ધર્મક્ષેત્ર - કુરુક્ષેત્ર - 20
ધર્મક્ષેત્ર - કુરુક્ષેત્ર - 20
(આગળના અંકમાં આપણે જોયું કે, દેવવ્રત ભીષ્મ કુમાર પાંડુનો રાજ્યાભિષેક કરતાં પૂર્વે તેમને દિગ્વિજય પ્રાપ્ત કરવાનું સૂચવે છે, જેથી કુમાર ધૃતરાષ્ટ્રના શૌર્ય અને સામર્થ્યથી પ્રભાવિત હસ્તિનાપુરની પ્રજા કુમાર પાંડુના સામર્થ્યથી પણ પરિચિત થાય અને પોતાના ભાવિ રાજાના અનુશાસનમાં પોતાને સુરક્ષિત અનુભવે. કુમાર પાંડુ દિગ્વિજય પ્રાપ્ત કરવા પ્રસ્થાન કરે છે. આર્યવર્તમાં પ્રજાને નુક્સાન પહોંચાડ્યા વગર દરેક આર્યરાજાને પોતાની શક્તિ અને સામર્થ્યથી પરાજય કરે છે. અઢળક ધન-સંપત્તિ તથા રાજ્ય જીતી તે હસ્તિનાપુર પરત ફરે છે. ધૃતરાષ્ટ્ર મનોમન અસુરક્ષિતતા અનુભવે છે. સમગ્ર હસ્તિનાપુરમાં કુમાર પાંડુનો જયજયકાર થાય છે. દેવવ્રત ભિષ્મ અતિ આનંદ સાથે કુમાર પાંડુ સમક્ષ કુંતલ રાજ્યની રાજકુમારી કુંતી સાથેનો વિવાહ પ્રસ્તાવ મૂકે છે. )
વૃષ્ણિરાજનો રાજા શૂરસેન તથા કુંતલદેશના રાજા ભોજ બંને પિત્રાઈ ભાઈઓ હતાં. શૂરસેન અને કુંતીભોજ બંને નાગરાજ આર્યકની કન્યાઓ મારિષા અને રિષાને પરણ્યા હતાં. રાજા શૂરસેન અને તેની પત્ની મારિષાને બાર-બાર સંતાનોનું સુખ પ્રાપ્ત થયું, જ્યારે કુંતીભોજ અને તેની પત્ની રિષા હજુ નિઃસંતાન હતાં. રિષાને પોતાનું વંધ્યત્વ હવે ખૂંચવા લાગ્યું હતું. માત્ર એક સંતાનની ઝંખના તેના હ્રદયમાં બળવત્તર થઈ રહી હતી પછી એ પુત્રી હોય કે પુત્ર... આજે બહેન મારિષાએ ફરી માતૃત્વ ધારણ કર્યું હતું અને તેણે પુત્રીને જન્મ આપ્યો હતો. બહેન રિષા અને કુંતલભોજ વૃષ્ણિરાજ પહોંચે છે. કુંતલભોજ શૂરસેનના કક્ષમાં બેઠા છે. કુંતલભોજને કંઈક દુવિધામાં ખોવાયેલા જોઈ, શૂરસેન દુવિધાનું કારણ પૂછે છે.
કુંતલભોજ શૂરસેનને ખચકાતા ખચકાતા કહે છે, `શૂર ! રિષા અને હું હજુ સંતાનસુખ પામ્યા નથી. રિષા અંદરને અંદર દુઃખમાં કરમાઈ રહી છે. તને વાંધો ન હોય તો તારા સંતાનોમાંથી કોઈ એકને અમે દત્તક લેવા ઈચ્છુક છીએ.’
`અરે ! મારા બધા સંતાનો તારા જ છે ભોજ ! નિઃસંકોચ થઈને તું કોઈને પણ દત્તક લઈ શકે છે.’ શૂરસેને ભાવુકતાથી કહ્યું.
બંને ભાઈઓ વચ્ચે વાર્તાલાપ ચાલી રહ્યો હતો ત્યાં જ મુનિ દુર્વાસાના રાજમહેલમાં પધારવાના સમાચાર આવ્યા. રાજા શૂરસેન અને કુંતલભોજ મુનિ દુર્વાસાનું સ્વાગત કરવા સજાગ થયા. ક્રોધમૂર્તિ મુનિ દુર્વાસાના સ્વાગતમાં કોઈ ત્રુટિ ન રહી જાય તેનું સમગ્ર દાસદાસીઓને સૂચન કરવામાં આવ્યું.
મારિષાને પ્રસુતિના સાત દિવસ થયા હોવાથી સ્નાનાર્થે ગઈ હતી અને તેની સાત વર્ષની નવજાત બાળકી પૃથાનું માસી રિષા ધ્યાન રાખતી બેઠી હતી. રિષાની આંખો શાંતિથી નિદ્રા લઈ રહેલી પૃથાના સુંદર કુમળા વદન પર સ્થિર થઈ ગઈ હતી. `ફૂલ જેવુ મૃદુ સુંદર પ્રિય આવું નાનકડું, રૂપકડું શરીર. હાથ અડતા જ ડાઘ લાગી જાય એવી ત્વચા, કોમળ ગુલાવી હોઠ.... કેટલી ચિત્તાકર્ષક બાળકી !’ રિષા આ બાળકીના સંમોહનમાં ખોવાઈ ગઈ હતી.
મારિષાના અન્ય બાળકો ક્રીડાંગણમાં રમી રહ્યા હતા. સૌથી મોટો પુત્ર કુમાર વુસુદેવ અન્ય ભાઈઓ સાથે તીર-ધનુષથી રમી રહ્યો હતો. રમત રમતમાં જ વસુદેવથી છૂટેલું તીર છતમાં પેસી ગયું અને ભારે ભરખમ હં
ડિકા ભયાનક વેગે નીચે ધસી.
`માસી !’ વસુદેવે બૂમ પાડી.
રિષાએ ઉપર જોયું, ભયાનક વેગે હંડિકા નીચે સીધી જ પૃથા પર પડવાની હતી ત્યાં જ તેણે પોતાનું શરીર પૃથા પર નાખ્યું. લોહીની ધાર વછૂટી. રિષાનું શરીર લોહીથી તરબતર થઈ ગયું. નાનકડી પૃથા નિશ્ચેતન થઈ ગઈ હતી. તરત જ રાજા શૂરસેન અને રાજા ભોજને ખબર પહોંચાડવામાં આવી. એક તરફ ક્રોધમૂર્તિ દુર્વાસા અને બીજી તરફ નાનકડી પૃથા તથા રિષાની આ અવદશા ! કોને સંભાળવા ? રાણી મારિષા પણ સ્નાન કરી પાછી આવી પહોંચી હતી. નાનકડી પૃથા અને બહેન રિષાની આ સ્થિતિ જોઈ તે પણ હતપ્રભ થઈ ગઈ. રાજા શૂરસેને કુંતલભોજને મુનિ દુર્વાસાનું સ્વાગત કરવાનું સોંપ્યું અને પોતે મારિષાના કક્ષ તરફ દોડ્યા. રાજવૈદ્ય બંનેની શુશ્રુષામાં લાગી ગયા.
થોડી જ વારમાં રિષાને ભાન આવ્યું. ભાનમાં આવતા જ તેણે પૃથાના ખબર પૂછ્યા. મારિષા નીચુ જોઈ ગઈ. નાનકડી સાત દિવસની બાળકી પૃથા હજુય નિશ્ચેતન હતી. વૈદ્યના અનેક ઉપચારો છતાંય પૃથા ભાનમાં આવી નહોતી. રાજા શૂરસેન અત્યંત દુઃખી હતા. કુમાર વસુદેવ પણ પોતાના કારણે બહેન પૃથાની દશા જોઈ રડી રહ્યો હતો. રિષાને ખબર પડી કે મહેલમાં મુનિ દુર્વાસા આવ્યા છે. તેણે કંઈ જ વિચાર્યા વગર પૃથાને પોતાની છાતી સરસી ચાંપી અને સભાગૃહ તરફ દોટ મૂકી.
`મહર્ષિ ! કુંતલભોજની રાણી રિષાના પ્રણામ સ્વીકારો... હું આ નિશ્ચેતન બાળકી પૃથાની માસી. કહે છે કે, કલ્યાણકારી મહાપુરુષોના પગલે મૃત્યુ પણ આવતું અટકી જાય છે. મારી આ પુત્રી પૃથાને જીવન આપો મુનિવર્ય !’
દુર્વાસાએ ધીરેથી, મૃદુતાથી પૃથાને ઉપાડી, એની છાતી પર હાથ રાખ્યો. એના કપાળની ગરમી જોઈ અને પછી ક્ષણભર એના મોંને જોઈ રહ્યા પછી રિષા સામે જોઈ કહ્યું, `પુત્રીને તું જીવંત ઈચ્છે છે ને ? “તથાસ્તુ” એના પ્રાણ પાછા આવશે પણ હું કહું એ તારે આપવું પડશે.’
`હું મારું જીવન, મારુ સર્વસ્વ મારા આ નિરર્થક પાર્થિવ દેહનું ટીપેટીપું અર્પણ કરવા સજ્જ છું.’ રિષાએ આજીજી કરતાં કહ્યું.
`હવેથી આ પુત્રીનું નામ પૃથા નહિ કુંતી રાખજે. તારા દેહમાંથી જે દુગ્ધના ટીપા ઝરી રહ્યા છે એ ટીપા આ તૃષાતુર બાળકીને આપ.’ મુનિ દુર્વાસાએ બાળકીને રિષાને આપતાં કહ્યું.
ચમકીને રિષાએ જોયું તો તેની કંચુકી ભીની થઈ ગઈ હતી. જરા પણ વિલંબ કર્યા વગર તેણે બાળકીને હાથમાં લીધી અને ઊંધી ફરી છાતી સરસી ચાંપી. બાળકીના મોંમાં ગયેલા દૂધથી ઠસકું આવ્યું. રૂંધાયેલો શ્વાસ છૂટો થયો. `ઉવાં...’ આખો રાજ્યમહાલય મંગલ ધ્વનિથી ગુંજી ઊઠ્યો.
રાજા શૂરસેન કુંતલભોજને ભેટી પડ્યા અને કહ્યું, `દત્તક લેવાનો કોઈ પ્રશ્ન જ નથી ભોજ ! આ તારી જ પુત્રી છે.’
મુનિ દુર્વાસાએ પણ કુંતલભોજ અને રિષાને આશીર્વાદ આપતાં કહ્યું, `આ પુત્રીના પ્રતાપે તારે એક નહિ અનેક પુત્ર થશે.’
આમ, પૃથા એ કુંતીના નામથી ઓળખાવા લાગી. કુંતલભોજ અને રિષાનું પ્રથમ સંતાન કુંતી બની. એ પછી રાણી રિષાએ અગિયાર પુત્રોને જન્મ આપ્યા.
(આમ, કુંતી અને વસુદેવ ભાઈ બહેન થાય. આ રીતે કુંતી વસુદેવના ઘરે જન્મ લેનાર શ્રી કૃષ્ણના ફોઈ થાય.)