પિનલનો બદલો
પિનલનો બદલો


સવારનો હળવો તડકો રસ્તા પર દેખાતો હતો. તાપ અને સૂરજનું સ્થાન જોતા સવારના લગભગ નવ વાગ્યા હતા. ઓનલાઈન શોપિંગનો ડિલિવરી બોય એપાર્ટમેન્ટનાં ૩૦૪ નંબરના દરવાજા બહાર ઉભો રહે છે અને ડોરબેલ વગાડે છે. અંદરથી લગભગ ૧૯-૨૦ વર્ષની છોકરીએ દરવાજો ખોલ્યો એને આશ્ચર્યથી પૂછ્યું , “યસ, કોનું કામ છે ?”
સામેથી જવાબ આવ્યો , “મેડમ, તમે જે ઓનલાઈન ઓર્ડર કર્યો હતો એનું પાર્સલ આપવાનું છે. તમારું નામ પિનલ છે ?”
“જી હા, મારું નામ જ પિનલ છે. હું આની જ રાહ જોતી હતી. સવારે મેસેજ તો આવી ગયો હતો. મારે પણ ઓફિસ જવાનું હતું. જો તમે થોડા મોડા પડ્યા હોત તો હું તમને સાંજે પાંચ વાગ્યાં પછી જ મળત. મોના પણ અત્યારે નથી એટલે હું એકલી જ છું. પછી તો તમારે સાંજે પાર્સલ આપવા પાછુ આવવું પડત” પિનલે પાર્સલ હાથમાં લીધું અને હળવી સ્માઈલી આપતા સાઈન કરતાં-કરતાં કહ્યું.
ડીલીવરી બોય પાર્સલ આપીને જતો રહ્યો. પિનલે દરવાજો બંધ કર્યો અને પાર્સલને શાંતિથી જોવા લાગી. પાર્સલ જોતા એના મનમાં આનંદ આવી ગયો હોય એવું એના હાવભાવથી લાગ્યું. પિનલના પેરેન્ટ્સ હૈદરાબાદમાં રહેતા હતા. તે અહીં દિલ્હીમાં વસંતકુંજ વિસ્તારનાં એક એપાર્ટમેન્ટમાં ભાડે રહેતી હતી. અહિયાં એને એક સારી જોબ મળી ગઈ હતી, એટલે એપાર્ટમેન્ટ ભાડે રાખીને તેની એક ફ્રેન્ડ સાથે રહેતી હતી. એની ફ્રેન્ડ મોના એને ઓફિસમાં જ મળી હતી અને બંનેને નોકરી સાથે જ લાગી હતી એટલે એપાર્ટમેન્ટ ભાડે રાખી શેર કરી લેવાનું બંનેએ નક્કી કર્યું. મોના અઠવાડિયાની રજા લઈને એના ઘરે ગઈ હતી.
પિનલે ઓનલાઈન એની મમ્મી માટે ગીફ્ટ મંગાવી હતી. એમની ૩૮મી વર્ષગાંઠ હતી એટલે એમને ગીફ્ટ આપવાની હતી. તે દરરોજ સવારે લગભગ ૯:૩૦ સુધીમાં ઘરેથી નીકળી જાય અને સાંજે લગભગ ૫:૦૦ વાગ્યાં સુધીમાં ઘરે પાછી આવી જાય. આ એનો નિત્ય ક્રમ હતો. મોના અને પિનલ સાથે જ ઓફિસ જાય. મોના પોતાના ઘરે ગઈ હતી, પિનલ ફટાફટ તૈયાર થઈને ઓફિસ જવા નિકળી ગઈ.
રોજના કાર્યક્રમ મુજબ પિનલ સમયસર ઓફિસ પહોચી ગઈ. તરત જ પોતાના કામમાં લાગી ગઈ. બપોરનું લંચ કર્યું. લંચ કરતાં-કરતાં બીજા સ્ટાફ જોડે થોડી મસ્તી કરવાની. બધા જોડે હળીમળીને કામ કરવાનું. સાંજના ચાર વાગે એટલે ચા નાસ્તો કરવાનો. બધું સમેટવાનું અને પાછા ઘરે પાંચ વાગતા પહોચી જવાનું. આ એનો રોજનો કાર્યક્રમ.
સાંજે પાંચ વાગે પિનલ ઘરે પાછી પહોચી ગઈ. સાથે થોડું શાકભાજી અને જોઈતી કેટલીક વસ્તુઓ લઈને આવી. એણે બધું કિચનમાં મુક્યું અને પોતાના કામે લાગી ગઈ, રાતનું જમવાનું પતાવીને એણે થોડીવાર ટીવી જોયું પછી સુવાની તૈયારી કરી. મમ્મી માટે આવેલી ગીફ્ટ એણે પોતાની ઓફિસ બેગમાં મૂકી દીધી. બીજા દિવસે એને કુરિયર કરવાની હતી એટલે સમયસર ગીફ્ટ પહોચી જાય. થોડીવાર પથારીમાં પગ લંબાવીને મમ્મી સાથે ફોન પર વાત કરી.
પિનલને હવે ઊંઘ આવવા લાગી હતી એટલે મમ્મીને કહીને સુવા માટે લાઈટ બંધ કરી. હજી દસ પંદર મિનિટ થઈ હશે ને એના મોબાઈલમાં મેસેજ આવ્યો.
“કેમ છો મેડમ ? ઘરે એકલા હોય તો હું આવું ?” નંબર અજાણ્યો હતો અને પહેલાં કોઈવાર આવો મેસેજ પણ આવ્યો નહતો એટલે થોડીવાર વિચારવા લાગી, પછી થયું કે આવા મેસેજો તો ઘણીવાર અલગ અલગ જગ્યાએથી લોકો મોકલતા હોય છે. ઓનલાઈન વેબસાઈટવાળા હશે. સોશીયલ મીડિયામાં એક્ટીવ હોવાથી આવું બધું આવતું રહેતું હોય છે. એની તો એને ખબર જ હતી એટલે ખાસ કાંઈ ધ્યાન આપ્યું નહીં અને મોબાઈલ મૂકી સૂઈ ગઈ.
બીજા દિવસે પિનલ ઊઠી. ચા-નાસ્તાનો કાર્યક્રમ પતાવ્યો. ઓફિસ જવાની તૈયારી કરી, પણ એના મનમાં કઈક ચિંતા ફરતી હતી. આગલી રાત્રીએ આવેલો મેસેજ વિશે એને ચિંતા હતી. પણ એ મેસેજ પછી બીજો કોઈ મેસેજ કે ફોન આવ્યો નહોતો એટલે એને થોડી રાહત પણ હતી. પોતાના રોજના ક્રમ મુજબ એ ઓફિસ ગઈ. રોજના પોતાનાં ભાગનાં કામ કર્યા પણ એને પેલો મેસેજ વારેઘડીયે યાદ આવી જતો હતો એટલે એનું મન ધડીએ ધડીએ ત્યાં જતું રહેતું. એને મનમાં થયું પણ ખરુ કે મોના હોત તો સારું હતું. પિનલ આમ વિચારતી હતી ત્યાં ફોનની રીંગ વાગી. નંબર અજાણ્યો હતો પણ એજ હતો જેમાંથી પેલો અશ્લીલ મેસેજ આવ્યો હતો.
પિનલે ડરતા ડરતા ફોન ઉપાડ્યો. “કોણ ?” “અરે,એ બધું છોડો મેડમ. સાંજે ઘરે કેટલા વાગે આવશો ? આપને મળું તો ખરો ?” એની વાત કરવાની ઢબ અને હસવાની રીતથી પિનલને ખબર પડી ગઈ કે આ વ્યક્તિએ એને હેરાન કરવા જ ફોન કર્યો છે. પિનલે તરત જ હિંમતથી જવાબ આપ્યો, ”તું જે હોય એ, પણ આજ પછી ફોન કરતો નહીં. નહીતો પોલીસમાં તારી કમ્પ્લેઈન લખાવી દઈશ.” પિનલે તરત જ ફોન કાપી નાખ્યો. એને હવે વધારે ડર લાગ્યો.
બીજા દિવસે વહેલા સવારમાં મોના આવી. ઘરનું બારણું આમ ખુલ્લુ જોઈને એને નવાઈ લાગી. એ દોડતી ઘરની અંદર ગઈ. ડ્રોઈંગરૂમમાં કોઈ દેખાયું નહીં.
એણે પિનલને બુમ મારી, ”પિનલ, ક્યાં છે તું ? કેમ કોઈ દેખાતું નથી ?” કોઈએ જવાબ આપ્યો નહીં. મોના ચાલતી ચાલતી બેડરૂમમાં ગઈ. રૂમનાં બારણા પાસે જેવી એ પહોચી કે હેબતાઈ જ ગઈ.
પિનલ બેડ પર બેભાન હાલતમાં પડી હતી.એના હોઠ ચિરાઈ ગયેલા, કપડા અડધાં ફાટી ગયેલા અને વાળ વિખરાયેલા હતા. પિનલની આવી હાલત જોઈને મોના થોડીવાર તો કાઈ સમજી નહીં. એને પિનલને બોલાવવાનો પ્રયત્ન કર્યો પણ પિનલે કાઈ જવાબ આપ્યો નહીં. મોના એ તરત જ પોલીસને ફોન કર્યો. થોડી જ વારમાં પોલીસ ત્યાં આવી ગઈ. પિનલને જોતા જ પોલીસ સમજી ગઈ કે એની સાથે શું થયું હતું. પોલીસે હોસ્પિટલમાં ફોન કરીને પિનલને સારવાર માટે મોકલી દીધી.
હોસ્પિટલમાં મોના અને થોડા કોન્સ્ટેબલ બહાર ઊભાં હતા. પિનલના મમ્મી પપ્પા પણ ત્યાં આવી પહોચ્યા. ઈન્સ્પેકટર સાહેબ એના પેરેન્ટ્સને સાઈડમાં લઈ ગયા અને એમને કહ્યું, ”પિનલ પર કોઈ એ રેપ કર્યો છે. અપરાધીને અમે શોધી રહ્યા છીએ. તમે ચિંતા નાં કરશો. આ છોકરી સાથે આવું કુકર્મ કરવાવાળાને અમે નહીં છોડીએ.” આટલું સાંભળતા જ એના પેરેન્ટ્સની હિમ્મત તૂટી ગઈ. બંને દુખી થઈને રડવા જ લાગ્યા. મોના એની મમ્મીને હિમ્મત આપવા એમની સાથે જઈને બેઠી. એની મમ્મી તો જાણે સજ્જડ મૂર્તિ જ બની ગઈ હતી.
થોડીવાર બધા આમનેઆમ રાહ જોતા બેસી રહ્યા. મોના પિનલની મમ્મીને સાંત્વના આપી રહી હતી. એના પપ્પા પોલીસની પૂછપરછના જવાબ આપી રહ્યા હતા. ત્યાં ડોકટરે આવીને કહ્યું કે પિનલની હાલત હવે સ્થિર છે. જેને મળવું હોય એ મળી શકે છે. ઈન્સ્પેકટર તરત જ અંદર ગયા. તેમણે પોતાની ઢબથી પહેલા તો પિનલને જોઈ. એને જોતા લાગ્યું કે પિનલ સાથે વાત કરી શકાય તેમ છે.
એમણે પૂછ્યું,”પિનલ, તારી સાથે શું થયું છે ? આવું કરવાવાળાને તું ઓળખે છે ? એ કોણ હતું ? તું પહેલા ક્યારેય એને મળી છે ?”
પિનલે ઈન્સ્પેકટરની સામે જોયું. તરત જ જવાબ આપ્યો. સાહેબ, "મારા પર કોઈએ રેપ કર્યો છે. એને તમે છોડતા નહીં. એ વ્યક્તિને હું બહુ ઓળખતી નથી પણ મેં ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. એના સામાનની ડિલીવરી આપવા એક વ્યક્તિ આવ્યો હતો. બે દિવસ પહેલા. કાલે સાંજે અચાનક એ વ્યક્તિ મારા ઘરે આવી ગયો અને મારી સાથે આ કુકર્મ કર્યું. એનું નામ કે એ ક્યાં રહે છે એ કાઈ મને ખબર નથી પણ એને તમે છોડતા નહીં.”
પોલીસે પોતાની કાર્યવાહી શરૂ કરી. ઓનલાઈન કંપની સાથે સંપર્ક કરી એ ડિલીવરી બોયની શોધ શરૂ કરી. સર્ચ કરતા ખબર પડી કે એનું નામ નરેન છે અને એ નજીકમાં આવેલા વિરાટનગરમાં રહે છે. પોલીસે તરત જ ચપળતા રાખીને નરેનની ધરપકડ કરી. પહેલા તો નરેને આનાકાની કરી કે એણે કાઈ કર્યું નથી પણ પછી ઓનલાઈન કંપનીનું નામ અને એણે કરેલા પાર્સલની ડિલીવરીની વાત થઈ એટલે એ સમજી ગયો કે હવે બચવાનો કોઈ રસ્તો નથી. પોલીસ તેને પકડીને લઈ ગઈ. પિનલને હજી હોસ્પિટલમાંથી રજા મળી નહોતી એટલે પોલીસે શંકાના આધારે એની ધરપકડ કરી છે એમ કહીને એને જેલમાં જ રાખ્યો.
ત્રણેક દિવસ પછી પિનલને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. પોલીસે પિનલનાં સ્ટેટમેન્ટનાં આધારે ગુનો દાખલ કર્યો અને એક વકીલ રાખવાની સલાહ આપી અને તેને ન્યાય અપાવવાની સાંત્વના પણ આપી. પિનલે ઈન્સ્પેકટરને એક વાત જાણવાની ઈચ્છા દર્શાવી કે આ વ્યક્તિને આટલી બધી હિમ્મત ક્યાંથી આવી. ઈન્સ્પેક્ટરે કહ્યું કે અમે જયારે પુછપરછ કરી તો નરેને જ એના મોઢે કહ્યું છે કે એને ખબર હતી કે તમે ઘરે એકલા છો. એને એ પણ ખબર હતી કે તમારી સાથે તમારી એક ફ્રેન્ડ પણ રહે છે જે એ સમયે એના ઘરે ગઈ હતી. રહી વાત તમારા ફોન નંબર, નામ અને એડ્રેસની એ તો તમે જયારે ઓર્ડર કર્યો અને તમારા ઘરે ડિલીવરી આપવા આવ્યો ત્યારે તમારી બધી જ માહિતી એની પાસે હતી. પિનલ આટલું સંભાળીને આશ્ચર્યમાં પડી ગઈ અને એણે ત્યાં બેઠાબેઠા જ નક્કી કરી લીધું કે ઓનલાઈન કંપનીઓમાં કામ કરતી આ પ્રકારની વ્યક્તિઓ માટે કોઈ ખાસ કાયદો સરકાર બનાવે એવું કઈક તો એ કરશે જ.
સમય વિતતો ગયો. એની સાથે બનેલા બનાવમાં આજકાલ કરતા ચાર મહિના થઈ ગયા. ઘણી વખત કોર્ટની તારીખો ન મળતી અને તારીખ મળે તો થોડા સમય પછીની બીજી તારીખે આગળની કાર્યવાહી કરવાનો નિર્ણય આવી જતો. પિનલે નક્કી કરેલા ધ્યેય માટે એણે કોર્ટમાં એ પણ માંગણી મૂકી દીધી કે ઓનલાઈન ખરીદીની વેબસાઈટમાં કામ કરતાં દરેક ડિલીવરી બોયને નોકરી રાખતા પહેલા પોલીસ વેરિફિકેશન કરાવવું ફરજીયાત કરવામાં આવે. કોર્ટ એના અંગે પણ વિચારણા કરવામાં સહમતી દર્શાવી. પિનલને કંપની સાથે કોઈ વાંધો હતો નહીં એટલે કંપનીની દખલગીરી આમાં કાઈ નહોતી. એમને તો આ બનાવ પછી તરત જ એ કર્મચારીને નોકરીમાંથી કાઢી નાખ્યો હતો.
કોર્ટમાં કેસ દાખલ થયો અને સુનવણી થતા થતા બે વર્ષ વીતી ગયા હતા. પિનલની જિંદગી અડધી કોર્ટના ધક્કા ખાવામાં, તો અડધી નોકરીની ભાગદોડમાં જતી હતી. આ બધાથી તે કંટાળી ગઈ હતી પરંતુ ગુનેગારને સજા આપવાનો એનો દ્રઢ નિર્ણય હતો અને પરિવાર તથા નોકરી કરતી હતી એ કંપનીના સપોર્ટથી એને હિમ્મત મળતી રહેતી હતી. બે વર્ષ બાદ આજે સુનવણીનો દિવસ હતો. ગુનેગારને સજા મળવાની હતી. સોશિયલ મીડિયા પર પણ એવી માંગણી હતી કે ગુનેગારને ફાંસી મળે પણ દેશમાં ફાંસીની સજા રદ થઈ ગઈ હોવાથી ઉમરકેદની સજા તો મળવી જ જોઈએ એવું બધાનું માનવું હતું. પિનલ પણ સૌથી આકરી સજા નરેનને મળે એના માટે લડત આપી રહી હતી.
કોર્ટમાં પિનલે દાખલ કરેલા કેસનાં ચુકાદાનો સમય આવ્યો. બંને કેસનાં વકીલો વચ્ચે ધણીબધી દલીલો થઈ. એમની દલીલોથી કોર્ટનું વાતાવરણ ગરમ થઈ ગયું હતું.
અંતે કોર્ટે ચુકાદો આપ્યો,”નરેનને સાત વર્ષ કેદની સજા આપવામાં આવે છે અને ઓનલાઈન બિઝનેસમાં કામ કરતાં દરેક ડિલીવરી બોય અને અન્ય કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન કરાવવું ફરજીયાત રહેશે. ભવિષ્યમાં આવી કોઈ ઘટના માટેની સંપૂર્ણ જવાબદારી કંપનીની રહેશે અને એમની કંપની બંધ કરવા સુધીની સત્તા સરકાર પાસે રહેશે.”
પિનલે કોર્ટના ચુકાદામાંથી એક ચુકાદાને માન્ય રાખ્યો કે જે ડિલીવરી બોયના પોલીસ વેરિફિકેશનનો હતો. આના આધારે દેશમાં બનતી આવી બીજી કોઈ ઘટનાને રોકી શકાય અને દરેક વ્યક્તિ નિશ્ચિત થઈને ઓનલાઈન ખરીદી કરી શકે. પણ પોતાની સાથે થયેલા રેપના સંદર્ભમાં આવેલો ચુકાદો કે જેમાં નરેનને સાત વર્ષ કેદની સજા આપવાનો હતો, એણે મનોમન એને માન્ય રાખ્યો નહીં. એને લાગતું હતું કે આ સજા નરેન માટે ઘણી ઓછી છે. દેશના લોકો પણ માનતા હતા કે આ વ્યક્તિને ઉમરકેદ તો થવી જ જોઈએ. જેથી આવી કંપનીઓમાં કામ કરતા લોકોને બોધ પણ મળે અને બીજો કોઈ આવું કરતા પહેલા સો વખત વિચાર કરે.
પરંતુ કોર્ટનો આ અંતિમ ચુકાદો હતો એટલે પિનલ વધારે સજાની માંગ કરતી અરજી માત્ર સુપ્રીમ કોર્ટ સામે મૂકી શકતી હતી. એણે સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી વકીલને બતાવી. ઈન્સ્પેકટર અને એના ઘરના જાણતા હતા કે નરેનને આનાથી વધારે સજા મળવી જોઈએ. ઉમરકેદ પણ એના માટે ઓછી સજા છે. એ વ્યક્તિએ પિનલની જિંદગી ખરાબ કરી નાખી હતી પણ સુપ્રીમ કોર્ટ પણ આનાથી વધારે સજા એને આપશે નહીં એવું લાગતું હતું. એનું કારણ નરેનનો વકીલ ઘણો મજબૂત હતો. પણ પિનલને પોતાની સાથે થયેલા અત્યાચારની સામે આ બધું ખુબ જ સામાન્ય લાગતું હતું. સુપ્રિમ કોર્ટનો ચુકાદો આવી ગયો. સુપ્રીમ કોર્ટ પણ નરેનને સાત વર્ષની નીચલી કોર્ટે આપેલી સજાને માન્ય રાખી.
પિનલ હવે થોડી નિરાશ થઈ ગઈ. પણ પોતાની સાથે જે થયું હતું એનો બદલો લેવો એના માટે જરૂરી હતો. પિનલ પોતાના રોજિંદા કામમાં લાગી ગઈ, પણ એનું મન આટલી ઓછી સજા નરેનને થાય એ સ્વીકારવા તૈયાર નહતું. આમ કરતા લગભગ બે મહિના થઈ ગયા. પિનલની જિંદગી હવે બદલાઈ ગઈ હતી. એને નરેન માટે માંગેલી સજા કરતા ઓછી થયેલી સજા ખટકતી હતી. એ પોતાનાં કેસ સાથે જોડાયેલા ઈન્સ્પેક્ટર પાસે ગઈ. નરેનને પણ એ જેલમાં જ કેદમાં રાખવામાં આવ્યો હતો.
પિનલે આવીને ઈન્સ્પેક્ટરને કહ્યું, ”મને તો આપણી ન્યાય પ્રણાલી પરથી વિશ્વાસ જ ઊઠી ગયો છે. જે વ્યક્તિએ આ કર્યું છે એ સાત વર્ષ પછી આઝાદ ફરી શકશે. મારી જિંદગીનું, એક સ્ત્રીનાં સ્વમાનનું કોઈ મૂલ્ય જ નહીં ? એમાંય જો જેલ પ્રશાસનને લાગશે કે નરેનનું વર્તન એક સારા નાગરિક જેવું છે તો વળી એની સજા ઓછી પણ કરી શકે છે. આ તો કેવો ન્યાય ?” આટલું બોલીને પિનલ શાંત ચહેરે બેસી રહી. એના મનમાં વિચારોનું ઘોડાપુર ચાલતું હતું એ એના ચહેરા પરથી સ્પષ્ટ દેખાતું હતું.
ઈન્સ્પેક્ટરે શાંતિથી જવાબ વળ્યો,” પિનલ મને લાગે છે કે હવે તારે અહી આ વાત મૂકી દેવી જોઈએ. જીવનમાં કરવા માટે ઘણું બધું છે. એક જ વાતને પકડીને ક્યાં સુધી બેસી રહીશ ?”
પિનલે તરત ઉશ્કેરાઈને જવાબ આપ્યો,” જીવન તો મારું એ નરાધમે બગાડી નાખ્યું છે. તમને લાગે છે કે હું પહેલાની જેમ મારી જિંદગી જીવી શકીશ ? કોઈ સારા ઘરનો છોકરો કે એનો પરિવાર મને સ્વીકારશે ખરો ?” એના ઉશ્કેરાટમાં સચ્ચાઈ હતી. ઈન્સ્પેક્ટર પાસે એનો કોઈ જવાબ નહતો. એ ચુપચાપ સાંભળી રહ્યો.
પિનલે આગળ ચલાવ્યું, ”કોઈને સાંત્વના આપવી સહેલી છે. જયારે કોઈની ઉપર વીતે ત્યારે ખબર પડે છે કે જિંદગી કેવી બદલાઈ જાય છે અને એને ખબર પણ હોય છે કે એની આવી હાલત કરવાવાળી વ્યક્તિ સાત વર્ષ પછી આઝાદ ફરી શકશે. શું આ એક સ્ત્રી સાથે અન્યાય નથી ?”
ઈન્સ્પેક્ટરે એના મનની વાત જાણવા પૂછ્યું,”તો તારા મત મુજબ શું કરવું જોઈએ ?” આવો સીધો સવાલ આવતા પિનલ ક્ષણ માટે વિચાર કરવા લાગી પછી તરત જ બોલી. “આવા નરાધમોને તો ગોળી જ મારી દેવી જોઈએ.” ઈન્સ્પેક્ટર થોડું હસી ગયા અને બોલ્યા, ”પછી એની સજા તને મળે એનું શું ?” પિનલે દ્રઢતાથી જવાબ વાળ્યો, ” તો એ સજા આ આખી જિંદગી રૂંધાઈને જીવવા કરતાં ઓછી ગણાય. હું તો હસતા મોઢે એ સજા સ્વીકારી લઉં.”
ઈન્સ્પેક્ટરે પિનલના અવાજમાં એક દ્રઢ નિશ્ચય અને ખુમારી જોઈ. એમને લાગ્યું કે ખરેખર પિનલ સાથે અન્યાય તો થયો જ છે અને એનો સાચો ન્યાય મળવો જ જોઈએ.
ઈન્સ્પેક્ટરે કઈક વિચારતા કહ્યું,”કાઈ વાંધો નહીં તું અત્યારે ઘરે જા. સાંજે હું તને તારા એપાર્ટમેન્ટની નીચે મળીશ. મારા બે કોન્સ્ટેબલની ટીમ સાથે. તું અને તારી ફ્રેન્ડ મોના બંને આવજો. અત્યારે અહીં વધારે વાત કરવા જેવી નથી. તું આરામથી ઘરે જા. બહુ વિચાર ન કર. ભાગ્યમાં જે લખ્યું છે એ થવાનું છે. હવે ઈશ્વરનાં હાથમાં છોડી દે. તારું મન શું કહે છે એ સાંભળ. સાંજે હું આવીશ એટલે તમને ફોન કરીશ. બંને આવીને મને મળજો.“ પિનલને ઈન્સ્પેક્ટરની વાતમાં કાઈ ખબર પડી નહીં પણ એમની વાત માનવામાં વાંધો હતો નહીં એટલે સાંજે મળવાની સહમતી સાથે એ ત્યાંથી નીકળીને ઘરે ગઈ.
રાત્રીના લગભગ દસ વાગ્યાં હતા. પિનલના ફોન પર ઈન્સ્પેક્ટરનો ફોન આવ્યો, ”પિનલ,તું અને મોના બંને આવો, અમારી ટીમ અહિયાં તમારા અપાર્ટમેન્ટની નીચે ઊભી છીએ.
પિનલ નીચે ગઈ. ઈન્સ્પેક્ટરે મોના વિશે પૂછ્યું તો પિનલે કહ્યું કે મોનાની તબિયત ખરાબ છે એટલે એ નહીં આવે. ત્યાં ઈન્સ્પેક્ટર બે કોન્સ્ટેબલની ટીમ સાથે ઊભાં હતા. એમણે કહ્યું, તું પોલીસ સ્ટેશનમાં આજે શું કહેતી હતી કે નરેનને તો ગોળી જ મારી દેવી જોઈએ. તને શું લાગે છે આવું પગલું યોગ્ય હશે ?”
પિનલ થોડી ગુચવણમાં પડી પણ એની સાથે થયેલા અન્યાયના જવાબમાં એની પાસે હા કહેવા સિવાય બીજો કોઈ જવાબ નહતો. તેને માત્ર ટૂંકમાં જ જવાબ આપ્યો , “ચોક્કસ.”
ઈન્સ્પેક્ટરે કહ્યું ,” ચલ ત્યારે તારી ગાડી લઈ લે. અમારી જીપની પાછળ જ રહેજે. હું જ્યાં ઊભો રહું ત્યાં ઊભાં રહી જવાનું અને હું કહું નહીં ત્યાં સુધી ગાડીમાંથી બહાર નીકળતી નહીં. પિનલે ઈન્સ્પેક્ટરની વાત સ્વીકારી લીધી. પણ હજી એના મનમાં કોઈ વાત સ્પષ્ટ થતી નહોતી.
લગભગ આઠ દસ કિલોમીટર ગયા હશે ત્યાં પોલીસની જીપ ધીમી થઈ. પિનલે પણ પાછલ એની ગાડી ધીમી પાડી. આજુબાજુ જોયું તો જગ્યા અવાવરુ હતી. ત્યાં કોઈ વાહન કે વ્યક્તિની અવરજવર થતી દેખાઈ નહીં. પોલીસની ગાડી ઊભી હતી ત્યાંથી દસેક ફૂટ દુર બીજી એક પોલીસવાન ઉભેલી બંનેને દેખાઈ. કઈક હલનચલન ગાડીના ફોકસના અજવાળામાં થતી દેખાઈ. પિનલ ઈન્સ્પેક્ટરના કહેવા પ્રમાણે જ્યાં સુધી એમણે કહ્યું નહીં ત્યાં સુધી ગાડીમાં બેસી રહી.
લગભગ દસ મિનીટ થઈ ત્યાં ઈન્સ્પેક્ટર એમની ગાડી બાજુ આવતા દેખાયા. ઈન્સ્પેક્ટરે પિનલને ગાડીની બહાર આવવા ઈશારો કર્યો. પિનલ ગાડીમાંથી ઉતરીને ઈન્સ્પેક્ટર જતા હતા એ દિશામાં ચાલી. જેવી ઈન્સ્પેક્ટરની જીપ પાર કરીને પેલી પોલીસવાન તરફ ગઈ ત્યાં એ અવાક બની ગઈ. તેની સામે નરેન ઊભો હતો. તેને બે કોન્સ્ટેબલે દોરડાથી બાંધી રાખ્યો હતો. ઈન્સ્પેક્ટર પિનલની બાજુમાં આવીને ઊભાં રહ્યા.
“તારી સાથે અત્યાર સુધી હું ઊભો રહ્યો છું, પણ આજે તને એક ચાન્સ આપવા માગું છું. હું જાણું છું કે કદાચ આ પગલા પછી મારી નોકરી ઉપર પણ ખતરો આવી શકે છે. પણ અત્યારે એ મહત્વનું નથી. થોડીવાર એ પિનલ સામે જોઈ રહ્યા પછી કીધું, ”તારે બદલો લેવાનો છે ને ? લે આ.”
એમણે એક રિવોલ્વર પિનલ સામે ધરી. “તારો આ હક છે પણ કાયદા સામે અમારા હાથ બંધાયેલા છે નહીંતો આવાં પાપીઓને પકડીને તો અમે જ કોર્ટમાં જતા પહેલા ગોળી મારી દઈએ. પણ આજે આ તક હું તને આપવા માગું છું પણ એક વાત સાંભળી લે કે આના પછી તારે પોલીસને સરેન્ડર કરવું પડશે. જો તને મંજૂર હોય તો હવે આગળનો નિર્ણય તારો છે.”
પિનલ ઈન્સ્પેક્ટરની સામે જોઈ રહી. એની આંખોમાંથી પાણી વહેવા લાગ્યા. ગુસ્સામાં એની આંખો જાણે આગ વરસાવી રહી હતી. એણે પિસ્તોલ ઉપાડી. મક્કમતાથી નરેનની સામે ગઈ. કોન્સ્ટેબલે જોરથી બાંધેલા દોરડાની પકડ થોડી ઢીલી કરી અને ખસી ગયા. પિનલે રિવોલ્વર નરેન સામે ધરી અને ટ્રીગર દબાવ્યું. ગોળીના અવાજથી વાતાવરણ ગાજી ઉઠ્યું. નરેનની ભયંકર અંતિમ ક્ષણની ચીસોથી એટલામાં ઉભેલા દરેકની નજર એની સામે મંડાઈ ગઈ. તરફડીયા મારતો નરેન થોડીવારમાં જ શાંત થઈ ગયો.
પિનલ જાણે એના દિલમાંથી બધો જ ભાર ઉતરી ગયો હોય એમ ત્યાં બેસીને પોક મૂકીને રડવા લાગી. પોલીસે એને રોકી નહીં. એનું મન હળવું થવા દીધું.
બે મિનીટ પછી ઈન્સ્પેક્ટરે કોન્સ્ટેબલોને ઈશારો કર્યો. એમને આવીને પિનલને એમની સાથે ચાલવા કહ્યું. જતાં-જતાં પિનલે ઈન્સ્પેક્ટર સામે બે હાથ જોડીને જાણે આભાર માનતી હોય એમ તેમની સામે જોઈ રહી. ઈન્સ્પેક્ટરે પણ કોઈ દીકરી કે બહેનને સાચો ન્યાય અપાવ્યો હોય એવા ગર્વ સાથે પિનલ સામે પ્રેમથી સ્મિત આપ્યું.
પિનલ પર કોર્ટમાં કેસ થયો. કેસમાં પિનલે નરેનની હત્યા કરી હોવાનું સ્વીકાર્યું. ઈન્સ્પેક્ટરે સ્ટેટમેન્ટ લખાવ્યું કે અમે નરેનને એક જેલમાંથી બીજી જેલમાં ટ્રાન્સફર કરી રહ્યા હતાં. અચાનક પિનલ ગાડી લઈને સામે આવી ગઈ અને પોતાની ગાડીમાંથી રિવોલ્વર કાઢીને નરેનને ગોળી મારી દીધી. આ બધું જોકે પહેલેથી ઈન્સ્પેક્ટરે પિનલની ધરપકડ કરી ત્યારે તેને કહી જ દીધું હતું. પિનલને કોર્ટે બે વર્ષની સજા આપી અને ઈન્સ્પેક્ટરને એક મહિના માટે સસ્પેન્ડ કર્યા.
પિનલ માટે આ સજા કાઈ નહોતી. પરંતુ એની સારી વર્તણુક અને સારા આચરણને લીધે પ્રસાશાને તેની સજા છ મહિના ઘટાડી દીધી. પિનલ સજા પૂરી કરી બહાર આવી. જેવી છૂટી એવી તરત જ ઈન્સ્પેક્ટરને મળી. એણે એમને પૂછ્યું, ”તમે મને આટલી હદ સુધીની મદદ કેમ કરી ? મારી મદદ કરવામાં તમને સસ્પેન્ડ કરવામાં આવ્યા.”
ઈન્સ્પેક્ટરે કહ્યું, ”તું મારી દીકરી બરાબર છું. દેશની કોઈપણ સ્ત્રીની ઈજ્જત જો કોઈ વ્યક્તિ લૂંટે અને અમારા જેવા ઈન્સ્પેક્ટરો તમને ન્યાય પણ ન અપાવી શકે તો અમારી આ ખાખી વર્દી પર અમને શરમ આવવી જોઈએ. જયારે પણ દેશમાં આવો કોઈ અપરાધ કોઈ વિચારે તો તેને તારા લીધેલા બદલાનાં કિસ્સાથી ડર લાગવો જોઈએ. દેશની દરેક સ્ત્રીઓમાં એક પિનલ હંમેશ માટે વસવી જ જોઈએ.”
પિનલની આંખમાં આસું આવી ગયા. પોતાની સાથે થયેલા અત્યાચારનો બદલો પણ લઈ લીધો હતો અને એના પરિણામે થતી સજા પણ ભોગવી લીધી હતી. પોલીસ સ્ટેશનનાં દરવાજા બહાર નીકળતાં જ હજારોની ભીડમાં પોતાની નવી જિંદગી, નવા સપનાંઓ સાથે ખોવાઈ ગઈ.