Mariyam Dhupli

Action Thriller

4.3  

Mariyam Dhupli

Action Thriller

પ્રેમની નિશાની

પ્રેમની નિશાની

7 mins
677


હું બસસ્ટોપ ઉપર ઊભી હતી. મારી દ્રષ્ટિ ચારે તરફ એને જ શોધી રહી હતી. આજે કશે દેખાઈ કેમ ન રહી હતી ? અંતિમ એક અઠવાડિયાથી હું દરરોજ એને આ બસસ્ટોપ ઉપર નિહાળી રહી હતી. હું તો નોકરીએ જોડાઈ ત્યારથીજ આ બસસ્ટોપ ઉપરથી બસ લેતી. નોકરીના લગભગ દસ વર્ષ થવા આવ્યા હતા.તેથી આ સ્ટોપ ઉપરથી નિયમિત મુસાફરી કરતા ચહેરાઓ ઓળખી કાઢવા એ ક્યાં અઘરું ? પણ આ સ્ત્રીને એક અઠવાડિયા પહેલાતો કદી નિહાળી ન હતી. આમતો નવા મુસાફરો કે અજાણ્યા મુસાફરો પણ ઘણીવાર નજરે ચઢતા. એમાં કઈ અજુગતું તો ન જ કહેવાય. પરંતુ ખબર નહીં કેમ ? આ સ્ત્રીમાં જરૂર કંઈક અજુગતું હતું. ના, હતી તો એ એક સામાન્ય માનવીજ. અફકોર્સ. પણ એના શરીરના હાવભાવો, એના આંખોમાં વ્યાપેલી ગ્લાનિ, એનું સહેમીલું વ્યક્તિત્વ. મારો જીવન અનુભવ મને ખભે હાથ મૂકી ચેતવી રહ્યો હતો. નક્કી દાળમાં કશુંક તો કાળું છે જ. એ કાળી દાળને સાર્થક કરતા એના શરીર ઉપર દ્રશ્યમાન ઈજાઓના નિશાન, જેને એ લોકોની દ્રષ્ટિના સંપર્કથી છૂપા રાખવા અહીંથી ત્યાં વસ્ત્રોના છેડા થકી સંતાકૂકડી કરાવ્યાં કરતી.

મારું જાસૂસી મન ફરજનિષ્ઠ કામે લાગી જતું. ક્યાંતો એ કંઈક છૂપાવી રહી હતી. ક્યાંતો પોતાને જ છૂપાવી રહી હતી. ક્યાં તો પ્રેમના નામે મેળવી રહેલ શારીરિક ઈજાઓને....

ડોમેસ્ટિક વાયોલન્સના કિસ્સાઓ શહેરમાં જે રીતે વધી રહ્યા હતા એ ભારે ચિંતાનો વિષય હતો. દરેક મન નીડર અને બહાદુર ન જ હોય. જે રીતે આપણા શરીર એકમેકથી ભિન્ન હોય એ જ રીતે આપણા મન પણ. કોઈ અન્યાય ના નામે એક શબ્દ ન સહી શકે. પોતાના સ્વમાનના ચીથરા ઉડાવવાનો પ્રયાસ કરતા માનવીનેજ ચીથરા બનાવી ઉડાવી મૂકે જયારે કોઈ તો સ્વમાન પોતાનો અધિકાર કહેવાય એ વાતથીજ અજાણ હોય. એ ગભરુ માનસિકતા અને અવિશ્વાસુ જગત અન્યાય સામે નિષ્ક્રિય પડી રહે, હાજર વિકલ્પો અંગે ના અજ્ઞાનને લીધે અથવાતો એ વિકલ્પો સુધી પહોંચવાની હિંમતના અભાવે. જ્યાં સુધી કોઈ આગળથી હાથ ન વધારે ત્યાં સુધી એ એમજ પડ્યું રહે. સમાજનો એક મોટો હિસ્સો આ જગત સ્વરૂપે શ્વાસ ભરી રહ્યું છે, એ મારાથી વધુ કોણ જાણી શકે ?

ઍનીવેઝ.......

જો હાથ લંબાવવાની જરૂર હોય તો હું દર વખત જેમ આ વખતે પણ તૈયાર જ હતી. પણ જેની આગળ હાથ લંબાવવાનો હતો એ ક્યાં હતી ? મેં ફરી એકવાર મારી સ્પોર્ટ્સ વોચમાં નજર કરી. બસ તો આવતીજ હશે.... ને આગળ કંઈક વિચારું એ પહેલાજ બસ સડસડાટ કરતી મારી આંખો સામે ધસી આવી. હવે રાહ જોવા માટે સમયની અનુમતિ ન હતી. ઓફિસે સમયસર પહોંચવાનું હતું . નિરાશ મન જોડે હું બસમાં જઈ ગોઠવાઈ. ટિકિટ લેતા સમયે પણ મારી નજર બારીની બહાર ચારે દિશામાં ચક્કર કાપી રહી હતી. એક ઝલક મળી જાય... પણ વ્યર્થ.. આખરે બસ આગળ વધી ગઈ અને મારા વિચારો પણ..

પુરુષ અને સ્ત્રીના પવિત્ર સંબંધ વચ્ચે આધિપત્ય અને હિંસાના તત્વો પ્રવેશે ત્યારે એ સંબંધમાંથી આવતી અસહ્ય દુર્ગંધ લોકો કઈ રીતે સહી લેતા હશે ? પ્રેમના બદલે પ્રેમ ના મળે તો પણ પ્રેમનો પુરવઠો વહાવ્યા કરવો જરૂરી ? એ તો નકામો વ્યય જ. સમયનો પણ અને ભાવનાઓનો પણ. આવા ખોટના સોદા કઈ રીતે પોષાય ?

મારા વિચારો ગરમ થઈ રહ્યા હતા અને મારુ મન અતિવિહ્વળ.

એક મોટા નિસાસા જોડે બહારની તાજી હવા મારી શ્વાસોમાં ભરી હું મારી આંતરિક અશાંતિને શાંત કરવાનો પ્રયાસ કરી રહી હતી જ કે બસને બ્રેક લાગી. નેક્સ્ટ બસ સ્ટોપ આવી પણ ગયું ? બસ ઝડપથી ભાગી રહી હતી કે મનોમંથનની ઝડપથી હું જ બાહ્ય જગતથી સેતુ ગુમાવી બેઠી હતી ? કઈ ખબર ન પડી.

અચાનક મારી નજર બારી બહારની સૃષ્ટિ ઉપર હેરત વડે સ્થગિત થઈ. બસમાંથી ઉતરેલા મુસાફરોમાંથી એક મુસાફરને હું સૂક્ષ્મ દ્રષ્ટિએ નિહાળવા લાગી. મારી દ્રષ્ટિ કોઈ છેતરપિંડી તો નથી કરી રહી ? એજ કાંઠો, એજ કદ, એજ ચાલ.... હા, એજ હતી. શું એ પહેલેથીજ બસમાં હાજર હતી કે પછી એક અઠવાડિયાથી મારી નજરમાં પારદર્શી શક અને શંકાને કળી મારી દ્રષ્ટિથી બચવાનો એક ચતુર પ્રયાસ ?

એના ચહેરાને પાછળ તરફથી મૂલવવાનો પ્રયાસ યથાવત હતો જ કે એનો ચહેરો મારી દિશા તરફ વળ્યો. એણે મારી તરફ ચોરીછૂપે ફેંકેલી નજર મારી સતર્ક આંખોએ રંગે હાથે ઝડપી લીધી. એજ આંખો, એજ આંખો નીચેના કાળા કુંડાળા, છુટાછવાયા નખના નિશાનો, તીતર વિતર વાળ, હાથ ઉપર બાઝેલું લીલા રંગનું ઘા નું નિશાન. પોતાના ચહેરા ઉપરની ચિંતાની રેખાઓને પૂર ઝડપે સમેટી, મારી નજરનો સંપર્ક હેતુબધ્ધ તોડતી એ રીતસર દોડી. ઓફિસ પહોંચવાનો સમય થઈ ગયો હતો. પણ આજે અન્ય કશે પહોંચવું વધુ જરૂરી હતી. એક પણ ક્ષણ વેડફ્યા વિનાજ હું એ બસ સ્ટોપ ઉપર ઉતરી ગઈ.

યુનિવર્સીટીમાં રનિંગ ચેમ્પિયન રહી ચુકી હતી. હમણાં પ્રેક્ટિસ છૂટી હતી છતાં હજી પણ કૌશલ્યો શરીરમાં સચવાયા હતા. થોડાજ સમયમાં હું પોલિસની જેમ જાણે ચોરની નજીક પહોંચીજ ગઈ.

" એક્સ્ક્યુઝમી. ઊભાં રહો. તમારી જોડે વાત કરવી છે."

" સાંભળો, ડરો નહીં."

" હું તમારી મદદ કરવા ઈચ્છું છું."

મારા મક્કમ ડગલાં એનો પીછો છોડશે નહીં, એની ખાતરી થતાંજ આખરે એક સુમસાન રસ્તા ઉપર એણે પોતાના હાંફતા ભાગતા શરીરને અટકાવી દીધું.

" જુઓ બહેન, હું જાણું છું. તમને મદદની જરૂર છે ..... "

મારા શબ્દો આગળ વધે એ પહેલાજ એનો વીફરેલો ચહેરો પાછળ મારી દિશામાં ફર્યો.

" મને કોઈ મદદની જરૂર નથી. મારો પીછો કરવાનું બંધ કરો. નહિતર હું પોલિસને....."

પોલીસ શબ્દ ઉપર એનો અવાજ રીતસર ધ્રુજ્યો અને બીજીજ ક્ષણે એ ફરીથી દોટ મુક્તી મારા શરીરથી દૂર ભાગી છૂટી, હું એ દિશામાં એને નિ:સહાય અદ્રશ્ય થતા જોઈ રહી. મદદ તો એને કરી શકાય જેને પોતાની મદદ કરવી હોય. જે પોતાનેજ મદદ કરવા તૈયાર ન હોય એને કેમ મદદ કરાય ?

એ પ્રશ્નના ભાર જોડે મારા ડગલાં અન્ય દિશામાં ફર્યા અને બસ લઈ હું ઓફિસ પહોંચી. 

બસની ભીડ વચ્ચે, ઓફિસની અતિવ્યસ્ત દિનચર્યા વચ્ચે, ઘરના નિયમિત કાર્યો વચ્ચે અને રાત્રે પથારીમાં ઊંઘની વચ્ચે પણ એજ ચહેરો મારી સામે તરતો રહ્યો !

આખી રાતના વિચાર સેતુના પરિણામ સ્વરૂપ આખરે મારા પ્રશ્નનો ઉત્તર મળ્યો ખરો. જે પોતાની મદદ કરવા તૈયાર ન હોય એને બળજબરીએ જ મદદ કરવી પડે. 

એ અજાણી સ્ત્રીને બળજબરીએ મદદ કરવા માટે લક્ષયબઘ્ધ હું બીજે દિવસે નિયમિત સમયે બસસ્ટોપ ઉપર પહોંચી ગઈ. મારી અપેક્ષા મુજબ એ સ્ત્રી બસસ્ટોપ ઉપર હાજર ન હતી. બસમાં પણ આગળથી પાછળ સુધી મારી બારીક દ્રષ્ટિમાં એ ન ઝડપાઈ. હું જાણતી હતી આજે એ નહીં આવે. એ નહીં જ આવી. એક દિવસ પહેલા જે બસસ્ટોપ ઉપર એ ઉતરી હતી એજ સ્થળે હું ઉતરી. બસસ્ટોપ ઉપરથી ચાલતા ચાલતા હું એ સ્થાન ઉપર પહોંચી જ્યાં ગઈ કાલે અમે છૂટાં પડ્યા હતા. મારી નજર ચારે તરફ વિસ્મયમાં ફરી વળી. 

કેવો વિરાન વિસ્તાર ! 

વાહનોની અવરજવર પણ નહિવત. માનવવસ્તીથી જાણે વિખૂટો પડેલો પ્રદેશ. વિરાન મેદાન, ઊંચે ઉગી નીકળેલું જંગલી ઘાસ, કેટલાક રખડતા કૂતરાઓ અને વીજળીના અટુલા થાંભલાઓ સિવાય કશુંજ નજરે ચઢી રહ્યું ન હતું. એ સ્ત્રી અહીંજ કશે રહેતી હતી કે પછી મને ગેરમાર્ગે દોરવા....

જે કઈ પણ હોય મારી પાસે પણ અન્ય કોઈ માર્ગ ન હતો. ક્યાં તો પરત થઈ જવું. ક્યાં તો સૈનિક જેમ આગળ વધી જવું. 

હું આગળ વધી ગઈ. 

ઉજ્જડ મેદાનોની વચ્ચેથી પસાર થતી કાચી પગદંડી ઉપર ઊભે તડકે હું ચાલતા ચાલતા ઘણે દૂર નીકળી ગઈ. આખરે મારા સખત પરિશ્રમના ફળ સ્વરૂપ મને મેદાનની મધ્યમાં એક કાચું મકાન દેખાયું. ચોક્કસ એ સ્ત્રી મને ત્યાંજ મળશે. મનમાં જન્મેલી આશામાં ડર પણ એટલીજ માત્રામાં વ્યાપી ગયો. અહીં આવા સુમસાન વિસ્તારમાં કોઈ ગળું કાપીને જતું રહે તો પણ કોઈ ન જાણી શકે. મનના ધબકારા હવે ઘડિયાળની લોલક સમા સંભળાઈ રહ્યા હતા. મારા ડગલાની આહટથી સ્ત્રી સતર્ક ન થાય એ હેતુસર મેં પગમાંથી સેંડલ કાઢી હાથમાં ઉંચકી લીધી. મકાનની પાસે ધીરે ધીરે પહોંચી રહેલ મારા કાન ઉપર સુંદર લોરી ગાવાનો અવાજ પડ્યો. એક માં પોતાના બાળકને ઉંઘાડવાનો પ્રયાસ કરી રહી હતી એ વાત માતૃત્વથી ભરપૂર એ વ્હાલસભર લોરીના સ્વર ઉપરથી પાક્કી થઈ ગઈ. મારા મનનો ડર પણ અર્ધો ઓગળ્યો. ધીરે રહી હું મકાનની પાછળની બારી તરફ પહોંચી. મારી ચોર દ્રષ્ટિ દ્રશ્ય નિહાળવા અધીરી થઈ. હું બારીની અંદર તરફનું દ્રશ્ય નિહાળવા તૈયાર થઈ કે અંદર તરફથી ગુંજેલા પ્રચંડ અવાજથી મારુ શરીર થરથર ધ્રુજી ઉઠ્યું. 

સામે નિહાળેલ દ્રશ્યથી મારી આત્મા ડરી ઉઠી. 

સ્ત્રીનો અવાજ કરગરી રહ્યો. 

"આમ ન કર" 

"મને વાગે છે" 

"છોડ તો" 

"મને છોડ"

 હું ધ્રુજતા શરીરે મકાનની વિરુદ્ધ દિશામાં ભાગી. પગમાં કંઈક અફળાયું. અવાજ થયો. પણ અટકવાનો સમય ન હતો. 

'ઈમરજંસી' 

મારુ મન ચિખ્યું. એ સ્ત્રી મારો અવાજ સાંભળી ન શકે એ માટે પગદંડી પસાર કરી હું અન્ય દિશામાં પહોંચી. ઓફિસે ફોન લગાવ્યો. માહિતી આપી. થોડા સમય પછી હું સમાજ સેવાનું કાર્ય કરતી જે એનજીઓ.માં કાર્ય કરતી હતી એ સંસ્થાના કેટલાક સભ્યો પોલીસની ટુકડી લઈ પગદંડી ઉપર આવી પહોંચ્યા. ટીમને યોગ્ય દિશામાં દોરતી હું સ્ત્રીના મકાન સુધી લઈ ગઈ. ટીમ મકાનની અંદર પહોંચી પણ ત્યાં કોઈજ ન હતું. ન સ્ત્રી, ન એનો વીસ વરસનો યુવાન દીકરો જે થોડા સમય પહેલાજ એની ઉપર પ્રહાર કરી રહ્યો હતો. 

પોતાના માનસિક વિકલાંગ બાળકથી છૂટા ન પડવાના ભયે ફરી એકવાર પોતાના જીવનાં જોખમે પણ વધુ એક શહેરમાંથી એ ભાગી છૂટી. પોલીસની ટુકડી ગાડીમાં ગોઠવાઈ એ સ્ત્રી અને એના માનસિક વિકલાંગ બાળકને ગમે તેમ કરી પકડી પાડવા તીરમાંથી છૂટેલા કમાન સમી. 

પોલીસની ટુકડી આગળ વધી. હું જાણતી હતી કે એ સ્ત્રી એમના હાથે ન જ લાગશે. એમનો સામનો કોઈ સાધારણ સ્ત્રી સામે નહીં એક માં સામે હતો. 

એજ સમયે મારા પગમાં એક સંગીતમય રમકડું ઠોકાયું. મેં રમકડું ઉંચકી હાથમાં લીધું. મને લાગ્યું એ રમકડું ન હતું. એ તો પ્રેમની નિશાની હતી, જે મને સમજાવી રહી હતી કે ક્યારેક પ્રેમના બદલામાં પ્રેમ ન મળે તો પણ માનવી પ્રેમનો પુરવઠો વહાવવા વિવશ હોય છે....!


Rate this content
Log in