ધર્મક્ષેત્ર - કુરુક્ષેત્ર - 18
ધર્મક્ષેત્ર - કુરુક્ષેત્ર - 18


(આગળના અંકમાં આપણે જોયું કે, કુમાર ધૃતરાષ્ટ્ર ગાંધારરાજ સુબાલબાહુએ પુત્રી ગાંધારી માટે યોજેલ સ્વયંવરમાં પોતાનું અનુપમ અને અજોડ સામર્થ્યનું પ્રદર્શન કરે છે અને ગાંધારરાજની પુત્રી ગાંધારી સાથે વિવાહ કરી હસ્તિનાપુર પધારે છે. દેવવ્રત ભીષ્મ, રાજમાતા સત્યવતી અને માતા અંબા તથા અંબિકા રાજકુમાર ધૃતરાષ્ટ્રના પરાક્રમથી ગર્વાન્વિત થાય છે અને સમગ્ર હસ્તિનાપુરમાં ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. કુમાર ધૃતરાષ્ટ્રના અદ્ભૂત કૌશલ્યની સાથે સાથે રાજકુમારી ગાંધારીના પતિ માટે પોતે સ્વીકારેલ આજીવન અંધત્વએ પણ કુરુવંશ તથા હસ્તિનાપુરની પ્રજામાં સન્માન પ્રાપ્ત કર્યું હતું. આવા આનંદ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં માત્ર ધૃતરાષ્ટ્ર અસ્વસ્થ અને અસંતુષ્ટ હોય છે.)
માતા અંબા તથા અંબાલિકાએ રાજકુમારી ગાંધારીની તમામ સગવડો સચવાય એ માટે દાસીઓને સૂચનો કર્યા હતા. રાજ્કુમાર ધૃતરાષ્ટ્રનો કક્ષ વિશિષ્ટ ફૂલો, અત્તર તથા વિવિધ સામગ્રીઓથી સજાવવામાં આવ્યો હતો. નવવધૂ ગાંધારી સોળે શણગાર સજી પતિના આગમનની રાહ જોઈ રહી હતી. પતિની શૌર્યગાથા સાંભળી રહેલ ગાંધારી વ્યાકુળ હતી કે, ક્યારે પતિ સાથે એકાંત મળે અને ક્યારે તે પતિની શૂરવીરતાને પ્રેમ અને સન્માનનીય શબ્દોથી બિરદાવે ? પોતાને પામવા અર્થે સો-સો મલ્લને હરાવનાર આ શૂરવીર પણ મને મળવા અધીર હશે. પ્રેમ અને શૃંગારરસથી ભરપૂર આ રાત્રીમાં મારા પ્રિયતમ મારા નયનોમાં અને હું તેના વિશાળ બાહુમાં સમાઈ જઈશું. આવા કંઈક મધુર સ્વપ્ન જોતી તથા મિલન માટે ઝંખતી ગાંધારીની આંખો ક્યારે નિદ્રાધીન થઈ ગઈ ?!! એ સ્વયં ગાંધારીને જ ખબર ન રહી. છેલ્લા કેટલાય સમયથી સુંદર, શૂરવીર પતિ, પ્રેમાળ કુટુંબ તથા સમૃદ્ધ રાજ્યના સ્વપ્ન જોતી આંખો આજે સંતુષ્ટ થઈને જાણે કે પોતાનો થાક ઉતારી રહી હતી.
સૌ કોઈ પોતાના કક્ષમાં આરામ કરી રહ્યા હતા. હસ્તિનાપુરની પ્રજાની આંખોમાં કુમાર ધૃતરાષ્ટ્ર માટે સન્માન જોઈ રાજમાતા સત્યવતી હવે ચિંતામુક્ત થઈ ગયા હતા. દેવવ્રત ભીષ્મને પણ એ વાતથી સંતોષ હતો કે, રાજા ન બનવા છતાં કુમાર ધૃતરાષ્ટ્રએ પ્રજા તથા પાંડુના મનમાં સન્માનનીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ ઉપરાંત પતિ માટે અનન્ય પ્રેમ અને લાગણી ધરાવતી પત્ની અને કુરુવંશની પ્રથમ પુત્રવધુ ગાંધારીથી ધૃતરાષ્ટ્રનું જીવન સુખમય રહેશે, એની સૌ કોઈને સંતુષ્ટી હતી. હવે તો હસ્તિનાપુરમાં કુમાર ધૃતરાષ્ટ્રના પરાક્રમ તથા ગાંધારી સાથેના વિવાહ અર્થે યોજેલ ઉત્સવને ધામધૂમથી ઉજવવો અને એ પછી થોડા જ સમયમાં કુમાર પાંડુનો રાજ્યાભિષેક કરવો. એમ એ એક પછી એક આવતી ખુશી હસ્તિનાપુરને મહેકાવતી રહે... એ જ સ્વપ્ન સૌ કોઈની આંખોમાં હતું.
હસ્તિનાપુરના રાજમહેલનો દરેક ખૂણો ભાવિ સુખ-સમૃદ્ધિના સ્વપ્નોથી મહેકતો હતો ત્યાં કોઈ એક ખૂણો હજુ પણ અસંતોષ, ગ્લાનિ, અસમંજસ તથા ગૂંગળાવતા પ્રશ્નોથી સૂમસામ અને હતાશ ભાસતો હતો. રાજમહેલના આ ખૂણા પર ધૃતરાષ્ટ્રની ઉપસ્થિતિ હતી. પોતાના અંધત્વથી નિરાશ એવા ધૃતરાષ્ટ્રને સમગ્ર આર્યવર્તને પોતાના સામર્થ્યનો પરિચય આપ્યા છતાંય પોતાના ભાગ્ય પર ક્રોધ આવતો હતો. ગાંધારમાં પોતાના બળ પરાક્રમથી પ્રજા તથા સભાસદોને આશ્ચર્યચકિત કરવા છતાં પણ, હસ્તિનાપુર
ની પ્રજામાં પોતાના માટે વિશિષ્ટ સન્માન મેળવ્યા છતાં પણ આ રાજસિંહાસન તેનાથી આટલું દૂર કેમ છે ? એ પ્રશ્ન તેને ગૂંગળાવતો હતો. ગાંધારી જેવી સુંદર, સુશીલ, કુલીન અને પ્રેમાળ જીવનસંગિની પોતાને પ્રાપ્ત થઈ છે એ તરફ તેનું ધ્યાન જ નહોતું. તેનું ધ્યાન હતું તો માત્ર ને માત્ર પોતાને મળવા જોઈતા અધિકાર પર. દેવવ્રત ભીષ્મ અને રાજમાતા સત્યવતીની એ ધારણા ખોટી પડી રહી હતી કે, ધૃતરાષ્ટ્ર ગાંધારરાજે યોજેલ સ્વયંવરમાં ભાગ લઈ પોતાના સામર્થ્યનો પરિચય આપશે અને સમગ્ર આર્યવર્તમાં સન્માન પ્રાપ્ત કરશે તો તે સંતુષ્ટ થશે. હસ્તિનાપુરના સિંહાસન ન મળવાથી તેને કોઈ દુઃખ નહિ પહોંચે. ઉપરથી આ યોજનાની ધૃતરાષ્ટ્રના માનસપટ પર અવળી અસર થવા લાગી હતી.
પોતાના કક્ષ તરફ જતાં રાજકુમાર પાંડુએ ઊંડા વિચારોમાં ડૂબેલા ધૃતરાષ્ટ્રને જોયા. કુમાર પાંડુએ કુમાર ધૃતરાષ્ટ્રની પાસે જઈ કહ્યું, `ભ્રાતા ! આપ અહીં કયા વિચારોમાં ખોવાયા છો ? ભાભી આપની કક્ષમાં રાહ જોતા હશે.’ ધૃતરાષ્ટ્ર પાંડુનો અવાજ સાંભળી એકાએક વિચારોના વમળમાંથી બહાર આવ્યા. પાંડુને જોઈ અચાનક કોઈ વાતનું તેને ભાન થયું અને પોતાના ચહેરા પર બનાવટી હાસ્યનું મુખોટુ પહેરી લીધું, જેથી પોતાના અંતરમાં ચાલી રહેલા દ્વન્દ્વનો પાંડુને અણસાર ન આવી જાય !
`હા, હા પાંડુ ! હું કક્ષમાં જ જઈ રહ્યો હતો.’ કહી ધૃતરાષ્ટ્ર કક્ષ તરફ ચાલ્યા. કુમાર પાંડુને ભ્રાતા ધૃતરાષ્ટ્રના મનમાં ચાલી રહેલા પ્રશ્નોનો આછો આછો અણસાર આવી ગયો હતો. આ વિશે તેણે રાજમાતા સત્યવતી તથા દેવવ્રત ભિષ્મને વાત કરી હતી પરંતુ તેઓ પ્રજાના કલ્યાણ તથા શાસ્ત્રોનુસાર અંધત્વને કારણે ભ્રાતા ધૃતરાષ્ટ્રને રાજસિંહાસન સોંપવા તૈયાર નહોતા.
દેવવ્રત ભિષ્મનું મન એક તરફ ધૃતરાષ્ટ્રના વિજય તથા વિવાહ માટે આનંદ અનુભવતું હતું તો બીજી તરફ તેમના મનમાં રાજકુમાર પાંડુના રાજ્યાભિષેક માટે વિવિધ પ્રશ્નો આવતા હતા. `કુમાર ધૃતરાષ્ટ્રના બળ અને સામર્થ્યને જોયા પછી હસ્તિનાપુરની પ્રજા પોતાના ભાવિ રાજા કુમાર પાંડુના સામર્થ્યને પારખવા નહિ ઈચ્છે ? ધૃતરાષ્ટ્ર માટે હસ્તિનાપુરની પ્રજા જે ગર્વ અનુભવી રહી હતી એ ગર્વ કુમાર પાંડુએ પણ કમાવો પડશે. તો જ હસ્તિનાપુરની પ્રજાને પોતાનું ભવિષ્ય સુરક્ષિત હાથોમાં સોંપાયુ હોવાનો સંતોષ થશે. આ માટે એક જ ઉપાય છે. એ છે “દિગ્વિજય”. રાજકુમાર પાંડુએ પોતાના કૌશલ્યનો સમગ્ર આર્યવર્તને પરિચય આપ્યા પછી જ રાજસિંહાસન સ્વીકારવું જોઈએ. એ માટે કુમાર પાંડુને દિગ્વિજય કરવા મોકલવા જોઈએ. દિગ્વિજય પ્રાપ્ત કરી, કુરુકુળનો વિજયધ્વજ ફરકાવી આવનાર પાંડુકુમારને પ્રજા જ નહિ, પણ કુમાર ધૃતરાષ્ટ્ર પણ રાજ્ય સ્વીકારવા સહર્ષ સૂચવશે. હા હા દિગ્વિજય કરવા જવાનો પ્રસ્તાવ કાલે સભામાં રાજમાતા સત્યવતી તથા અને સભાસદો સમક્ષ મુકવો જોઈશે.’ વિચારોમાં જ ભિષ્મની નિદ્રાધીન થઈ ગયા.
રાજકુમાર ધૃતરાષ્ટ્ર ગાંધારીએ જોયેલ સ્વપ્ન સાકાર કરી શકશે ? રાજસિંહાસન પામવાની ઉત્કટતા તેમના દામ્પત્યજીવન પર વિપરીત અસર કરશે ? શું રાજકુમાર પાંડુને દિગ્વિજય પ્રાપ્ત કરવા મોકલવામાં આવશે ? દિગ્વિજય પ્રાપ્ત કરવા જતાં કુમાર પાંડુના જીવનમાં કયા કયા પડાવ આવશે ? જાણીશું આવતા અંકમાં.