"વસંતની વેળાએ" ભાગ - ૧
"વસંતની વેળાએ" ભાગ - ૧
"વસંતની વેળાએ"
ભાગ - ૧
અહીં લખેલ ધારાવાહિક વાર્તામાં બધા પાત્રો કાલ્પનિક છે, બધી વાતો પણ કાલ્પનિક છે. આ ધારાવાહિક વાર્તાનો કોઈના પણ ભૂતકાળ કે ભવિષ્યકાળ કે પછી વર્તમાનકાળ સાથે કોઈપણ રીતે સંબંધ નથી. આ ધારાવાહિક વાર્તામાં બધો સમય કાલ્પનિક છે, બધી જગા પણ કાલ્પનિક છે. આ એક કાલ્પનિક ધારાવાહિક વાર્તા છે. તો વાચક મિત્રો આશા છેકે તમે લોકો મારી નવી ધારાવાહિક ને પણ અવશ્ય વાંચશો. જેમ તમે લોકોએ મારી બીજી બધી ધારાવાહિકને પ્રેમ આપ્યો એથી પણ વધારે મારી આ ધારાવાહિકને પ્રેમ આપશો એવી આશા છે.
૧ માર્ચ ૨૦૧૫ની સવાર હતી, લગભગ સવારના ૭ વાગ્યાં હતાં. આલોક પોતાનાં લોનાવાલા પાસે આવેલાં ફાર્મહાઉસના બગીચામાં એક સુંદર હિંડોળા ઉપર બેઠોબેઠો મસાલા વાળી ચા પીતો હતો. માર્ચ મહિનો એટલે વસંતઋતુ, વસંતઋતુ એટલે ઋતુઓનો રાજા. ફાર્મહાઉસ ના બગીચામાં વસંતઋતુ ના કારણે વૃક્ષોની ડાળીઓ ઉપર નવી કુંપળો ફૂટી હતી, રંગબેરંગી નવા ફૂલો ખીલ્યાં હતાં.
સવારનું વાતાવરણ ખુશનુમા અને નિરાળું હતું, લીમડાના વૃક્ષ પર મંજરી અને આંબાના વૃક્ષ પર મોર પણ આવી ગયાં હતાં. વૃક્ષોની ઘટા માં છૂપાઈને કોયલો ટહુકા કરતી હતી, પક્ષીઓ કલરવ કરતાં હતા, વાતાવરણ માં એક નવી ઉમંગ અને ચેતના પ્રસરી ચૂકી હોય તેવું આલ્હાદક વાતાવરણ હતું. પરંતુ આલોકના મુખ પર સ્મિત તો કોઈના અવાજથી આવે છે.
આલોક:(પાછળ ફરે છે તો ત્યાં વસંત ઊભી હોય છે.)"અરે વસંત! આજે આટલી જલ્દી તારી સવાર થઈ ગઈ?"
વસંત:(આલોકની નજીક આવીને આલોકની પાછળ ઊભી રહે છે.)"હા આજે મને થયુંકે તમારી સાથે સુંદર સવારની મજા માણું."
આલોક:(વસંતનો હાથ પકડીને વસંતને પોતાની બાજુમાં બેસાડે છે.)"મારી સવાર તો તારા આવવાથી, તારો અવાજ સાંભળવાથી સુંદર થઈ ગઈ."
વસંત:"તમને ખબર છે! આ કામણગારો કેસુડો જેમ કેસરી રંગ ફેલાવે છે એવીજ રીતે તમે મારા જીવનમાં રંગો ભર્યા છે. એ ભયાનક વરસાદી રાતે જ્યારે મારું એક્સીડન્ટ થયું ત્યારે."
આલોક:"અરે વસંત, તારી આંખોમાં પાણી! તમે કોઈ તકલીફ હોય તો મને કહે."
વસંત:"તમારા હોવાથી મારી આજુબાજુ કોઈપણ તકલીફ આવી ના શકે."
આલોક:"તો પછી આ આંસુ?"
વસંત:"એ વરસાદી ભયાનક રાતમાં વાવાઝોડામાં જેમ ઘણું બધું તણાય ગયું ત્યારે મારા જીવનની યાદો પણ તણાય ગઈ. મારું અસ્તિત્વ પણ ધોવાઈ ગયું, હું એકલી થઈ ગઈ."
આલોક:(વસંતનો હાથ પકડીને કહે છે.)"એવું શા માટે કહે છે? તું એકલી નથી, હું છુંને તારી સાથે."
વસંત:(આલોકના ખભા ઉપર માથું રાખીને કહે છે.)"તમે ખૂબ સારા ડૉક્ટર છો, આટલાં સમયથી મારો ઈલાજ કરો છે, પરંતુ મને કશું યાદ નથી આવતું. હું કોણ છું? મારું ઘર ક્યાં છે? આ તો ફક્ત મારા હાથમાં વસંત નામનું ટેટુ છે તેના લીધે આપડે માન્યું કે મારું નામ વસંત છે અને એ પણ ગુજરાતી માં લખેલું હોવાના કારણે માન્યું કે હું ગુજરાતી છું."
આલોક:"તું એકલી ક્યાં છે? હું છું ને તારી સાથે, તારો પરિવાર પણ હું જ છું. તું ખુશ રહે, તારી આંખોમાં આંસુ મારાથી જોવાતાં નથી."
વસંત:"મારા કારણે તમે ઘણા હેરાન થાવ છો, એ રાત્રે પણ તમે મને બચાવી અને ને મહિના સુધી હું કોમા માં હતી ત્યાં સુધી તમે મારી ખૂબ સેવા કરી, અને હજી પણ તમે મારા બોલ્યા વેણ જીલો છો."
આલોક:"તે પણ મારા જીવનનો ખાલીપો ભર્યો છે, મારા માતા પિતાના મૃત્યુ બાદ હું એકલો થઈ ગયો હતો, બહેનના પણ લગ્ન થઈ ગયાં હતાં અને એ પણ સાસરે જતી રહી હતી."
વસંત:"અરે હા તમારી વાત પરથી યાદ આવ્યું કે, સીમાદીદી નો મેસેજ હતોકે,"તમે એમનો ફોન નથી ઉપાડતાં, એમને કામ છે."
આલોક:(વસંતનો ચહેરો બંન્ને હાથ વડે પકડીને વસંતની આંખોમાં જોવે છે.)"હું હમણાં વાત કરી લઈશ."
વસંત:"પરંતુ આવું ક્યારેય નથી થયુંકે તમે દીદીનો ફોન ના ઉપાડ્યો હોય. કંઈ!"
આલોક:"મેં કીધુને કે હું હમણાં વાત કરી લઈશ."
વસંત:"મારી સામે ફોન કરો."
આલોક:"હા થોડીવાર માં કરું છું."
વસંત:"હું ફોન લગાવું છું."
આલોક:(વસંતના હાથમાંથી ફોન લઈને બેબાકળો થઈને કહે છે.)"અરે મેં કહ્યુંને હું પછી વાત કરી લઈશ."
વસંત કંઈ બોલે તે પહેલાં આલોકનો ફોન વાગે છે. આલોક પોતાના પોકેટ માંથી ફોન કાઢવા જાય છે તો ત્યારે ફોનની સાથે એક રીંગનું બોક્સ નીચે પડે છે. સાથેસાથે પોકેટ માંથી ફોન બહાર નીકળતાંની સાથે ઉપડી જાય છેને ફોન સ્પીકર પર હોય છે. આલોકના ફોન પર આલોકની બહેન સીમાનો ફોન હતો.
સીમા:"હેલ્લો આલોક! કેમ મારો ફોન નથી ઉપાડતો? તે રિંગ વસંતને પહેરાવી કે નહીં? જો ભાઈ મને ખબર છેકે પ્રેમ વ્યક્ત કરવાના વિષયમાં તું થોડો કાચો છે માટે પૂછું છું. છેલ્લા બે મહિનાથી વીંટી સાથે લઈને ફરે છે પરંતુ વસંત ને આપી નથી શકતો."
સીમાની વાત સાંભળતાંની સાથે આલોકના માથા ઉપર પરસેવો થવા લાગે છે. સીમા આગળ કંઈ બોલે તે પહેલાં આલોક ફોન લઈને કટ કરી નાખે છે. વસંત પણ સીમાની વાત સાંભળીને લાડખળતા પગે ત્યાંથી જવાં લાગે છે. વસંતને જતાં જોઈને આલોક પાછળથી વસંતનો હાથ પકડીને વસંતને ઊભી રાખે છે.
આલોક:"વસંત, પ્લીઝ એકવાર મારી વાત સાંભળી લે, તું વિચારે છે એવું નથી, આતો સીમા."
વસંત:(આલોકની વાત સાંભળીને પાછળ ફરે છે.)"તો શું છે મને સમજવાને."
આલોક:"આતો સીમા કહેતી હતી, પણ તમે જેમ ઈચ્છા હોય આપડે તેમજ કરશું."
વસંત:"સીમાદીદી ની ઈચ્છા છે? તમારી ઈચ્છા શું છે?"
આલોક:"મારી મારી ઈચ્છા ઈચ્છા! તું પ્લીઝ અહીં આવ આપડે બેસીને વાત કરીએ."
વસંત:"આટલાં સમયથી આ વીંટી કોના માટે લઈને ફરતાં હતાં? મારા માટે?"
આલોક:"ના, એટલે હા, પણ એવું કંઈ નથી, તું બેસ આપડે ચા પીતાપીતા વાત કરીએ."
વસંત:"શું વાત કરવી છે?"
આલોક:(હિંડોળા ઉપર જઈને બેસી જાય છે અને પોતાનાં માથા ઉપરનો પસીને લૂંછતા લૂંછતા બોલે છે.)"ખબર નહિં વસંત શું બોલવું એ સમજાતું નથી."
વસંત:(આલોકની બાજુમાં આવીને ઊભી રહે છે.)"જ્યારે શબ્દોથી કામ ન થાય કે શબ્દો ન હોય કંઈ વ્યક્ત કરવા માટે ત્યારે પોતાનાં દિલની લાગણી વ્યક્ત કરીને સામેના વ્યક્તિને પોતાની લાગણી સમજાવવી દેવાય, નહિંતર મોડું થઈ જાય અને જીવનભર અફસોસ કરવો પડે."
આલોક:"એટલે! તું કહેવા શું માંગે છે?"
વસંત આવીને આલોકના ખોળામાં બેસીને પોતાનાં બંને હાથોથી આલોકને ચહેરો પકડીને હળવેકથી આલોકના હોઠને ચુમીલે છે. વસંતનું આમ અચાનક વર્તનથી આલોકને સમજાય જાય છેકે વસંત શું કહેવા માંગે છે. વસંત તરત આલોકથી થોડી દૂર થવાં જાય છેકે આલોક વસંતને પોતાની બાહોમાં લઈલે છે. વસંતના ચહેરો શરમથી લાલ થઈ ગયો હતો.
આલોકની ખુશીનો તો પાર નહોતો રહ્યો. વસંતએ પોતે જે પગલું ભર્યું તેના લીધે શરમ ના લીધે ત્યાંથી નજર નીચી કરીને જવાં જતી હતી પરંતુ હવે તો આલોકને પણ વસંતના દિલની વાત સમજાય ગઈ હતી માટે આલોક આમ તો વસંતને પોતાનાથી દૂર જવાં નહીં દે માટે આલોક પોતાની બાહોમાં વસંતને એકદમ ટાઈટ પકડી રાખે છે.
આલોક:(વસંતના કાનમાં હળવેકથી કહે છે.)"તે શા માટે તારા દિલની લાગણી વ્યક્ત ન કરી?"
વસંત:(પોતાને આલોકની બાહોમાં છુપાવતાં બોલે છે.)"મને ડર હતો કે કદાચ તમને નહિં ગમે તો? માટે હું ડરતી હતી."
આલોક:"મને પણ એમજ હતું કે તને નહિં ગમે તો માટે હું પણ મારા દિલની વાત વ્યક્ત નહોતો કરતો."
વસંત:"મને થયુંકે કદાચ તમે મારા ઉપર દયા ખાઈને,"
વસંત પોતાની વાત પૂરી કરે કે તે પહેલાં જ આલોક વસંતના ગુલાબી મુલાયમ હોઠ ઉપર પોતાનાં હોઠ રાખીને વસંતને ચૂમવા લાગે છે. સવાર જેટલી સુંદર હતી તેનાં કરતાં પણ વધારે સુંદર થવા લાગી હતી. આલોક અને વસંતના પ્રેમની સુગંધી જાણે આખા બગીચામાં પ્રસરવા લાગી હતી. પક્ષીઓ પણ કલરવ વધુ કરવા લાગ્યા હતાં કે જાણે એમને પણ આલોક અને વસંતને એક થતાં જોઈને ખુશી મળતી હતી.
આલોક અને વસંત જ્યારે એકબીજામાં ખોવાઈ ગયાં હતાં ત્યારે આલોકના ફોન પર રિંગ વાગવાથી આલોક અને વસંતનુ ધ્યાન ભંગ થાય છે. આલોક જોવે છે તો ફોન પર પોલીસ ઓફિસરનો ફોન હતો માટે આલોક તરત ફોન ઉપાડી લે છે અને પોલીસ ઓફિસરની વાત સાંભળતાંની સાથે આલોકના હાથમાંથી ફોન નીચે પડી જાય છેને આલોકના ચહેરા પર ખુશી હતી તેના બદલે ચિંતા છવાઈ જાય છે.
ક્રમશઃ.....
-ઈશિતા રાયઠઠ્ઠા.

