JHANVI KANABAR

Abstract Others

4.5  

JHANVI KANABAR

Abstract Others

ધર્મક્ષેત્ર - કુરુક્ષેત્ર - 21

ધર્મક્ષેત્ર - કુરુક્ષેત્ર - 21

4 mins
424


(અગાઉના અંકમાં આપણે જોયું કે, કુંતલભોજની રાજકુમારી કુંતીના જન્મ વિશે જાણ્યું. વસુદેવ અને કુંતી એક જ માતાના કુખેથી જન્મ્યા હતા. કુંતીની જન્મદાત્રી ભલે મારિષા હતી પણ તેનો ઉછેર કુંતલભોજમાં માતા રિષાના મમતાના પાલવ હેઠળ થયો. હવે આગળ...)

સમય વીતતો ગયો. કુંતી હવે પંદર વર્ષની થઈ ગઈ હતી. આજ ફરી મુનિ દુર્વાસાએ પોતાના પાવન ચરણોથી કુંતીભોજના મહાલયને પવિત્ર કર્યો હતો. મુનિ દુર્વાસાના આગમનના સમાચાર સાંભળી પ્રૌઢતા પામેલા કુંતીભોજે હાથ જોડી મુનિવર્યના ચરણોમાં સાષ્ટાંગ દંડવત કરવા દોટ મૂકી.

`પંદર વર્ષ થઈ ગયા એ વાતને. આજ આપના આશીર્વાદે મારુ રાજ્ય, મારો રાજ્યમહાલય, મારું જીવન ભર્યું ભર્યું છે. એક-બે નહિ પરંતુ પૂરો એક માસ આપે મારું આતિથ્ય સ્વીકારવું જ રહ્યું.’ કુંતીભોજે દુર્વાસા મુનિ સમક્ષ આજીજી કરતાં કહ્યું.

પંદર વર્ષની કુંતીએ પ્રણામ કરતાં કહ્યું, `મહર્ષિ ! મને માતાએ બધી જ વાત કરી છે. મારા પ્રાણને પાછા લાવનાર આપ જ હતાં. ગમે તેટલું વિકટ કાર્ય હો છતાં આપનું આતિથ્ય કરવાનું અહોભાગ્ય મને એકલીને આપવા મારી વિજ્ઞપ્તિ છે.’

`તથાસ્તુ..’ મુનિ દુર્વાસાએ કહ્યું, `પુત્રી ! તારે અન્ય માટે કષ્ટ સહવાનું શિક્ષણ પ્રાપ્ત કરવાનું જ છે.’ જાણે કે કુંતીના ભવિષ્યને જોઈ રહ્યા હોય તેમ દુર્વાસા મુનિએ કહ્યું.

`અશ્વનદીના તટ પર પર્ણકુટિમાં એક માસ હું નિવાસ કરીશ. કુંતી રાજકન્યા નહિ પણ તાપસકન્યાની જેમ જ મારી સેવા કરશે. એકલી...’ દુર્વાસા મુનિએ આદેશયુક્ત સ્વરમાં ઈચ્છા પ્રકટ કરી.

કુંતીભોજ અને રિષા આ સાંભળી ચિંતિત થઈ ગયા. એમની લાડકી વૈભવમાં ઉછરેલી કુંતી શી રીતે આ અગ્નિ જેવા મુનિની સેવા કરી શકશે ?

પરંતુ કુંતીના મુખ પર સંતોષ અને આનંદનું સ્મિત છવાઈ ગયું. માતાપિતાની ચિંતા પામી ગયેલ કુંતીએ કહ્યું, `ચિંતિત ન થાઓ.. આટલા વર્ષો મેં સુખ, સુખ અને સુખ જ અનુભવ્યું છે હવે કઠિન તપશ્ચર્યાનો સમય પાકી ગયો છે. હું મહર્ષિની કઠિન પરીક્ષામાં સફળ બનું એવા આશીર્વાદ આપો.’

માતાપિતાએ પુત્રીનું શ્રદ્ધા અને તપશ્ચર્યાથી ભરેલ મન જોઈ અંતરથી આશીર્વાદ આપ્યા.

અશ્વનદીના તટે કુંતલેશ્વરનો ઉદ્યાન આવેલો હતો. એની પાસે જ પર્ણકુટિમાં એક પૂર્ણ માસ મુનિ દુર્વાસાએ ગાળ્યો. આ એક માસ રાજકુમારી કુંતીએ સમગ્ર વૈભવ, રાજ વેશભૂષા તથા તમામ જાહોજલાલીને ત્યાગી એક દાસી સન્યાસી સ્વરૂપે મુનિ દુર્વાસાની સેવા કરી. અનેક કષ્ટ સહ્યા છતાં કુંતીના મુખ પર સંતોષ અને આનંદનું સ્મિત હંમેશ અંકિત રહેતું. મુનિ દુર્વાસાના દરેક આદેશનું પાલન કર્યું. ભોજન માટે આમ્રકુંજમાં ખુલ્લા પગે રઝળતી. ઈંધન વીણી લાવતા તેના કુમળા પગમાં કંટકો વાગ્યા. ઘડો લઈ નદીએ પાણી ભરવા જતી, સમિધ ખૂટી જતાં જંગલમાં લાકડા વીણવા દોડતી, ગાય દોહતી... આમ ને આમ કઠિનમાં કઠિન કાર્ય હસતે મુખે કરી મુનિ દુર્વાસાના હ્રદયમાં કુંતીએ સ્થાન મેળવી લીધું.

એક વાર મુનિ દુર્વાસાએ કુંતીને બોલાવી અને અત્યંત ધીરા સ્વરે, માત્ર કુંતી જ સાંભળી શકે એમ ગુપ્ત, દુર્લભ એવો મંત્ર બોલી રહ્યા. કુંતી તે મંત્ર સાંભળી રહી. મુનિએ મંત્ર પૂરો કર્યો અને કોઈ સ્વયંસ્ફૂરણાથી પોતાના સ્મૃતિપટલમાં શાશ્વતપણે કોતરાઈ ગયેલો એ મંત્ર અસ્ફૂટ સ્વરે કુંતી બોલી રહી.

એક માસ વીતતા કુંતલભોજ અને મહારાણી રિષા મુનિ દુર્વાસાના દર્શનાર્થે પધાર્યા. તપસ્યા પૂર્ણ થતા મુનિ દુર્વાસાએ રાણી રિષાને કહ્યું, `હે પુત્રી ! હું તેની શ્રદ્ધાયુક્ત સેવાથી ઘણો તૃપ્ત થયો છું. ઘણા સમય પછી તને માતૃત્વનું સુખ પ્રાપ્ત થયું છે, પરંતુ તારી આ પુત્રી કુંતી જ્યારે ઈચ્છશે ત્યારે તે દેવના દેવત્વના અંશથી પુત્રપ્રાપ્તિ કરી શકશે. આ માટે મેં તેને મંત્ર આપ્યો છે.’

કુંતીભોજ અને રિષા એકમેક સામે જોઈ રહ્યા. બંને અહોભાવથી આર્ષદ્રષ્ટા ઋષિને પ્રણમી રહ્યા. કુન્તી ધન્યભાવથી ઋષિને પ્રણમી રહી. 

રાજકુમારી કુંતી રાજભવનમાં પાછી ફરી. એકવાર રાજકુમારી કુંતી કોઈ વિચારોમાં ખોવાયેલી લાગતા તેની સખી વત્સલાએ પૂછ્યું. `શા વિચારમાં પડ્યા છો કુંતી ?’

રાજકુમારી કુંતીએ દાસદાસીઓને એકાંતનો આદેશ આપ્યો. આનંદ અને ઉત્સુકતાના બમણા ભાવ સાથે રાજકુમારી કુંતીએ વત્સલાને કહ્યું, `મુનિ દુર્વાસાએ મારી સેવાથી પ્રસન્ન થઈ મને એક મંત્ર આપ્યો છે. એ મંત્રના પ્રયોગથી મને દેવના અંશથી પુત્રપ્રાપ્તિ થશે.'

સખી વત્સલા આ સાંભળી અત્યંત આશ્ચર્ય પામી.

`શું એવુ બને વત્સલા..?’ રાજકુમારી કુંતી ઉત્સુકતાથી સખીને પૂછી રહી હતી.

'મુનિ દુર્વાસાએ મંત્ર આપ્યો હોય તો એવું બને જ.' વત્સલાએ શ્રદ્ધાપૂર્વક કહ્યું.

`મને ક્યારની ઈચ્છા થાય છે એ મંત્રબળનો પ્રયોગ કરી જોવાની.’ કુંતી બોલી ઊઠી.

ક્ષણભર વત્સલા અવાચક બની ગઈ. 'ક્યાંક કશું આડુઅવળું થઈ ગયું તો ? સમયની પહેલા આ પ્રયોગ કરવો કેટલોક યોગ્ય રહેશે ?' આવા અનેક પ્રશ્નો તેના મનમાં ઘૂંટાઈ રહ્યા પણ આ બધા જ ડરની સામે તેની ઉત્સુકતાએ પ્રભુત્વ મેળવ્યું અને તેણે માથુ હલાવી "હા" પાડી.

કુંતીને વત્સલાનો સહકાર મળ્યો. વત્સલા અને કુંતી અશ્વનદીના કિનારે ગયાં.

કુંતી ધીરે ધીરે નદીમાં ઘૂંટણભેર પાણીમાં જઈને ઊભી રહી. ક્ષણભર અટકી, કયા દેવતા બોલાવવા? એ વિચારી રહી. એકાએક એની દૃષ્ટિ પશ્ચિમાકાશમાં ઢળી રહેલા સૂર્યબિંબ પ્રત્યે ગઈ અને તેણે સૂર્યદેવનું સ્મરણ કર્યું. પ્રણવમંત્રથી નદીતટ ગુંજી ઊઠ્યો. સ્તબ્ધ અવાક વત્સલાના હાથ પણ જોડાઈ ગયા.

એકાએક સૂર્યબિંબમાંથી જાણે એક એવું જ બિંબ નીકળીને આગળ આવી રહ્યું હતું. એનો પ્રકાશ અને ગરમી અસહ્ય થતી જતી હતી. કુંતીના હાથ પર, ગાલ પર, કપાળ પર, છાતી પર ઉષ્ણતા ફરી વળી. એણે આંખો ખોલી. તેની ચોમેર પ્રકાશ વેરાઈ ગયેલ હતો. મુનિ દુર્વાસાએ આપેલ મંત્ર સાર્થક થઈ રહ્યો હતો. તે ગભરાઈ ગઈ, `ઓહ ભગવન ! સૂર્યનારાયણ ! કૃપા કરો.. મેં આપને કષ્ટ આપ્યું. ક્ષમા કરો ક્ષમા કરો.’

`પ્રિયે ! તે મારું આહ્વાહન કર્યું છે એટલે હવે પાછો નહિ ફરું. તેં મને સંતતિ અર્પવા સ્મર્યો છે અને હું તને સંતતિ અર્પી જ જઈશ.’ સૂર્યદેવનો આહ્લાદક સ્વર પ્રકૃતિમાં ગુંજી રહ્યો.

`પ્રભુ ! ભગવન્ ! મારું મારું કૌમાર્ય નષ્ટ થશે. હું ક્યાંયની નહિ રહું.’ કુંતીએ વિનંતીયુક્ત સ્વરે કહ્યું.

`તારું કૌમાર્ય પુત્રપ્રાપ્તિ પછીયે અખંડિત રહેશે.’ સૂર્યદેવે પ્રેમાળ સ્વરે આશ્વાસન આપતા કહ્યું.

કુંતીના સમગ્ર શરીરને ઉષ્ણ કરી એ પ્રકાશમય બિંબ અદ્રશ્ય થઈ ગયું. કુંતી અને વત્સલા આ ઘટનાથી અસ્વસ્થ થઈ ગઈ. તેઓ રાજમહેલમાં પાછા ફર્યા. એ રાત્રે ડૂસકા ભરતી કુંતીએ બધી વાત માતા રિષા પાસે કરી.

`ગાંડી !’ રિષાએ એની પીઠ પર હાથ પસવારતા કહ્યું, `મહર્ષિઓના વરદાનની પરીક્ષા કરાય ? ઈશ્વર દયાળું છે કે તને કશું થયું નથી.’

પણ માતા-પુત્રી બંને એ વાતથી અજાણ હતાં કે, કશુંક થયું તો હતું જ. કુંતી સગર્ભા બની ગઈ હતી.


Rate this content
Log in

Similar gujarati story from Abstract