Ishita Raithatha

Romance Action Crime

4  

Ishita Raithatha

Romance Action Crime

પ્રેમિકા, પત્ની અને પનોતી

પ્રેમિકા, પત્ની અને પનોતી

13 mins
564


અહીં લખેલ વાર્તામાં બધા પાત્રો કાલ્પનિક છે, બધી વાતો પણ કાલ્પનિક છે. આ વાર્તાનો કોઈના પણ ભૂતકાળ કે ભવિષ્યકાળ કે પછી વર્તમાનકાળ સાથે કોઈપણ રીતે સંબંધ નથી. આ વાર્તામાં બધો સમય કાલ્પનિક છે, બધી જગા પણ કાલ્પનિક છે. આ એક કાલ્પનિક વાર્તા છે.    

"પ્રેમિકા, પત્ની અને પનોતી"

ભાગ - ૧, પ્રેમિકા

આજે પૂજાની નોકરીને એક વર્ષ થઈ ગયું હતું. પૂજા ઘણી હોંશિયાર હતી, અને પોતાની આવડત અને બુધ્ધિચાતુર્યના લીધે આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ સુધી પહોંચી ગઈ હતી. પૂજા એ એમ.બી.એ કર્યું હતું, અને એ પણ કોલેજ ફર્સ્ટ આવી હતી. આમતો પૂજા અનાથ હતી, પરંતુ તેના ગામના એક કાકી એ તેને સાચવી અને મોટી કરી અને ભણાવી હતી. હા, સરોજકાકી, સરોજકાકીને પણ એક દીકરી હતી, અંજલિ જે પૂજાથી ત્રણ વર્ષ મોટી હતી.

પૂજા મુંબઈની એક કંપનીમાં નોકરી કરતી હતી. આજે પૂજાની કંપનીમાં દિવાળીનું સેલિબ્રેશન હતું. બધા ખૂબ સુંદર લાગતા હતા, પરંતુ આજે પૂજા કંઇક અલગજ મૂડમાં હતી અને ખૂબ સુંદર લાગતી હતી. બધાની નજર ફરીફરીને પૂજા પર જઈને અટકતી હતી. એટલામાં ત્યાં પૂજાના બોસ અનુજ મહેતા આવ્યા. અનુજ મહેતા મુંબઈનો યંગેસ્ટ અને સક્સેસ્ફુલ બિઝનેસમેન હતો. અને સાથેસાથે હેન્ડસમ અને સ્ટાઇલિશ હતો.

થોડીવાર માટે બધાનું ધ્યાન પૂજા પરથી હટીને અનુજ સર પર જતું રહ્યું. આ એકજ દિવસ એવો હતો કે જ્યારે અનુજ પોતાના એમ્પ્લોયને મળતો, બાકી તો પોતાના ઘમંડમાં જ રહેતો, કોઈની નાની ભૂલના લીધે પણ ઘણું સંભળાવતો. છતાંપણ તેમને ત્યાં જલ્દીથી નોકરી મળવી સહેલી નહતી. અનુજ હોંશિયાર બહુ હતો, પોતાની હોંશિયારી અને આવડતના લીધે પોતાના પપ્પાનો શેરબજારનો બિઝનેસને પોતે આટલો આગળ વધાર્યો અને પાંચ વર્ષમાં આટલો આગળ વધી ગયો.

દિવાળીની પાર્ટીમાં અનુજે ડાન્સ કરવાનું શરૂ કર્યું, અને તેની સાથે બધા જોડાઈ ગયા. એટલામાં અનુજની નજર પૂજા પર પડી, અને જાણેકે બે ઘડી માટે અનુજ ડાન્સ કરવાનું ભૂલી ગયો હોય તેવું લાગ્યું. અનુજ તેજ જગા પર સ્થિર થઈ ગયો હતો અને જાણે પૂજા સિવાય ત્યાં કોઈ નહોતું તેવું વાતાવરણ અનુજ માટે બની ગયું હતું. એ દ્રશ્ય, એ ક્ષણ, એ સમય, પૂજાના નયનમાં ડૂબી જવું આ બધું જાણે અનુજના માનસ પટ પર છપાય ગયું હોય અને તેના સિવાય બીજું કંઈ અનુજ ને દેખાતું નહોતું.

અનુજના બીજા મિત્રો પણ ત્યાં હાજર હતા અને તે લોકોએ અનુજને બોલાવ્યો ત્યારે અનુજ થોડો સ્વસ્થ થયો અને કંઈ સમજે, વિચારે, કંઈ વાત કરે તે પહેલા તો પૂજા ત્યાંથી ગાયબ જ થઈ ગઈ હતી. અનુજ ત્યાં પૂજાને ગોતવા લાગ્યો, તેના મિત્રો પણ અચંબામાં હતા કે આ અનુજ આટલો ગાંડો અને બેબાકળો થઈને કોને ગોતે છે. અનુજને જોઈને એવું લાગતું હતું કે જાણે તે પોતાનો જીવ ખોઈ બેઠો હોય. આખરે અનુજ, પૂજાને ગોતવામાં સફળ થયો. પૂજા બહાર રિક્ષા ગોતતી હતી, કારણકે મોડું થઈ ગયું હતું અને તેને સમયસર ઘરે પણ પહોંચવાનું હોય.

અનુજ તરત અધવચ્ચેથી પાર્ટી છોડીને પૂજાની પાછળ જાય છે, અને પૂજાને પોતાની કારમાં લિફ્ટ આપવાની ઓફર કરે છે. અનુજને જોઈને પૂજા જાણે એક મિનિટ માટે પૂતળું બની ગઈ હોય તેવું લાગ્યું. પૂજા હા કહેશે કે ના, આ વિચારમાંને વિચારમાં અનુજના ધબકારા પણ જાણે ક્ષણભર અટકી ગયા હોય તેવું લાગ્યું. આમતો, અનુજ ખૂબ ઘમંડી હતો. પોતાને જે ગમે તે પોતાનું એવું તે માનતો. બધી વસ્તુ, વાતો રૂપિયાથી ખરીદી લેતો.

પરંતુ પૂજાને જોઈને જાણે અનુજના વાણી વર્તનમાં પરિવર્તન આવ્યું હોય તેવું લાગ્યું. જ્યારે પૂજા ખુબજ સરળ છોકરી હતી, ખૂબ સાદીસીધી હતી. નાની ઉંમરમાં ઘણી દુનિયા જોયેલી હતી, અને અનુજને મળી ભલે પહેલીવાર હોય પરંતુ તેના વિષે વાતો ઘણી સાંભળી હતી, માટે તરત અનુજને ના પાડીને ચાલતી થઈ ગઈ. અને પૂજા જાણતી પણ હતી કે અનુજ તેની પાછળ આવશે તો ખરીજ.

પૂજાનું આવું વર્તન જોઈને અનુજ નું હૃદય જાણે એક ક્ષણ માટે ધબકારો ચૂકી ગયો હોય તેવું થઈ ગયું. પરંતુ બીજીજ ક્ષણએ અનુજ તરત સ્વસ્થ થઈ ગયો અને ગુસ્સામાં પાછો પાર્ટીમાં આવી ગયો. અનુજને પહેલીવાર આ અનુભવ થયો હતો, અત્યાર સુધી કોઈની પણ હિંમત નહોતી થઈ કે તે અનુજ ની સામે જવાબ આપે કે ના પડે. માટે અનુજ ને ખુબ ગુસ્સો હતો, પરંતુ તરત પૂજાનો ચહેરો યાદ આવેને મૂડ બદલાઈ જતો. 

દિવાળીની રજામાં અનુજને પૂજાની જ યાદ આવતી હતી. પૂજાની સુંદરતા, તેનું સ્મિત, તેના વાળમાંથી આવતી મહેક, તેના ગાલ પર અડકતી વાળની એક લટ, તેનો મીઠો મધુર અવાજ. આ બધું યાદ કરતો પરંતુ પૂજાના ઘરે જવાની અનુજની હિંમત થતી નહોતી. અનુજને થતું હતું કે ક્યાંક પોતે પૂજાને ખોઈ બેસસે તો? અત્યાર સુધી ઘણી છોકરીઓ એ ફેરવી હતી પરંતુ, પૂજા પ્રત્યે કઈંક અલગ અનુભૂતિ થતી હતી અનુજને.

પોતાના ધબકારાની પણ વધુ અનુજ પૂજાને અનુભવી શકતો હતો. રજાઓ પૂરી થઈ અને અનુજ ઓફિસે જઈને તરત પોતાના પી.એ. એ બોલાવીને પૂજાને બોલાવવા કહ્યું. પૂજા આવે ત્યાં સુધીમાં અનુજના મનમાં અગણિત સવાલ જવાબની રમત ચાલી રહી હતી. એટલીવારમાં પૂજા ત્યાં ઑફિસ બહાર ઉભી રહીને અંદર આવવા પૂછે છે.

અનુજ તરત પૂજા તરફ આગળ વધે છે, જેમજેમ અનુજ નજીક આવે છે તેમતેમ પૂજાના હ્રદયના ધબકારા વધતા ગયા અને પૂજાએ ઘણો પ્રયત્ન કર્યો પોતાના હાવભાવ છૂપાવવાની પરંતુ પોતાના મનમાં ચાલી રહી ઘમાસાણ લાગણીઓના યુદ્ધને તે છૂપાવી ના શકી અને અનુજે તેની હાથ પકડ્યો અને તેને પ્રેમથી ઑફિસમાં અંદર લઇ આવ્યો ત્યારે પૂજાએ પણ જાણે પોતાના મનથી પોતાની જાતને અનુજને સમર્પિત કરી હોય તેવું લાગ્યું.

બંને એકબીજાને નિહાળી રહ્યા હતા, વાતની શરુઆત કઈ રીતે કરે અનુજએ અસમંજસ માં હતો ત્યારે જ પૂજા એ મોન તોડ્યું અને પૂજાનો અવાજ સાંભળી ને અનુજને થયું કે વાહ આટલો સુંદર કંઠ ! 

પૂજા: "સર તમે મને બોલાવી?"

અનુજ: "હા, મારે કામ હતું તારું, અને તું મને અનુજ કહી શકે છે."

પૂજા:" સોરી સર, હું તમને તમારા નામથી કઇ રીતે બોલવું ?"

અનુજ: "તો આજથી શું તું મારી ફ્રેડ બનીશ ? પછીતો તું મને મારા નામથી બોલાવીશ ને ?"

 (પૂજા થોડી શરમાઈને ખુબજ સુંદર સ્મિત સાથે મંજૂરી આપે છે. આ દ્રશ્ય જોઈને કોઈપણ સમજી જાય કે પ્રેમની આગ બને તરફ લાગી લાગે છે. અનુજની ખુશીનો પાર નથી રહેતો.)

અનુજ: "તો ઠીક છે પૂજા આ વખત આપડી કંપનીમાં નવા એમ્પ્લોયનું સિલેક્શન તું કરજે."

પૂજા: "સર, હું!"

અનુજ: "વળી સર?"

પૂજા: "ઠીક છે, પરંતુ મારા માટે આ કામ નવું છે. મને કોઈનો સપોર્ટ જોશે."

અનુજ: "હું છું ને, જીવનભર તને સપોર્ટ કરીશ."

(આટલું સાંભળીને બંને હસવા લાગે છે અને પછી કૉફિ પીવા પણ સાથે જાય છે.)

બસ પછી શરૂ થઈ ગઈ અનુજ અને પૂજાની પ્રેમ કહાની, અનુજે અત્યાર સુધી ઘણી છોકરીઓ સાથે ફ્રેંડશિપ કરી હતી પરંતુ પ્રેમિકા તો પૂજાને જ બનાવી. સાથે ઓફિસ પર આવવાનું, જમવા જવાનું, બહાર ફરવાનું, મૂવીમાં જવાનું બધું ધીરેધીરે શરૂ થઈ ગયું હતું.

(છ મહિના થઈ ગયા હતા, અનુજે તો પોતાના દિલની વાત પૂજાને કહી દીધી હતી, "હું તને ખૂબ પ્રેમ કરું છું અને તું જ મારી પ્રેમિકા છે." અને આજે પૂજાએ પણ હિંમત ભેગી કરી હતી પોતાના દિલની વાત કહેવા માટે અને અનુજના આવવાની રાહ જોતી હતી, એટલામાં પૂજાને અનુજનો ફોન આવે છે અને પોતે મોટી મુસીબતમાં છે "પ્લીઝ બચાવી લે મને, હું તને એડ્રેસ મેસેજ કરું છું તું જલ્દીથી આવીજા." આટલું કહીને ફોન મૂકી દે છે.) પૂજા ખૂબ ટેન્શનમાં આવી જાય છે, અને તરત અનુજ પાસે જવા નીકળી જાય છે. આખીર એવું શું થયું હશે ? પૂજાના માથા પરથી પસીનો નીકળવાનું બંધજ નથી થતું.)

*** 

ભાગ - ૨, પત્ની

પૂજા ગાંડાની જેમ ભાગતીભાગતી અનુજે આપેલા એડ્રેસ પર પહોંચે છે. પોતાના ધ્રુજતા હાથે બારણું ખોલીને અંદર ડરતાડરતા જાય છે. ત્યાં તો પૂજાની માથે ફૂલોનો વરસાદ થાય છે અને ગીતો વાગવા લાગે છે, અને સામે અનુજ પોતાના હાથમાં ખુબજ સરસ બુકે લઈને ઉભો હોય છે અને પુજાની નજીક આવીને પૂજાને પ્રપોઝ કરે છે અને પૂજાને પોતાની પત્ની બનાવવાની ઈચ્છા દર્શાવે છે.

આ બધું જોઈને પૂજાના જીવમાં જીવ આવ્યો અને એક ક્ષણ માટે તો પૂજા સમજીજ ના શકી કે, શું બોલું ? એટલામાં અનુજ પૂજાનો હાથ પકડીને તેને રીંગ પણ પેરવે છે, આ બધું જોઇને પૂજા પણ પોતાની લાગણી છૂપાવી નથી શકતી અને તરત અનુજને ગળે લગાવીને ખૂબ વહાલ કરે છે. આટલું સુંદર દ્રશ્ય અને આટલો ખાસ સમય હતો બંને માટે, અનુજ પૂજાને અંદર લઇ જાય છે અને પોતાના આ ખાસ સમયને વધારે ખાસ બનાવે છે અને પૂજાને ખુબજ સુંદર ડ્રેસ આપે છે અને તૈયાર થવા કહે છે કે," આજે જ આપડે આપડા લગ્નના કપડાંની ખરીદી કરવા જશું અને, ત્રણ દિવસ પછી આપડા લગ્ન છે."

પૂજા: "શું? ફક્ત ત્રણ દિવસ?"

અનુજ: "હા, એ પણ વધારે છે, હું હવે તારા વગર નહીં રહી શકું. અને તારા કુંટુંબમાં તો ફક્ત તારા કાકીજ છે ને તો હું હમણાં જ એમને તેડાવવાની વ્યવસ્થા કરું છે. અને મારા માતાપિતા તો અમેરિકામાં છે, એ લોકો પણ પહોંચી નહીં શકે."

પૂજા: "અરે! પણ તું શાંત થઈ જા, મને કંઈક સમજવાનો, વિચારવાનો મોકો તો આપ."

અનુજ: "ના, હવે કંઈ સમય નહીં મળે, છેલ્લા છ મહિનાથી તો વિચારે છે. આટલો સમય ઘણો, હવે ફક્ત તું મારી અને મારી જ છે."

બંને ખુશીખુશી તૈયાર થઈને ખરીદી કરવા જાય છે. અનુજ, પૂજા માટે ડિઝાઇનર કપડાં લે છે, બંને ખરીદી કરે છે અને બીજી બાજુ અનુજના મિત્રો લગ્નની તૈયારી કરે છે. ગામના મોટામોટા બિઝનેસમેન, સેલિબ્રિટી બધાને બોલવામાં આવે છે. પરંતુ પૂજાના સરોજકાકી થોડા બીમાર હોવાને લીધે આવી ના શક્યા. 

અનુજે ખુબજ ભવ્ય વ્યવસ્થા કરી હતી. આજે પૂજા પોતે રાણી હોય તેવું અનુભવતી હતી. લગ્નની બધી વિધિ શરૂ થઈ ગઈ હતી, અને જ્યારે પૂજાને બોલાવવા ગોરબાપાએ કહ્યું ત્યારે પૂજાની બહેનપણી સિધ્ધિ, પૂજાને લેવા અંદર જાય છે. તે સમયે અનુજ પૂજાને જોવા માટે બેબાકળો થતો હતો. સિધ્ધિને આવતા વાર લાગે છે. અનુજને થોડી ચિંતા થાય છે, પોતે જોવા મટે જાય છે કે ત્યાં સિધ્ધિ બહાર આવે છે.

સિધ્ધિ: "અનુજ, મે અંદર બધેજ જોઈ લીધું પૂજા અંદર નથી."

અનુજ: "શું? પૂજા અંદર નથી! આ શક્ય જ નથી. હમણાં થોડીવાર પેલાજ પૂજાએ મને પોતાનો તૈયાર થયેલો ફોટો પણ મોકલાયો હતો."

સિધ્ધિ: "તું ચિંતા ના કર હું એને ગોતું છું, તું બધાં મહેમાનોને વાતો કરવા અને તેમનું ધ્યાન બીજી વાતોમાં ભટકાવ, ત્યાં સુધીમાં હું કંઇક કરું છું અને પૂજાને ગોતું છું."

અનુજ બધા મહેમાનોનું ધ્યાન બીજી વાતો પર કરવા ડાન્સ શરૂ કરાવે છે, અને આ સમય દરમિયાન પોતાને ભૂતકાળની એક વાત યાદ આવે છે અને તે વાતના કારણે પોતે ખૂબ ટેન્શનમાં આવી જાય છે. એટલામાં ત્યાં પૂજા આવે છે, તેને જોઈને અનુજ તેની તરફ જાય છે અને પૂછે છે,

અનુજ: "તું મને મૂકીને ક્યાં જતી રહી હતી ? મને તારી ચિંતા હતી."

પૂજા: "મારી ચિંતા હતી ? કે પછી ભૂતકાળની કંઈ વાત યાદ આવી ગઈ ?"

અનુજ:" ભૂતકાળ ?"

પૂજા: "અરે હું મસ્તી કરું છું. હું તો મંદિરે ગઈ હતી, આપડા નવા જીવનની શરૂવાત સારી રહે અને આપડે બંને જીવનભર સાથે રહીએ માટે ગઈ હતી, આલે પ્રસાદી."

આ વાત સાંભળીને અનુજને જીવમાં જીવ આવે છે અને પૂજાને લગ્નના વસ્ત્રોમાં જોઈને અનુજ બધું ભૂલીને પૂજાની વાતોમાં જ ખોવાઈ જાય છે. અને પૂજાને પ્રેમથી તેડીલે છે અને લગ્ન મંડપ માં લઇ જાય છે. બંને સાથે ખુબજ સુંદર લાગતા હતા. બધા મહેમાનો પણ બંનેના ખૂબ વખાણ કરતા હતા. ગોરબાપા લગ્નની વિધિ શરૂ કરે છે. આમતો અનુજ ખૂબ ચાલક હતો પરંતુ પ્રેમમાં લોકો આંધળા થઈ જાય છે. 

અનુજને પૂજા કંઇક છુપાવતી હોય તેવું લાગ્યું પરંતુ બીજીજ ક્ષણે પૂજાને જોઈને ફરીથી બધું ભૂલીને તેના પ્રેમમાં ડૂબી જતો. લગ્ન વિધિ પૂરી થાય છે, બંને જણા ખૂબ ખુશ હોય છે. બધા મહેમાનો પણ જમીજમી ને અનુજ અને પૂજાને ગુડવિશ આપીને નીકળે છે. અને પછી અનુજ પૂજાની નજીક જાય છે અને પૂજાને તેડીને રૂમમાં લઈ જાય છે. 

રૂમને પણ નવિનવેલી વહુની જેમ સજાવ્યો હતો. એ રાતે અનુજ અને પૂજા તન, મન અને ધનથી એકબીજાને સ્વીકારે છે અને એક થઈ જાય છે. અનુજને થોડું કામ વધારે હોવાથી લગ્ન પછી તરત ફરવા નથી જઈ શકતા. પરંતુ બહાર જમવા જવું, સાથે ઓફિસે જવું, રોજ ચાલતું હતું. અનુજ જે પોતાની કે પોતાના બિઝનેસની વાત કોઈને ન કરતો તે પૂજાને બધી વાત કરતો થઈ ગયો.

આમ કરતાંકરતાં, બંનેના લગ્નને બે મહિના થઈ ગયા અને અનુજ પૂજાને રૂબીનો સેટ ગિફ્ટ કરે છે, એ જોઈને પૂજા ખૂબ ખુશ થાય છે અને પોતે પણ અનુજને એક કવર આપે છે, તે કવર જોઈને અનુજને ઘણાં પ્રશ્ન થાય છે પરંતુ ખૂબ ઉતાવળથી કવર ખોલે છે અને તે વાંચીને અનુજની ખુશીનો પર નથી રહેતો. તે કવરમાં બંનેની દુબઈ જવાની ટીકીટ હોય છે અને તે પણ તેજ રાતની હોય છે. 

અનુજ: "થેંક્યું, હું સમય કાઢી ના શક્યો પરંતુ તે વિચાર્યું."

પૂજા: "બસ બસ હવે જલ્દીથી પેકિંગ કર આપડે નીકળવાનું છે."

બંને જણા બધી તૈયારી કરીને દુબઈ જાય છે, ત્યાં ખૂબ મજા કરે છે અને એક રાતે અનુજને થોડું ઠીક નથી રહેતું તો તે વહેલો સૂઈ જાય છે. સવારે ઊઠે છે પરંતુ માથું બહુ ભારે લાગવાથી ફરીથી સૂઈ જાય છે. અને બપોરે જ્યારે ઉઠે છે ત્યારે પૂજાને ગોતે છે પરંતુ પૂજા ત્યાં હોતી નથી. અનુજ પૂજાને ફોન કરવા ફોન હાથમાં લે છે તો જોવે છે કે તેના આસિસ્ટન્ટના ચાલીસ મિસકોલ થઈ ગયેલા હતા. 

છતાંપણ અનુજ પહેલા પૂજાને ફોન કરે છે, પરંતુ પૂજાનો ફોન બંધ હોય છે. અનુજ હોટેલના રિસપ્સન પર પણ પૂછે છે પરંતુ પૂજા વિશે કંઈ ખબર નથી પડતી. આખરે પૂજા ક્યાં ગઈ હશે અને આસિસ્ટન્ટના આટલા બધા ફોન શા માટે આવ્યા હશે ? અનુજના મનમાં આવા અનેક પ્રશ્નોનુ યુધ્ધ ચાલી રહ્યુ હતું.

***

ભાગ - ૩, પનોતી

અનુજ હજુ કંઈ વિચારે ત્યાતો ફરીથી તેના આસિસ્ટન્ટ નિખિલનો ફોન આવે છે.

અનુજ : "શું છે નિખિલ ? તારાથી થોડા દિવસ ઓફિસ જો નો ચલાવતી હોય તો હું તારી જગા બીજાને આપી દવ ? અને તને મે કીધું હતું ને કે હું મારી પત્ની સાથે આવ્યો છું. છતાં આટલા ફોન શા માટે કરે છે ? ?"

નિખિલ: "સોરી સર, પરંતુ વાત ખૂબ જરૂરી છે."

અનુજ: "મારી પત્નીથી વધુ મારા માટે કંઈ જરૂરી નથી."

નિખિલ: "શું પત્ની પત્ની કરો છો. પૂજા મેડમ તમારી પત્ની નહીં પરંતુ તમારા જીવનમાં પનોતી છે, પનોતી."

અનુજ: "તારી આટલી હિમંત કે તું મારી પત્ની વિશે આવું બોલે, આજથી તારે મારે ત્યાં નોકરી પર આવવાની જરૂર નથી."

નિખિલ: "અરે સર, મારે નહીં તમે પણ તમારી કંપનીમાં નહીં આવી શકો."

અનુજ: "શું ? તું અત્યારે મારી સામે હોતને તો તારું ગળું દબાવી દેતા."

નિખિલ: "પેલા અહીં આવીને જોવો કે તમારી પૂજાએ શું કામ કર્યું છે."

અનુજ: "પૂજા ત્યાં છે ?"

નિખિલ: "હા, અહીં વહેલી સવારે પોતાની ટીમ સાથે આવ્યા હતા."

અનુજ: "ટીમ! આ તું શું કહે છે ? સરખી વાત કર."

નિખિલ: "આજે સવારે પૂજા મેડમ તમારી કંપનીમાં તો ખરી પરંતુ તમારા બીજા દસ ક્લાયન્ટ પર પનોતી બનીને વરસ્યા છે. પૂજા મેડમ ઇન્કમટેક્સ ઓફિસર છે અને તમારી ઘરે, ઓફિસ પર, ગોડાઉન પર બધે ઇન્કમટેક્સની રેડ ચાલુ છે."

અનુજ :"શું ! આ કેવીરીતે બની શકે ? તું અત્યારે જ મારી ટિકિટ બુક કરાવ, હું આવું છું."

નિખિલ: "તમારા બધા એકાઉન્ટ પર સીઝ કરી લીધા છે, હું મારા એકાઉન્ટમાંથી તમારી ટિકિટ બુક કરાવી દાવ છું. તમે એરપોર્ટ પર પહોંચો."

નિખિલ બને તેટલી વહેલી ટિકિટ બુક કરાવે છે અને અનુજ તેની ઓફિસ પર પહોંચે છે. ત્યાં જઈને જોવે છે તો અંદર સાચે પૂજા તેની ટીમ સાથે બધું ચેક કરતી હોય છે. કોઈને અંદર આવવાની મંજૂરી તો નહોતી પરંતુ, અનુજની ઓફિસ હોવાથી તેને પૂછપરછ માટે અંદર આવવા દીધો. અંદર જઈને કંઈપણ વિચાર્યા વગર અનુજ, પૂજાનો હાથ પકડીને તેને સાઈડ પર લઈ જાય છે.

અનુજ: "આ બધું શું છે?"

પૂજા: "બદલો."

અનુજ: "બદલો!"

પૂજા: "હા, તે જે અંજલિ સાથે કર્યુંને, તે લગ્ન મંડપમાં તારી રાહ જોતી હતી, પરંતુ તું તારા મિત્રો સાથેની શરત જીતવા માટે તે અંજલિની જિંદગી બગાડી નાખી."

અનુજ: "તું અંજલિને કેવીરીતે ઓળખે છે ?"

પૂજા: "અંજલિ મારા સરોજકાકીની દીકરી હતી."

અનુજ: "હતી, મતલબ?"

પૂજા: "તારી રાહ જોતાજોતા, કે તું સાચે તેની સાથે લગ્ન કરવા આવીશ. અંજલિ તને ખૂબ પ્રેમ કરતી હતી પરંતુ તેતો તારા મિત્રો સાથે શરત લગાવી હતી કે તું કોઈપણ છોકરીને ખોટા પ્રેમમાં સહેલાઈથી ફસાવી દઈશ. જે વાતથી અંજલિ અજાણ હતી અને તે ગાંડી થઈ ગઈ હતી અને એક દિવસ હું ઘરે પહોંચી ત્યારે અંજલિએ આત્મહત્યા કરી લીધી હતી. આજે પણ તેનો લોહીલુહાણ હાથ, જમીન પર પડેલું તેનું શરીર, હજી મારી નજર સમક્ષથી જતું નથી, મે ત્યારે જ સરોજકાકીને વચન આપ્યું હતું કે તને તો બરબાદ કરીને જેલ ભેગો કરીશ જ."

અનુજ: "પરંતુ મને નહોતી ખબર કે અમારી મસ્તીનું આટલું ખરાબ પરિણામ આવશે."

પૂજા: "એજ વાત છે કે મિત્રો સાથેની શરતમાં ઘણીવાર લોકો પોતાની સાથે બીજાના જીવ પણ જોખમમાં નાખે છે."

અનુજ: "તો શું તું મને પ્રેમ નહોતી કરતી ? મને બરબાદ કરવા આવી હતી મારા જીવનમાં ?"

પૂજા: "હા, મેં કાકીને વચન આપ્યું હતું કે હું તને બરબાદ કરી દઈશ,અને ભગવાન પણ મારી સાથે હતા. મને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી મળી અને થોડાજ સમયમાં તારી કંપની બધી માહિતી ભેગી કરવાનો ઓડર મળ્યો. બસ પછી શું તારે ત્યાં કામ કરવા લાગી અને તારી સાથે લગ્ન પણ એજ કારણથી કર્યા હતા."

અનુજ: "તું મને હજી નથી ઓળખી, હું તને નોકરીમાંથી કઢાવી દઈશ અને તારું જીવવાનું મુશ્કેલ કરી દઈશ."

પૂજા: "અત્યારે તો પેલા તું જેલમાં જા અને ત્યાં આરામથી મારા ભવિષ્યનું વિચારજે. તારી કંપનીમાંથી વિશ કરોડનું કાળુ નાણું મળ્યું છે, ફ્રોડ કંપનીના શેર, પચાસ કિલો સોનું તારા ઘરેથી મળ્યું છે અને બીજું ઘણું છે જેનું લીસ્ટ તને જેલમાં મોકલી દઈશ, આરામથી વાચજે."

(અનુજને ખૂબ ગુસ્સો આવે છે અને તે પૂજાનું ગળું પણ દબાવે છે, પરંતુ ત્યાં તરત બીજા પોલીસ ઇન્સ્પેક્ટર અનુજને પકડી લે છે અને લઈ જતા હોય છે.)

અનુજ: "તું મારી પત્ની છે ને, હું તને ક્યારેય ડિવોર્સ નહીં આપું."

પૂજા: "તારી બોલવામાં ભૂલ છે, પત્ની નહીં પનોતી. અને હા કાલે રાત્રે તે જે મને ગિફ્ટમાં દેવાના શેરના પેપર સાઈન કર્યા ત્યારે જ મે તેમાં આપડા ડિવોર્સના પેપર રાખી દીધા હતા જે તે સાઈન કરી દીધા હતા,માટે હું તારી પત્ની નથી."

અનુજ: "એકવાર મને બહાર આવવા દે પછી તેને જોઈ લઈશ."

પૂજા: "ઇન્સ્પેક્ટર પ્લીઝ તમે અનુજને અહીંથી લઈ જાવ, હું બધું પેપર વર્ક કરીને પછી અંજલિની અસ્થી વિસર્જન કરીને આવીશ. મેં અંજલિની અસ્થિ વિશર્જીત કરી નથી, આજે બદલો પૂરો થયો માટે આજેજ જઈશ."


Rate this content
Log in

Similar gujarati story from Romance