ધર્મક્ષેત્ર - કુરુક્ષેત્ર - 24
ધર્મક્ષેત્ર - કુરુક્ષેત્ર - 24
(આગળના અંકમાં આપણે જોયું કે, રાજકુમાર પાંડુ ભિષ્મપિતામહના કહેવાથી કુંતલભોજની કન્યા કુંતીના સ્વયંવરમાં ઉપસ્થિત થવા આવી જાય છે. રાજકુમારી કુંતી અને સખી વત્સલા દિનચર્યા મુજબ અશ્વનદીના તટે આવે છે. અહીં રાજકુમાર પાંડુ વિરામ અર્થે રોકાયા છે. આમ રાજકુમાર પાંડુ અને રાજકુમારી કુંતીનું અનાયાસે જ મિલન થાય છે. રાજકુમારી કુંતી પોતાની ઓળખ ગુપ્ત રાખે છે, પરંતુ મનોમન તે રાજકુમાર પાંડુ તરફ આકર્ષાય છે. આ આકર્ષણ અજાણતા જ તેના મનમાં પ્રેમનું પ્રથમ આહ્વાહન બની રહે છે. રાજમહેલમાં પરત ફરતા જ તે અન્યના મુખે રાજકુમાર પાંડુના વખાણ સાંભળે છે. અચાનક તેના આંખો સમક્ષ તેનો ભૂતકાળ આવી જતાં તે વિચલિત થઈ જાય છે અને ઈશ્વરને પ્રાર્થના કરે છે, `આ વિકટ પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ આપે.' હવે આગળ...)
કુંતીભોજ નગરીના પૂર્વ પાદરે પવિત્ર ચર્મણ્વતી નદીના વિશાળ ખુલ્લા તટપ્રદેશમાં ભવ્ય વિશાળ મંડપમાં રાજા કુંતીભોજની લાડલી પુત્રી કુંતીનો સ્વયંવર રચાયો હતો. શરણાઈ, તૂરી વાદ્યો વાગી રહ્યા હતા. મંડપની અંદરથી વેદધ્વનિનો મંત્રોચ્ચાર ઘૂંટાતો-ગોરંભાતો યજ્ઞની ધૂમ્ર શિખાઓની સાથે પૃથ્વી તેમજ નભને પવિત્ર કરતો ઉપર જઈ રહ્યો હતો.
કુંતલભોજની કન્યા હાથમાં સુવર્ણપુષ્પોનો હાર લઈને પોતાના જીવનસાથીને શોધવા મંથરગતિએ આગળ વધી રહી. પ્રકૃતિએ દીધેલા એના સૌંદર્ય અને યૌવનથી એના વસ્ત્રો અને આભૂષણોની કિંમત વધી જતી હતી. કુંતીના સભામંડપમાં પ્રવેશતા જ એક સન્નાટો છવાઈ ગયો. આઠસો રાજાઓની દૃષ્ટિ આલોકના મહામૂલા નારીરત્ન પર કેન્દ્રિત થઈ ગઈ.
કુંતીભોજે આર્યવર્તના મહાન રાજાઓને સંબોધતા કહ્યું, `આજે મારા આનંદની અવધિ નથી. મારી પુત્રી કુંતી પોતાના જીવનનું એક મહાન કર્તવ્ય કરવા કટિબદ્ધ થઈ છે. આપ સૌ નિમંત્રિતોમાંથી તે પોતાના મનગમતા જીવનસાથીને વરશે. મારા પિત્રાઈ ભાઈ શૂરસેનના પુત્ર તથા રાજકુમારી કુંતીના ભાઈ વસુદેવ પોતાની બહેન કુંતીને એક પછી એક આપ સૌનો પરિચય કરાવશે અને ત્યારપછી કુંતી પોતાનું ભાવિ નક્કી કરશે.’
રાજકુમારી કુંતી ભાઈ વસુદેવ સાથે સમગ્ર સભામાં એક એક નૃપતિનો પરિચય સાંભળતી આગળ વધતી ગઈ. આમ તેની દૃષ્ટિ જેને શોધી રહી હતી અને તે ઘડીની તે આતુરતાથી રાહ જોઈ રહી હતી તે આવી ગઈ. હસ્તિનાપુર પતિ કુરુશ્રેષ્ઠ મહારાજ પાંડુનો મધુર સ્વર કાને પડ્યો. `મને ઓળખ્યો આર્યકન્યા ?’ વસુદેવ, કે આજુબાજુ બેઠેલા રાજાઓ કશું સમજ્યા નહિ. માત્ર કુંતીએ મંદ સ્મિત કર્યું.
વસુદેવના મુખેથી પાંડુકુમારના પરાક્રમને વર્ણવતા શબ્દો રાજકુમારી કુંતી માટે અમૃતબિંદુ હતા. વરમાળા પકડેલા એના હાથ અધીર થઈ ઊઠ્યા અને તેણે વરમાળા કુરુકુલ શ્રેષ્ઠ મહારાજ પાંડુના ગળામાં આરોપી દીધી. એ જ ક્ષણની પ્રતીક્ષામાં હોય એમ ઢોલ, તૂરી
વાગી ઊઠયા. સભામાં હાજર સ્વજનોએ પુષ્પવૃષ્ટિ કરી. ઉપસ્થિત અન્ય રાજાઓ કેટલાક ઈર્ષાથી તો કેટલાક અપમાનથી વિચલિત થઈ ત્યાંથી પ્રસ્થાન કરી ગયા.
ભાઈ વસુદેવ તથા કુંતલભોજ કુંતીના આ નિર્ણયથી સર્જાયેલ અદભૂત રાજકીય પરિસ્થિતિનો વિચાર કરતાં જ આનંદી ઊઠ્યા હતા. યાદવોને કોઈ અત્યંત સમર્થ રાજ્યનો ટેકો જોઈતો હતો જે આજે મળી ગયો હતો. મહારાજ કુંતીભોજ અને મહારાણી રિષાનું સ્વપ્ન સિદ્ધ થયું. આખી રાત્રી લગ્નોત્સવ ચાલ્યો. બીજે દિવસે શુભ મુહૂર્તે પુષ્કળ સુવર્ણ, અશ્વો, રથો, રત્નો અને સૌથી શ્રેષ્ઠ નારીરત્ન કુંતીને લઈને મહારાજ પાંડુએ હસ્તિનાપુર પ્રયાણ કર્યું.
હસ્તિનાપુર નગરીને પાદરે જનમેદની ઊમટી પડી હતી. પોતાના પ્રિય રાજવીના એક અદભૂત વિજયનો સત્કાર કરવા થનગની રહી હતી.
દેવી સત્યવતી, મહારાણી અંબિકા અને અંબાલિકા તથા રાજકુમાર ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારીએ નવવધૂના સ્વાગતની તૈયારીઓ કરી. મહારાણી કુંતીના સુકોમળ નમણા વદન પર હાથ ફેરવતા ગાંધારીએ કહ્યું. `કેવું નમણું પુષ્પ ચૂંટી લાવ્યા છો !’
રાજકુમારી કુંતી પણ આંખે પાટા બાંધેલ ગાંધારીના તેજસ્વી વદનને જોઈ રહી. આવી ઉદાત્ત ભાવનાશીલ પતિવ્રતા નારીની પ્રતિજ્ઞા વિશે તે જાણતી હતી. આવી નારી પ્રત્યે કોને માન ન હોય ? વિનમ્ર સ્વરે કહ્યું, `આશીર્વાદ આપો કે હું પણ આપની જેમ જ પતિના જ સુખદુઃખમાં સહભાગી બનું.’
ગાંધારી તથા અન્ય કુરુકુળના સભ્યો કુંતીની આ વિનમ્રતા અને શાલીનતા પર વારી ગયા.
કુંતીને એક આકર્ષક રીતે શણગારેલ કક્ષમાં લઈ જવામાં આવી. એની પ્રીતિનો પરાગ પ્રતીક્ષા બનીને શયનખંડના ઊંબર લગી પ્રસરી ગયો હતો. અંતરની ધબકતી ઊર્મિઓ તેણે પ્રિયતમના માર્ગમાં પાથરી દીધી હતી.
પાંડુરાજ કક્ષમાં પ્રવેશ્યા. કુંતીની નજીક જઈ તેના શરમથી નમી ગયેલા તેના વદનને ઊંચુ કર્યું. કુંતીના શ્વાસોચ્છવાસની ક્રિયામાં રહેલી સુગંધ તેમના હૃદયને અધીર કરી રહી હતી. પોતાના બલિષ્ઠ બાહુપાશમાં કુંતીને સમાવી લીધી.
ઘણીવાર પછી રાજકુમાર પાંડુ અને કુંતી વચ્ચે વાર્તાલાપ શરૂ થયો. કુમાર પાંડુએ હસ્તિનાપુર અને કુરુવંશની સમગ્ર રાજગાથા રાજકુમારી કુંતીને કહી. રાજકુમારી કુંતી પણ આ વિશાળ અને ત્યાગમય ભાવનાઓથી ભર્યા કુરુવંશની કથા સાંભળી ધન્યતા અનુભવી રહી હતી. આખરે રાજકુમારી કુંતીએ એક નિર્ણય લીધો અને તેણે કહ્યું, `મહારાજ ! આપે જ્યારે આપના જીવનની સર્વ વાત કહી દીધી ત્યારે મારે પણ હવે આપનાથી કશું ગુપ્ત રાખવું ન જોઈએ.’
એટલું કહી તેણે મુનિ દુર્વાસાની સેવા, એણે આપેલ વરદાન અને એના પ્રયોગથી એને થયેલ પુત્ર અને એ પુત્રને પોતે નદીમાં વહાવી દીધો એની વાત કરી.
એકાએક પાંડુરાજ બેઠા થઈ ગયા. એમનું મુખ એકદમ ગંભીર બની ગયું.
ક્રમશઃ