જય સોની

Action Thriller Others

4  

જય સોની

Action Thriller Others

અનોખું વેકેશન

અનોખું વેકેશન

27 mins
446


ડેવિડ માટે એ આનંદનો દિવસ હતો. ઉનાળો સખત હતો અને ગરમી એવી હતી કે જાણે આગની ભઠ્ઠીમાં હાથપગ શેકાઈ રહ્યાં હોય. ઘણાં લાંબા સમય સુઘી સતત કામમાં વ્યસ્ત રહ્યાં પછી એણે પોતાનાં કામને દસ દિવસ માટે બ્રેક મારી હતી. ઓફિસમાંથી રજા લઈને દસ દિવસનાં મીની વેકેશન પર પોતે ઉપડી ગયો હતો. ફરવા માટે પણ આનંદ આવી જાય એવું સ્થાન નક્કી કર્યું હતું “ન્યુયોર્ક”.

ડેવિડની જિંદગીમાં અંગત કહી શકાય એવું કોઈ નહોતું. જ્યારથી સમજણો થયો ત્યારથી એટલી જ ખબર હતી કે એક અનાથાલયમાં ઉછરીને મોટો થયો હતો. ભણીને તૈયાર થયો અને મોલમાં ફ્લોર મેનેજરની નોકરી મળી ગઈ. બસ આજ એની ટૂંકીને ટચ ઓળખાણ.

ન્યુયોર્કમાં ડેવિડે દસ દિવસનો પૂરો ફરવાનો પ્લાન બનાવીને રાખ્યો હતો. એકથી લઈને દસ દિવસ સુધી ક્યાં-ક્યાં ફરવાનું એનું પૂરેપૂરું ટાઈમટેબલ બનાવીને ખિસ્સામાં મૂકી દીધું હતું. આજે ડેવિડનો વેકેશનનો ત્રીજો દિવસ હતો. ડેવિડનાં ટાઈમટેબલ મુજબ એ હડસન નદીમાં બોટિંગ માટે ગયો હતો. એની ખુશી એનાં મોઢા પર મોતીની જેમ ચમકતી હતી.

બોટિંગ કરતાં-કરતાં ડેવિડ ખતરાની નિશાની સુધી પહોંચી ગયો. બોટ થોડી ધીમી કરી. આગળ જવું કે નહીં એ વિચારતો હતો. ત્યાં એનામાં એક ચમકારો થયો. આજુબાજુ કોઈ દેખાતું નહતું. થોડાક આગળ જવામાં કોઈ વાંધો નથી એમ વિચારીને ડેવિડે પોતાની બોટની સ્પીડ વધારી દીધી. હજી સો મીટર જેવો આગળ વધ્યો હશે, ત્યાં બોટ સાથે કાંઈક અથડાવાનો અવાજ આવ્યો. એણે બોટની સ્પીડ એકદમ ધીમી કરી દીધી. બોટની અંદરથી જ એ આજુબાજુ જોવા લાગ્યો પણ કઈ દેખાયું નહીંં. ત્યાં અચાનક બોટ ડાબી બાજુ નમવા લાગી. ડેવિડ ગભરાઈ ગયો. પાંચેક સેકન્ડમાં તો બોટ પલટી ખાઈને ઊંધી થઈ ગઈ. ડેવિડ નદીમાં પટકાયો. એ જેવો પાણીની અંદર ગયો કે અચાનક કોઈ શક્તિ એને પાણીમાં જોશથી ખેચતી હોય એવું લાગ્યું. ડેવિડનો શ્વાસ રૂંધાવા લાગ્યો. ડેવિડને પાણીનો ભાર જાણે મોટો પહાડ એની ઉપર આવી ગયો હોય એવો લાગવા લાગ્યો. ડેવિડ પાણીમાં ઉપર આવવા મથતો હતો. પણ પાણીમાં એ વધારે અંદર ઘસતો જતો હતો. અચાનક ડેવિડ બેભાન થઈ ગયો. એણે હાથપગ મારવાનાં બંધ કરી દીધા.

ડેવિડે ધીમે ધીમે આંખ ખોલી. એ હજી પૂરો ભાનમાં આવ્યો નહતો. પણ એના કાનમાં પાણીનાં વહેવાનો અવાજ આવતો હતો. એનાં કપડા પાણીથી ભીના થઈ ગયા હતા. એ ધીમે ધીમે ઊભો થયો. પણ પગ જાણે કામ કરતા નહોતાં. એને યાદ આવ્યું કે પોતે હડસન નદીમાં બોટિંગ કરતો હતો અને એની બોટ નદીની વચ્ચોવચ્ચ પલટી ખાઈ ગઈ હતી. પણ એને આજુબાજુ જોયું તો કોઈ નદી નહોતી. એક ઝરણું એની બાજુમાંથી પસાર થતું હતું. અને પોતે એક ગુફાના દરવાજાની એકદમ નજીક બેઠો હતો. એ કઈ જગ્યા હતી એની એને ખબર નહોતી. પોતે અહીં કેવી રીતે પહોચ્યો એની પણ ખબર નહોતી. આ જગ્યાએ પોતે પહેલા ક્યારેય આવ્યો પણ નહોતો.

ડેવિડ હજી બેઠો થયો ત્યાં એને કાંઈક અવાજ આવ્યો. અવાજ ગુફાની અંદરથી આવતો હતો. ગુફામાં એકદમ અંધારું હતું એટલે ગુફા કેટલી ઊંડી છે એનો અંદાજ આવતો નહોતો. એને ધ્યાનથી પોતાના કાન ગુફા તરફ કર્યા. એને ખાતરી થઈ ગઈ કે અવાજ અંદરથી જ આવે છે.

એનું પૂરેપૂરું ધ્યાન ગુફા તરફ જ હતું. ધીમે ધીમે એ અજાણ્યો અવાજ પોતાની તરફ આવતો હોય એવું એને લાગતું હતું. અચાનક એને અંધારામાં ચમકતી બે આંખ દેખાઈ. આંખ પરથી એ કોણ હોઈ શકે એનો એણે અંદાજ લગાવ્યો પણ પોતે નિષ્ફળ જતો હોય એવું એને લાગતું હતું. પોતાની તરફ આવનાર કોઈ મનુષ્ય તો નથી એવું એને લાગ્યું. જેમ જેમ એ આંખો એની નજીક આવતી જતી હતી તેમ તેમ એનો ડર વધવા લાગ્યો. ગુફામાંથી આવનાર હવે માત્ર બે ફૂટ દુર હતું. એને જોઈને ડેવિડની આંખો ખુલ્લી જ રહી ગઈ. માથાથી પેટ સુધીનું એનું શરીર મનુષ્યનું હતું અને પેટથી નીચેનો ભાગ શિયાળના અંગોનો હતો. શિયાળની જેમ જ ચાર પગ, પૂછડી, રંગ બધું જ શિયાળ જેવું. પણ શિયાળ કરતાં લાંબુ અને ઊચું.

ડેવિડ આવા પ્રાણીને જોઈને એટલો બધો ગભરાઈ ગયો કે ગુફાની જે દિવાલના ટેકે બેઠો હતો ત્યાં વધારે અંદર ધૂસવા પ્રયત્ન કરવા લાગ્યો. પણ કમનસીબે ત્યાં વધારે જગ્યા નહોતી. ત્યાં પેલું પ્રાણી બોલ્યું, “માલિક, તમે આવી ગયાં. અમને તમારા આગમનની બહુ જ ખુશી થઈ. હવે અમારા સારા દિવસો બહુ દુર નથી.”

ડેવિડને અચરજ થયું. એક તો જીવનમાં ક્યારેય આવો જીવ જોયો નહોતો. ઉપરથી એ બોલતું પણ હતું. એણે હિમ્મત કરીને કહ્યું, “હું ક્યાં છું ? અને હું તારો કોઈ માલિક નથી. ખાલી એટલું જણાવ કે હું અત્યારે ક્યાં છું.”

પેલાએ કહ્યું, “મારું નામ કાર્ટર છે અને હું તમારો સેવક છું. તમે અહી અમારા જીવનનાં ઉધ્ધાર માટે જ આવ્યા છો. રાક્ષસી શક્તિઓથી બચાવવા ભગવાને તમને અમારી પાસે મોકલ્યા છે.” ડેવિડને કાંઈ ખબર પડી નહીંં. એની ચિંતા વધવા માંડી. પોતે ક્યાં છે એની એને ખબર નહોતી. ઉપરથી તેની સામે એવો જીવ ઊભો હતો જેનું પૃથ્વી પર અસ્તિત્વ જ નહોતું. એ ગુસ્સામાં બોલ્યો, “સીધી રીતે જણાવી દે કે હડસન નદી તરફ જવાનો રસ્તો ક્યાં છે ?”

“માલિક, તમે અમારા દેવતા છો. હડસન નદી ક્યાં છે એની તો મને ખબર નથી પણ તમારાં બધાં જ સવાલોના જવાબ મિસ્ટર લિંકન આપી શકશે. હું તો માત્ર તમારો સેવક છું. જો તમે ઈચ્છો તો હું તમને એમની પાસે લઈ જઈ શકું છું,” કાર્ટરે કહ્યું.

“તું મને હડસન નદી સુધી જવાનો રસ્તો બતાવે છે કે નહીંં ? નહીંં તો હું તને અહીં જ ખતમ કરી નાખીશ.” ડેવિડે બાજુમાં પડેલો પથ્થર કાર્ટર તરફ ઉગામતા કહ્યું. એક તરફ ડેવિડ ગભરાયેલો હતો અને એમાંય કાર્ટરના રંગરૂપ જોઈને ડરી ગયો હતો.

“માલિક હું તમને મિસ્ટર લિંકન પાસે લઈ જઈ શકું છું. એનાથી વધારે મારી પાસે કોઈ જાણકારી નથી.” કાર્ટર ડેવિડનાં આવા વર્તનથી ડરી ગયો હતો. એણે તરત જ પોતાની સૂઝ વાપરીને ડેવિડનું ધ્યાન લિંકન તરફ દોરી દીધું.

ડેવિડ પાસે બીજો કોઈ રસ્તો હતો નહીંં. એના માટે જગ્યા પણ અજાણી હતી અને પોતે ક્યાં હતો એની પણ એને ખબર ન હતી. કાર્ટર પર વિશ્વાસ કર્યા સિવાય એની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. એણે થોડી સાવધાનીથી કહ્યું, “કાર્ટર, આ લિંકન કોણ છે ? અને એની પાસે મારા બધાં જ સવાલોના જવાબ હશે જ એવી તને કેવી રીતે ખાતરી છે ?”

“આ અહીનાં પાદરી છે. એમને જ કહ્યું હતું કે આ ઝરણામાંથી એક વ્યક્તિ પ્રગટ થશે અને સ્નેકમેનથી તમારું રક્ષણ કરશે ” કાર્ટરે કહ્યું.

“હવે આ સ્નેકમેન કોણ છે ?” ડેવિડે અકળાઈને પૂછ્યું.

“અમને એના વિશે ચર્ચા કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. મિસ્ટર લિંકનના આદેશ અનુસાર એમનાં સિવાય કોઈ એનાં વિષે વાત કરી શકતું નથી. એટલા માટે જ તમને કહું છું કે હું તમને મિસ્ટર લિંકન પાસે જલદીથી લઈ જવું.” કાર્ટરે સાવધાની રાખતા કહ્યું. એની વાત કરવાની રીત પરથી એવું લાગતું હતું કે જાણે સ્નેકમેનના નામથી એને ડર લાગતો હતો.

ડેવિડ જવા તૈયાર થયો. એને કાર્ટર પર વિશ્વાસ તો નહોતો પણ એ સિવાય એની પાસે બીજો કોઈ રસ્તો પણ નહોતો. ડેવિડ અને કાર્ટર ગુફામાંથી બહાર નીકળ્યા. ગુફાની બહાર ચારેબાજુ જંગલ સિવાય બીજું કાંઈ જ નહોતું. કાર્ટરની ચાલવાની ગતિ ડેવિડની સાપેક્ષમાં ઘણી વધારે હતી એટલે ડેવિડને ચાલવામાં તકલીફ પડતી હતી. પણ ડેવિડને તકલીફ ન પડે એનો એણે પુરતો ખ્યાલ રાખ્યો.

ત્યાં ડેવિડ અચાનક ઊભો રહી ગયો. એની સામે ગુલાબનું એક ફૂલ હતું પણ નવાઈની વાત એ હતી કે એનો આકાર એક નાળિયેર જેટલો મોટો હતો અને રંગ એકદમ કાળો હતો. આટલું મોટું ગુલાબનું ફૂલ એણે જિંદગીમાં ક્યારેય જોયું નહોતું. ડેવિડે કાર્ટરને પૂછ્યું. “કાર્ટર, આ શું છે ?”

 “આ ગુલાબનું ફૂલ છે કેમ તમે કયારેય ગુલાબનું ફૂલ નથી જોયું ?” કાર્ટરે સહજતાથી કહ્યું.

“જોયું તો છે પણ આટલું મોટું ગુલાબનું ફૂલ ક્યારેય જોયું નથી. એમાંય કાળા રંગનું ગુલાબ તો પહેલી વખત જોયું છે.” ડેવિડનું ધ્યાન હજી ગુલાબ પર જ હતું.

“આપણે મોડું થાય છે માલિક. મિસ્ટર લિંકન સંધ્યા પછી કોઈને મળતા નથી. જો અંધારું થઈ જશે તો તમે એમને કાલે સવારે મળી શકશો.” કાર્ટરે કહ્યું.

ડેવિડને એ ગુલાબ સાથે જાણે પ્રેમ થઈ ગયો હતો. એને ત્યાંથી ખસવાનું મન થતું નહોતું. પણ કાર્ટરની વાત પરથી એને મિસ્ટર લિંકન પાસે ઝડપથી પહોચવાની જરૂરત લાગી. બંને જણ આગળ વધ્યાં. રસ્તામાં ઘણીબધી એવી વસ્તુઓ જોવા મળી કે જે એણે પોતાની આખી જિંદગીમાં જોઈ નહોતી. પણ અત્યારે એની પાસે એવો સમય નહોતો કે એનો આનંદ લઈ શકે.

ડેવિડ અને કાર્ટર મિસ્ટર લિંકનનાં ઘરનાં દરવાજાની બહાર ઊભા હતા. કાર્ટરે દરવાજો ખખડાવ્યો. અંદરથી એક સફેદ વાળ અને દાઢી મુછવાળો વ્યક્તિ બહાર આવ્યો. દેખાવમાં એકદમ સામાન્ય મનુષ્ય જેવો લાગતો એ વ્યક્તિ કોઈ તેજસ્વી ગુણ ધરાવતો હોય એવું લાગતું હતું. એણે લાંબો મુલાયમ કોટ પહેર્યો હતો. જે એના પગ સુધી પહોંચતો હતો. અને પગમાં ચામડાના સુંદર કારીગરીવાળા બુટ પહેર્યા હતા.

“ડેવિડ તારું અમારી આ અનોખી દુનિયામાં સ્વાગત છે. અહીંના લોકો વર્ષોથી તારા આવવાની રાહ જોઈ રહ્યાં છે. તારું આગમન એમનાં માટે એક નવા શુભ જીવનનાં આગમનની નિશાની છે.” લિંકને કહ્યું.

ડેવિડ ચમકી ગયો. લિંકનને એનું નામ ક્યાંથી ખબર પડી એ સમજી શક્યો નહીંં. “તમને મારું નામ કેવી રીતે ખબર પડી અને હું ક્યાં છું અને શા માટે છું ?” ડેવિડે એક પછી એક ત્રણ સવાલો એકીશ્વાસે પુછી લીધાં.

“અરે ચિંતા ન કર ડેવિડ. તારા બધાં જ સવાલોના જવાબ તને મળી જશે. અત્યારે તું થાકેલો છે. આરામ કર. કાલે સવારે આપણે પાછા મળીશું. કાર્ટર તને કોઈ તકલીફ નહીંં પાડવા દે, એની હું તને ખાતરી આપું છું.” લિંકને હળવા સ્મિત સાથે કહ્યું. ડેવિડે પણ હળવા સ્મિત સાથે ત્યાંથી વિદાઈ લીધી.

કાર્ટર ડેવિડને લઈને પોતાના ઘરે ગયો. બહારથી એનું ઘર કોઈ સામાન્ય ઝુંપડી જેવું લાગ્યું પણ જેવો ઘરની અંદર ગયો કે ડેવિડની આંખો ફાટી ગઈ. ન્યુયોર્કની કોઈ દસ માળની ઈમારત હોય એટલી ઉંચી ઝુંપડીની છત હતી. મનોરંજન અને આરામના સાધનો અને સજાવટ જોઈને ડેવિડ જાણે કોઈ રાજમહેલમાં ઊભો હોય એવું એને લાગ્યું.

કાર્ટર ડેવિડને આવી રીતે વિચારતો જોઈને બોલ્યો, “ તમને કોઈ તકલીફ છે માલિક ?” કાર્ટરનાં વારંવાર માલિક કહેવાથી ડેવિડને ચીડ આવતી હતી. એણે કાર્ટરને પાસે બોલાવ્યો. “કાર્ટર મને એક જ તકલીફ છે. આજ પછી તું મને માલિક કહીશ નહીંં. મારું નામ ડેવિડ છે. અને તારે મને ડેવિડ કહીને જ બોલાવવો.” કાર્ટરે માત્ર સ્મિત આપ્યું.

ડેવિડને કાર્ટરનું ઘર ગમી ગયું. આખી રાત આરામથી વિતાવી. થાક પણ એવો લાગ્યો હતો કે પથારીમાં પડતાની સાથે જ ડેવિડને ઊંઘ આવી ગઈ. બીજા દિવસે સવારમાં ડેવિડ અને કાર્ટર લિંકનના ઘર તરફ રવાના થયાં. ડેવિડના મનમાં વિચારો ઘૂમ્યા કરતા હતા. એટલે એ ચુપ હતો. કાર્ટર એની સ્થિતિ જાણતો હતો એટલે એણે ડેવિડને વધારે છંછેડ્યો નહીં. બંને જણ લિંકનના ઘરે આવી પહોંચ્યા. લિંકન પણ એ બંનેનાં આવવાની રાહ જોઈને જ બેઠા હતા. લિંકને ડેવિડને મીઠો આવકાર આપ્યો.

ડેવિડને પોતાની દુનિયાથી અલગ આ દુનિયામાં મજા તો આવતી હતી પણ તેને પાછા જવાની પણ ઉતાવળ હતી. એણે લિંકન તરફ અધીરાઈથી જોયું. લિંકન એની મુંઝવણ સમજી ગયા. તેમણે કહ્યું,”ડેવિડ, હું જાણું છું કે તારા મનમાં ઘણાં પ્રશ્નો છે. તું અહી કેવી રીતે અને કેમ આવ્યો. કાર્ટર તને પોતાનો માલિક કેમ માને છે. સ્નેકમેન કોણ છે ? આ જગ્યા કઈ છે ? વગેરે. પણ તારા પ્રશ્નોનાં જવાબો તને ધીમે ધીમે મળતા રહેશે. તારે માત્ર ધ્યાનથી એને સમજવાની જરૂર છે.”

“લિંકન, હું તમારો આદર કરું છું. તમારું વ્યક્તિત્વ જોઈને લાગે છે કે તમે એક અલૌકિક વ્યક્તિ છો. પણ મારે મારા ઘરે જવું છે. હું માત્ર વેકેશન માણવા ન્યુયોર્ક આવ્યો હતો અને આ ચક્કરમાં ફસાઈ ગયો છું.” ડેવિડે નારાજગી વ્યકત કરી.

“ડેવિડ આજે તું અને કાર્ટર આખા શહેરનું ચક્કર મારો. સાંજે મને પાછા મળજો. શહેર મોટું છે. સમય લાગશે. એટલે એક કામ કરજે. તું કાર્ટર પર સવાર થઈ જજે.” લિંકન આટલું કહીને ઊભા થઈ ગયા. ડેવિડને કાઈ સમજણ પડી નહીંં. કાર્ટર પર સવાર થઈને શહેર ફરવા નિકળવાનું. પણ એ કાઈ પૂછે એ પહેલા લિંકન પોતાનાં ઘરનાં બીજા રૂમ તરફ જતા રહ્યા.

લિંકનની વાત કાર્ટર સમજી ગયો. એણે ડેવિડને ઈશારાથી પોતાની ઉપર સવાર થવા કહ્યું. ડેવિડ આજ સુધી ક્યારેય કોઈ પ્રાણી ઉપર બેઠો નહોતો. અને આ તો વળી શિયાળ જેવું પ્રાણી હતું. એને ખચકાતો જોઈને કાર્ટરે કહ્યું, ”ડેવિડ, ચિંતા ન કરો. સવારી બહુ મજાની હશે. મિસ્ટર લિંકન કદી ખોટું બોલતાં નથી. એમણે તમને શહેર જોવાનું કહ્યું છે એમાં પણ કોઈ સારો આશય હશે.”

ડેવિડ કાર્ટર પર સવાર થયો. પણ જેવો તેની પર સવાર થયો એની આંખો પહોળી થઈ ગઈ. એનાં પગ કાર્ટરના પેટ સાથે જડાઈ ગયાં. એનું આખું શરીર કાર્ટરની ભુખરી ચામડીથી ઢંકાતું ગયું. ભૂખરા રંગની કાર્ટરની ચામડીને પોતાના ઉપર વીંટળાતી એ જોઈ શકતો હતો. માત્ર પોતાના માથા સિવાયનો શરીરનો આખો ભાગ કાર્ટરનાં શરીર જેવો દેખાવા લાગ્યો. આ આવરણ સાથે એક અલગ પ્રકારની શક્તિને પોતાનામાં અનુભવવા લાગ્યો. કાર્ટરે ચાલવાની શરૂઆત કરી. ડેવિડ જાણે એનાં જ શરીરનું અંગ હોય એવું એને લાગતું હતું. ડેવિડે કાર્ટરને પૂછ્યું, ”આ શહેરનું નામ શું છે ? કાર્ટરે હસતા મોઢે કહ્યું, ”ડર્બન “. “ડર્બન ?” ડેવિડનાં મોઢામાંથી આશ્ચર્ય સાથે સવાલ નિકળી ગયો. એણે આ શહેરનું નામ ક્યારેય સાંભળ્યું નહોતું. અરે, એણે ભણેલા પૃથ્વીનાં નકશામાં આવાં કોઈ દેશ, શહેર, કે ગામનું નામ નહોતું. પણ છેલ્લા બે દિવસમાં પોતાની સાથે બનેલી ઘટનાંઓથી વિચારીને સંતોષ મેળવી લીધો કે આનો પણ જવાબ મળી જશે.

કાર્ટર પર સવારી એનાં જીવનનો એક અદભુત અનુભવ હતો. પોતે કાર ચલાવતો તો એને કંટ્રોલ કરવા માટે પોતાને મહેનત કરવી પડતી. પણ આ તો એવી આરામદાયક સવારી હતી કે જેમાં પોતાને કોઈ જ મહેનત કરવાની નહોતી. માત્ર આજુબાજુના રળિયામણાં દ્રશ્યોનો આનંદ લેવાનો હતો. બંને જણ ફરતાં-ફરતાં એક વૃક્ષ પાસે આવીને ઊભા રહ્યા. વૃક્ષ જોઈને ડેવિડ ખુશ થઈ ગયો. એ વૃક્ષ સફરજનનું હતું અને એના પર ફળોની સંખ્યા પાંદડાઓની સંખ્યા કરતાં બમણી હતી. એની ઊંચાઈ એટલી ઓછી હતી કે દસ વર્ષનો નાનો બાળક પણ હાથ લંબાવીને અસંખ્ય ફળ તોડી શકે. ડેવિડે તરત જ એક સફરજન તોડ્યું અને થોડું ખાઈ લીધું. આટલી મીઠાશ એણે પહેલીવાર અનુભવી હતી. કાર્ટરે પણ ત્રણ ચાર સફરજન એકી સામટા ખાઈ લીધાં.

સવારી આગળ ચાલી. ડેવિડે ખુશી આપતી એક સુગંધ અનુભવી. કાર્ટરને એણે પૂછ્યું, “આ શેની ખુશ્બુ છે ? કાર્ટર.”

“ડેવિડ, આ ચંદનની ખુશ્બુ છે. ડર્બનમાં આનાં અસંખ્ય વૃક્ષો છે. કોઈ વ્યક્તિ એકવાર આનો અનુભવ કરી લે તો એને કદી ભૂલી શકતો નથી.” ડેવિડે ચંદનની ખુશ્બુ પહેલા પણ અનુભવી હતી. પણ આ સુગંધની મજા કાઈક અલગ જ હતી. ડેવિડે કાર્ટરને વૃક્ષ પાસે લઈ જવા કહ્યું. કાર્ટર વૃક્ષની નજીક પહોંચ્યો. ડેવિડ કઈ કરે એ પહેલા કાર્ટરે એને ચેતવી દીધો. “ડેવિડ, ધ્યાન રાખજો. આ વૃક્ષને અડવાની કે છેડવાની ભૂલ કરતાં નહીંં. જો તમે એને અડશો તો એની શાખાઓ તમને કેદ કરી લેશે.” ડેવિડને વિશ્વાસ આવ્યો નહીં. એણે પોતાના હાથમાં રહેલું અડધું સફરજન ચંદનનાં વૃક્ષ તરફ ફેક્યું. આંખના પલકારામાં ચંદનનાં વૃક્ષની ડાળીઓ સજાગ થઈ ગઈ અને નીચે પડેલા સફરજનને પોતાના સકંજામાં પકડીને અંદર તરફ ખેચીને લઈ ગઈ અને પાછી હતી એમની એમ થઈ ગઈ. સફરજન ત્યાંથી ગાયબ થઈ ગયું. ડેવિડ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. કાર્ટરે એની સામે જોઈને સ્મિત સાથે કહ્યું,” ડર્બનનું જીવન તમે માનો છો એટલું સરળ નથી. જો જીવતું રહેવું હોય તો સજાગ રહેવું પડશે”

બપોર પડી ગઈ હતી. ડેવિડને હવે ભૂખ લાગી હતી. એણે કાર્ટરને કહ્યું,” કાર્ટર, બપોર થઈ ગઈ છે. મને ભૂખ લાગી છે. ભોજનની કોઈ વ્યવસ્થા છે કે પછી આપણે આમ જ ફરતા રહીશું.”

કાર્ટર થોડુક ચાલીને એક છોડની નજીક આવીને ઊભો રહ્યો. એના પાંદડા એકદમ લાલ રંગનાં હતાં. અને એનાં પર જાંબલી રંગનાં ફૂલો લાગેલાં હતાં. એ ફૂલોની મધ્ય ભાગમાંથી પ્રકાશ આવી રહ્યો હતો. કાર્ટરે એક ફૂલ તોડીને ડેવિડને આપ્યું. ડેવિડને સમજણ પડી નહીંં. કાર્ટરે કહ્યું, “આજનું બપોરનું ભોજન આપનાં માટે હાજર છે.” ડેવિડે ફૂલ હાથમાં લીધું અને ખાઈ ગયો. શરૂઆતમાં એ ફૂલ કડવું લાગ્યું પણ જેમ જેમ એણે સ્વાદનો અનુભવ કર્યો તો ફૂલ કોઈ મીઠાઈ સમાન લાગ્યું.

કાર્ટરે કહ્યું,” માત્ર બે ફૂલ ખાઈને આખા દિવસનું ભોજન કર્યા બરાબર ઊર્જા તમને અનુભવશો” ડેવિડને કકડીને ભૂખ લાગી હતી એટલે કાર્ટર સાથે વધારે ચર્ચા કર્યા કરતા એણે ફટાફટ બે ફૂલ ખાઈ લીધા. પાંચ મિનીટ પછી તો ડેવિડે જાણે ભરપેટ ભોજન કર્યું હોય એવો અનુભવ કર્યો.

ડેવિડ અને કાર્ટરને ફરતાં-ફરતાં સાંજ પડી ગઈ હતી. ડેવિડના મનમાં એક જ સવાલ હતો. સવારથી સાંજ સુધી પોતે કાર્ટર સાથે ફર્યો, પણ કોઈ વ્યક્તિ, પક્ષી, પ્રાણી એણે જોયા નહોતા. પણ કાર્ટરને એના વિષે પૂછવાનો કોઈ અર્થ નહોતો. એણે આ વિષે લિંકનને પૂછવાનું યોગ્ય લાગ્યું.

બંને સાંજે લિંકનના ઘરે આવ્યાં. લિંકન પોતાના રોજીંદા કામમાં વ્યસ્ત હતાં. લિંકને મીઠા સ્મિત સાથે બંનેનું સ્વાગત કર્યું. ડેવિડની અકળામણ એ પારખી ગયા. એમણે તરત જ કહ્યું,” ડેવિડ, તારે જે પૂછવું હોય એ નિશ્ચિંત થઈને પુછી શકે છે.” ડેવિડે સવાલ કર્યો,” તમારા શહેરમાં કોઈ પણ વ્યક્તિ, પશુ કે પંખી નથી. માત્ર જંગલો છે અને તમે બે વ્યક્તિઓ જ અહી રહો છો ?” લિંકનથી હસી જવાયું. એમણે ડેવિડની ભોળી બુધ્દ્ધિ પર નવાઈ લાગી નહીં. એમણે કહ્યું,” ડેવિડ, એનો જવાબ તને કાલે મળી જશે. આનાંથી વધારે તારા મનમાં કોઈ સવાલ છે ? ડેવિડે પૂછ્યું,” તમારા ડર્બન શહેરમાં મારું શું કામ છે ?” “તું પહેલી વખત અહીં આવ્યો ત્યારે કાર્ટરે તને કહ્યું તો હતું કે સ્નેકમેનથી તારે અહીના લોકોને બચાવવાનાં છે.” લિંકને કહ્યું.

“પણ આ સ્નેકમેન કોણ છે હું એને જાણતો પણ નથી. અને ક્યારેય મળ્યો પણ નથી. મારી પાસે એવું કઈ નથી કે જેનાંથી હું અહીંનાં લોકોની રક્ષા કરી શકું અને હું કોઈ લડવૈયો પણ નથી. અરે અહીં કોણ રહે છે અને સ્નેક્મેનથી એમને શું ખતરો છે એ કોઈ પણ વાતની જાણકારી મારી પાસે નથી”. ડેવિડ ચિંતામાં પડી ગયો. સ્નેક્મેનનાં નામથી એને ગભરામણ થતી હતી.

“તું અને કાર્ટર કાલે ફરી બહાર નીકળજો. કાર્ટર તને શહેરમાં લઈ જશે. ત્યાં બધાં જ રહસ્યો અને અહીનાં લોકોને તારી મદદની શા માટે જરૂર છે એની તને ખબર પડી જશે.” લિંકને સાંત્વના આપતાં કહ્યું.

“હું જાઉં છું પણ કાલે જો મને કોઈ મારી બધી જ શંકાનું સમાધાન નહીં મળે તો તમારે મને અહીંથી મારા ઘરે જવામાં મદદ કરવાનું વચન આપવું પડશે. કાર્ટર મક્કમ થઈ ગયો. લિંકને પણ જાણે એની વાત માની લીધી હોય એમ માત્ર માથું હલાવ્યું. ડેવિડ ત્યાંથી ઊભો થઈને તરત જ ચાલ્યો ગયો.

ડેવિડ કાર્ટર સાથે એની ઘરે ગયો. પથારીમાં પગ લંબાવીને પડ્યો રહ્યો. ઊંઘ આવતી નહોતી. મનમાં વિચારો અથડાયા કરતાં હતાં. પોતે અહીં આવી ગયો. સ્નેકમેન કોણ હશે. લિંકન પોતાની પાસે શું કરાવવાં માંગે છે. પણ કોઈ સવાલનો જવાબ એને મળતો નહોતો. થોડીવારમાં લિંકન પર શંકા જતી તો થોડીવારમાં એની વાતો પર વિશ્વાસ આવતો. પોતે નક્કી કરી શકતો નહોતો. વિચારો કરતાં-કરતાં એને ક્યારે ઊંઘ આવી ગઈ એની એને ખબર પડી નહીંં. સવારે કાર્ટરે જયારે જોશથી હલાવીને ઉઠાડ્યો ત્યારે એને ખબર પડી કે સવાર પડી ગઈ છે. એણે તરત જ કાર્ટરને કહ્યું, “આજે તું મને શહેર તરફ લઈ જાય છે. લિંકનના કહેવા પ્રમાણે અહીં માણસો અને બીજા જીવો પણ છે. મારે એમને મળવું છે. એમણે એમ પણ કહ્યું હતું કે મારું અહીં આવવાનું કારણ પણ મને ત્યાંથી જાણવાં મળશે.”

“ડેવિડ, હું તો તૈયાર જ છું. તમે તૈયાર થઈ જાઓ એટલે આપણે નીકળીએ. હું પણ ઘણાં સમય પછી શહેરમાં જઈશ. છ મહિના પહેલા ગયો હતો. આજે શહેરમાં જવાનો મોકો મળશે.” કાર્ટરે આતુરતાથી કહ્યું.

ડેવિડ કાર્ટરની પીઠ પર બેસી ગયો.કાર્ટર પરની સવારી હવે ડેવિડ માટે આનંદનો અનુભવ થઈ ગયો હતો. પોતાની જાતને શક્તિશાળી અનુભવતા એને આનંદ થતો હતો. ડેવિડ અને કાર્ટર એક પહાડની ચટ્ટાન પાસે આવીને ઊભા રહ્યા. કાર્ટરને આમ ઊભો રહેતો જોઈને ડેવિડને નવાઈ લાગી. પણ કાર્ટરે પોતાના હાથનો પંજો ચટ્ટાન પર રાખ્યો. જોતજોતામાં ચટ્ટાન ખસી ગઈ અને એમાં અંદર જવાનો રસ્તો ખુલી ગયો. અંદર એકદમ અંધારું હતું. કાર્ટરે ચટ્ટાનની દરવાજા પાસે રાખેલું એક લાકડું ઉપાડ્યું. જેવું લાકડું દીવાલથી અલગ થયું કે તરત જ એમાં આગ નીકળવા લાગી. ડેવિડને આ બધું હવે નવું લાગતું નહોતું. એ તો આ સૃષ્ટિનો આનંદ લેતો હતો. કાર્ટરે બીજી બાજુ રાખેલું લાકડું ડેવિડને આપ્યું અને એક પોતાના હાથમાં રાખ્યું. ડેવિડે પાછળ ફરીને જોયું તો ચટ્ટાનનો દરવાજો આપોઆપ બંધ થઈ ગયો.

ડેવિડથી પુછાઈ ગયું, “કાર્ટર, તે પંજો મુક્યો અને દરવાજો ખૂલી ગયો, એવું કેમ ?”

કાર્ટરે જવાબ આપ્યો, “અમે અહીંનાં રખેવાળ છીએ અને શહેરની રક્ષા કરવાની જવાબદારી અમને આપેલી છે. સ્નેકમેનથી બચવા અમે આ વ્યવસ્થા ગોઠવી છે. મારા જેવા બીજા ત્રણ હજાર રખેવાળ છે. એમના પંજાની નિશાની સિવાય કોઈ દરવાજો ખુલશે નહીં. અને શહેરની અંદર પ્રવેશ થઈ શકશે નહીં.”

બંને જણ ગુફાની બીજી તરફ પહોચ્યા. બીજી બાજુનો દરવાજો પણ બંધ હતો. ડેવિડે કહ્યું, “અહીં પણ તારો પંજો મુકીશ ત્યારે આ દરવાજો ખૂલશે ને ?” કાર્ટરે કહ્યું “નહીં, એવું કાઈ નથી.”

કાર્ટરે પોતાના હાથમાં રહેલી મશાલ દરવાજાની જમણી બાજુ મૂકી દીધી અને ડેવિડની હાથની મશાલ લઈને ડાબી બાજુ લગાવી દીધી. બંને મશાલ લગાવવા માટે ખાસ જગ્યા ગુફાના દરવાજા પાસે ખાસ કોતરણી કરીને બનાવવામાં આવી હતી. કાર્ટરે જેવી બન્ન્રે મશાલ ગોઠવી કે તરત જ એમાંની આગ બુઝાઈ ગઈ અને ગુફાનો દરવાજો ખુલી ગયો.

કાર્ટર ખુશીથી બોલ્યો, “ડર્બન શહેરમાં આપનું સ્વાગત છે, ડેવિડ. ડેવિડની આંખો ડર્બન શહેરની રચના જોઈને પહોળી થઈ ગઈ. શહેરમાં બધાં જ ઘરો એકસરખાં બાંધકામનાં અને એક જ રંગથી રંગાયેલા હતાં. રસ્તાઓ એકદમ પહોળા અને સ્વચ્છ હતા. અત્યારે બપોરનો સમય હતો. ચહેલ પહેલ .સામાન્ય હતી પણ દરેક વ્યક્તિ શિસ્તનું પાલન કરતુ હોય એવું લાગતું હતું. દરેક વ્યક્તિની સવારી માટે અલગ અલગ પ્રકારનાં પ્રાણીઓ હતાં. આ પ્રાણીઓ સામાન્ય પ્રાણીઓ કરતાં કઈક અલગ જ હતા. હાથીની ઊંચાઈ એકદમ નાની તો ઘોડાનું શરીર એકદમ પહેલવાન જેવું કસાયેલું. પોપટની પાંખો મોરની પાંખો કરતાં પણ મોટી. દરેક પ્રાણીઓનાં રંગો પણ સામાન્ય કરતાં અલગ જ હતાં. ત્યાંનાં લોકોનો પોષાક પણ ડેવિડને કઈક અલગ જ લાગ્યો. દરેક પુરુષોએ રેશમનો ઝભ્ભો પહેર્યો હતો. એ પણ પગ સુધી લાંબો. દરેક ઝભ્ભાનો રંગ સફેદ હતો. સ્ત્રીઓનો પોષાક પણ સુંદર હતો. એમણે કોઈ પણ આભૂષણો પહેર્યા નહોતા. સામાન્ય દુકાનો હતી. જેમાં ઘરવપરાશની વસ્તુઓ આસાનીથી મળી જતી હતી.

ડેવિડને શહેરનું જીવન સામાન્ય લાગ્યું. એણે કાર્ટરને પૂછ્યું, “કાર્ટર, આ લોકો તો સામાન્ય જીવન જીવી રહ્યાં છે. એમને કઈ વસ્તુ પરેશાન કરી રહી છે ? એમને મારી મદદની જરૂર હોય એવું લાગતું નથી.”

કાર્ટરે કહ્યું,” તમને અહીં બાળકોની સંખ્યા ઓછી ન લાગી ?” ડેવિડનું ધ્યાન એ તરફ ગયું જ નહોતું. એણે ચારેબાજુ નજર કરી. કાર્ટરની વાત સાચી હતી. પંદર વર્ષથી નીચેનું કોઈ બાળક એને શહેરમાં જોયું નહીંં. તેણે કાર્ટરને પૂછ્યું, “તારી વાત તો સાચી છે. પણ એનું કારણ ?” કાર્ટરે કહ્યું, “સ્નેકમેન. અને એનાં માટે જ તો અમને તમારી મદદની જરૂર છે. ઈશ્વરે એટલાં માટે તો તમને અહીં મોકલ્યાં છે.” પાછું સ્નેક્મેનનું નામ સાંભળીને ડેવિડ ચિડાઈ ગયો. પણ કાર્ટર સાથે ચર્ચા વ્યર્થ હતી.

ડેવિડ અને કાર્ટર રસ્તાની સાઈડમાં ઊભા હતા ત્યાં પાછળથી કોઈએ એને બોલાવ્યો. ડેવિડે પાછળ ફરીને જોયું તો લિંકન ત્યાં ઊભા હતાં. એની સાથે બે વ્યક્તિઓ ઊભા હતાં. જે કોઈ રાજવી પરિવારનાં હોય એવું લાગતું હતું. કાર્ટર ડેવિડને લિંકન પાસે લઈ ગયો. કાર્ટરે લિંકનની બાજુમાં ઉભેલા બંને વ્યક્તિઓને વારાફરતી સલામ કરી. કાર્ટરને જોઈને ડેવિડ સમજી ગયો કે આ બંને વ્યક્તિઓ અહીં કોઈ ખાસ મહત્વ ધરાવે છે. તેણે પણ હાથ જોડીને બંનેને નમસ્કાર કર્યા.

લિંકને કહ્યું, “ડેવિડ, આ અહીંનાં રાજા છે એમનું નામ એન્થની છે. બાજુમાં એમનાં નાના ભાઈ સ્ટાર્ક છે. અમે ખાસ અહીં તને મળવા આવ્યા છીએ. આપણે એમનાં મહેલમાં જઈને બધી વાત કરીશું. તારી બધી શંકાઓનું સમાધાન ત્યાં આવી જશે. તારું અહીં આવવાનું કારણ, સ્નેકમેન કોણ છે અને ડર્બનને તારી જરૂર કેમ છે. દરેક વાતોનો જવાબ તને ત્યાં મળી જશે.” ડેવિડ, કાર્ટર અને લિંકન એન્થનીની પાછળ ચાલતા થયા. થોડું અંતર કાપ્યા પછી બધા એક ગેટ પાસે આવીને ઊભા રહ્યા. ગેટની ઊંચાઈ જોતા જોતા ડેવિડની ડોક એની પીઠ સુધી અડી ગઈ. આટલો ઉંચો દરવાજો એણે માત્ર ફિલ્મોમાં જોયો હતો. આ દરવાજાની ખાસિયત એ હતી કે એ માત્ર બે સ્તંભો પર ઊભો હતો. દરવાજાની ઉપર ખુબ જ સુંદર કોતરણી કરેલી હતી. જોઈને જ ખબર પડી જાય એવું હતું કે આ હાથ કોતરણી હતી. બધાએ આઠ દસ પગથિયા ચડીને મહેલની અંદર પ્રવેશ કર્યો. પૂરથી બચવા મહેલ થોડી ઊંચાઈ પર બનેલો હતો. બધાં પોતપોતાનાં આસન પર બેઠા. એન્થનીએ ડેવિડને એની બેસવાની જગ્યા ઈશારાથી બતાવી. ડેવિડ સ્મિત સાથે પોતાની જગ્યા પર ગોઠવાઈ ગયો. એન્થનીએ ઈશારો કર્યો. ડેવિડ સામે હવામાં તરતો એક સોનાનો ગ્લાસ આવીને ઊભો રહી ગયો. એન્થની પહેલીવાર બોલ્યો, “ડર્બનમાં સ્વાગત છે.” ડેવિડે ગ્લાસમાં નજર કરી તો એમાં પાણી હતું. ડેવિડે પાણી પી લીધું પણ ગ્લાસ મુકવાનું વિચારતો હતો ત્યાં એન્થનીએ કહ્યું, “એમ જ છોડી દો. એ પોતાનું સ્થાન જાણે છે.” ડેવિડે જેવો ગ્લાસ છોડ્યો કે ગ્લાસ સામે પડેલાં ટેબલ પર જઈને ગોઠવાઈ ગયો.

લિંકને વાતની શરૂઆત કરી. “ડેવિડ તને અહી આવ્યે બે દિવસ થઈ ગયા છે. તારું અહી આવવાનું કારણ, સ્નેકમેન કોણ છે તારે શું કરવાનું છે એ બધું જ એન્થની તને જણાવશે. પછી તારે નક્કી કરવાનું છે કે તારે અમારી મદદ કરવી કે નહીંં.”

ડેવિડે એન્થની સામે મીટ માંડી. એનાં બધાં સવાલોનો જવાબ એને અહીં મળવાનો હતો. એન્થનીએ શરૂઆત કરી. “ડેવિડ, સ્નેક્મેનનું નામ તે ઘણી વખત સાંભળ્યું હશે. પણ એનાંથી અમારે છૂટકારો કેમ જોઈએ છે એની તને કાઈ ખબર નથી.” ડેવિડે હકારમાં માથું ધુણાવ્યું. “સ્નેકમેન એક માનવભક્ષી સાપ છે. અમારાં શહેરનાં નાના બાળકોને ઉપાડી જાય છે અને એમની સાથે શું કરે છે એ ખબર નથી પડતી. રાત્રે બાળક ગુમ થઈ જાય છે અને સવારે માત્ર એનું કંકાલ એનાં ઘરની બહાર જોવા મળે છે.” એન્થનીએ કહેવાનું ચાલુ રાખ્યું. ડેવિડની આંખો ભયથી પહોળી થઈ ગઈ. “અમારા રક્ષકોએ ઘણી વખત એને મારવાનો પ્રયત્ન કર્યો પણ એની પાસે એવી રાક્ષસી શક્તિ છે કે એનો સામનો કરતો વ્યક્તિ પલકારામાં રાખ થઈને માટીમાં મળી જાય છે.” એન્થનીનાં આ વાક્યોથી ડેવિડનું હૃદય જોશથી ધડકવા લાગ્યું. પોતાનાં ધબકારાનો અવાજ એ સાંભળી શકતો હતો.

“તો મારે શું કરવાનું છે ?” ડેવિડે ગભરાયેલા અવાજે સવાલ કર્યો. લિંકને એને ટોક્યો. “ડેવિડ પુરી વાત સાંભળી લે. પછી તારે પૂછવું હોય એ પૂછજે.”

“ડેવિડ, સ્નેક્મેનને રાક્ષસ તરફથી વરદાન છે કે ડર્બનનું કોઈ પણ વ્યક્તિ એને નુકશાન પહોંચાડી શકશે નહીં. માટે અમારે કોઈ એવી વ્યક્તિની જરૂર છે કે જે ડર્બનનો નિવાસી ન હોય.” એન્થનીએ કહ્યું.

“તો હું તમારી મદદ કરી શકું, એવી તમને ખાતરી છે ?” ડેવિડે શંકાથી પૂછ્યું.

“એક ભવિષ્યવાણી છે. જે વ્યક્તિ લીલા પાણીની ગુફામાં પ્રગટ થશે, એ સ્નેક્મેનનો નાશ કરશે. અમને એ ભવિષ્યવાણી પર વિશ્વાસ છે.” એન્થનીએ કહ્યું.

 “પણ હું ક્યાં . . . . ?” ડેવિડ બોલતાં બોલતાં અટકી ગયો. એને યાદ આવ્યું કે જે ઝરણામાંથી પહેલી વખત એ ડર્બનમાં આવ્યો હતો તેમાં પાણીનો રંગ ખરેખર ઘેરો લીલો હતો.

 ડેવિડને બોલતો અટકતા જોઈને એન્થની આછું હસી ગયો. ડેવિડ વધારે કાઈ બોલ્યો નહીં. થોડીવાર બધાં ચુપ રહ્યા. અંતે ડેવિડ બોલ્યો, “તમારા બધાની સમસ્યા હું સમજી શકું છું. મને ડર્બનની આવી હાલત પર ખરેખર દુઃખ છે. પણ હું તમારી કોઈ મદદ નહીંં કરી શકું. હું કોઈ સિપાહી કે લડવૈયો નથી. હું તમારી પ્રજાની જેમ એક સામાન્ય માણસ છું.”

ડેવિડનાં આ વાક્યોથી મહેલ એકદમ શાંત થઈ ગયો. ત્યાં બેઠેલાં વ્યક્તિઓમાંથી કોઈ કાઈ બોલી શકતું નહોતું. અંતે લિંકન ડેવિડને લઈને ખંડની બહાર ગયો. કાર્ટર, એન્થની અને સ્ટાર્ક બંનેને વાતો કરતાં જોઈ રહ્યા હતા. બંનેની વાતચીત કરવાની સંજ્ઞાઓથી લાગતું હતું કે લિંકન ડેવિડને સમજાવાનો પ્રયત્ન કરે છે. અને ડેવિડ તૈયાર નથી. અંતે એન્થની ઉઠીને બંનેની પાસે ગયો. એણે નમ્રતાથી ડેવિડને કહ્યું, “કોઈ વાંધો નહીં, મદદ કરવી કે નહીં એનો નિર્ણય તમારો છે. કાલે સ્ટાર્ક અને કાર્ટર તમને તમારા ઘર તરફ જવાનાં રસ્તા પર મૂકી જશે. ત્યાંથી તમે આરામથી પોતાના ઘરે જઈ શકશો.” એન્થની આટલું બોલીને ત્યાંથી જતો રહ્યો. પણ એના ચહેરા પરની ઉદાસી સ્પષ્ટ દેખાઈ આવતી હતી.

ડેવિડ અને કાર્ટર મહેલના આરામખંડમાં સૂતા હતા. ડેવિડ વહેલીતકે ત્યાંથી નીકળીને પોતાનાં ઘરે જવાનાં વિચારમાં મગ્ન હતો. ત્યાં અચાનક લોકોની બુમો સંભળાવા લાગી. કાર્ટર ફટાફટ ઊભો થઈ ગયો. ડેવિડ પણ વિચારોમાંથી બહાર આવીને બારીની બહાર જોવા લાગ્યો. એક દંપતી આક્રંદ કરતુ દેખાતું હતું અને ગામનાં લોકો એમને શાંત કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. કાર્ટરનાં મોઢામાંથી શબ્દો નિકળી ગયા, “આમનો એકનો એક દિકરો સ્નેકમેન લઈ ગયો. બહુ જતનથી એને મોટો કરવાનું એમનું સપનું હવે ક્યારેય પૂરું નહીં થાય.” ડેવિડ ચમકી ગયો. માત્ર વાતો સાંભળી હતી. પણ સાચે જ ડર્બન પર આ મુસીબત છે એનો વિશ્વાસ કરવો શક્ય નહોતો. પણ આંખો સામે આક્રંદ કરતાં દંપતીને જોઈને એ વિશ્વાસ કરવા મજબુર થઈ ગયો.

બીજા દિવસે સવારે ડેવિડ એ દંપતીના ઘરની બહાર આવીને ઊભો રહ્યો. એન્થનીનાં કહેવા પ્રમાણે સાચે જ એ ઘરની બહાર બાળકનું કંકાલ પડ્યું હતું. ઘરનાં લોકોનાં દુઃખને એ જોઈ શક્યો નહીં. ગુસ્સો અને વેદનાંની મિશ્ર અનુભૂતિ એનાં મનમાં ચાલતી હતી.

ડેવિડ અચાનક બરાડ્યો. “કાર્ટર, હું એ રાક્ષસને મારીને જ રહીશ. લિંકન અને તારા રાજાને બોલવ. મારે હમણાં જ એમની સાથે વાત કરવી છે.” ગુસ્સામાં ડેવિડના શ્વાસની ગતિ વધી ગઈ હતી. કાર્ટર ડેવિડની વાત સાંભળીને આનંદિત થઈ ગયો. એ તરત જ બધાને બોલાવવા મહેલ તરફ દોડ્યો. ડેવિડ થોડીવાર એ ઘરની સામે ઊભો રહ્યો. પછી મહેલ તરફ પાછો ફરી ગયો. ડેવિડ પાછો આવ્યો ત્યાં સુધીમાં બધાં પોતાની જગ્યા પર પહેલેથી જ ગોઠવાઈ ગયા હતાં.

“ડેવિડ, તું અમારી મદદ કરવા તૈયાર છે એવું કાર્ટર કહે છે. એ વાત સાચી છે ?” લિંકને પૂછ્યું.

“હા, સ્નેકમેનથી બચવા માટે હું તમારી મદદ કરી શકું તો મને ખુશી થશે. જે બાળકોએ જિંદગી હજી જોઈ પણ નથી એમનું આવી રીતે મોત હું જોઈ નહીં શકું.” ડેવિડે જવાબ આપ્યો.

“સ્નેકમેન પાસે ઘણી અનોખી શક્તિઓ છે. જેની અમને પણ જાણ નથી. તારે એનો સામનો કરતી વખતે ઘણી સાવધાની રાખવી પડશે. અમે તને એક મદદ કરી શકીએ. તને ડર્બનનું સૌથી શક્તિશાળી શસ્ત્ર આપી શકીએ.” એન્થનીએ ડેવિડને વિશ્વાસ આપતા કહ્યું.

“અને એ શું છે ?” ડેવિડે આતુરતાથી પૂછ્યું.

“એનાં માટે તારે અમારી સાથે આવવું પડશે.” એન્થનીએ ઊભા થતા કહ્યું. બધાં એન્થનીની પાછળ ચાલતા થયા. એન્થની મહેલની એકદમ પાછળની બાજુ થઈને એક ખાલી જગ્યા પર આવીને ઊભો રહ્યો. પોતાની મોજડીઓ ઉતારી અને પગના પંજા એક ખાસ જગ્યા પર મુક્યા. જે આરસનો ચોરસ પથ્થર હતો. જેવા બંને પગ એણે પથ્થર ઉપર મુક્યા કે તરત જ બાજુમાંથી જમીન ખસી ગઈ અને અંદર જવાનો રસ્તો ખુલ્યો. ડેવિડે અંદર ડોકીયું કર્યું તો ઉતારવા માટે પગથિયા હતાં. બધાં એન્થનીનું અનુકરણ કરતાં ભોયરામાં ગયા. એક ખાસ જગ્યાએ આવીને તેઓ ઊભા રહી ગયા.

ડેવિડને પોતાની આંખો પર વિશ્વાસ આવતો નહોતો. એની સામે એક કદાવર પક્ષી હતું. જે લાગતું હતું ગરુડ પણ એનું કદ એક ઘોડા બરાબર હતું. એની પાંખો સુંદર રીતે સ્વચ્છ હતી અને ડોકમાં મોતીની માળા પહેરેલી હતી. એને જોઈને ડેવિડને લાગ્યું કે એન્થનીને આ પક્ષી સાથે ખાસ પ્રેમ હતો. એન્થનીએ ડેવિડને ઉદ્દેશીને કહ્યું, “ડેવિડ,મારી જીવનની કિમતી વસ્તુઓમાં આ પ્રથમ સ્થાને છે. પણ ડર્બનને બચાવવા એનો ઉપયોગ કર્યા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. જો તું મને વચન આપે કે ગમે તે ભોગે તું ડર્બનને બચાવીશ તો આ પક્ષી તારા ઘણાં કામનું છે. એનું બલિદાન નિષ્ફળ ન જવું જોઈએ.”

“તમે ચિંતા ન કરો. હું ગમેતેમ કરીને સ્નેક્મેનનો નાશ કરી નાખીશ અને તમારા આ પ્રિય પક્ષીને પણ કાઈ નહીં થવા દઉં.” ડેવિડે મજાકમાં વ્યંગ કર્યો. પછી તરત જ ગંભીર થઈને કહ્યું, “ એક વાત મારા મનમાં હજી પણ ખટકે છે. સ્નેકમેનને હું શોધીશ કેવી રીતે ? એનો નાશ કરવા માટે મારે કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આ બધા સવાલો મારા મનમાં ફરે છે.”

સ્ટાર્ક તરત જ બોલ્યો, “તમે પહેલાં દિવસે જે ચંદનના વૃક્ષોનું જંગલ જોયું હતું ને એ જ એનું ઘર છે અને સ્નેક્મેનની એક માત્ર કમજોરી એની બે આંખોની વચ્ચે છે. જો તમે એની બે આંખોની વચ્ચે ઘાત લગાવવામાં સફળ થઈ ગયા તો તમે જંગ જીતી ગયા સમજો.” સ્ટાર્કને પહેલી વખત ડેવિડે બોલતા જોયો હતો પણ એ જેટલું પણ બોલ્યો એમાંથી એટલું તો સ્પષ્ટ થઈ ગયું કે લડાઈ મુશ્કેલ થવાની હતી.

“પણ એ ચંદનના વૃક્ષો તો કોઈને જંગલમાં પ્રવેશ નહીં કરવા દે અને માત્ર આ પક્ષીનાં આધારે જંગલ જવું અને લડાઈ જીતવી મને અશક્ય લાગે છે.” ડેવિડે પોતાની ચિંતા વ્યક્ત કરી.

“તારી સાથે કાર્ટર અને તેના ત્રણ હજાર સાથીઓ છે. અને જંગલમાં પ્રવેશ કરવાનો સવાલ છે તો એનો ઉપાય છે અગ્નિ. એ વૃક્ષોનો નાશ કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી.” સ્ટાર્ક કહ્યું.

“પણ સ્નેકમેન આટલે દૂરથી શહેરમાં આવે છે ક્યાંથી ? તમારા શહેરમાં પ્રવેશવા માટે તો રખેવાળોનાં પંજાની નિશાની જોઈએ.” ડેવિડે કુતુહલથી પૂછ્યું.

“શહેરનાં કચરાનાં નિકાલ માટે બનેલાં ભૂગર્ભ નાળાઓ એનો રસ્તો છે.”

“તો એને ત્યાં પણ ફસાવી શકાય છે.” ડેવિડે કહ્યું.

“અમે પ્રયત્ન કરી ચુક્યા છીએ. એ ત્યાંથી છટકીને પાછો જતો રહે છે અને ફરી હુમલો કરે છે અને નાળાઓને હંમેશ માટે બંધ કરી શકાય નહીં.” સ્ટાર્ક જવાબ વાળ્યો.

“ડેવિડ, અમે શક્ય હોય એટલાં બધાં જ પ્રયત્નો કર્યા છે. હવે એને મોતની સજા આપ્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી.” એન્થનીએ ડેવિડનાં વિચારોને શાંત કરવાં બુદ્ધિ વાપરી.

ડેવિડ અને કાર્ટર જંગલ તરફ રવાના થયા. ડેવિડ ગરુડ પર સવાર હતો. એણે આકાશમાં કદી ઉડાન નહોતી ભરી એટલે આ અનુભવ એના માટે રોમાંચક હતો. કાર્ટર પોતાના ત્રણ હજાર સાથીઓ સાથે ડેવિડ જેટલી ઝડપથી જ આગળ વધી રહ્યો હતો. બધાં ચંદનનાં જંગલની સીમા પર આવીને ઊભા રહ્યાં. કાર્ટરે પોતાનાં સાથીઓને આજ્ઞા આપી, “બધા જંગલને ઘેરી લો અને આગ લગાડીને જંગલને સાફ કરી નાખો. જોતજોતામાં ભીષણ આગ દેખાવા લાગી. ડેવિડ આગની ગરમી અનુભવી શકતો હતો. આગની જ્વાળાઓ આકાશ સુધી પહોચતી હતી. આવી રીતે જંગલનો નાશ થતો જોઈ એને દુઃખ થતું હતું. પણ ડર્બનને બચાવવાં આ પગલું જરૂરી હતું. આગને ઠંડી થતાં ચાર કલાક થઈ ગયાં. અંધારું થઈ ગયું હતું. કાર્ટરે ડેવિડને કહ્યું, “રસ્તો સાફ થઈ ગયો છે. તમારી આજ્ઞાની રાહ જોવાઈ રહી છે. સ્નેક્મેનને પકડીને ખતમ કરી નાખવાં અમે આતુર છીએ.”

ડેવિડે કાર્ટરની આતુરતાનો જવાબ આપ્યો નહીં. વિચારોમાં ડૂબેલો રહ્યો. થોડીવાર પછી એણે કાર્ટરને કહ્યું, “સ્નેક્મેનને શોધવાની કોઈ તરકીબ તારી પાસે છે ?”

કાર્ટર ઉત્સાહમાં આવી ગયો. “હું બધી તૈયારી સાથે જ આવ્યો છું. આ થેલામાં બાળકનું એક પૂતળું છે. એમાં માસ ભરીને અસલી જેવું બનાવ્યું છે. જેવી એની ગંધ આવશે કે તરત જ સ્નેકમેન બહાર આવશે.”

ડેવિડે ઈશારાથી એ તરકીબનો અમલ કરવાનું કહ્યું. કાર્ટર થોડે દૂર જઈને પૂતળું મૂકી આવ્યો. બધા સ્નેક્મેનના બહાર આવવાની રાહ જોવા લાગ્યા.

અચાનક જંગલમાંથી સળવળાટનો અવાજ આવ્યો. બધાં જ શાંત થઈ ગયા. ડેવિડે ઈશારાથી કોઈ પણ જાતની હિલચાલ ન કરવા કહ્યું. અંધારામાંથી લાલ રંગની બે આંખો દેખાઈ. આંખો ઘણી દૂર હતી છતાં પણ બધાં એને સ્પસ્ટ જોઈ શકતા હતા.

કાર્ટરની સેનાનાં જમણાં છેડા પરથી ચીસો પાડવાનાં અવાજ આવવા લાગ્યા. બધાનું ધ્યાન એ તરફ ગયું. એમનાં આઠ દસ સાથીઓનાં માથા ધડથી અલગ થઈને જમીન પર પડ્યા હતા. ડેવિડ સાવધ થઈ ગયો. તેણે પગથી ગરુડને હુમલો કરવાં ઈશારો કર્યો. ગરુડ પુર ઝડપથી એ આંખોની દિશામાં ઉડવા લાગ્યું. ડેવિડ ધીમે ધીમે સ્નેક્મેનની નજીક આવતો જતો હતો. તે હવે એની એકદમ નજીક આવી ગયો. પણ જેવું એને ધ્યાનથી જોયું તો તે એકદમ ડઘાઈ ગયો. સ્નેકમેન સામાન્ય સાપ કરતા લંબાઈમાં દસ ગણો લાંબો હતો. અને એનું માથું માનવ જેવું હતું. રાક્ષસની જેમ બે દાંત બહાર હતા. એણે એની લંબાઈનો અંદાજ લગાવ્યો તો લગભગ પચાસ ફૂટ જેવું એને લાગ્યું. સ્નેક્મેનની નજર ડેવિડ પર પડી ગઈ. એ હુમલો કરવા ડેવિડ તરફ વળ્યો. ત્યાં ચપળતાથી ડેવિડે ગરુડને ઉપરની દિશામાં ઉડાડી મુક્યું. માત્ર દસ હાથનાં અંતરથી એ બચી ગયો.

ડેવિડ પાછો કાર્ટર પાસે આવ્યો. એણે કાર્ટરને કહ્યું, “આનાં માથા પર નિશાન લગાવવાં કોઈએ એનું ધ્યાન બીજી તરફ ખેચવું પડશે.” કાર્ટર સમજી ગયો. એને સામી છાતીએ હુમલો કરવાનો નિર્ણય કર્યો. કાર્ટરે સો સૈનિકોની ટુકડીને હાથથી આગળ વધવા ઈશારો કર્યો. સો સૈનિકોની ટુકડી પૂરજોશમાં સ્નેક્મેનની લાલ આંખો તરફ વધવા માંડી. કાર્ટરે ડેવિડને ઈશારો કર્યો. ડેવિડ સમજી ગયો કે હવે હુમલો કરી શકાય તેમ છે.

ડેવિડે ઈશારાથી ગરુડને આગળ વધવા કહ્યું. ગરુડ જાણે સમજી ગયું હોય તેમ પહેલાં ઉંચે આકાશમાં ગયું. ડેવિડ સ્નેક્મેનની નજરથી બચીને જંગલના બીજા છેડે જવા માંગતો હતો. ડેવિડ નીચે થતા યુધ્ધને નિહાળી રહ્યો હતો. સૈનિકો જેમ જેમ આગળ વધતા હતા તેમ તેમ કપાતા જતા હતા.

થોડીક જ ક્ષણોમાં ડેવિડ જંગલનાં બીજા છેડે પહોંચી ગયો. તેને જોયું તો સ્નેક્મેનનું ધ્યાન તેની વિરુધ્ધ દિશામાં હતું. તે સૈનિકોને મારવામાં વ્યસ્ત હતો. તેણે ઝડપથી ગરુડને ઉડાડ્યું અને સ્નેક્મેનની એકદમ નજીક આવી ગયો. કાર્ટરે ડેવિડને સમય મળે એટલાં માટે બીજા સો સૈનિકોની ટુકડી મોકલી દીધી હતી.

ડેવિડ જેવો સ્નેક્મેનની નજીક આવ્યો કે તેણે તરત જ ગરુડની ગરદન પાસે બાંધેલી તલવાર કાઢી. તલવારનાં નીકળવાનાં અવાજથી સ્નેકમેન સાવધ થઈ ગયો. તેણે જોરથી પૂછડી ફંટાવીને ડેવિડને ગરુડ પરથી જમીન પર પાડી દીધો. ડેવિડ વેદનાંથી ચીસ પાડી ગયો. કાર્ટર અને એનાં સાથીઓનાં શ્વાસ અધ્ધર થઈ ગયાં. હવે ડેવિડ સ્નેક્મેનની એકદમ સામે ઊભો હતો. સ્નેક્મેને પોતાની આંખોમાંથી તીક્ષ્ણ પાતળી રોશની ડેવિડ તરફ ફેકી. ડેવિડ હતો એમ જ ઊભો રહ્યો પણ તેની પાછળ આવતો સૈનિક વીંધાઈ ગયો. ડેવિડ આ દ્રશ્યથી ચમકી ગયો. સ્નેકમેન પણ અચરજમાં પડી ગયો. એ સમજી ગયો કે આ ડર્બનનો રહેવાસી નથી. તેણે ડેવિડને પોતાનાં સકંજામાં લઈને એનાં આખા શરીર પર પોતાનું શરીર વીંટી દીધું. ડેવિડનો શ્વાસ રૂંધાવા લાગ્યો. ડેવિડ હિમ્મત કરીને પોતાના હાથમાં રાખેલી તલવારને એનાં શરીરમાં ઘુસાડીને લાંબો ચીરો મારી દીધો. સ્નેક્મેને એને દૂર ફેકી દીધો અને હુમલા માટે આગળ આવ્યો. સ્નેકમેન જેવો ડેવિડ તરફ વધ્યો કે ડેવિડ હવામાં છલાંગ મારી અને તલવાર સામેની દિશામાં આગળ કરી દીધી. તલવાર સ્નેક્મેનની કપાળથી આંખો અને નાકને ચીરતી એનાં ગળા સુધી પહોંચી ગઈ. સ્નેકમેન ત્યાં જ નિષ્ક્રિય થઈ ગયો. ડેવિડે તલવાર બહાર કાઢી અને એની ગરદન પર ધા કરીને એનાં ધડથી ગરદન અલગ કરી દીધી. ધા કરતી વખતે ડેવિડને સ્નેક્મેનની શારીરિક તાકાતનો અનુભવ થયો. એને લાગ્યું કે જાણે એ કોઈ પથ્થરને કાપી રહ્યો હોય. આંખનાં પલકારામાં સ્નેક્મેનનાં ત્રાસથી ડર્બન મુક્ત થઈ ગયું.

કાર્ટર સ્તબ્ધ થઈને આ બધું જોઈ રહ્યો હતો. ડેવિડની આ પ્રકારની લડાઈની એને અપેક્ષા જ નહોતી. ડેવિડે કાર્ટર તરફ પોતાની તલવાર હવામાં ફંગોળી. કાર્ટર સાથે રહેલાં બધાં જ સૈનિકો ખુશીથી ગરજી ઉઠ્યા.

બીજા દિવસે એન્થનીએ નગર સભા બોલાવી. સભામાં વચ્ચોવચ્ચ સ્નેક્મેનનું બે ભાગમાં કપાયેલું માથું મૂક્યું. એણે ડેવિડને સંબોધીને કહ્યું, “નગરજનો ઈશ્વરે આપણી પ્રાથના સાંભળી લીધી છે. ડેવિડને આપણી મદદ માટે એમણે જ મોકલ્યો હતો. ડર્બન હવે સ્નેક્મેનનાં ત્રાસથી મુક્ત છે.” નગરજનોની ખુશીથી ભરેલી બૂમો સંભળાઈ.

ડેવિડે એન્થની અને લિંકનને કહ્યું, “મારું કામ હવે પૂરું થઈ ગયું છે. હું મારી દુનિયામાં પાછો ફરવા માંગુ છું. પણ એક પ્રશ્ન હજી છે આ ડર્બન શહેર આવ્યું છે ક્યા ?”

લિંકને સ્મિત સાથે કહ્યું, “એ હંમેશા માટે રહસ્ય રહેશે. તમને અહીં ફરી વેકેશન માણવાં આવવાની ઈચ્છા થાય તો આ પુસ્તકમાં લાગેલા મણીને ઘસજો. અત્યારે કાર્ટર તમને તમારી દુનિયામાં જવા માટેનો રસ્તો બતાવશે.”

કાર્ટર ડેવિડને લઈને એ જ ગુફા પાસે આવીને ઊભો રહ્યો જ્યાં એ પહેલી વખત કાર્ટરને મળ્યો હતો. કાર્ટરે ડેવિડને કહ્યું, “તમારી સાથે પસાર કરેલો આ સમય મને હંમેશ માટે યાદ રહેશે. આશા રાખું છું કે આપણે ફરીથી જલ્દી મળીશું.” ડેવિડે સ્મિત સાથે કહ્યું, “હું પણ ઈચ્છીશ કે આપણે જલ્દી મળીએ.”

કાર્ટરે ડેવિડને ઈશારો કર્યો. એણે ઝરણાં તરફ હાથ લંબાવ્યો અને કહ્યું, “તમે માત્ર આ લીલા રંગનાં ઝરણામાં ચાલતા રહેજો. તમે તમારી દુનિયામાં આપોઆપ પહોંચી જશો.” ડેવિડ ચાલવા લાગ્યો. ઝરણામાં પ્રવેશ કરતાં પહેલાં તેણે પાછુ વળીને કાર્ટર સામે જોયું. બંને જણા પ્રેમથી સ્મિત આપી રહ્યાં હતાં. આ સ્મિતમાં એમની વચ્ચેનો મૈત્રી પ્રેમ દેખાઈ આવતો હતો. ડેવિડ ઝડપથી ઝરણાની અંદર ચાલી ગયો. કાર્ટર પોતાના શહેર તરફ પાછો વળ્યો.

ડેવિડ આંખનાં પલકારામાં પોતાના ઘરમાં આવીને ઊભો રહ્યો. તેણે ચારે તરફ નજર કરી તો તે સાચે જ પોતાની દુનિયામાં હતો. તેણે પોતાનાં હાથમાં રાખેલી લિંકને આપેલી પુસ્તક પોતાની તિજોરીમાં મૂકી અને સોફા પર બેઠો. એના મનમાં એક જ સવાલ હતો કે “ડર્બન શહેર આવ્યું ક્યાં ?” પણ હાસ્ય સાથે એને રહસ્ય માનીને પોતાના કામમાં વળગી ગયો. એક રોમાંચક વિચાર એનાં મનમાં આવ્યો “કેવું અનોખું વેકેશન હતું...ડર્બન ફરી જવા મળશે ? આવો ઉનાળો ફરી ક્યારે આવશે ?"


Rate this content
Log in

Similar gujarati story from Action