ત્રી પરણેલી છે, કુમારી છે કે વિધવા આ વિશે જાત જાતની ચર્ચાઓ થતી. દરેક ઓફિસની એક વિશિષ્ટતા હોય છે કે સ્ટાફની દરેક વ્યક્તિ પોતાના બોસ વિશે બીજાથી કંઈક વિશેષ જાણે છે એ ગર્વ લેવા જેવી વાત બની જતી હોય છે. એમાં એમને આનંદ આવતો હોય છે આ સ્ત્રીની વાત થાય એ સ્વાભાવિક હતું. કારણ કે કેબીનની બહાર ` અંગીરા´ ઇન્કમટેક્સ કમિશનર એટલું જ લખેલું આગળ મિસ કે મિસિસ જેવું કંઈ જ સંબોધન ન હતું કે પાછળ અટકની ઝંઝટ ન હતી. એ મૂળ ક્યાંની રહેવાસી છે એ પણ કોઈને ખબર ન હતી. એ ઘણી બધી ભાષાઓ જાણતી હતી અને બધી ભાષાઓમાં સહજ રીતે વાતચીત કરી શકતી હતી.

પરંતુ દરેક ઓફિસમાં ઘણાને કામને બદલે બીજાની જાસુસીનું કામ વધુ અનુકૂળ રહેતું હોય છે. આમ પણ સરકારી ઓફિસ જાણે કે આ બધા માટે અનુકૂળ ના હોય !

ઓછું કામ કરવાની દાનતવાળો સ્ટાફ ખુશ હતો. તેમનું માનવું હતું કે સ્ત્રી કમિશનર કડક હોઈ જ ના શકે. સ્ત્રીઓનો મૂળભૂત ગુણ કોમળતા જ છે. પરંતુ સ્ટાફમાં થોડા જ વખતમાં સમજાઈ ગયું કે નવા કમિશનર ચુસ્ત શિસ્તપાલનમાં માનનારા છે અને એમની કામમાં ઝડપ એટલી બધી છે કે જે બીજે ભાગ્ય જ જોવા મળે. કામમાં વિલંબ કરનાર સામે સખત હાથે પગલાં લેવામાં આવવા માંડ્યા. સ્ટાફમાં બધા નિયમિત આવતા થઈ ગયેલા. પાંચ મિનિટ મોડા આવનારને નજર સામે લાલ લીટો દેખાવા લાગતો. એમાં ય જો કોઈને કેબિનમાં બોલાવામાં આવે તો કેબિનમાં પ્રવેશ કરતાં પહેલાં એના આરાધ્યાદેવને યાદ કરી લેતો.

જ્યારે ઈન્કમટેક્ષ ઓફિસર ચંદ્રેશને કેબિનમાં બોલાવ્યો ત્યારે બધાના મોં આશ્ચર્યથી પહોળા થઈ ગયેલા. સાહેબોના મિજાજ પટાવાળા તરત ઓળખી જતાં હોય છે એટલે તો પટાવાળાએ આવીને કહેલું,"ચંદ્રેશભાઈ, લાગે છે કે મેડમ તમારી પર બહુ જ ગુસ્સે ભરાયા છે."

ધ્રૂજતાં પગલે ચંદ્રેશે કેબિનમાં પ્રવેશ કર્યો. જાણે કે લાવારસ ભભૂકી ઉઠ્યો, "મિ.ચંદ્રેશકુમાર, તમે તમારી જાતને બહુ પ્રામાણિક સમજી બેઠા છો ? ઓફિસમાં પ્રામાણિકતાની છાપ ઉપસાવી છે. જુઓ આ લિસ્ટ....આટલી બધી ફાઈલોની તમારી પાસે માહિતી નથી. તમારા વિભાગના વહેપારીઓની તમારા વિરૂધ્ધ ફરિયાદો આવી છે.

મારી ઓફિસમાં હું ક્યારેય આવું નહીં ચલાવી લઉં. આગળના કમિશનરો સારા હશે કે તમને જવા દીધા હશે. તમારો સી.આર. બગાડ્યો નથી. આ બધી જ બાબતનો ખુલાસો જોઈએ. હમણાં જ....."

"પણ...પણ..."

"જુઓ મિ.ચંદ્રેશ, ખોટું કરનારની જીભ હંમેશા થોથવાતી જ હોય છે. જવાબ આપવો ના હોય તો હું યોગ્ય પગલાં જાતે ભરીશ."

ચંદ્રેશે એક નજર કમિશનર સામે નાંખી.

પરિચિતતાનો ક્યાંક અણસાર લાગ્યો. અવાજની કઠોરતા બાદ કરતાં અત્યંત પરિચિત સ્વર હતો. ચંદ્રેશ વિચારતો ઊભો રહ્યો. ત્યાં ફરીવાર તિરસ્કારથી ભરપૂર ઊંચો સાદ સંભળાયો,"નાઉ યુ કેન ગો...."

ચંદ્રેશ કેબિનની બહાર નીકળ્યો ત્યારે તેનું આખું શરીર પરસેવાથી રેબઝેબ થઈ ગયું હતું. આટલા વર્ષોમાં આ પ્રથમ બનાવ હતો કે જ્યારે કોઈએ ચંદ્રેશ જેવા ઓફિસરને ઠપકો આપ્યો હોય. તરત ચંદ્રેશ રજાનો રિપોર્ટ મૂકી ઘેર જતો રહ્યો.

ઘર....માત્ર ચાર દિવાલોનું હતું. એ તબક્કે ચંદ્રેશને એકાંત વધુ ભયાનક લાગ્યું.

આખરે મનુષ્ય એકાંત પણ કેટલું સહન કરી શકે ? નદી કિનારાનું સૌંદર્ય નીરખતા કે ચાંદની રાતમાં અવશ્ય એકાંત ગમે. અરે ! અમાસની રાતનું પણ એક અનોખું સૌંદર્ય હોય છે. પરંતુ આવા સંજોગોમાં ચંદ્રેશને જરૂર હતી કોઈક સાથીની જે એકાંત દૂર કરે.જે પોતાના પાલવ વડે એની આંખોમાં આવેલા આંસુ લૂછે. દુઃખમાં આશ્વાસનના બે બોલ કહે, આટલા વર્ષો બાદ આજે એક ઉણપ સાલી રહી હતી. નીનાની.

નીના.....કેટલા વર્ષો બાદ યાદ આવી ! ચંદ્રેશ અકળાઈ ઉઠ્યો. એકાએક જ એને થયું કે નીના જ હતી અંગીરા નહીં. નીના જ હોવી જોઈએ.

નીના દુનિયાને બનાવી શકશે મને નહીં. આજે પહેલીવાર એના અવાજમાં કઠોરતા હતી તેથી એ થાપ ખાઈ ગયો. ફાઈલો કદાચ નીનાએ જ સંતાડી હોય ! કારણ માત્ર બદલો....હા...હા, એ નીના જ છે. મોર્ડન વેશભૂષા અને લાંબા સમય બાદ જોવાથી તરત ખ્યાલ ના આવ્યો. એમાં ય એણે નામ પણ બદલી કાઢ્યું હતું. હું જરૂર કમિશનરના બંગલે જઈશ. આજે જ..સાંજે. એ પહેલાં ફોન કરી મળવાનો સમય પણ લઈ લઈશ.

જો એ ખરેખર નીના જ હોય તો...પણ નીના તો માત્ર બી.કોમ.હતી અને આ તો આઈ.એ.એસ. છે નીના હોય તો કેટલું સારૂ !પોતે આવું જ ઇચ્છતો હતો. પત્ની ખૂબ કમાય, ખૂબ પૈસા ભેગા થાય. કેટલો બધો પૈસો છે નવા કમિશનર પાસે ! જો કે મારો વહેમ પણ હોઈ શકે.

ગમે તે હોય કમિશનર નીના હોય કે અંગીરા સાંજે બંગલે તો જવું જ છે.

અંગીરા બહુ જ ખુશ હતી. ચંદ્રેશ કેબિનમાંથી બહાર નીકળ્યો કે તરત કંઈ ગીત ધીમા અવાજે ગાવા માંડી. રજાનો રિપોર્ટ મૂકી અંગીરા બંગલે પહોંચી ત્યારે નોકરવર્ગ મેડમને વહેલાં ઘેર આવેલાં જોઈ અંચબામાં પડી ગયો. ક્યારેય મોં પર હાસ્ય નહીં લાવનાર અંગીરાએ બધા સામે જોઈ સ્મિત વેર્યું.

આવતાંની સાથે જ ફાઈલોમાં ડૂબી જનાર અંગીરાએ બિસમિલ્લાખાંનની શહનાઈની કેસેટ મૂકી. વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. મહારાજે આવીને અંગીરાને પૂછ્યું,"મેડમ,ચા બનાવું ?" અંગીરા મધુર હાસ્ય સાથે બોલી,"બસ,એકલી ચા જ !મહારાજ, સાથે મીઠાઈ પણ લાવજો અને શક્ય હોય તો મીઠાઈમાં હલવાસન જ લાવજો."

વૃદ્ધ મહારાજ હસી પડ્યો. ઘરમાં પ્રથમવાર હાસ્યનું સામ્રાજ્ય સ્થપાયું હતું. અંગીરાના અવાજમાં કરડાકીની જગ્યા મીઠાશે લઈ લીધી હતી.

ચા અને મીઠાઈની ટ્રે અંગીરા પાસે મૂકી કે અંગીરા બોલી ઊઠી, "મહારાજ સાંજે શું રસોઈ બનાવશો ? બહુ જ સરસ રસોઈ બનાવજો."

મહારાજ વિચારમાં પડી ગયા. કાયમ હુકમ કરવા ટેવાયેલી એની મેડમ આજે એની સલાહ લઈ રહી હતી કે ,"શું રસોઈ કરશો ?" તેથી મહારાજે હિંમત કરીને પૂછી જ લીધું, "મેડમ, આજે કોઈ મહેમાન આવવાના છે ?"

અંગીરા માત્ર હસી. એના હાસ્ય પાછળ સંતોષની ઝલક સહેજે સમજાઈ જતી હતી.

વૃદ્ધ મહારાજથી આ વાત છાની ના રહી. એ હસીને બોલ્યા, "મેડમ, તમે આજે મારી રસોઈની કમાલ જો જો."

નોકરવર્ગ અંદરોઅંદર ચર્ચા કરતો હતો મેડમની ખુશીની--એમાંય મહારાજે આવીને કહ્યું, "આજે ખાસ મહેમાન આવવાના લાગે છે. મેડમે મીઠાઈ મંગાવી અને સરસ રસોઈ કરવાનું પણ કહ્યું." બહાર વાતાવરણ હાસ્યમય બની ગયું.

થોડાક અવાજ અંગીરાને કાને પડ્યા એને વધુ સાંભળવા માટે શહનાઈનો અવાજ ધીમો કર્યો.

ચોકીદારનો અવાજ આવતો હતો,"જવા દે યાર મેડમે લગ્ન કરવાનું નક્કી કર્યું હશે, બીજુ શું ? બાકી આવી મિજાજી ઔરતના મુખ પર હાસ્ય શેનું આવે ? કોઈપણ સ્ત્રીનો ગુસ્સો ઉતારવો હોય તો એના લગ્ન કરાવી નાખવા જોઈએ." ફરીથી વાતાવરણમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું.

અંગીરા ઊઠીને બેડરૂમમાં ગઈ. એ આંખો બંધ કરી વિચારવા લાગી કે શું ચોકીદારની વાત સાચી છે ? લગ્ન પછી સ્ત્રીનો મિજાજ ઉતરી જાય છે ? સ્ત્રીને તો સમાજે ગુસ્સો કરવાનો હકક જ ક્યાં આપ્યો છે ? આ તો પુરૂષપ્રધાન સમાજ છે જાણે કે બધો હક્ક પુરૂષને જ છે. જ્યારે પોતે....! આ બધાથી બિલકુલ અલિપ્ત છે. ચોકીદાર પણ આખરે તો પુરૂષ જ છે ને ?

એની સામે સવારે જોયેલો ચંદ્રેશનો દયામણો ચહેરો તરવરી રહ્યો. આજથી બાર વર્ષ પહેલાં પોતાનો ચહેરો પણ આવો જ દયામણો હતો. એ વખતે એ અંગીરા પણ ક્યાં હતી ? માત્ર નીના પટેલ હતી. પટેલ અટક સાસરી અને પિયર બંનેમાં હતી. એણે નફરતની આગમાં પોતાનું નામ કોર્ટમાં એફિડેવિડ કરીને અંગીરા કરાવી દીધું હતું. એ ભૂતકાળને પુરી રીતે દફનાવી દેવા માંગતી હતી.

ચંદ્રેશ સાથે લગ્નજીવનના બે વર્ષ એના માટે બે ભવ બની ચૂક્યા હતા. ચંદ્રેશ જેવા માણસ સાથે એ બે વર્ષ પણ કઈ રીતે પસાર કરી શકી એનું એને આશ્ચર્ય હતું. ચંદ્રેશ જેવો લોભીયો, હૃદય વગરનો પતિ.

અંગીરાનું મન કહેતું હતું કે જ્યારે લોભિયા ચંદ્રેશને ખબર પડશે કે નીના આઈ.એ.એસ. થઈને ઇન્કમટેક્ષ કમિશનર બની ગઈ છે ત્યારે દોડતો કહેવા આવશે, "મારી ભૂલ થઈ ગઈ. પાછી ઘેર ચલ. આપણે સાથે રહીશું." ચંદ્રેશને સ્વમાન કરતાં પણ વધુ જરૂર પૈસાની હતી. અરે, એના તો હૃદયની જગ્યાએ પૈસો જ હશે.. ક્યારે એણે કોઈને સમજવાની કોશિશ જ ક્યાં કરી હતી ? ચંદ્રેશ મને સમજી શક્યો હોત પણ એ તો એક જ વાત કહેતો, "નીના, તું નોકરી કર. મારે તો નોકરી કરતી પત્નીની જરૂર છે. મારે પૈસો જોઈએ છે." જ્યારે નીનાએ આ બાબતનો કંઈ પ્રતિભાવ ના આપ્યો ત્યારે એણે કહી દીધું,"નીના, તારામાં આવડત હોય તો જા નોકરી કરવા." પણ ચંદ્રેશ..સ્ત્રીનું હૃદય ક્યાં સમજી શક્યો હતો ?નીના ઈચ્છતી હતી કે પતિ ઓફિસેથી થાકીને ઘેર આવે ત્યારે મધુર સ્મિત સાથે એક ગરમાગરમ ચાનો કપ ધરી દેવામાં આવે તો આખા દિવસનો થાક ઉતરી જાય. ઓફિસે જતી વખતે, રૂમાલ, મોજા, પાકીટ, કપડાં તૈયાર કરીને આપે. મધુર હાસ્ય સહિત થોડીવાતો કરે તો બધો થાક ઉતરી જાય અને જીવવાનું બળ મળે. પણ ચંદ્રેશને મન જીવવાનું બળ એટલ પૈસો...માત્ર પૈસો.

ચંદ્રેશનો ઉધ્ધત સ્વભાવ..એ પોતાની જાતને સ્પષ્ટ વક્તા માનતો હતો તેથી બીજાને બેધડક ગમે તેવા શબ્દો કહી શકે અને કહ્યા પછી પોતાનો સરળતાથી બચાવ કરતાં કહી શકે કે સ્પષ્ટ કહેનારના પેટમાં પાપ નથી હોતું. પરંતુ જે હૈયે હોય એ જ હોઠે આવે. શબ્દ એ તો હૃદયની ભાષા છે. અને મોંમાંથી નીકળેલ શબ્દ ટુથપેસ્ટમાંથી નીકળેલ પેસ્ટ જેવા છે કે જે પાછા જતાં નથી. ગમે તેમ બોલવાથી પોતાનો જ અહમ સંતોષાય છે પણ જેના દિલ પર વીતી હોય એ જ અનુભવી શકે. ચંદ્રેશે તો મારા સ્ત્રીત્વ પર પણ પ્રહાર કર્યો... કારણ..માત્ર એટલું કે મારા તરફથી એને એક વર્ષમાં સારા સમાચાર ના મળ્યા. ચંદ્રેશ હું તને ક્યારેય માફ નહીં કરૂ. તું સમજતો હોઈશ કે સ્ત્રીનો સ્વભાવ મૃદુ હોય છે પણ એ મૃદુતાનું વર્ણન કરતાં કવિ કે લેખકની નાયિકાને તારા જેવી કઠોર વ્યક્તિ જોડે પનારો નહીં પડ્યો હોય. જો તારા જેવી વ્યક્તિ જોડે પનારો પડ્યો હોત તો બદલાની આગમાં જલતી સ્ત્રી કેટલી કઠોર બની શકે એ વર્ણવ્યું હોત. હું તો તને ઓફિસરમાંથી ઇન્સપેક્ટર ના બનાવી દઈશ એ યાદ રાખજે.

મહારાજે પૂછ્યું ,"કેટલી વ્યક્તિની રસોઈ બનાવું ? ત્યારે એણે કહ્યું, "કોઈ મહેમાન નથી. હું એકલી જ છું. જ્યારે ચોકીદારને ખબર પડી ત્યારે નિરાશ થતાં બોલ્યો,"આ બાઈ કાંઈ લગ્ન કરે એવું લાગતું નથી." અંગીરાએ બારીમાંથી જોયું મહારાજ માથું કૂટી રહ્યા હતા.

અંગીરા મનમાં બોલી ઊઠી, "બુધ્ધુ, બંધન તો બધાને પ્રિય હોય. ભ્રમર પણ કમળમાં જાતે જ પુરાઈ જાય છે માત્ર પ્રેમ ખાતર." એ ચંદ્રેશ પાસે આંસુ સારતી ત્યારે ચંદ્રેશ કહેતો, "મને કકળાટ પસંદ નથી."

"કકળાટ..."ચંદ્રેશ મારા આંસુ તો મારા હૃદયની વેદનાનું પ્રતિક હતું,એ મૂલ્યવાન હતા. પરંતુ કઠોર દિલની વ્યક્તિ તથા પૈસાની લોભી વ્યક્તિ એ ના સમજે કારણ એનામાં સતત સમજશક્તિનો અભાવ હતો એની સાથે જીવન જોડીને આંસુ સિવાય શું પ્રાપ્ત થયું ? "મેડમ, કોઈ આ.ઈ.ટી.ઓ ચંદ્રેશ પટેલનો ફોન છે પૂછી રહ્યા છે," ક્યારે મળવા આવે ?"

"હમણાં જ..."સેક્રેટરીને આજે એક નવું રૂપ જોવા મળ્યું. સહજપણે સમય આપી દેતાં બોસનું. બાકી હંમેશ ફાઈલોમાંથી માથુ ઊંચું નહીં કરતી અંગીરા શહનાઈ સાંભળી રહી હતી કે જે સહેજ પણ અવાજ થાય તો ચિડાઈ જતી.

અંગીરાએ ઘડિયાળમાં જોયું ચાર વાગેલા. એનો અર્થ કે એ પણ રજા લઈને વહેલો ઘેર આવી ગયો હતો. કાલે એની પાસે ખુલાસો માંગવો પડશે. અંગીરા ડ્રેસિંગ ટેબલ બાજુ ગઈ. અરીસામાં પોતાનું રૂપ જોવા લાગી. એકાએક એને કંઈક યાદ આવ્યું. સાડીઓના કબાટ પાસે ગઈ. ભારેમાં ભારે સિલ્કની સાડી કાઢી. દાગીના કાઢ્યા સરસ તૈયાર થઈ અને મહારાજને બૂમ પાડી ,"મહારાજ અત્યારે બદામ પિસ્તાવાળા દૂધ સાથે બે ચાર નાસ્તાની આઈટમ બનાવજો."

અંગીરા સુંદર તો હતી જ પણ એના સૌંદર્યમાં આજે ખુશી પણ ભળી હતી. સુંદર તૈયાર થયા બાદ પણ હૃદયનો ઉત્સાહ ના હોય તો સાડી કે દાગીનાનું સૌંદર્ય ફિક્કુ લાગે જ્યારે હૃદયના ઉત્સાહની વાત અનેરી હોય છે. અંગીરાનું સૌંદર્ય જોનાર જોઈ જ રહેતું. આજે એના સૌંદર્યમાં ચારચાંદ લાગી ગયા હતા.

"મેડમ, આર.ટી.ઓ. ચંદ્રેશભાઇ  પટેલ આપને મળવા આવ્યા છે."

અંગીરાએ સંતોષનો શ્વાસ લીધો. અંગીરા ધીમા પગલે સિલ્કની સાડી અને ઘરેણાથી લદાયેલી ડ્રોઈંગ રૂમમાં આવી. ચંદ્રેશ પળભર જોઈ જ રહ્યો અને મોંમાંથી એ સાથે જ ઉદગાર સરી પડ્યા તું.. તું...જ નીના ને ?

"હા" 

"લગ્ન બાદ આ જ રીતે ધીમા ડગ ભરીને દિલમાં અરમાન સાથે રૂમમાં પ્રવેશ કરેલો. આજે વર્ષો બાદ ફરીથી...."

"મને ખાતરી હતી કે તું નીના જ છું નીના તેં ખૂબ પ્રગતિ કરી હું ખૂબ જ ખુશ છું. નીના હું માની જ નથી શકતો કે તું....

"મિસ્ટર ચંદ્રેશકુમાર આ પ્રગતિ તો આપ શ્રીની દેણ છે."

"મહારાજ ડાઇનિંગ ટેબલ તૈયાર કરો અમે આવીએ છીએ."

" તૈયાર જ છે."

"નીના મારે એની કાંઈ જરૂર નથી."

"જુઓ અહીં આવનાર વ્યક્તિ ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર હોય, ઓફિસર હોય કે દુશ્મન હોય, નીનાના બંગલેથી કોઈ ક્યારેય ભૂખ્યું પાછું જતું નથી. ચાલો નાસ્તો તૈયાર છે."

 "નીના તેં આટલા વર્ષોમાં મને તારી પ્રગતિના કંઈ સમાચાર ના આપ્યા ?"

" સમાચાર ...સમાચાર આપવા જેવા આપણા સંબંધો હતા ખરા ?"

" નીના જૂની વાતો ભૂલી જા."

"સાચી વાત છે જુના એક એક સ્મરણ હું ભૂલી જવા માગું છું એટલે સુધી કે મારું નામ પણ નીનામાંથી અંગીરા કરાવી દીધું. જુની કોઈપણ વાત સાથે મારે કોઈ પણ સંબંધ નથી."

" પરંતુ આટલા વર્ષો બાદ આપણે ફરીથી સહજીવન શરૂ કરીએ."

તો જુઓ મિસ્ટર ચંદ્રેશકુમાર તમે મારે ત્યાં મહેમાન બનીને આવ્યા છો માટે હું અપમાન નહીં કરું. એ તો આર્ય સંસ્કૃતિને લાંછનરૂપ છે. હું તમારી જેમ કોઈ અસહાયને વરસાદની રાતમાં કડવા શબ્દ બોલી, માનસિક ત્રાસ આપી ઘર છોડવા મજબૂર ના કરૂ... ચંદ્રેશ તમે અત્યાર સુધી મારી રાહ જોઈને લગ્ન કર્યા નથી, પરંતુ લગ્ન નહીં કરવાનું કારણ તમારી મશહૂર ખાનદાની, તમારા સ્વભાવથી પરિચિત કોઈપણ કન્યાના મા બાપ તમને પોતાની કન્યા આપવા રાજી ન હતા. મેં બધી તપાસ રાખી છે. તમારા સ્વભાવથી તમારી બહેનો, તમારી માતા બધા જ કંટાળી ગયા હતા. પરંતુ દરેક વ્યક્તિ લોહીની સગાઈથી તમારી સાથે જોડાયેલી હતી માટે જ બધા મને દોષિત ઠેરવતા રહ્યા અને તમને સારા બતાવતા રહ્યા. પણ કોઈને વખત છોડતો નથી. જવા દો, એ વાત. મને કોઈને ભારરૂપ થઈને જીવવાનું પસંદ ન હતું. વારંવાર તમે કહેતા હતા," તારામાં આવડત નથી માટે તું નોકરી નથી કરતી." પરંતુ તમારી બહેન પણ નોકરી કરતી ન હતી. તે બાબતમાં તમે ચૂપ રહ્યા. આજે હું મારી આવડતથી જ આઈ.એ.એસ. થઈ છું. મારા શરીર પરના વસ્ત્રો અને ઘરેણાં મારી કમાઈના છે. તમારે મારી આવડત જોવી હતી એ જોઈ લીધી ?"

"નીના, બસ કર તારા મનનો ઉભરો નીકળી ગયો હોય તો આપણે સહજીવન શરૂ કરીએ. હું બધુ ભૂલી જવા તૈયાર છું."

"પણ હું તૈયાર નથી. આ તમારો પસ્તાવો નથી પણ પૈસા પ્રત્યેનો મોહ છે અને સમાજમાં મારા પદ, પૈસા અને પ્રતિષ્ઠાનો લાભ લઈ તમારો અહમ સંતોષવો છે. હું એટલી અબુધ નથી કે તમારી દાનત સમજી ના શકું. મારા ગયેલા વર્ષો પાછા નથી આવવાના. જ્યારે પતિ સાથે રહીને જિંદગીનો ભરપૂર આનંદ માણવાનો હતો ત્યારે પતિના મુખેથી બિભત્સ શબ્દો સાંભળ્યા છે. મારી જિંદગીના અદ્ભૂત સ્વપ્નનો તમે સંહાર કર્યો છે."

અંગીરા થોડું અટકી દૂધનો ગ્લાસ ચંદ્રેશ તરફ લંબાવતા બોલી,"લઈ લો, તમને દૂધની આદત છે." 

અંગીરાના આગ્રહ પાછળ પ્રેમ છે કે આતિથ્ય નિભાવનાની જીમ્મેદારી એ ચંદ્રેશ કંઈ સમજી ન શક્યો. અનાયાસ એ પત્ની સાથે પોતાની સરખામણી કરી રહ્યો હતો.

ખાલી દૂધનો ગ્લાસ ટેબલ પર મૂકતા ચંદ્રેશ બોલ્યો, "નીના તું આપણા ઘેર પાછી ચાલ."

"તમે મારા મહેમાન બનીને આવ્યા છો માટે અપમાન નહીં કરું પણ એક વાત સાંભળી લો, તૂટેલા સંબંધોની પ્લાસ્ટિક સર્જરી ના હોય, સંબંધ તૂટ્યા એ તૂટ્યા. એ ઘર તમારું છે અને માત્ર તમારું જ રહેશે. ચાર દીવાલનું ઘર... એમાં કદાપી મારી કલ્પના સુધ્ધા કરવાની કોશિશ ના કરતા."

અને અંગીરાએ બેડરૂમમાં જઈ પલંગ પર સુખની નિદ્રા માણવાનો આરંભ કર્યો, બરાબર બાર વર્ષ પછી.


Rate this content
Log in

Similar gujarati story from Action