" પ્રેમ"
" પ્રેમ"
તું જ છે આધાર મારી જિંદગીનો,
શ્વાસમાં ધબકાર મારી જિંદગીનો!!
" પ્રેમ" ,,, એટલે લાગણીઓનું હ્રદય સાથેનું બંધન! તે બે હ્રદયને લાગણીઓના તારથી જોડે છે! કોઈ પણ જાતના સ્વાર્થ અને ઈચ્છા વિનાનું સમર્પણ! બે ધડકતા હૈયાનો એક ધબકાર! બે શબ્દોને એક થવાની તાલાવેલી! પ્રેમની એક એક પળોમાં તમે કોઇ વ્યક્તિના સાંનિધ્યની, તેના સહવાસની, તેની ખુશ્બૂની, તેના રણકારની, તેના સ્પર્શની ખેવના નિરંતર રહે ત્યારે,,,એક અનુસંધાન રચાતું હોય છે! એક અનોખા સ્પંદનોની આભા આપણા મનમાં ઉદભવતી હોય છે! દરેકની આ ઊર્મિઓની અનુભૂતિ અલગ અલગ હોય!!
આત્માથી આત્માનું મિલન જોઈ શકાતું
નથી, તેને માત્ર અનુભવી શકાય છે! દિલની ઊર્મિઓને વાચા મળતા તે આંખોથી બોલે છે,,તેની લિપિથી અનુભવી શકાય છે! હોઠોથી બસ શબ્દો અબોલ રહીને, મૌનના મીંઢળે બંધાઇને ચૂપચાપ એ લખાય છે!!!
આવો અનોખો પ્રેમ---જયારે જીવનમાં આવે છે ત્યારે જીવન રંગબેરંગી ફૂલોથી ખીલી ઊઠે છે!! એક અગણિત- અવર્ણિત સંવેદનાઓનો વરસાદ વરસી હ્રદયને ભીંજવતો રહે છે! જેનાથી જિંદગીની એકલતા, વ્યથા, દર્દ દૂર થઈ, જીવન લયબધ્ધ નર્તન કરતું ઉલ્લાસમય બની જાય છે!
દોસ્તો, " પ્રેમ"ના આ અનોખા સ્પંદનોની લિપિઓના મુબારક દિવસે આપ સૌને "સાચા પ્રેમ" ની ખૂબ ખૂબ શુભકામનાઓ!!
હેપી વેલેન્ટાઇન ડે!