"વસંતની વેળાએ" ભાગ - ૩
"વસંતની વેળાએ" ભાગ - ૩
"વસંતની વેળાએ"
ભાગ - 3
આલોક:"વસંત, આ માણેક છે, તારા મંગેતર."
વસંત:(વસંતના પગ થોડા ડગમગવા લાગે છે.)"મારા મંગેતર."
આટલું બોલતાંની સાથે વસંતનું બેલેન્સ રહેતું નથી ત્યારે આલોક પોતાની બાહોમાં વસંતને સંભાળવા જાય છેકે તરત માણેક વચ્ચે આવીને વસંતને તેડી લે છે. આલોક આ જોઈને થોડો પાછળ ખસી જાય છે. માણેકને પહેલીવાર કોઈ જોવે તો તરત માણેકના પ્રેમમાં પડી જાય એવી માણેકની પર્સનાલિટી હતી. છ ફૂટ હાઈટ, કસરત કરીને બનાવેલું બોડી, વીટીશ સ્કિન, ખભ્ભા સુધી આવે તેટલા કાળા વાળ, કપડાં, બુટ, કાંડા ઘડિયાળ બધું બ્રાન્ડેડ હતું, ગળામાં સોનાનો જાડો ચેન અને એક હાથમાં સોનાનું જાડું કડુ.
માણેક:"આલોક દોસ્ત હવે વસંતની ચિંતા તારે કરવાની જરૂર નથી, હું છું વસંતને સંભાળવા માટે. તમે મારી વસંતનું ધ્યાન રાખ્યું એ બદલ તમારો ખૂબખૂબ આભાર."
આલોક:"હા હા જરૂર, આવોને અંદર આવો. આવો ઓફિસર તમે પણ આવો."
પોલીસ ઓફિસર:"આલોક આ થોડા પેપર છે જેમાં વસંતની સહી જોશે."
આલોક:"જરૂર સર, વસંત આ પેપર વાંચીને તેનાપર સહી કરી આપ."
માણેક:"મે પેપર જોઈ લીધા છે, બરાબર છે. વસંત તું જલ્દીથી સહી કરી આપ જેથી આપડે આપડી ઘરે જવા નીકળીએ."
આલોક:"વસંત એકવાર તું પેપર વાંચી લેજે પછીજ સહી કરજે."
માણેક:"આલોક મેં તમને કહ્યુંને કે મેં પેપર ચેક કરી લીધા છે અને હવે તમારે વસંતની ચિંતા કરવાની જરૂર નથી."
પોલીસ ઓફિસર:"વસંત તને માણેકને જોઈને કંઈ યાદ આવે છે?"
સીમા:"વસંત તું ગભરાતી નહીં, તને જે યાદ હોય તે કહેજે."
માણેક:"મારી વસંત મને ભૂલી જાય એ શક્ય જ નથી."
સીમા:"અત્યારે તો વસંતને કંઈ યાદ નથી. વસંતના હાથ પર વસંત લખેલું હતું તેના પરથી અમે નક્કી કર્યું કે કદાચ આનું નામ વસંત હશે, માટે ત્યારથી અમે વસંતથી બોલાવવા લાગ્યા."
માણેક:"એ તો યાદ શક્તિ પાછી આવશે ત્યારે બધું યાદ આવી જશે, બાકી પંદર દિવસ પછી અમારા લગ્ન છે."
વસંત:"લગ્ન!"
માણેક:"હા વસંત, મને ખબર છે તારા માટે આ સમય ઘણો ઓછો છે પરંતુ તારા બાપુજી એ આ તારીખ નક્કી કરી હતી અને હવે જ્યારે તું મળી ગઈ છે તો ગામના લોકો આપડા લગ્નની તૈયારી કરવા લાગ્યા છે."
આલોક:"વસંતની દિમાગી હાલત હજુ નાજુક છે, વસંતને કોઈ વાત માટે જબરદસ્તી કરતાં નહીં."
માણેક:"ડૉક્ટર સાહેબ, તમે ચિંતા ના કરો, હું અને વસંત બાળપણથી એકબીજાને ઓળખીએ છે અને વસંત ખુશીખુશી જ મારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ હતી."
વસંત:"મારા મમ્મી અને પપ્પા સાથે નથી આવ્યાં?"
માણેક:"મમ્મી પપ્પા! અરે વસંત તું ક્યારથી તારા બા અને બાપુજીને મમ્મી પપ્પા કહેવા લાગી?"
વસંત:"મને એ પણ યાદ નથી કે હું એ લોકોને શું બોલાવતી અને એ લોકો કેવા દેખાય છે."
માણેક:"વસંત આ રહ્યો એ લોકોનો ફોટો."
વસંત:"કેમ ફોટો! એ લોકો મને લેવા નથી આવ્યા?"
માણેક:"વસંત એ ભયાનક વરસાદી રાત્રે તમારા બધાનું એક્સિડન્ટ થયું હતું એમ તારા બા, બાપુજી અને તારા નાના ભાઈનું મૃત્યુ થઈ ગયું હતું."
વસંત:"શું બોલો છો તમે?"
આટલું બોલતાંની સાથે વસંતને ચક્કર આવવા લાગે છે. આલોક તરત વસંતને પોતાની બાહોમાં લઈને સોફા પર સુવડાવે છે અને દોડીને પાણી લાવીને વસંતને પીવડાવે છે. માણેક આ બધું જોવે છેને માણેકને આલોકનું આવું વર્તન ગમતું નથી પરંતુ માણેક પોતાનાં ગુસ્સા પર કાબુ રાખે છે.
વસંત:"એ શક્ય નથી."
માણેક:"અમને એ લોકોની ડેડ બોડી મળી હતી પરંતુ તારી બોડી નહોતી મળી માટે આશા હતી કે તું ક્યારેક તો મને યાદ કરીને જરૂર મારી પાસે આવીશ, આખીર આપડો પ્રેમ કંઈ આજ કાલનો થોડો છે, આપડે બંને તો એકબીજાને બાળપણ થી પ્રેમ કરીએ છે."
વસંત:"મને એવું કંઈ યાદ નથી."
માણેક:"આ જો તારા બા, બાપુજી અને તારા નાના ભાઈની ડેડ બોડી મળી હતી તેનો ફોટો અને આ એ લોકોના અગ્નિ સંસ્કારનો વીડિયો."
વસંત તે ફોટો અને વિડિઓ જોઈને પોતાની બાજુમાં પડેલું ઓશીકું પકડીને જોરજોરથી રડવા લાગે છે. સીમા તરત આવીને વસંતના માથા ઉપર હાથ ફેરવે છે. આલોક બધા માટે વસંતને ભાવે તેવી ચા લાવે છે. સીમા તે ચા વસંતને પીવડાવે છે જેથી વસંત ને માથું ન દુઃખે.
માણેક:"વસંત તું ક્યારથી ચા પીવા લાગી?"
સીમા:"સમય જતાં માણસની પસંદ પણ ફરે છે. પછી એ ચા માટે હોય કે પછી વ્યક્તિની પસંદગી માટે હોય."
માણેક:"એટલે! તમે કહેવા શું માંગો છો?"
આલોક:"કંઈ નહીં. દીદી તું વસંતને એનો સામાન રેડી કરવામાં મદદ કર, હું ઑફિસર સાથે વાત કરી લવ અને માણેકને વસંતની દવા અને રિપોર્ટ આપી દવ."
સીમા:"તું સાચે ઈચ્છે છે કે વસંત જતી રહે?"
આલોક:"વસંત ની જ ઈચ્છા હતી માટે તો આપડે વસંતના પરિવારના લોકોને શોધતાં હતા, અને હવે જ્યારે એ લોકો મળી ગયાં છે તો આપડો કોઈ હક નથીકે આપડે વસંતને અહિં રોકી શકીએ. બરાબર ને વસંત?"
વસંત:(આલોકના સામે જોવાના બદલે સીમાને કહે છે.)"દીદી મારી શું ઈચ્છા છે એ મારાથી વધારે ડૉક્ટર સાહેબને ખબર છે માટે તમે ચાલો મારો સામાન લઈ આવીએ, હું માણેક સાથે જવાં તૈયાર છું."
સીમા:"પરંતુ તારા બા બાપુજી તો હવે આ દુનિયા માં નથી તો તું ક્યાં જઈશ?"
માણેક:"હું છું ને, મારો પરિવાર છેને, બધા આતુરતાથી ઘરની લક્ષ્મીની રાહ જોવે છે, તમે ચિંતા ના કરો અને આ લો મારા અને વસંતના લગ્નની કંકોત્રી, ૧૬ તારીખે લગ્ન છે તો તમે આવી જજો."
વસંત:(કંકોત્રી સીમાના બદલે આલોક હાથમાં લે છે.)"દીદી ચાલો મારો સામાન લઈ આવીએ."
કંકોત્રી જોઈને આલોકની આંખોમાં પાણી આવી જાય છે. આલોક તે કંકોત્રી લઈને બહાર બગીચામાં જતો રહે છે અને પોતાનાં મનગમતાં હિંડોળા ઉપર બેસી જાય છેને કંકોત્રીને પોતાની બાજુમાં રાખીને રડવા લાગે છે. આ બાજુ ઘરમાં અંદર વસંત અને સીમા સામાન લેતાલેતા વાતો કરે છે.
સીમા:"શું તું સાચે માણેક સાથે જવા માંગે છે?"
વસંત:(પોતાની બેગને જોરથી બંધ કરતાં કરતાં બોલે છે.)"મારા ઈચ્છવા નો ઈચ્છવાથી શું થવાનું?"
સીમા:"તું એકવાર બોલતો ખરી, મારો ભાઈ તારો સાથ જરૂર આપશે."
વસંત:(સીમાનો હાથ પકડીને સીમાને બારી પાસે લઈ જાય છે અને ત્યાંથી આલોકને દેખાડે છે.)"આ તમારો ભાઈ જે એકલો એકલો રડે છે એ મારો સાથ આપશે?"
સીમા:"આલોક ત્યાં શું કરે છે?"
વસંત:"પોતાને તૈયાર કરે છેકે મને જવા દે, અને તમે છો કે મને રોકવાની કોશિશ કરો છે!"
સીમા:"તું તો ઓળખે છેને મારા ભાઈને, એ ક્યારેય પોતાની ખુશી શેમાં છે એની જાણ નહીં કરે. પણ શું તનેપણ આલોકની યાદ નહીં આવે?"
વસંત:"યાદ તો એની આવે જેને આપડે ભૂલી જઈએ, જ્યારે આલોક તો મારા દિલમાં વસેલાં છે. આંખો ખુલ્લી રાખું કે બંધ ફક્ત આલોક જ દેખાય છે. આલોકની મોટીમોટી ભૂરી આંખો, ભૂરા અને કર્લી નાનાનાના વાળ, સફેદ હંસથી વધારે સફેદ સ્કિન, આંખની નીચે એક નાનકડું તલ, હેન્ડસમ અને સિમ્પલ પર્સનાલિટી,રોજેરોજ સમયસર જીમ કરીને તંદુરસ્ત બનાવેલું બોડી, હાઇટ પણ પાંચ ફૂટ દસ ઇંચ છે."
માણેક:(વસંત અને સીમા વાત કરતાં હોય છે ત્યાં પાછળ આવીને કહે છે.)"પાંચ ફૂટ અને દસ ઈંચ નહીં પૂરી છ ફૂટ હાઈટ છે મારી."
માણેકનો અવાજ સાંભળીને વસંત અને સીમા બંનેના હાથમાંથી સામાન પડી જાય છે.

