Prashant Subhashchandra Salunke

Action Inspirational

3.1  

Prashant Subhashchandra Salunke

Action Inspirational

સફળતા ક્યારે મળશે ?

સફળતા ક્યારે મળશે ?

8 mins
532


સફળતા અમસ્તી મળતી નથી. કોઈ એકની લડતથી સફળતા મળતી નથી. પરંતુ એ માટે બધાએ એકજુટ થઈને મચી રહેવું પડે છે. સફળતા મેળવવા સામી છાતીએ લડવાની હિંમત કરવી પડે છે. સફળતા મેળવવા ઝઝૂમવું અને લડવું પડે છે. આવી જ રીતે ગામને જમીનદારની ચુંગાલમાંથી આઝાદી અપાવવા કરસનભાઈ લડી રહ્યા હતા. જોકે તેમને જોઈએ તેવી સફળતા મળી નહોતી રહી કારણ તેમને સાથ સહકાર આપી શકે તેવો કોઈ માઈનો લાલ નહોતો. ઉલટ તેમના પ્રયત્નોને ટેકો આપવાને બદલે સહુ કોઈ તેમની મજાક ઉડાવતા. યેનકેન પ્રકારે તેમને હેરાન કરતા.

*****

“એ... એ... દાદા આવ્યા... ગોટાળો લાવ્યા... દાદા પાગલ... દાદા પાગલ...”

કડલા ગામની પાદરે બસમાંથી ઊતરેલા કરસનભાઈને ગામના બાળકો ઘેરીને ચિઢાવી રહ્યા હતા. કોઈક તેમની ધોતી ખેંચી રહ્યું હતું. તો કોઈક તેમનો ઝબ્બો. ગામના લોકો માટે આ કોઈ નવાઈની વાત નહોતી. તેમની માટે તો આ રોજનું દ્રશ્ય હતું.

કરસનભાઈએ છડી ઉગામી “ખસો અહીંથી” કહેતાની સાથે બાળકો તેમને જીભ દેખાડીને ભાગ્યા.

ગામના ચોકમાં બેઠેલા એક યુવાને ટકોર કરી, “આ કરસનભાઈનું ગાંડપણ આપણા ગામને લઇ ડૂબશે. રોજ કોઈકને કોઈક જોડે મગજમારી. રોજ કોઈકને કોઈક જોડે કચકચ. ગામ આખામાં પંચાત કરતો ફર્યા કરે છે. તેનામાં અક્કલ જેવું કાંઈ છે જ નહીં અને સવાર પડતાની સાથે ગામ આખામાં હાલી પડે છે.”

કરસનભાઈએ કપાળ પર બાઝેલી પ્રસ્વેદની બુંદોને લુછવાના બહાને યુવાનો તરફ તીરછી નજર કરી. કરસનભાઈ જોઈ રહ્યા છે એ ખ્યાલ આવતા યુવાનો ખડખડાટ હસવા લાગ્યા. ક્રોધથી કરસનભાઈ ત્યાંથી નીકળી ગયા પરંતુ યુવાનોની ખીલખીલાટે ખાસ્સા અંતર સુધી તેમનો પીછો છોડ્યો નહીં.

કરસનભાઈએ ઘરમાં પગ મુકતાની સાથે તેમની પત્ની સુશીલાબેને તાડૂકી ઉઠયા, “તમે આ શું માંડ્યું છે ? આજે પાછા જમીનદારના માણસો ઘરે આવ્યા હતા.”

 “તેઓ શું કહેતા હતા?”

“તમને ગામ આખાની પંચાત છોડી ઘરમાં ચુપચાપ પડી રહેવાનું કહેતા હતા. તેઓએ ધમકી પણ આપી છે કે જો તમે તમારું વર્તન નહીં સુધારો તો આપણા પરિવારને ગામ બહાર કરશે. તમે આજે પાછુ શું લફરું કર્યું ?”

“મેં પોલીસકેસ કર્યો છે.”

“કોના પર?”

“જમીનદાર પર.”

“હે ભગવાન! તમારું મગજ તો ઠેકાણે છે ? અરે! એ જમીનદારને આખુંય ગામ ભગવાન માને છે અને તમે તેની પર જ પોલીસ કેસ કર્યો!”

“હા”

“પણ કેમ?”

“હું આપણા ગામને જમીનદારની ગુલામીમાંથી આઝાદી અપાવવા માંગું છું.”

“અરે ઓ, સ્વતંત્ર સેનાની. નાનપણમાં અંગ્રજો પર બે કાંકરા શું માર્યા તમે તો ખુદને ભગતસિંહ સમજી બેઠા છો. આપણો દેશ વર્ષો પહેલા આઝાદ થઇ ગયો છે. તેની સાથે આપણું આ ગામ પણ આઝાદ થઇ ગયું છે. હવે આ આઝાદીનું ભૂત મગજમાંથી કાઢો અને ઘરે બેસી પ્રભુભજન કરો. ૮૫ વર્ષની ઉમરમાં પણ જપ નથી આ માણસને. ગામ આખામાં ત્રાસદી ફેલાવી દીધી છે. આઝાદી, આઝાદી, મુઈ એ આઝાદી.”

“આ શું બોલી રહી છે ? તને ખબર છે, આઝાદીની લડતમાં અમે બાળકો જીવના જોખમે સ્વતંત્ર સેનાનીઓને હથિયાર પહોંચાડતા હતા. આ માટે મને ૮ વર્ષની સજા પણ થઇ હતી. ભૂલી ગઈ તું કે, તારા પિતાજીએ મારા કાર્યો પર ખુશ થઈને જ તારી સાથે મારા લગ્ન ગોઠવ્યા હતા.”

“મારા પિતાજીને પણ શું સુઝ્યું કે મારાથી ૧૧ વર્ષ મોટા યુવાન સાથે મને પરણાવી દીધી હતી.”

“સુશીલા, તને એ ત્યાગ, બલીદાન અને દેશદાઝનું મહત્વ ખબર નહીં પડે.”

“અને તમને પડે ?”

આમ બંને વચ્ચે તકરાર ચાલતી જ હતી ત્યાં એમનો દીકરો મનસુખ નોકરીએથી ઘરે પાછો આવ્યો. મનસુખ તેના પિતાના વિરુદ્ધ ખૂબ શાંત સ્વભાવનો હતો. કોઈ સાથે કોઈ મગજમારી નહીં. પોતે ભલો અને પોતાનું કામ ભલું. બારણા પાસે બેસી બુટ કાઢતા તે માતાપિતાની તકરાર સાંભળી રહ્યો. સુશીલાબેનનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચતો જોઈ મનસુખ શાંતિથી બોલ્યો, “શું થયું મા ? શું કામ ગુસ્સો કરે છે. પિતાજીનો સ્વભાવ જ એવો છે તેમાં તું ક્યાં પોતાનો જીવ બાળે છે.”

“બેટા, હું તો આ માણસથી ત્રાસી ગઈ છું. સ્કુલ સામે આમરણ અપવાસની ધતિંગ માંડ પૂરી થઇ હતી કે તારા પિતાએ નવું તુત ઊભું કર્યું. જાણે છે તેમણે જમીનદાર પર પોલીસ કેસ કર્યો છે. જમીનદાર આ વાતથી ખૂબ રોષે ભરાયેલો છે. તેણે આપણને ધમકાવવા પોતાના માણસો પણ મોકલ્યા હતા.”

મનસુખે કહ્યું, “પિતાજી, આ શું કર્યું ? જમીનદાર પર પોલીસ કેસ ! તેની પહોંચ ક્યાં સુધી છે એ તમે જાણો છો છતાંયે હાથે કરી કેમ ઉપાધી વહોરી લીધી ?”

કરસનભાઈએ કહ્યું, “બેટા મનસુખ, તારી મા કચકચ કરે છે કારણ તે અજાણ છે. પરંતુ તું ? તું તો એ જમીનદારના સઘળા ખેલ જાણે છે ને ?”

મનસુખે શાંતિથી કહ્યું, “સારી પેઠે જાણું છું પિતાજી, જમીનદારે ગામના યુવાધનને દારૂના રવાડે ચઢાવ્યા છે. તેઓને નશાની લત લગાવી તેઓની જમીન સસ્તા ભાવે ખરીદી લીધી છે. દારૂના નશામાં ખેડૂતોને યાદ જ નથી કે તેમણે ક્યાં અને કેટલા કાગળિયાં પર અંગુઠા માર્યા છે તે. કાલના જમીનના માલિક એવા ખેડૂતો આજે પોતની જ જમીન પર ગણોતિયા છે. હું સઘળું જાણું છું. પણ ગામલોકો બધા ખુશ છે. કારણ સાંજે દારૂની મિજબાની ગોઠવી જમીનદાર તેમને ખુશ રાખે છે. દારૂ તેઓના લોહીમાં એટલા હદે ભળી ગઈ છે કે તેઓને સારાનરસાનું કશું ભાન જ રહ્યું નથી. દારૂએ તેમનું સ્વાભિમાન અને પુરુષાતન બંને હણી લીધું છે. એવા નમાલા લોકો એ જમીનદાર સામું હરફ પણ ઉચ્ચારવાની હિંમત નહીં કરે. હું શાંત છું કારણ હું વાસ્તવિકતામાં જીવવાનું પસંદ કરું છું.”

 “બેટા, પણ હું એવી રીતે જીવી શકતો નથી. હું મારા ગામને જમીનદારની ચુંગલમાંથી આઝાદ કરવા માંગું છું. મારું ગામ પહેલા જેવું આબાદ અને ખુશહાલ જોવા માંગું છું.”

“પિતાજી, શું તમે જાણો છો કે, આખું ગામ હવે તમને પાગલ કહી રહ્યું છે ?”

“જાણું છું અને એ પણ જાણું છું કે આની પાછળ જમીનદારનો જ હાથ છે. તેના જ ફોસલાવાથી તેના ચમચાઓએ હું પાગલ છું એવી વાત વહેતી કરી છે. પણ મને એનાથી કશો ફરક પડતો નથી. હું જમીનદાર સામેની મારી લડાઈ ચાલુ જ રાખીશ. મારા શરીરમાં છેલ્લો શ્વાસ છે ત્યાં લગી હું હિંમત નહીં હારું.”

“પિતાજી, તમારી ભાવના ઉમદા છે. પરંતુ તમને કોઈ સાથ આપે નહીં. આપણને ગામમાંથી બહાર કાઢી મુકશે તો પણ કોઈને કશો ફરક પડશે નહીં. જમીનદારની બીકથી આપણી મદદ કરવાનું તો છોડો, પરંતુ આપણને સાંત્વનાના બે શબ્દો પણ કહેવા કોઈ આવે નહીં. પિતાજી, વાસ્તવિકતાને સમજો અને બંધ કરો તમારી આ ચળવળો અને આમરણ ઉપવાસો. દેશ આઝાદ થઇ ગયો છે. કોઈને હવે ક્રાંતિની જરૂર નથી.”

“ના બેટા, ના. દેશ આઝાદ થઇ ગયો છે પરંતુ આપણે દેશવાસી નહીં. આપણે હજી પણ ગુલામ છીએ. આપણે ગુલામ છીએ એ માનસિકતાના કે બધું બરાબર ચાલી રહ્યું છે. આપણે ગુલામ છીએ એ વિચારના કે આપણને શો ફરક પડવાનો છે? આપણે ગુલામ છીએ એ ડરના કે, કોણ જીવનો જોખમ લે? આપણે ગુલામ છીએ જમીનદાર જેવા ભ્રષ્ટ લોકોના. બેટા એક વાત કહું? આઝાદીની જો ખરેખર જરૂર હોય તો એ આજના સમયમાં છે. આજે દેશને આઝાદ કરવો છે. આ વિચારોથી, ડરથી, અને બેટા આઝાદી સહજતાથી મળતી નથી. લડીને જીતવી પડે છે.”

તેઓ વાતો કરી જ રહ્યા હતા ત્યાં એક મોબાઈલ-વેન આવીને તેમના ઘર પાસે રોકાઈ. તેમાંથી સફેદ ગણવેશધારી ચાર ઈસમો નીચે ઉતરતા બોલ્યા, “પેલો રહ્યો એ પાગલ. પકડી લો તેને.”

તેઓ કરસનભાઈ પાસે આવીને બોલ્યા, “ચાલ, અમારી સાથે.”

કરસનભાઈએ કહ્યું, “હું મારા ચંપલ પહેરી લઉં.”

“અરે! પગમાં ચંપલ હોય કે ન હોય તેનો પાગલને શો ફરક પડે ?” ચાલ અમારી સાથે” આમ કહીં તેઓ કરસનભાઈને વેન તરફ ખેંચીને લઇ જવા લાગ્યા.

 મનસુખે ચકિત થઈને પૂછ્યું, “મારા પિતાજીને ક્યાં લઇ જાઓ છો ?”

ત્યાંજ એક કાર આવીને રોકાઈ. તેમાંથી જમીનદાર નીચે ઉતરતા બોલ્યો, “જે કામ તમે નહીં કર્યું એ આ લોકો કરી રહ્યા છે. આ પાગલ ગામ આખા માટે ઉપાધી બની બેઠો છે. લઇ ચાલો રે. આ પાગલને પાગલખાનામાં”

જમીનદારની હાજરીથી એ ચારેયમાં જોમ આવ્યું. તેઓએ જોરથી ધક્કો મારી કરસનભાઈને વેનમાં ધકેલ્યો. પીડાથી કણસતા કરસનભાઈ વેનની અંદર જઈને પડ્યા. બીજી જ મિનિટે ડ્રાઈવરે વેન શરૂ કરી. વેનની બારીમાંથી મનસુખને જોઇને કરસનભાઈ મદદનો પોકાર આપવા લાગ્યા.

“એમને ક્યાં લઇ જઈ રહ્યા છો ? છોડી દો એમને.” કહેતા કહેતા સુશીલાબેન વેનની પાછળ દોડ્યા.

મનસુખ લાચાર અવસ્થાએ ત્યાંજ ઊભો રહ્યો. તેની અંતરાત્મા ચીખી ચીખીને કહી રહી હતી કે “મારા પિતાજી પાગલ નથી. પાગલ નથી.” પણ મોઢા સુધી આવેલા એ શબ્દો હોઠમાંથી બહાર નીકળવાની હિંમત કરતા નહોતા. કારણ સામે જ જમ જેવો જમીનદાર ઉભો હતો. આજે પહેલીવાર મનસુખને પિતાજીની વાત સાચી લાગી કે, “દેશ આઝાદ થયો છે પરંતુ હજુ આપણે માનસિક રીતે ગુલામ જ છીએ. ખબર નહીં ક્યારે દુર થશે આ ગુલામીની જંજીર.”

થોડાક દિવસ બાદ કરસનભાઈનું પાગલખાનામાં અવસાન થયું. મનસુખે જયારે તે જાણ્યું ત્યારે તે પીડાથી ચિત્કારી ઊઠયો. તે જાણતો હતો કે તેના પિતાજીનું મૃત્યુ સ્વાભાવિક નહોતું પરંતુ તે ઠંડે કલેજે કરેલી હત્યા હતી. માણસ શાંત રહે પણ ક્યાં સુધી ? કાંકરી પડવાથી તો શાંત પાણીમાં પણ વમળો સર્જાય છે. જયારે અહીં તો મનસુખની જિંદગી તહસનહસ થઇ ગઈ હતી. પિતાનું અધૂરું સ્વપ્ન હવે પોતે પૂર્ણ કરશે એવો મનોમન નિશ્ચય કરીને મનસુખે તેના પિતાજીના ચંપલ પહેર્યા.

“દીકરા, ક્યાં ચાલ્યો?”

“ગામને જમીનદારની ચુંગલમાંથી આઝાદી અપાવવા.”

“હે ભગવાન, તારા પિતાજી આ જીદમાં જ પોતાનો જીવ ખોઈ બેઠા અને હવે તું ? ના દીકરા ના. તારા પિતાજી જેવી ભૂલ તું ન કરીશ.”

“મા, મારા પિતાજી નહીં પરંતુ આપણે ભૂલ કરી રહ્યા હતા. જો આપણે હિંમતપૂર્વક પિતાજીની પડખે ઊભા રહ્યા હોત તો આજે આ દિવસ જોવો ન પડત.”

પિતાની મૃત્યુએ શાંત એવા મનસુખના હ્રદયમાં વમળો નિર્માણ કર્યા હતા. પરિસ્થિતિએ મનસુખને બદલવા પર મજબુર કરી દીધો હતો. શાંત એવા મનસુખનું મન હવે અશાંત હતું. બદલાની ભાવનાથી તેની અંતરાત્મા તડપી રહી હતી. મનસુખનું રોદ્ર રૂપ નિહાળી સુશીલાબેનની આંખો વિસ્ફારિત થઇ. મનસુખમાં આવેલા આ અણધાર્યા બદલાવથી તેમના ચહેરા પર ચિંતાના ભાવ ઉપસી આવ્યા. તેઓ મનોમન વિચારી રહ્યા કે, “ખબર નહીં હવે આગળ શું થવાનું છે.”

ઘરની બહાર પગ મુકતા પહેલા મનસુખે કહ્યું, “ક્યાં સુધી આપણે હાથ પર હાથ ધરીને બેસી રહીશું ? ક્યાર સુધી આપણે એકબીજાને પૂછતાં રહીશું કે ક્યારે મળશે સફળતા ? મા, સફળતા આમ જ નહીં મળે. પિતાજી સાચું કહેતા કે જ્યાં સુધી બધા એક નહીં થાય ત્યાં સુધી કશું નહીં થાય. મને મારી ભૂલ બદલ હવે ભારોભાર પસ્તાવો થઇ રહ્યો છે. હવે મારા પિતાજીના અધૂરા કાર્યને હું પૂરું કરીશ. હું લોકોને જાગૃત કરી આ ગામને જમીનદારની ચુંગાલમાંથી આઝાદ કરવામાં મેળવીને જ રહીશ સફળતા.”

*****

કરસનભાઈ સાથે ઘડાયેલા પ્રસંગે ગામલોકોમાં ક્રાંતિની જ્વાળા જગાવી દીધી. અધૂરામાંપૂરું મનસુખે ગામલોકોના મનમાં ઠસાવી દીધું કે જે આજે પોતાની સાથે થયું છે તે કાલે તેમની સાથે પણ થઇ શકે છે. પરિણામે લોકો એકજુટ થયા. હવે એકજુટ થયેલા ગામલોકો સામે જમીનદાર અને તેના ગુડાઓની હેસિયત કેટલી? સહુએ મળીને જમીનદારને ગામની બહાર ભગાડવામાં મેળવી લીધી સફળતા. ત્યારબાદ કરસનભાઈને પણ પાગલખાનામાંથી છોડી દેવામાં આવ્યા. પછી એ ગામલોકો હંમેશા એકજુટ રહીને ગામના વિકાસ કર્યો કરતા રહ્યા. સફળતા ક્યારે મળશે? આ પ્રશ્નનો જવાબ ગામલોકોને મળી ગયો હતો. તેઓ જાણી ગયા હતા કે એકજુટ રહેવાથી જ મળી શકે છે દરેક બાબતમાં સફળતા.


Rate this content
Log in

Similar gujarati story from Action