Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Anil Dave

Drama Tragedy Action


4.5  

Anil Dave

Drama Tragedy Action


હલકટ

હલકટ

3 mins 1.3K 3 mins 1.3K


શી ખબર ? કયાં કાળ ચોઘડિયે મનીયાએ નવઘણ ભરવાડ પાસેથી દસ હજાર રૂપિયા વ્યાજે લીધા, તેનું મુદ્લ તો શું તેનું બે મહિનાનું વ્યાજે'ય ચુકવી શક્યો ન હોતો. મનીયો'ય બિચારો શું કરે ? એના બાર વરસના કાળીયાને કમળો થઈ ગયો અને એને સરકારી દવાખાને દવા કરાવી પણ કરી ન ફાવી, કમળો એવો થયો'તો કે સરકારી દવાખાના ડોકટરો છૂટી પડ્યા ને કહી દીધુ આને શહેરમાં મોટા દવાખાને લઈ જાવ. બિચારો! મનીયા પાસે કંઈ હતુ નહી, બાપ-દાદાના વખતનું ઘર હતું એ'ય પડી ને પાદર થયેલી એક ઓરડી થાય એટલી જગ્યા ભાગે આવેલી! એ જગ્યામાં ગાર-માટીની હાથે-પગે મજૂરી કરીને ઓરડી બનાવેલી, એ તો એ એની નાતના સતવારા સાથે કડિયા કામ કરવા જતો તો'ય ભેગું થતું નહી એટલે એની વહુ જમના'ય હારોહાર રેતી સારવા જતી, જ્યારે કડિયા કામ ન મળતુ ત્યારે કોઈના વાડી-ખેતરે દાડી'યે જતા. ચાર-ચાર જણા ખાવાવાળા અને હમણાં-હમણાં કડિયા કામે'ય નહોતુ રહેતું, ને આમેય દસ-બાર હજારની વસ્તીવાળા ઞામમાં ધંધો'ય કંઈ ન મળે એટલે નવઘણની વાડીએ નિંદામણ કરવા દા'ડી'યુ રાખેલું, પણ જમનાને ઞમ્યું નહોતું નવઘણની નજર એના પર મેલી હતી, જમનાએ મનિયાને કહ્યું પણ ખરૂં 'આ નવઘણિયો મૂ'વો મેલી નજરનો છે, એ જ્યા હું કામ કરતી હોય ત્યા આવીને મૂ'વો મને ટીકી-ટીકીને જ જોતો હોય છે આને ત્યા ક્યા તમે કામ રાખ્યું!!?' 'પણ જમના નવઘણિયાનું દનૈયું બધા કરતા વધારે હોય છે અને ઉપરથી બપોરનુ ભાતું'ય આપણા ચારે'ય ને ખવરાવે છે, ને આમે'ય હું તારી સાથે જ હોવ જ છું ત્યા લગી એ કંઈ કરી શકે તેમ નથી, તને તો ખબર જ છે મોંઘવારી કેવી છે ભેગું થતું'ય નથી'. મનીયાને બિચારાને કાળુ સવા સુરીયો વસ્તાર મોટી રૂપા જન્મીને તરત જ જમનાને સારા દિવસો જવા લાગ્યા અને સવા વરસે કાળીયો થયો.

એવામાં કાળીયાને કમળો થયો અને નવઘણે સામેથી બોલાવીને પૈસા ધર્યા, મનીયો તો બિચારો રીતસરનો રોઈ પડ્યો ને નવઘણને પગે લાગીને રોતા-રોતા બોલ્યો'ય ખરો, 'નવઘણભાઈ તમારો ઉપકાર નહી ભૂલુ બાપ!' નવઘણે મૂંછમાં હસતા-હસતા કહ્યું'ય ખરૂં જમનાભાભીને કે'જો કોઈ વાતે ન મૂંઝાય' મનીયો મનમાં વિચારતો જ હતો કે નવઘણ ઞામનો ઉતાર કોઈનું ઉધાર ન રાખનાર મેં પૈસા લીધા તેને બે મહિના થવા છતાં બોલ્યો કેમ નહી ? હજી આ વિચાર પૂરો જ થયો હતો ત્યાં જ નવઘણ તેની ઓરડીમાં દાખલ થયો, મનીયાએ ઉમળકાથી આવકાર્યો 'એ આવો, આવો નવઘણ ભ'ઈ'! અને મનીયાએ નવઘણને બેસવા ખાટલો ખાલી કરી આપ્યો અને તે તેના પગ પાસે બેસી ગયો, જમના આ બાજુ ઓરડીના ખૂણે આવેલા ચૂલે રોટલા ઘડતી'તી નવઘણની નજર જમના પર જ હતી, મનીયાએ નવઘણને કહ્યું'ય ખરૂં નવઘણભ'ઈ તમે આંટો શિ'દ ખાધો કો'કના સંગાથે સમાચાર કહેરાવી દીધા હોત તો સામા પગલે હું આવી જાત', નવઘણે તરત જ મનીયા સામે જોઈને તું કારાથી કહ્યું 'ખબર છે ને મનીયા તારો કાળિયાને કમળો થયો હતો ત્યારે તે કહેલું તમારો ઉપકાર નહી ભૂલું' 'હા નવઘણભાઈ તમારો ગુણ ભૂલાય એમ નથી..પણ થોડું અચકાઈને મનીયો બોલ્યો, 'નવઘણભાઈ મારા વાલા આવતા મહિને પૈસાનો કંઈ જોગ નહી થાય તો મારી ઓરડી વેચીને તમારા પૈસા દૂધે ધોઈને આપી દઈશ!' 'મનીયા ઓરડી વેચવાની જરૂર નથી' નવઘણે કહ્યું, પછી ખંધુ હસતા મનીયાની નજીક મોઢુ લઈ જઈને આંખ મિંચકારીને બોલ્યો, તારી વહુને મહિનામાં બે રાત મારા ઘરે મોકલી દેજે અરે ગાંડા વ્યાજ તો શું મૂડી'ય ભૂલી જઈશ અને ઉપરથી મહિને પાંચ હજાર આપીશ તે લટકાના !, સાંભળતા મનીયો સન્ન થઈ ગયો એને કંઈ સૂઝે તે પહેલાં જ જમના હડફ દઈને ઉભી થઈ અને સામેના બીજા ખૂણામાં પડેલી લાકડા ફાડવાનો કુવાડો લઈને દોડીને ખાટલે બેઠેલા નવઘણના માથામાં ઉપરા-ઉપરી ત્રણ ઘા કુવાડાના માર્યા કે તુરત જ નવઘણની ખોપરી ફાટી ગઈ અને નવઘણ ત્યાં જ ઢળી પડ્યો.


Rate this content
Log in

More gujarati story from Anil Dave

Similar gujarati story from Drama