ધર્મક્ષેત્ર - કુરુક્ષેત્ર - 25
ધર્મક્ષેત્ર - કુરુક્ષેત્ર - 25
(આગળના અંકમાં આપણે જોયું કે, સ્વયંવરમાં રાજકુમારી કુંતીના મન પર વિજય પ્રાપ્ત કરી મહારાજ પાંડુ તેમને હસ્તિનાપુર લઈ આવે છે. કુંતીનું હસ્તિનાપુરની કુળવધુ તરીકે ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. કુંતી પોતાના વિનમ્ર અને શાલીન સ્વભાવથી પ્રથમ પગલે જ કુરુકુળન સભ્યોના મન જીતી લે છે. મહારાજ પાંડુ અને કુંતીને એકાંત પ્રાપ્ત થતા એકબીજા પ્રત્યેના પ્રેમ અને લાગણીઓનો એકરાર કરે છે. આ દરમિયાન મહારાજ પાંડુ કુરુકુળના સમગ્ર ઈતિહાસ તથા બલિદાનની વાત કુંતીને કરે છે. આનાથી કુંતીને પણ પોતાના ભૂતકાળ વિશે પોતાના આ મૃદુ અને અત્યંત પ્રેમાળ સ્વામિને કહેવાની હિંમત આવે છે અને તે સમગ્ર વાત પાંડુને કરે છે. હવે આગળ....)
મહારાજ પાંડુને પોતાનું સત્ય કહી કુંતીનું મન તો હળવું થઈ ગયું પરંતુ મહારાજ પાંડુનો ગંભીર ચહેરો જોઈ તે દૂર હટી ગઈ અને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી, `હું આપને યોગ્ય નથી, પતિતા છું..'
એકાએક મહારાજ ખડખડાટ હસી પડ્યા. એમણે હાથ લંબાવી કુંતીને પોતાની બાથમાં લઈ લીધી.
`પ્રિયે ! તે કોઈ પુરુષનો સંસર્ગ જ ક્યાં કર્યો છે ? અને દેવનોય ક્યાં સંયોગ કર્યો છે ? તું મારે મન એટલી જ પવિત્ર છો, જેટલી દેવી સત્યવતી મુનિ પરાશરના સંસર્ગ પછીયે મહારાજ શાંતનુને માટે હતી. મારી માતા અંબિકા અને માસી અંબાલિકા મહર્ષિ વ્યાસ સાથે વંશ ચલાવવા માટેનો સંયોગ જો પવિત્ર છે તો તારા એક અદભૂત મંત્રથી અશરીરી ગર્ભાધાનને અપવિત્ર કેમ કહેવાય ?' મહારાજે કહ્યું.
કુંતીની પાંપણો ઢળી પડી. એની આંખોમાંથી અશ્રુબિંદુ સરી પડ્યા. એ રાત્રી આ નવવિવાહિત દંપતિ વચ્ચેના પ્રેમને પૂર્ણ ચંદ્રની જેમ અજવાળતી રહી હતી અને ચાંદનીની શીતળતા પણ અર્પી રહી હતી.
પ્રાતઃકાળે દેવવ્રત ભિષ્મ ઉત્કટતા અને પ્રસન્નતાથી આ નવદંપતિને નિહાળવા તથા આશીર્વાદ આપવા વિહવળ બની રહ્યા હતા. રાજ્યના કોઈ અનિવાર્ય કાર્યને લીધે દેવવ્રત ભિષ્મ નવવવધુ કુંતી તથા પાંડુના સ્વાગત સમયે હાજર નહોતા અને એમ પણ આજે એમણે હસ્તિનાપુરના સુખદ ભવિષ્યઅર્થે એક પ્રસ્તાવ મહારાજ પાંડુ સમક્ષ મૂકવાનો હતો. આ પ્રસ્તાવ આ નવદંપતિને સ્વીકારવા માટે અસહજ બની રહેશે એ ડર પણ તેમને વ્યગ્ર બનાવી રહ્યો હતો.
વિચારોમાં ખોવાયેલા દેવવ્રત ભિષ્મના ચરણોમાં એક કોમળ સ્પર્શ થતા તે એકાએક વિચારવમળમાંથી બહાર આવ્યા. મહારાજ પાંડુ અને કુંતી તેમના ચરણ સ્પર્શ કરી રહ્યા હતા. નવદંપતિને અત્યંત પ્રેમથી આશીર્વાદ આપતા ભિષ્મના આંખમાંથી અશ્રુબિંદુ વહી ગયા. થોડી જ વારમાં કુરુકુળના સભ્યો સભામાં પોતાનું સ્થાન ગ્રહણ કરી ચૂક્યા. દેવવ્રત ભિષ્મએ જ કુટુંબના સભ્યોને પ્રાતઃકાળે સભામાં હાજર રહેવાનું સૂચન કર્યું હતું, જેથી પોતે જે પ્રસ્તાવ મૂકવાના હતા તેમાં સૌના અભિપ્રાય જાણી શકે.
મહારાજ પાંડુ અને કુંતીએ તેમના માટે બનાવેલ વિશિષ્ટ આસન પર સ્થાન ગ્રહણ કર્યું. ધૃતરાષ્ટ્ર, ગાંધારી, સત્યવતી, વિદુર, અંબિકા, અંબાલિકા એમ સૌ કોઈની હાજરીમાં દેવવ્રત ભિષ્મએ નવદંપતિની સામે જોઈ કહ્યું, `આજે હું જે પ્રસ્તાવ મૂકી રહ્યો છું એ હસ્તિનાપુરના સુખદ ભવિષ્યને નજર સમક્ષ રાખીને મૂકુ છું. બની શકે આ પ્રસ્તાવ કોઈને અસહજ પણ લાગે'. દેવવ્રત ભિષ્મએ કુંતી તરફ દૃષ્ટિ કરતાં બોલ્યા.
સૌ કોઈ વ્યાકુળતાથી ભિષ્મને સાંભળી રહ્યા. ધૃતરાષ્ટ્ર અને પાંડુએ દેવવ્રત ભિષ્મને નિશ્ચિંત થઈ પ્રસ્તાવ મૂકવા માટે આગ્રહ કર્યો.
`મહારાજ પાંડુ માટે મદ્રદેશથી મદ્રરાજની કન્યા માદ્રીનો લગ્નપ્રસ્થાવ આવ્યો છે. રાજકુમારી માદ્રી મહારાજ પાંડુ સાથે વિવાહોત્સુક છે. મદ્રરાજ પણ કન્યાના આ નિર્ણયથી ખુશ છે. તેઓ આ વિવાહ માટે આપણી અનુમતિ માંગે છે. મારુ વિચારવું એટલું જ છે કે, આ વિવાહથી મદ્રરાજ જેવા કુશળરાજ્ય સાથેના સંબંધો હસ્તિનાપુરના ભાવિ માટે લાભદાયક છે. ' ભિષ્મએ વાત પૂરી કરતાં સૌ પ્રથમ નવદંપતિ સમક્ષ તેમનો નિર્ણય જાણવા દૃષ્ટિ કરી. દેવવ્રત ભિષ્મએ જોયું કે, મહારજ પાંડુ વ્યગ્ર થઈ ગયા હતા અને નવવધુ કુંતીના વદન પરનું તો નૂર જ ઊડી ગયું.
ધૃતરાષ્ટ્રને આજે પાંડુ પર ફરી ઈર્ષ્યા થઈ આવી. આ લોકના સમગ્ર સુખ જાણે પાંડુના જીવનમાં છે. આર્યવર્તના શક્તિશાળી રાજ્યો આજે પાંડુના પરાક્રમ અને કુશળતાથી આકર્ષિત થાય છે અને હસ્તિનાપુર સાથે સંબંધ બનાવવા તલપાપડ થાય છે. હસ્તિનાપુરના રાજા તરીકેની ખ્યાતિ સાથે સાથે સમગ્ર આર્યવર્ત તરફથી પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત કરે છે. અને પોતાના જીવનમાં માત્ર ને માત્ર અંધકાર !
આ બાજુ પાંડુ તો આનાથી વિપરિત જ વિચારી રહ્યા હતા. તેમણે હજુ તો આગલી રાત્રે પ્રેમાલાપ કરતા પોતાની અર્ધાંગિનીને વચન આપ્યું છે કે, પોતાના હ્રદયમાં કુંતીનું સ્થાન અન્ય કોઈ લઈ જ નહિ શકે.. અને આજે આ ઉત્કટ સ્થિતિ ? મદ્રરાજ તરફથી આવેલ આ પ્રસ્તાવ કરતાં તો તેમને પિતા સમાન દેવવ્રત ભિષ્મની ઈચ્છાનું ઉલ્લંઘન કરવું અઘરૂ લાગી રહ્યું હતું.
કુંતી પતિના વદન પરના ભાવ જોઈ તેને સમજી શકતી હતી. અત્યારે તેઓ પોતાને આપેલા વચન અને આ પ્રસ્તાવ વચ્ચે કેવું અસમંજસ અનુભવતા હશે ? મને આપેલ વચન વિશે વિચારી કેટલી દ્વિધા અનુભવતા હશે ? તેમના મનમાં કેવું યુદ્ધ ચાલતુ હશે ? એ બધુ જ સમજી શકતી હતી. તેના આંખમાંથી અશ્રુ વહી ગયા. આ અશ્રુ કુરુકુળની બધી જ સ્ત્રીઓ જોઈ પણ શકતી હતી અને એક સ્ત્રી તરીકેની તેની વેદના સમજી પણ શકતી હતી, પરંતુ આમાં તેઓ કંઈ જ બોલી શકે એમ નહોતી. જે નિર્ણય લેવાનો હતો તે મહારાજ પાંડુએ લેવાનો હતો.
મહારાજ પાંડુએ મનોમન કંઈ નક્કી કર્યું. તેમના મુખ પરના ભાવ જોતાં કુંતી સમજી ગઈ હતી કે, મહારાજ પાંડુ એક પતિ તરીકે નિર્ણય લઈ લેશે અને હસ્તિનાપુરના રાજા તરીકેની પોતાનું કર્તવ્ય ચૂકશે. આ પ્રસ્તાવને નકારી દેશે. મહારાજ પાંડુ જેવા પોતાના સ્થાનથી ઊભા થઈ હાથ જોડી બોલવા ગયા ત્યાં તો... કુંતીએ પાંડુ સમક્ષ જોઈ કહી દીધું, `પ્રસ્તાવનો સ્વીકાર કરી લો મહારાજ !'
મહારાજ પાંડુ અચાનક કુંતીના આ શબ્દો અને વર્તનથી સ્તબ્ધ થઈ ગયા. કુરુકુળના અન્ય સભ્યોને આ નવવધુના હસ્તિનાપુર પ્રત્યેના પોતાના કર્તવ્યનિર્વાહને જોઈ અહોભાવ થઈ આવ્યો. દેવવ્રત ભિષ્મ પાંડુનો ભાવ અને તેમની અનિચ્છા સમજી શકતા હતા પરંતુ તેમણે પાંડુ સમક્ષ જઈ તેમના ખભે હાથ મૂકતા કહ્યું, `હું સમજી શકુ છુ, પુત્ર ! પરંતુ તુ માત્ર પુત્ર, પતિ કે પિતા નહિ બની શકે. તારે હસ્તિનાપુરના રાજા તરીકેનું કર્તવ્ય પણ નિભાવવાનું છે.'
પોતાની અર્ધાંગિનીને આપેલા વચન સામે આજે એક રાજા તરીકેનું કર્તવ્ય જીતી ગયું અને મહારાજ પાંડુએ આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો.