જય સોની

Inspirational

4.1  

જય સોની

Inspirational

આજથી તું આઝાદ

આજથી તું આઝાદ

7 mins
454


કરસનભાઈ ગામનાં એક મોભાદાર અને પીઢ વડીલ તરીકે ઓળખાતા. એમની સમજણ અને વ્યવહાર દક્ષતાની ગામનાં લોકો કદર કરતાં. કરસનભાઈને એક દીકરો હતો મયુર. મયુર એંજીનિયરિંગ ભણ્યો હતો અને એક કંપનીમાં સારા હોદ્દા પર નોકરી કરતો હતો. અને નોકરી નજીકનાં શહેરમાં હોવાથી એ માત્ર રવિવારની રજામાં જ ઘરે આવતો હતો. કરસનભાઈ થોડા રૂઢિચુસ્ત હતા. અને એમનાં જમાનાનાં રિવાજોનાં પાલન પ્રત્યે નિર્વિવાદ શ્રધ્ધા ધરાવતા હતા.

મયુરની ઉંમર પરણવાની થઈ ગઈ. કરસનભાઈ પોતાની નાતમાં જ દીકરાને પરણાવવા માંગતા હતા. પોતાની નાતની છોકરી જો ઘરમાં આવે તો એને પરિવાર સાથે મેચ થવામાં બહુ સમય પણ ન લાગે. પરિવારમાં ત્રણ વ્યક્તિઓ જ હતી. કરસનભાઈ, મયુર અને એમનો એક નોકર. મયુરની મમ્મી મયુર જ્યારે આઠમાં ધોરણમાં ભણતો ત્યારે જ તેમને છોડીને ચાલી ગઈ હતી. ઘરમાં કોઈ સ્ત્રી હતી નહીં એટલે નોકર સદાને માટે એમની સાથે રહેતો.

એકાદ વર્ષમાં કરસનભાઈએ મયુર માટે એક છોકરી પસંદ કરી લીધી ‘કાવ્યા’. કાવ્યા એમ.બી.એ. ભણી હતી અને હાલ ઘરે જ હતી. મયુર અને કાવ્યાએ પણ લગ્નની મંજૂરી દર્શાવી. મયુર અને કાવ્યાનાં લગ્ન આગામી છ મહિનામાં કરવાનાં નક્કી થયા. બંને ત્યાં સુધીમાં લગભગ પાંચેકવાર એકબીજાને મળ્યાં. બંનેનાં મન મળી ગયા હતાં અને એ જોઈને કરસનભાઈને આનંદ થયો. નક્કી કરેલા સમયે મયુર અને કાવ્યાનાં લગ્ન થયાં.

મયુર અને કાવ્યાનાં લગ્નને ત્રણ મહિના થઈ ગયા. કાવ્યા સાસરીમાં સેટ થઈ ગઈ હતી. એણે ઘરની જવાબદારી પોતાનાં માથે લઈ લીધી. મયુર પણ એ વાતથી ખુશ હતો. પણ કરસનભાઈ કાવ્યાથી થોડા નારાજ હતા. એક તો રૂઢિવાદી વિચારો અને એમાંય ગામનાં પીઢ વ્યક્તિ તરીકેની એમની છાપ. કાવ્યાનું બિન્દાસ્ત વ્યક્તિત્વ એમને ગમતું નહોતું. એ ઘણીવાર વિચારતાં કે કાવ્યાને કહી દે કે મારા ઘરમાં આવું બિન્દાસ્ત વર્તન નહીં ચાલે. મર્યાદામાં બોલવું અને જ્યારે જરૂર હોય ત્યારે જ કોઈની પણ સાથે વાત કરવી. ઘરમાં કોઈની સામે આવે તો ઘુંઘટ અવશ્ય પોતાના માથે રાખવો. પણ પોતાના જૂના જમાનાનાં વિચારોને લીધે એ સીધી કાવ્યા સાથે વાત કરી શકતા નહોતા. એ જ જૂની માન્યતા કે સસરાએ વહુને કઈ કહેવું હોય તો કોઈ માધ્યમની જરૂર પડે. મયુર નોકરી પર હોવાથી ઘરે નહોતો એટલે કરસનભાઈને રવિવારની રાહ જોવાની હતી. 

રવિવારે મયુર ઘરે આવ્યો. દિવસ દરમ્યાન મયુર અને કાવ્યાએ એકબીજા સાથે સમય પસાર કર્યો. રાત્રે કરસનભાઈને મોકો મળ્યો કે મયુરને પોતાની મુંજવણ જણાવી શકે. એમણે મયુરને પોતાના રૂમમાં બોલાવ્યો.

“મયુર, તારી સાથે એક વાત કરવી છે. કાવ્યા બીજી બધી રીતે હોશિયાર અને ડાહ્યી છે. બસ મને ખાલી એક વાત જ ખટકે છે. એ વાતો કરવામાં બહુ બિન્દાસ્ત છે અને મારી સામે પણ ઘુંઘટ માથે નાખતી નથી. તું તો જાણે જ છે કે આપણાં પરિવારની વહુને આ શોભતુ નથી. આપણો પરિવાર વર્ષોથી મર્યાદા અને વડીલોનાં માન – સન્માનને લીધે સમાજમાં પોતાનું આગવું સ્થાન જાળવી શક્યું છે. જો મારા ઘરની જ વહુ આવી રીતે વર્તે તો હું બીજાને કયાં મોઢે સલાહ આપું.” કરસનભાઈએ કહ્યું.

“હું તમારી વાત સમજી ગયો છું પપ્પા. તમે ચિંતા ન કરો. હું કાવ્યાને સમજાવી દઈશ. તમને દુ:ખ થાય એવું કાવ્યા કોઈ કામ નહીં કરે.” મયુરે એમને આશ્વાસન આપતા કહ્યું.

મયુર પોતાના રૂમ તરફ ચાલતો થયો અને કરસનભાઈ પોતાના કામમાં પરોવાઈ ગયા. મયુર પોતાનાં રૂમમાં આવ્યો અને કાવ્યાને વાત કરી. એને સમજાવી કે પપ્પા શું કહેવા માંગે છે. કાવ્યા ભણેલી અને સમજદાર છોકરી હતી. એણે મયુરની વાત કોઈ પણ જાતની દલીલ વગર હસતે મોઢે સ્વીકારી લીધી. મયુર બીજા દિવસે પોતાની નોકરી પર જવા નીકળી ગયો.

આમ કરતાં છ મહિના પસાર થઈ ગયા. કરસનદાસ હવે ખુશ હતા. મયુરની કાવ્યાને સમજાવવાની રીત અને કાવ્યાની પોતાની સમજણને લીધે હવે કાવ્યા માટે એમને કોઈ ફરિયાદ રહી નહોતી. કાવ્યા હવે જ્યારે પણ કરસનભાઈની સામે આવતી ઘુંઘટ તાણીને જ આવતી. જરૂર સિવાય કઈ બોલતી નહીં અને જ્યારે પણ કરસનભાઈને કઈ કહેવું હોય તો ઘરનાં નોકર મારફત કહેતી.

એક દિવસ સવારમાં કરસનભાઈ છાપું લઈને સોફા પર બેઠા હતા અને પોતાની ચ્હાની ચૂસકી લઈ રહ્યા હતા. નોકર બાજુના ગામમાં પોતાના ઘરે ગયો હતો. એ કાવ્યાને બે કલાકમાં પાછા આવવાનું કહીને ગયો હતો. કાવ્યા એ સમયે રસોડામાં હતી. અચાનક એને બહારથી કાચ તૂટવાનો આવાજ આવ્યો. એ દોડીને બહાર આવી. જેવી એ રસોડાનાં દરવાજા પાસે આવી કે એની આંખો ફાટી ગઈ. અને મોઢામાંથી ચીસ નીકળી ગઈ. કરસનભાઈ સોફા પરથી ગબડીને નીચે પડી ગયા હતા. એમનો ચ્હાનો કપ જમીન પર ટુકડાઓનાં રૂપમાં એમની આજુબાજુ પડ્યો હતો.

કાવ્યા ગભરાઈ ગઈ. પહેલા તો એણે કરસનભાઈની નાડી તપાસી. શ્વાસ બરાબર ચાલી રહ્યો હતો. એણે ઈમરજન્સી એમ્બ્યુલન્સને ફોન કર્યો. સામેથી જવાબ મળ્યો કે એમ્બ્યુલન્સને આવતા અડધો કલાક થશે. કરસનભાઈ બેભાન અવસ્થામાં સામે પડ્યા હતા. કાવ્યાને મયુરની કહેલી વાત યાદ આવી કે પપ્પાની સામે મર્યાદામાં રહેવાનું. એમની સામે ઘુંઘટ તાણીને જ જવાનું અને જ્યાં સુધી જરૂર ન હોય ત્યાં સુધી એમની સામે નહીં આવવાનું.

કાવ્યાને અંદાજ આવી ગયો હતો કે કરસનભાઈને એટેક આવ્યો છે. એમને કોઈપણ સંજોગોમાં હોસ્પિટલ પહોંચાડવા જરૂરી હતા. એણે બધા જ વિચારો મગજમાંથી ખંખેરી નાખ્યા અને ગાડીની ચાવી લીધી. ગાડીને દરવાજાની એકદમ સામે એવી રીતે લાવીને પાર્ક કરી કે જેથી ગાડીનો પાછળનો દરવાજો ઘરનાં દરવાજાની એકદમ સામે હોય. એણે ગાડીનો પાછળનો દરવાજો ખોલ્યો અને કરસનભાઈ તરફ દોડી. એણે કરસનભાઈને પોતાના બંને હાથમાં ઉચક્યા અને ગાડીની પાછળની સીટમાં બેસાડી દીધા. હજી પણ કરસનભાઈ બેભાન જ હતા.

કાવ્યાએ ગાડી ઝડપથી નજીકની હોસ્પિટલમાં લઈ લીધી. ડોક્ટરોની ટીમે તાત્કાલિક કરસનભાઈની સારવાર શરૂ કરી. એમની સારવાર શરૂ થઈ ત્યારે કાવ્યાએ રાહતનો શ્વાસ લીધો. એણે મયુરને ફોન કર્યો અને જલ્દી હોસ્પિટલ આવવા કહ્યું.

મયુર બે કલાકમાં જ હોસ્પિટલ પહોંચી ગયો. એણે કાવ્યાને પૂછ્યું, “ પપ્પાને હોસ્પિટલ લાવ્યા કઈ રીતે ? એમ્બ્યુલન્સ સમયસર મળી તો ગઈ હતી ને ?”

“એમ્બ્યુલન્સને આવતા અડધો કલાક થાય એવું હતું. અને નોકર એના ઘરે ગયો હતો. મને કઈ ખબર પડતી નહોતી કે શું કરુ. પણ પપ્પાને બેભાન પડેલા જોયા એટલે બીજું કઈ વિચાર્યા સિવાય એમને ગાડીમાં પાછળની સીટમાં બેસાડીને અહીં લઈ આવી.” કાવ્યાએ ગભરાયેલા અવાજે કહ્યું. એ જણાતી હતી કે આ સાંભળ્યા પછી મયુર પોતાના ગુસ્સા પર કાબુ નહીં રાખી શકે.

અને થયું પણ એવું જ. મયુરે એક જોરદાર થપ્પડ કાવ્યાનાં જમણા ગાલ પર ધરી દીધી. અને જાણે એણે કોઈ અપરાધ કર્યો હોય એવી નજરે એની સામે જોવા લાગ્યો. કાવ્યાને મયુર તરફથી આવા જ પ્રત્યુતરની આશા હતી. એણે મયુરની મરજી વિરુદ્ધનું કામ કર્યું હતું. એ ચુપચાપ એક ખુણામાં જઈને બેસી ગઈ. મયુર પણ હવે ડોક્ટરનાં બહાર આવવાની રાહ જોવા લાગ્યો.

બીજા બે કલાક પસાર થઈ ગયા. કરસનભાઈને અંદર લઈ ગયે ચાર કલાક થઈ ગયા હતા. ડોક્ટર બહાર આવ્યા. મયુરે ડોક્ટરને પૂછ્યું, ”પપ્પાની તબિયત કેવી છે ?”

“ચિંતા કરવાની જરૂર નથી. એમની સ્થિતિ હવે નોર્મલ છે. હું સાંજે એમને જોવા આવીશ. એ સમયે તમે એમને મળી શકશો. ત્યાં સુધી એમને આરામ કરવા દો.” ડોક્ટરે કહ્યું. મયુરે સહમતિમાં માથું હલાવીને હા પડી અને ડોક્ટર પોતાની કેબિન તરફ રવાના થઈ ગયા.

સાંજે ડોક્ટર કરસનભાઈને મળવા આવ્યા. સાથે મયુર પણ હતો. ડોકટરે કહ્યું, “મયુર, કરસનભાઈની તબિયત હવે સારી છે. ચારેક દિવસ એમને અહીં ઓબ્સર્વેશનમાં રાખીશું. જો કોઈ પ્રોબ્લેમ નહીં હોય તો એમને રજા આપી દઈશું.”

“તમારો આભાર માનું એટલો ઓછો છે ડોક્ટરસાહેબ. જો તમે સમયસર એમનો ઈલાજ ન કર્યો હોત તો કદાચ પપ્પા આજે આપણી વચ્ચે ન હોત.” મયુર ગળગળો થઈ ગયો.

“મયુર, આભાર મારો માનીને કોઈ ફાયદો નથી. સાચે જ કોઈનો આભાર માનવો હોય તો કાવ્યાનો માન. જો કાવ્યા એમને સમયસર અહીં ન લાવી હોત તો કદાચ કરસનભાઈને હું તો શું ભગવાન પણ બચાવી શક્યા ન હોત. જો કરસનભાઈને અહીં લાવવામાં દસ મિનિટ પણ મોડું થયું હોત તો કરસનભાઈ આજે બચી શક્યા ન હોત.” ડોકટરે કહ્યું.

કરસનભાઈ પથારીમાં સુતા હતા. એમની આંખોમાંથી આંસુ આવી ગયા. એમણે ડોક્ટરને કહ્યું, ”જરા કાવ્યાને બોલાવી આપશો. મારે એની સાથે વાત કરવી છે.” મયુરને આશ્ચર્ય થયું. જે પપ્પાએ એને કહ્યું હતું કે કાવ્યાએ મર્યાદા રાખવી જોઈએ અને પોતાની સામે ઘૂંઘટ તાણીને જ આવવું જોઈએ એ જ પપ્પા એની જોડે વાત કરવા માંગે છે. પણ એ કોઈ દલીલ કરવા માંગતો નહોતો.

“હું બોલાવી લાવુ છું.” મયુરે કહ્યું અને એ રૂમની બહાર નીકળી ગયો. થોડીવાર થઈ એટલે મયુર અંદર આવ્યો. કાવ્યા એની પાછળ જ હતી.

“કાવ્યાબેટા, થોડા સમય પહેલા મે મયુરને કહ્યું હતું કે તારે પરિવારની મર્યાદામાં રહેવું જોઈએ. સસરાની સામે ઘૂંઘટ કાઢીને આવવું જોઈએ. સાચી વાત છે ને ?” કરસનભાઈએ પૂછ્યું.

કાવ્યા કઈ બોલી નહીં. એણે ખાલી સ્વીકૃતીમાં માથું હલાવીને હા પાડી.

“આજ પછી ક્યારેય મારી સામે ઘૂંઘટ કાઢવાનો નથી. અને તું મારી વહુ નહીં મારી દીકરી છું.” કરસનભાઈ જાણે આદેશ આપતા હોય તેમ બોલ્યા. “આજ પછી મારા ઘરની આવનારી કોઈપણ વહુ ઘૂંઘટ કાઢશે નહીં. કદાચ સમાજની શરમ રાખવામાં હું એ ભૂલી ગયો કે મારા ઘરે વહુ નહીં દીકરી આવી છે. કોઈ ભૂલ થઈ હોય તો માફ કરી દેજે.”

કાવ્યા કઈ બોલી નહીં. એણે ઘૂંઘટ પણ ઊંચો કર્યો નહીં.

“બેટા, તું તારા પપ્પાને માફ નહીં કરે. મારે મારી ઘરની લક્ષ્મીનાં દર્શન કરવા છે. મારી એ ઈચ્છા પૂરી નહીં કરે ?” કરસનભાઈ કહ્યું.

કાવ્યાએ ઘૂંઘટ ઊંચો કર્યો. એની આંખોમાંથી આંસુની ધાર વહી રહી હતી. કરસનભાઈને જોઈને તો એ ડૂસકાં જ ભરવા લાગી.

“બેટા, આજથી તું આઝાદ. એક નારી તરીકેનાં દરેક હક તને આ તારા પિતા આપી રહ્યાં છે. આજ પછી હું તારો સસરો નથી. મને તારા પિતા જ ગણજે. અને આ મયુર જો તને હેરાન કરે તો મને ફરિયાદ કરજે. એને આપણે બંને ભેગા થઈને સીધો કરી દઈશું.” કરસનભાઈનાં મુખ પર સ્મિત આવી ગયું. આ સાંભળીને કાવ્યા પણ હસી પડી. એના મોઢા પર એક આનંદની લાગણી દેખાઈ રહી હતી.

“કાવ્યાબેટા, આજથી તું વર્ષોથી આપણા પૂર્વજોની ચાલી આવતી ઘૂંઘટ પ્રથામાંથી આઝાદ....આઝાદ....આઝાદ....” કરસનભાઈએ આદેશના સ્વરમાં કહ્યું.

હોસ્પિટલનાં રૂમમાં આનંદની લહેર છવાઈ ગઈ. ત્યાં ઊભેલા ડોક્ટર, મયુર, નર્સ, કાવ્યા અને કરસનભાઈનાં મોઢા પર હાસ્ય છલકી રહ્યું હતું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational