Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Falguni Parikh

Inspirational Action Crime

2.5  

Falguni Parikh

Inspirational Action Crime

સમર્પિત

સમર્પિત

8 mins
21.4K


એ સવલી હાલ ઝટ-બસ વાંહે વહી જાશ-હાલ બુન ઝટ-એમ બૂમ પાડતાં સવલીના મા-બાપ માથે સામાનનું પોટલું મૂકેલ તેને પકડી બસ પકડવા દોડતા હતા. સુરત બસ સ્ટેશન પર ઊભેલી કવાંટની બસમાં બેસવા એ દોડતા હતા.

સવલી રઘવાઇ થઈ માથાનો સામાન સાચવતી દોડતી બસ પાસે આવી. હોળી નજીક આવતી હોવાથી બધા મજૂરો પોતાના વતન પરત ફરી રહ્યા હતા. મુસાફરોથી બસ આખી ભરપૂર હતી.

સામાન બસના પગથિયે મૂકી સવલીએ બસમાં ચઢી, જગ્યા માટે આમતેમ જોવા લાગી. ક્યાંય જગા ના દેખાઈ. હવે શું કરવું? ક્યાં બેસવું? બસના કંડકટરે એને પાછળ જવા કહ્યું. પાછળ જગ્યા નહોતી. રઘુ કાનમાં ઈઅરસેટથી સંગીત સાંભળી રહ્યો હતો, એની નજર સવાલી પર પડી. તેના દેહલાલિત્યને જોતો રહી ગયો. ઈશારાથી સવલીને બેસવાનું કહ્યું. એના મા-બાપુ આગળ જગ્યા મળતા બેસી ગયા. બસે સફર શરૂ કરી. બસને કારણે બંનેના શરીર એકબીજા હારે અથડાતાં હતા. સવલીને શરમ આવતી હતી. એ સ્પર્શ એને મધુર લાગવા લાગ્યો. સુરતથી બસ કવાંટ પહોંચી, ત્યાર સુધીમાં બંને યુવાન હૈયા પ્રેમના બંધને બંધાતા ગયા.

કવાંટ આવતાં છૂટા પડવાનું બંનેને ના ગમ્યું. હોળીના મેળામાં મને મળીશ તું? રઘુએ પૂછ્યું. સવલીએ શરમાતા હા કહી! બંને ધડકતા હૈયા છૂટા પડ્યા.

કવાંટ-છોટાઉદેપુરમાં હોળીના મેળાનું ખૂબ મહત્વ છે! આદિવાસીઓ માટે આ તહેવાર દિવાળી જેવો તહેવાર છે! યુવાનો નવા વસ્ત્રો ધારણ કરે છે, શણગારેલી છત્રીઓ સાથે રાખે, સંગીત માટે, પાવા પણ સાથે હોય છે! આ મેળામાં યુવાનો સાથીદારની પસંદગી કરી લેતા હોય છે, લગ્ન કરી લેતા હોય છે.

સવલીની આંખોમાં પ્રેમનો નશો અંજાય ગયો હતો, મેળામાં જવાની તાલાવેલી લાગી હતી. એની બે'નપણી એને પજવતાં પૂછતી, "સવલી તું ઈ રઘુ હારે પૈણી જવાની છો?" "હોવે..." શરમાતાં એ જવાબ આપતી. "પણ તારા બાપુ ઈમ નહીં કરવા દેતો?" મનમાં સવલી બોલી, "મેળેથી અમ ભાગી જશને..."

દોસ્તારો હારે રઘુ મેળે પહોંચ્યો. આજ એ છેલછબીલો યુવાન લાગતો હતો! એની નજર મંદિર તરફ ખેંચાયેલી હતી. સવલીને શોધવા. મંદિરે દર્શન કર્યા બાદ, દોસ્તારો મેળો મહાલવા થનગની રહ્યા હતા, યૌવનનું પૂર ઉમટ્યું હતું! "હાલ-લા રંગલા, ત્યિયા કોની વાટુ જુવેશ?" "તમતમારે હાલો- હું થોડા ટેમમાં તમારી હારે આવી પૂગ્યો." દોસ્તારને મોકલી આપ્યા. સવલી મંદિરે આવી પૂગી. રઘુને વાંહે ઊભેલો દેખી તેની આંખો હસી પડી. બીજી બે'નપણીને મેળે મોકલી રઘુ પાંહે આવી. "સવુ આ જો, તારે હાટુ મેળામાંથી લીધું." ધોતીની ઓટમાંથી ચાંદીની વીંટી કાઢી.

વીંટી જોતાં સવલી બોલી, "જુઠુ કને બોલશ? ચાંદીયુ મેળામાં થોડું મલત?" હસીને બોલી. રઘુએ તેનો હાથ પકડી પહેરાવતાં બોલ્યો, "લે આજથી તું મારી થૈ!" મંદિરમાં ભગવાન સમક્ષ ફૂલોના હાર પહેરાવી લગ્ન કરી લીધાં. મેળો ખૂબ મહાલ્યો. સીધાં ત્યાંથી સાથે નવી જિંદગી શરૂ કરવા બસમાં બેસી મધ્યપ્રદેશ બાજુ નીકળી ગયાં.

"રઘુ આપણી કને કશું નથી, આપણે ક્યાં રઇશું?" "વ્હાલી, તું કાં ચિંતા કરે? આપણે બંને મજૂરી કરશું, ઘર બનાવશું." પ્રેમના સ્વપ્નમાં બંને ઓતપ્રોત થઈ ગયાં. પછીના દિવસો ખૂબ કઠિન ગયા. અજાણ્યા શહેરમાં જટ કામ મળતા નહીં, પાંહે થોડા રૂપિયા હતા પતવા આવ્યા. શું કરવું? ફૂટપાથ એમનું ઘર હતું.

'શ્રીજી કંન્ટ્રકશન' કંપનીની બાંધકામ સાઇટ પર રઘુને મજૂરી મળી. મહેનત કરવા લાગ્યો. સવલી પણ સાથે જોડાઈ. ધીરેધીરે, એક ઝૂંપડી બંધાય એટલું કમાયાં. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં એક ઝૂંપડી બાંધી. લગન પછી આજે કેટલા સમયે એમને ઘર બાંધ્યું. એ રાત એકમેકમાં ડૂબી ગયાં.

શ્રીજી કંન્ટ્રકશન' કંપનીએ નવી જગ્યા ઝારખંડમાં ખરીદી, ત્યાં આલિશાન હોટેલ બાંધવાનો પ્રોજેક્ટ શરૂ કરવા, અહીં જે મજુરો હતા એમને ત્યાં મોકલવાનું નક્કી કર્યું. ત્યાં મજૂરો મળતા નહોતા. રઘુ નવી જગાએ જવાનું મળ્યું, ખુશ હતો. મજૂરી અહીંના કરતા વધારે મળવાની હતી. સવલીને ચિંતા હતી - "ત્યિયા કેવું હશે?"

ઝારખંડ - જંગલનો વિસ્તાર, જ્યાં 'માઓવાદી'નો ખૂબ ત્રાસ હતો. એ લોકોને લૂંટી લીધા પછી કાપી નાખતા, ઉઠાવી જતા હતા. આ વિસ્તારમાં સાંજે પાંચ વાગ્યા પછી બહાર નીકળવામાં જોખમ રહેતું. આવા ખતરાથી રઘુ અને બીજા અજાણ્યા હતા. હોટલની સાઇટ પર બધા આવ્યાં, સવલીએ જોયું, પોલીસના માણસો હતા. એને ખ્યાલ આવી ગયો, અહીં જોખમ છે. ભાષાની એમને તકલીફ રહેતી, એટલે સમજી ના શકી શું જોખમ છે અહીં?

કામ શરૂ થઇ ગયું. સવલીએ પોતાની બીક રઘુને કહી. "ગાંડી ચ્યમ ડરશ? તારી કને હું છું, સામે પોલીસ છે, તું ચિંતા ના કર." સમય નીકળતો ગયો, બાંધકામ શરૂ થઈ ગયું. સવલીની ચિંતા એક દિવસ સાચી પડી. અચાનક બે જીપોમાં માઓવાદીઓ હાથમાં બંદૂક, શસ્ત્રો લઈ ત્રાટક્યા. સાઇટની ઓફિસમાંથી રોકડ રકમ ઉઠાવી, ઝૂંપડીમાંથી બધા પુરુષોને ખેંચી બહાર કાઢ્યા. ગોળીબાર કરી મોતને ઘાટ ઉતાર્યા. રઘુએ અને બીજા સાથીઓએ વિરોધ કર્યો, એમને ઉઠાવી જતા રહ્યા. સવલી રઘુને બચાવવા દોડી, મદદ માટે બૂમો પાડવા લાગી. કોણ તેની મદદે આવે? ચોકીદાર અને પોલીસને પહેલા જ એ લોકોએ કાપી નાખી મારી નાખ્યા હતા.

સવલી અને બીજી સ્ત્રીઓના આક્રંદથી વાતાવરણ ભારે બની ગયું. કોણ કોને સાંત્વના આપે? સવલી હિંમત કરી મનમાં કંઈક નક્કી કરી ઊભી થઈ. "હાલો,આપણે એમને ગોતવા જાશું." "બુન, ક્યાં ગોતીશું?" સવલી મક્કમ અવાજે બોલી, "જીયા એ લોકો ગિયા એ દિશાએ." બધા ભેગા મળીને એ રસ્તે ગયા, જ્યાં જીપ વહી ગઇ હતી.

ઘનઘોર જંગલ વિસ્તારમાં પ્રવેશતાં રસ્તામાં ત્રણ પુરૂષોની લાશ મળી. જેમના હાથ-પગ કાપી નાખવામાં આવ્યા હતા, આંખો કાઢી નાખવામાં આવી હતી. આવી બિહામણી લાશોને જોઈ બધાની હિંમત તૂટી પડી. એમાં રઘુ નહતો, સ્ત્રીઓને રડતી મૂકી એકલી આગળ વધતી રહી. થોડે દૂર જતાં એક લાશ પડી હોય એમ લાગ્યું. ધડકતા હૈયે નજીક પહોંચી.રઘુઘુઘુ... ચીસ પાડતાં એ ત્યાં બેભાન થઈ ગઈ. કેટલો સમય બેભાનાવસ્થામાં રહી. પંખીઓના કલરવથી આંખો ખૂલી, સામે રઘુને પણ, હાથ-પગ કાપી નાખવામાં આવેલા હતા. શરીર પર ઘા કરી કાપવામાં આવ્યો હતો.

રઘુને ખોળામાં લઈને બેસી રહી, કલ્પાંત કરતી રહી. તેનું રૂદન સાંભળનાર કોઈ નહોતું. આજુબાજુમાંથી લાકડા વીણીને, રઘુને ચિતાએ ચઢાવ્યો. મનમાં એક ગાંઠ વાળી. હિમત કરી, બીજી સ્ત્રીઓ પાસે આવી. એમના ધણીઓને ચિતાએ ચઢાવ્યા. એમના રૂદનથી જંગલ વિસ્તાર કંપી ઊઠ્યો.

માઓવાદીઓનો ત્રાસ ખૂબ વધતા સરકારે મેજર પૂરનસીગ નેગી અને તેની બટાલિયનની પોસ્ટીગ ઝારખંડમાં કરી. મેજર પૂરનસીગ આસામના હોવાથી જંગલ વિસ્તારથી માહિતગાર વધુ હતા. ઉપરાંત એમની કામ કરવાની પધ્ધતિ બધાથી અલગ હતી. ઝારખંડમાં પોસ્ટીગનો ચાર્જ સંભાળતા પોતાની રીતે કામ શરૂ કર્યું હતું.

તેને જંગલમાં કામ કરવાનું મળ્યું એનાથી આનંદ હતો, બીજા સૈનિકોને ડર હતો. તેના આગમનની ખબર સંગઠનના પ્રમુખને થઈ જતાં, એમની વચ્ચે ઉંદર બિલાડીની રમત શરૂ થઈ. માઓવાદી બે ગ્રામજનોની હત્યા કરતાં, મેજર નેગી તેમની પાછળ પગેરું મેળવી તેમના એક સાથીને મારતા. મેજર નેગીના આવવાથી તેમના કામમાં રૂકાવટ થવા લાગી. એક દિવસ ,એક ખબરીએ જે માહિતી મેજરને આપી, એનાની ખૂબ અચરજ થયું. ખબરીએ જણાવ્યું, માઓવાદી લૂંટના ઇરાદે આવેલા, ગામલોકોને મારી કેટલાકને ઉઠાવી જતા હતા ત્યારે અચાનક ચારે બાજુથી અંધારામાં તેમના પર બાણોના વરસાદ થયો. તેમને ભાગવું પડ્યું. તેમના ત્રણ સાથી ઘાયલ થયા છે, એમને ગામમાં છોડીને ભાગ્યા છે. આ ઉત્તેજિત સમાચાર સાંભળી મેજર નેગી ખબરી સાથે એ ગામ જવા રવાના થયા. ઘાયલ માઓવાદીઓને ઉઠાવી છાવણી પર લાવ્યા, ત્યાં બધું વેરવિખેર પડ્યું હતું. રસોઇકરનાર સૈનિક અને બીજા સૈનિક ઘાયલ થયા હતા. સુરીન્દર ગાયબ હતો.

મેજર નેગીને સમજાય ગયું, આ કોણે કર્યું છે? ઘાયલ સૈનિકોને સારવાર કરી, પેલા ત્રણની જવાબદારી તેમને સોંપી એ પાંચ સૈનિકોને સાથે જંગલ તરફ ગયો.

માઓવાદીઓએ સુરીન્દરને ઝાડ સાથે બાંધી દીધો, તેના શરીર પર ચપ્પુ વડે ઘાવ કર્યાં. ઘાવ પર શરાબ અને નમક ભભરાવી તેને હેરાન કરતા હતા. આ બધાથી તેને ખૂબ પીડા થતાં એ બૂમો પાડતો, તરફડટો છૂટવા. તેના દર્દ ભરેલ આક્રંદથી તેમને ખુશી થતી હતી.

મેજર નેગી, ચીસોના અવાજથી આ દિશામાં આગળ વધતા હતા. ચીસનો અવાજ નજીક સંભાળતા સાથીઓને સાબદા રહેવા કહ્યું. એ છ સાથી હતા, બે-બે ના જૂથમાં વહેંચાય ગયા. બધાને ઓર્ડર આપતા બોલ્યા, "જબ તક મૈં ઈશારા ના કરું કોઇ ગોંલિયા નહીં ચલાયેગા. હમારા સાથી ઉનકે કબ્જે મૈં હૈ. ઉસકી જાન કો ખતરા હૈ, વો મદદ કે લિયે તડપ રહા." મેજરની વાતને સંમતિ આપી બધા ઝાડની ઓથમાં સંતાયા. સુરીન્દરની ચીસો, તેની તડપ જોઇ બધા એને છોડાવવા તરસી રહ્યા.

અચાનક, સંચાર થયો. કોઇ કાંઇ સમજે એ પહેલાં, ઝાડના વેલા પકડી કાળી આકૃતિઓ ઊભરી આવી. અણધાર્યા હુમલાથી, કોઇ કાંઇ વિચારે એ કોણ છે? ચારેબાજુથી બાણોની વર્ષા શરૂ થઈ ગઈ. અચાનક હુમલો થતાં, માઓવાદીઓને સામનો કરવાનો સમય ના મળ્યો. તેમના સાથીઓને ઘાયલ થતાં નિહાળી તેમને ત્યાં છોડી ભાગી ગયા.

એક આકૃતિ, સુરીન્દર પાસે આવી. તે ગભરાયો, આ મને મારી નાખશે. તેના આશ્વર્ય વચ્ચે, તેને બંધન મુક્ત કરી ઈશારાથી જવાનું કહ્યું. બધી આકૃતિઓ ગાયબ થઇ. મેજર નેગી વિચારતા રહી ગયા. સાથીઓ દોડીને સુરીન્દર પાસે પહોંચ્યા. તેને ઉંચકીને છાવણીમાં લાવ્યા.

"સાહેબજી, સુરીન્દરકે શરીરમેં બહોત પીડા હો રહી હૈ. ઉસે અસ્પતાલ ભેજના પડેગા, વર્ના મર જાયેગા." સૈનિકની વાતથી મેજરની તંદ્રા તૂટી. શહેર જવા માટે બે સૈનિકો સાથે સુરીન્દરને મોકલી આપ્યો. તેના માનસપટ પર એ કાળી આકૃતિઓની ચપળતા, સ્ફૂર્તિ તરવરી રહ્યા હતા. કોણ છે એ લોકો?

પોતાના ઘાયલ સાથીઓને - મેજરે બંદી બનાવીને રાખ્યા છે તેમને છોડાવવા તેમણે છાવણીને ઘેરામાં લીધી. ચારેબાજુ ગોળીઓની રમઝટ બોલવા લાગી. મેજર પાસે સાથી ઓછા હતા, અને ગોળીઓનો નવો જથ્થો તેમને પહોંચ્યો નહોતો. પીછેહટ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી હવે. સાથીઓને ઓર્ડર આપે ત્યાં તેમની રક્ષા માટે ચારેબાજુથી બાણોના વરસાદ થયો. ગોળીઓના અવાજ થંભી ગયા.

મેજરને ખૂબ નવાઈ લાગી. આ કોણ છે એ આજે જાણીને રહેવું છે? કોણ ભારતીય સૈનિકોને મદદ કરી રહ્યું છે? ખુદ અનજાન રહીને? મેજર નેગીએ ઈશારાથી એકને છાવણીનું ધ્યાન રાખવાનું કહી, ચૂપચાપ એ આકૃતિઓ પાછળ પગેરું મેળવવા ગયો. આકૃતિઓ વેલા પકડી દૂર સરકવા લાગી. મેજર માટે એમનો પીછો કરવો મુશ્કેલ બની ગયો. હાર ના માની મેજરે.

નિર્ધારિત જગ્યા આવતા, બધી આકૃતિઓએ ચહેરા પરથી કાળા નકાબ હટાવ્યા. મેજર નેગી - દૂરથી આ જોઈ રહ્યા. આશ્વર્ય થયું, એ બધી સ્ત્રીઓ હતી! આ લોકો કોણ છે? કેમ માઓવાદી પાછળ પડી છે? છેલ્લે એક સ્ત્રીએ નકાબ હટાવ્યો, તેના ચહેરા પર ગુસ્સાના ભાવ હતા. આ મૂઠભેડમા સંગઠનનો મુખ્ય માણસ છટકી ગયો હતો. બધા એક બીજા સાથે ઈશારાથી વાતો કરતાં હતાં, એટલું મેજર નેગી જોઈ શક્યા.

છાવણીમાં પરત આવ્યા, માનસપટ પર એ જ છવાયું હતું. તેમની ચપળતા અને કાર્યક્ષમતા માટે. તેમનું ખબરતંત્ર કેટલું વિશાળ છે, માઓવાદીઓ ક્યાં છે એ એમને ખબર હોય છે. ચોકકસ આ બધા પાછળ કોઈ ચતુર ચાલાકનું માઇન્ડ કામ કરે છે!

આ નવા દુશ્મનથી માઓવાદી હેરાન થઈ ગયા. આ બધાને પાઠ ભણાવવા આખરી ચાલ એમને ચાલી. છૂટાછવાયા ગોળીબાર ચાલુ રાખી, ભારતીય સૈનિકોને ખૂબ ગહેરાઇવાળા જંગલમાં ખેંચી ગયા. જ્યાંથી એ જીવતા પાછા ના આવે, કોઇની મદદ ના પામી શકે. કેમકે સૈનિકોનો સફાયો કરવા એ લોકોએ જંગલમાં માઇન્સ બિછાવી હતી. મેજર નેગી, ગોળીઓના અવાજને આધારે આગળ વધતા જતા હતા. એક સૈનિકનો પગ માઈન્સ પર પડતાં એ ફૂટી-સાથેજ એ સૈનિક હવામાં ઉછળ્યો, એના શરીરના ફૂરચા વિખેરાયા સાથે ચાલનારા પણ ઉછળ્યા.

"રૂક જાઓ-હરામજાદોને માઇન્સ બિછાઇ હૈ. સાવધાન હો જાઓ-દુશ્મન આસપાસ હતી હૈ હમારે." ઓર્ડર મળતા બધા સાવધ થઈ ગયા. માઇન્સ ફૂટવાનો અવાજ સાંભળી સંતાયેલા માઓવાદી ખુશ થઇ ગયા, દુશ્મન ચાલમાં સપડાયો છે! બીજી માઇન્સ ફૂટવાની રાહ જોવા લાગ્યા. મેજર નેગીએ માઇન્સ ચેકિગ યંત્રથી જોયું, ચારેબાજુ એ પાથરેલી છે. હવે આગળ કેમ રીતે વધવું?

મેજર એક વૃક્ષ પર ચઢી નિરિક્ષણ કરતા હતા, ત્યાં કંઈક સંચાર થયો. સાવધ થાય એ પહેલાં કાળી આકૃતિઓ પ્રગટ થઈ અને પાંચ માઈન્સ પર કૂદી. એ સાથે માઈન્સ ફૂટી, સાથે એમના શરીર હવામાં ફંગોળાઈ ગયા. અચાનક એક આકૃતિએ મેજરને હાથ વડે પકડી વેલા પર લટકી દૂર ખેંચી ગયું. મેજર કાંઈ સમજે એ પહેલા ત્યાં બોમ્બનો ધડાકો થયો.

ઓહ! તેને બચાવી એ લોકો ગાયબ થઇ ગયા. માઇન્સ ફૂટી જવાથી રસ્તો સાફ થયો. મેજર નેગી, જ્યાં માઓવાદી સંતાયા હતા ત્યાં પહોંચી નાનકડું યુધ્ધ ખેલાય ગયું.

ધીમે-ધીમે, માઓવાદીઓની સંખ્યા ઘટતી ગઈ. ગામના લોકો સામનો કરતા શીખી ગયા હોવાથી નવા સાથીઓની ભરતી કરી શકતા નહતા.

મેજર નેગીને ઘણા સમય પછી કાળી આકૃતિઓની સચ્ચાઈ ખબર પડી. એ સવલી અને એની સાથેની એ બહેનો હતી જેમના નિદોર્ષ ઘરવાળાઓને મારી નાખ્યાં હતાં. સવલી - આદિવાસી હોવાથી તીરકામઠું ચલાવી જાણતી હતી! એજ શિક્ષા, સાથી બહેનોને શીખવાડી. જંગલથી માહિતગાર હતી, એ બધી શિક્ષા આપી સંગઠન બનાવ્યું. ધીરેધીરે સંખ્યા વધતી ગઈ હતી! માઓવાદીઓ સામે સ્ત્રીજૂથ શક્તિ બની પોતાનું શેષ જીવન દેશને સર્મિપત કર્યું!

સાવલી અને સાથીદારોની બહાદુરી - મેજર નેગી દ્વારા સંરક્ષણ પ્રધાન અને વડાપ્રધાન સુધી પહોંચી! તેમની બહાદુરી માટે તેમને'વીરતાનો પુરસ્કાર' રાષ્ટ્રપતિને હાથે અપાવવા મેજર સવલીની સાથે રાષ્ટ્રપતિ સમક્ષ લાવ્યા, તેના મુખ પર રઘુના માટે 'સમર્પણ'ના ભાવ હતા!


Rate this content
Log in