Sheetal Maru

Action Classics Thriller

4  

Sheetal Maru

Action Classics Thriller

આગે ભી જાને ના તુ - 5

આગે ભી જાને ના તુ - 5

8 mins
263


ગતાંકમાં વાંચ્યું....

જોરાવરસિંહ ખીમજી પટેલને મળીને પાછા ઘરે આવે છે. બીજી તરફ અનંતરાયને કોઈ વ્યક્તિનો ફોન આવતાં એમની તબિયત બગડે છે અને રાજીવ અનંતરાયને દવાખાને લઈ જાય છે.

હવે આગળ.....

શહેરની મોટી અને અદ્યતન ગણાતી હોસ્પિટલમાં જેની ગણના થઈ શકે એવી ડૉક્ટર અરવિંદ ઉપાધ્યાયની નવજીવન હોસ્પિટલમાં પહોંચતા પહેલાં રાજીવે ડોક્ટર ઉપાધ્યાયને કોલ કરી અનંતરાયની તબિયત વિશે માહિતી આપી દીધી હતી. રાજીવના હોસ્પિટલમાં પહોંચતા વેંત જ મેઇન ગેટના કોરિડોર પાસે જ બે વોર્ડબોય અને એક નર્સ સ્ટ્રેચર લઈને તૈયાર હતા એમણે અનંતરાયને કારમાંથી બહાર કાઢી સ્ટ્રેચર પર સુવડાવીને આઈ સી યુ વોર્ડમાં લઈ ગયા. ડૉક્ટર અરવિંદ ઉપાધ્યાયે અનંતરાયનું ચેકઅપ કરી રાજીવને પોતાની સાથે કેબિનમાં લઈ જતાં બોલ્યાં," અચાનક કોઈ સ્ટ્રેસવાળી વાત કે આઘાતજનક વાતથી અનંતરાય એકદમ ગભરાઈ ગયા છે. એમનું બીપી પણ નોર્મલ નથી. હમણાંતો મેં ટ્રીટમેન્ટ ચાલુ કરી છે અને બીજા કેટલાક ટેસ્ટ પણ કરાવી લઇશું. આજની રાત અનંતરાયને અંડર ઓબ્ઝર્વેશન હોસ્પિટલમાં જ રાખું છું. આવતીકાલે બધા રિપોર્ટસ આવી જાય પછી જોઈએ," ડૉક્ટર ઉપાધ્યાયે સ્ટેથોસ્કોપ બાજુમાં મૂક્યું અને લેટરહેડ પર પ્રિસ્ક્રિપ્શન લખી રાજીવને મેડિસિન લઈ આવવા માટે કહ્યું, "તું ચિંતા ના કરતો, એવરીથિંગ વિલ બી ઓલરાઇટ," રાજીવનો ખભો થપથપાવી ડોક્ટર ઉપાધ્યાય હોસ્પિટલમાં બીજા પેશન્ટને ચેક કરવા રાઉન્ડ પર નીકળી ગયા અને રાજીવ હોસ્પિટલના પરિસરમાં આવેલા મેડિકલ સ્ટોરમાંથી મેડિસિન લેવા નીચે ઉતર્યો. નીચે ઉતારતાં પહેલા એણે સુજાતાને અનંતરાયની હોસ્પિટલમાં દાખલ કર્યાની વાત કરી. સુજાતા કામ પડતું મૂકી જમનાબેનને જણાવી ડ્રાઇવરને બોલાવી કારમાં બેસી હોસ્પિટલ આવવા નીકળી ગઈ. 

રાજીવે અનન્યાને ફોન લગાડ્યો, "હેલો અનન્યા, પપ્પાની તબિયત અચાનક બગડતા ડૉક્ટર ઉપાધ્યાયની નવજીવન હોસ્પિટલમાં એડમિટ કર્યા છે, તું હમણાં નહીં આવતી. જરૂર પડ્યે હું ફોન કરીશ. એક-બે દિવસમાં રજા મળી જશે, ચિંતા ના કરતી," કહી રાજીવે ફોન કટ કર્યો અને રોશનીને ફોન લગાડ્યો. રોશની અને મનીષકુમાર સાથે અનંતરાય બાબત વાત કરી બંનેને ચિંતા ન કરવાનું જણાવ્યું.

***

રાજપરાના ચોકમાં આઠ-દસ ગ્રામજનો પીપળાના ઝાડ નીચે બાંધેલા ઓટલે કુંડાળું કરીને બેઠા હતા. વચ્ચે જોરાવરસિંહ અને આજુબાજુ બીજા લોકો અલકમલકની વાતો કરી રહ્યા હતાં. ઓટલાની સામે ચાની નાની એવી હોટેલ હતી. ચંપક ચાવાળો બધા માટે ચા લઈ આવ્યો. ચા પીધા પછી બધા વાતે વળગ્યા. "કરસન, ઓણ સાલ તારી છોડીનું આણું વાળવાનું છે ને, કાંઈ મદદની જરૂર હોય તો કે'જે" જોરાવરસિંહ બાજુમાં બેઠેલા ખેડૂત મિત્ર કરસન પટેલને કહી રહ્યા હતા. "જી બાપુ, જરૂર પડ્યે તમારી આગળ જ હાથ લાંબો કરશું, આ સાલ સારો વરસાદ પડે તો હું સરખી રીતે છોડીને સાસરે વળાવીશ," કરસને ખભે મુકેલા ગમછાથી પરસેવો લુછયો. "પાછલાં બે વરહથી મેઘરાજા નથી વરસ્યા, મનેય છોડીના આણાની ચંત્યા સતાવે છે. સાસરીવાળા ઉતાવળ કરે છે," આકાશ તરફ આશાભરી નજરે મીટ માંડી કરસને ખીસામાંથી બીડીનું પાકીટ કાઢી જોરાવરસિંહ અને અન્ય ગ્રામજનોને ધરી પોતે પણ એક બીડી લઈ સળગાવી લાંબો કશ માર્યો. "ચંપકની ચા ને કરસનની બીડી વગર રોટલાય નથી પચતા" કરસનની બાજુમાં બેઠેલા નાથુએ ટીખળ કરી ને બધા હસવા લાગ્યા. 

જોરાવરસિંહ રોજ સાંજે ચોકના ઓટલે બેસી ગ્રામજનો સાથે ચર્ચા કરતા. 

***

રતન ઘોડી પર સવાર થઈ ખેતરે પહોંચ્યો. થોડા દિવસો પહેલાં લહેરાતો સોના સરખો પાક કાપણી માટે તૈયાર હતો. ચાર-પાંચ મજૂરો ઉગેલા પાકની કાપણી કરી રહ્યા હતા. રતનને આવેલો જોઈ કામ છોડી બધા રતન પાસે આવી ઊભા રહ્યા. રતને નીચે ઉતરી રાણીને ઝાડ સાથે બાંધી. એક મજૂર રાણી માટે લીલો ચારો લઈ આવ્યો ને રાણીના મોં આગળ ધર્યો, રાણી ચારો ખાવા લાગી. રતન એને ત્યાં જ બાંધેલી રહેવા દઈ આગળ વધ્યો. મંદ મંદ પવન વાતો હતો. વાતાવરણમાં ઠંડક હતી. હોળીનો તહેવાર નજીક આવી રહ્યો હતો. 

રતને પાક પર નજર ફેરવી, "કાળુભા, કેટલો પાક ઉતર્યો છે ?"રતન ખેતરમાં બાંધેલા નાના ગોડાઉનની બહાર મુકેલી ખુરસીમાં બેઠો.

"રતુભા, હજી થોડીક કાપણી બાકી છે, પછી પાકનું વજન થશે," કહી કાળુભાએ પાણીનો લોટો રતનને ધર્યો.

"હમમ.... કાંઈ વાંધો નહીં. હોળી પાસે આવી રહી છે એના પહેલાં બધું કામ થઈ તો જશે ને ?" રતન લોટામાંનું પાણી એકી શ્વાસે ગટગટાવી મોં લૂછી કુરતાના ખીસામાંથી રૂપિયાની થપ્પી કાઢી મજૂરોને એમની મજૂરી ચૂકવી. મજૂરોના ચહેરા પર આવેલું સ્મિત જોઈ રતને એક પ્રકારની શાતા અનુભવી. એનું માનવું હતું કે દરેક કામ સમયસર કરવું. દર અઠવાડિયે રતન મજૂરોને એમની મહેનતનું વળતર ચૂકવી દેતો. મજૂરો પણ રાજી થઇ કપરી અને બમણી મહેનત કરતાં. 

ત્યાંથી રતન ઉભો થઇ પાણીના પમ્પ પાસે આવ્યો."કાળુભા, મશીન બરાબર ચાલે છે ને, ગયા અઠવાડિયે રીપેર કરાવ્યું પછી કોઈ પ્રોબ્લેમ નથી થયો ને ?"

"ના.. ના.. હવે મશીન બરાબર ચાલે છે, કોઈ પોબ્લેમ નથી," કાળુભાએ પમ્પ ચાલુ કર્યું ને ધડ ધડ કરતો પાણીનો પ્રવાહ નાના નાના ક્યારામાં થઈને ખેતરમાં વહેવા લાગ્યો. રતને કાળુભાને મશીન બંધ કરવા કહ્યું ને પાછો રાણી પર સવાર થઈ હનુમાનજીના મંદિરે જવા રવાના થયો. રોજ સાંજે હનુમાનજીના મંદિરે દર્શન કરી પછી જ ઘરે જવાનો રતનનો વણતૂટ્યો નિયમ હતો. મંદિરેથી દર્શન કરી રતન ઘરે આવ્યો ત્યારે જોરાવરસિંહ પણ ઘરમાં પ્રવેશી રહ્યા હતા. રતને રાણીને લીમડાના ઝાડ સાથે બાંધી, બૂટ ઉતારી પગ ધોઈને અંદર ગયો. જોરાવરસિંહ બહાર જ ઢોલિયામાં બેસી ગયા. દામૂએ આવીને એમની મોજડી ઉતારી બાજુએ મૂકી એમની ઉતારેલી પાઘડી અંદર જઈ એમના ઓરડામાં મૂકી આવ્યો ને વળતાં પાણીનો ગ્લાસ પણ લેતો આવ્યો. થોડીવાર બહાર બેસ્યા પછી જોરાવરસિંહ હાથ-પગ ધોઈ પણ ડેલીની અંદર ગયા. રાત્રે વાળુમાં માયાએ બાજરાના રોટલા, રીંગણનો ઓળો, લસણની ચટણી ને છાસ પીરસ્યા. ચારેય જણ વાતો કરતા કરતા સાથે વાળુ કરવા બેઠા. દિવસ દરમિયાન શું બન્યું, શું કર્યું એની રોજિંદી ચર્ચા કરી. વાળુ પતાવી રતન અને જોરાવરસિંહ બહાર આંગણામાં આવી બેઠા અને કનકબા અને માયા બંને પોતાના કામ આટોપવા લાગી. 

"ખેતરે કામ કેટલે પહોંચ્યું ?" જોરાવરસિંહે રતનને પૂછ્યું પછી દામુને હાક મારી હુક્કો ભરી લાવવા કહ્યું.

"બાપુ, કાપણીનું કામ ચાલુ છે, આજે મજૂરી ચૂકવી દીધી છે, આ લ્યો આટલા રૂપિયા વધ્યા છે," રતને ખીસામાંથી વધેલા રૂપિયાની થપ્પી કાઢી જોરાવરસિંહના હાથમાં આપી. 

"બાપુ, આ લ્યો, હુક્કો તૈયાર છે," દામુએ હુકકો જોરાવરસિંહના હાથમાં આપ્યો. જોરાવરસિંહે રૂપિયા બંડીના ખીસામાં મુક્યા ને હુક્કો હાથમાં લીધો. થોડીવાર રતને અને જોરાવરસિંહે આડીઅવળી વાતો કરી. રતને ઉભા થઈ રાણીને ચારો પાણી આપ્યાં પછી અંદર જતો રહ્યો. પોતાના ઓરડામાં જઇ કપડાં બદલી ટીવી ચાલુ કરી બેડ પર બેસી ગયો. માયા પણ કામ પતાવી આવી. 

"રતન, કાલે ખરીદી કરવા જવાનું છે, યાદ છે ને ? મારે ચાંદીની પાયલ પણ લેવી છે, ઘૂઘરીવાળી અને એક કમરપટ્ટો પણ, લઈ આપીશ ને?" માયાએ પોતાના નાજુક હાથ રતનના ગળા ફરતે વીંટળાવ્યા અને રતનના ખભે પોતાનું માથું ઢાળી દીધું,

"હા... માયા, તને જે જોઈએ એ લઈ લેજે, તને ક્યારેય મેં ના પાડી છે ?" રતન માયાના વાળમાં હાથ ફેરવવા લાગ્યો. "બહાર બાંધેલી મારી પ્રિય ઘોડી રાણી અને તું મારા રૂદિયાની રાણી બંનેને નારાજ કરવું મને ના પોસાય. બારવાળી રાણી તો લાત મારીને ઘાયલ કરે પણ હું તો તારા વેધક નયનોના બાણથી જ ઘાયલ થઈ જાઉં છું," રતને વ્હાલથી માયાના ગાલે હાથ ફેરવ્યો. બંને પ્રણયના પૂરમાં તણાઈ ગયાં.

***

રાજીવ મેડિકલ સ્ટોરમાંથી દવા લઈ લિફ્ટ તરફ જવા લાગ્યો ત્યાં જ અચાનક એને કાંઈક યાદ આવ્યું ને પાછો ફર્યો. કારનો દરવાજો ખોલી અનંતરાયનો સીટ નીચે પડી ગયેલો મોબાઈલ લઈ પેન્ટના ખિસ્સામાં મુક્યો ને લિફ્ટમાં ઉપર જતો રહ્યો. લાવેલી દવાઓ રાજીવે નર્સને આપી એટલામાં સુજાતા પણ પહોંચી આવી. 

"રાજીવ, અચાનક શું થયું અનંતને ?" સુજાતાની આંખોમાંથી અશ્રુ વહી રહ્યાં હતાં. 

"ખબર નહીં મમ્મી, કોઈનો ફોન આવ્યો ને વાત કરતાં કરતાં આમ જ અચાનક પપ્પા ઢળી પડ્યા ને હું એમને અહીંયા લઇ આવ્યો," રાજીવે સુજાતાના ગાલે વહી રહેલાં આંસુ રૂમાલથી લૂછતાં બોલ્યો, "પપ્પા એકદમ ઓલરાઇટ છે, ચિંતા ના કર."

"દીકરા, છેલ્લા કેટલાક સમયથી હું જોઈ રહી છું કે અનંત કોઈક ટેંશનમાં છે. પોતાના વિચારોમાં ખોવાયેલા રહે છે. પૂછું છું તો પણ કાંઈ કહેતા નથી." ચિંતાભર્યા સ્વરે સુજાતા બોલી રહી હતી. "પહેલાં ક્યારેય એવું નથી બન્યું. અનંતે નાનામાં નાની વાત પણ મારી સાથે શેર કરી છે. હમણાંથી દિવસમાં બે-ત્રણ વખત સ્ટડીરૂમમાં જાય છે અને ત્યાંથી બહાર નીકળે છે ત્યારે એમના ચહેરા પર ઉદ્વેગ અને આશંકા સાફ દેખાય છે. કોણ જાણે એમના મનમાં શું ચાલી રહ્યું છે," સુજાતાનો ઉચાટ હજી શમ્યો નહોતો.

"હા મમ્મી, મેં પણ આ વાતની નોંધ લીધી છે... પપ્પાને એકવાર પૂછવાની કોશિશ કરી પણ એમણે વાત ટાળી દીધી એટલે બીજી વાર પૂછવું મને અજુગતું લાગ્યું," રાજીવ વાત કરી રહ્યો હતો એટલામાં નર્સે આવીને ડોક્ટરે બોલાવ્યાનું જણાવ્યું એટલે રાજીવ સુજાતાને ત્યાં બેસાડી પોતે ડૉક્ટરની કેબિનમાં આવ્યો.

"રાજીવ, મેં અનંતરાયનું બ્લડ સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલી આપ્યું છે અને બીજા જરૂરી ટેસ્ટ પણ કરાવી લીધા છે, સાંજ સુધીમાં રિપોર્ટ આવતાં ચોક્કસ નિદાન થશે પણ મને નથી લાગતું એમને કોઇ શારીરિક તકલીફ હોય. વધુ પડતા વિચારો અને તાણને લીધે આવું થવાની શકયતા છે. સાંજે રિપોર્ટ આવે પછી વાત. જો બધું નોર્મલ હશે તો કાલે બપોર સુધી અનંતરાયને ડિસ્ચાર્જ મળી જશે. તું અહીં રોકાઈ શકે છે, તારા મધરને ઘરે મોકલી દે. એ અહીં રોકાશે તો ચિંતામાં ને ચિંતામાં એ પણ અસ્વસ્થ થઈ જશે," કહી ડૉક્ટર ઉપાધ્યાય ઉભા થઈ રાજીવ પાસે આવી રાજીવના માથે વ્હાલથી હાથ ફેરવી બહાર નીકળી ગયા.

રાજીવે ડોક્ટર પાસેથી આવી સુજાતાને બધી વિગત કહી અને ઘરે જવા સમજાવીને ડ્રાઇવર જોડે સુજાતાને ઘરે મોકલી. સુજાતાને ગાલે આંસુઓ બાઝી ગયા હતા. એ કમને ઘરે ગઈ.

અનંતરાય માટે લંચ, ડિનર, દૂધ, ફ્રુટ બધું જ હોસ્પિટલમાંથી જ મળવાનું હતું. આઈ સી યુમાં કોઈને જવાની પરવાનગી ન હતી. રાજીવે દરવાજામાં લાગેલા ગ્લાસમાંથી જોયું તો અનંતરાય દવાની અસરથી ઘેનમાં હતા. રાજીવે નર્સ સાથે વાત કરી પોતાની અસ્વસ્થતા ખંખેરી ફર્સ્ટ ફ્લોર પર આવેલી હોસ્પિટલની કેન્ટીનમાં જઈ કોફીનો ઓર્ડર આપી બાજુના ગોળ ટેબલ ફરતે ગોઠવેલી ખુરશીમાં બેઠો. બંને હાથ કોણીએથી ટેબલપર ટેકવી માથું હાથ પર મૂકી અસમંજસ અને અકથિત અજંપમાં વિચારે ચડી ગયો. સવારે શાહ બ્રધર્સ સાથે થયેલી મિટિંગની કેટલીક વાતો એને યાદ આવી. 

"મિ. રાજીવ, સાંભળ્યું છે કે તમારા પિતાજી પાસે રાજા રજવાડાના સમયના એવા કેટલાક દાગીના છે જેની નકલ પણ કરવી મુશ્કેલ છે. અમુક દાગીના તો ક્યારેય જોયા ન હોય એવા બેનમૂન છે, એમાંથી કેટલાક તો અજોડ છે અને અવિસ્મરણીય પણ. એમાં પણ એમની પાસે એક એવો અદભુત કમરપટ્ટો છે જે ન ભૂતો ન ભવિષ્યતિ જેવો ગણાય છે. તમે ક્યારેય જોયો છે એ કમરપટ્ટો ?" આનંદ શાહે એમની પાસે રહેલી કેટલીક ડિઝાઇન બતાવતા કહ્યું હતું.

રાજીવને એકાએક પોતાની પેન્ટના ખિસ્સામાં રહેલો અનંતરાયનો મોબાઈલ યાદ આવ્યો. એણે મોબાઈલ ખિસ્સામાંથી બહાર કાઢી ઓન કરી કોલ લોગ ચેક કર્યો. આવેલો કોલ ફરી ડાયલ કર્યો. ત્રણ-ચાર રિંગ વાગ્યા પછી કોઈએ ફોન ઉપાડ્યો,"મને ખાતરી હતી પારેખસાહેબ કે તમારો ફોન આવ્યા વિના નહીં રહે. આ તો શું હતું કે બે દિવસથી હાથમાં ખંજવાળ ઉપડી હતી એટલે થયું તમને ફરી એકવાર યાદ કરાવી દઉં કે કમરપટ્ટો બરાબર છે કે નહીં...." હાસ્ય સાથે સામે છેડેથી ફોન કટ થઇ ગયો. રાજીવે પોતાના મોબાઈલમાં રહેલી કોલ ચેકની એપમાં એ નંબર ચેક કર્યો તો મોબાઈલ સ્ક્રીન પર નામ દેખાયું, "ખીમજી પટેલ, રાજપરા."

વધુ આવતા અંકે (ક્રમશ)


Rate this content
Log in

Similar gujarati story from Action