JHANVI KANABAR

Action Others

3  

JHANVI KANABAR

Action Others

ધર્મક્ષેત્ર - કુરુક્ષેત્ર - 26

ધર્મક્ષેત્ર - કુરુક્ષેત્ર - 26

5 mins
221


(આગળના અંકમાં આપણે જોયું કે, મહારાજ પાંડુ તથા કુંતીનો વિવાહ સંપન્ન થયા પછી એકલતામાં મહારાણી કુંતી તેના સ્વામિથી પોતાના અતીતને છૂપાવવા બાબતે દ્વિધા અને દુઃખ અનુભવતી હોય છે. આખરે તેણે હિંમત કરી પોતાના ભૂતકાળને મહારાજ પાંડુ સમક્ષ રાખી દીધો. મહારાજ પાંડુએ તેને સધિયારો આપ્યો અને સાંત્વના આપી. પતિની ઉદારતા પ્રત્યે મહારાજ કુંતીને માન ઉપજ્યું. આમ,નવવિવાહિત દંપતીએ ગૃહાસ્થશ્રમમાં આનંદથી પગરવ માંડ્યા. પ્રભાતના પ્રથમ પહોરે રાજ્યસભામાં સૌ ઉપસ્થિત થયા ત્યાં દેવવ્રતે મદ્રરાજની રાજકુમારી માદ્રીનો મહારાજ પાંડુ સાથેનો વિવાહ સંદેશ આવ્યો હોવાનું જણાવ્યું. સૌ કોઈ અસમંજસમાં પડ્યા. મદ્રરાજ જેટલા બલિષ્ઠ રાજ્યનો આધાર જો કુરુરાજ્યને મળે તો તે હસ્તિનાપુર માટે લાભદાયી હતું. મહારાણી કુંતીએ હસ્તિનાપુરના હિત સમક્ષ જોતા મહારાજ પાંડુને રાજકુમારી માદ્રી સાથે વિવાહ કરવા સમજાવ્યા. હવે આગળ..)

મહારાજ પાંડુએ હસ્તિનાપુરની પ્રજાના હિત માટે રાજુમારી માદ્રી સાથે વિવાહ કર્યા. આ રીતે કુંતી અને માદ્રી એમ બંને પત્ની સાથે તેઓ લગ્ન કરી સ્થિર થયા. વિદુર તેમનો મહામંત્રી બન્યા. વિદુરની શાંત તેમજ પ્રજાપ્રિય રાજ્યનીતિના કારણે રાજ્ય સુસ્થિર થવા લાગ્યું. 

સમય વીતતો ગયો. રાજ્યસભામાં સંદેશ આવ્યો કે, `મહારાજ દેવકની પુત્રી દેવકીનો સ્વયંવર યોજવામાં આવી રહ્યો છે. જેમાં સૌ કુરુવંશના રાજવીઓ આમંત્રિત છે.’ મહારાણી કુંતી આ સંદેશ સાંભળી થોડીવાર વિચારોમાં ખોવાઈ ગયા. તેમને અચાનક કંઈક સૂઝ્યું અને તેમણે કુટુંબીજનો સમક્ષ પ્રસ્તાવ મૂક્યો કે, `મહારાજ ! યદુવંશી હોવાથી રાજા દેવક મારા કાકા થાય. તેમને એક દાસીપુત્રી છે સુલભા. જે વિવાહયોગ્ય છે. તેમની પુત્રી દેવકીના સ્વયંવરમાં હું જઉ અને દિયર વિદુરજી માટે એ દાસીકન્યા સુલભા સમક્ષ વિવાહ પ્રસ્તાવ મુકુ તો કેવું ? જેમ અહીં દિયર વિદુરજી દાસીપુત્ર છે તેમને કોઈ રાજકન્યા પરણે નહિ એ જ રીતે સુલભા પણ દાસીપુત્રી છે તેને પણ રાજવીપરિવારમાં ઉછર્યા હોવા છતાં કોઈ રાજપુરુષ પરણે નહિ. તો આ વિવાહ પ્રસ્તાવ કેવો રહેશે ?’

સૌ કોઈ મહારાણી કુંતીની આ વ્યવહારુતા પર વારી ગયા. દેવી સત્યવતી તથા દેવવ્રતની પરવાનગી લઈ મહારાણી કુંતીએ દેવકીના સ્વયંવરમાં હાજરી આપવા પ્રસ્થાન કર્યું.

 મહારાજ દેવકની સભામાં હસ્તિનાપુરની મહારાણી કુંતીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મહારાણી કુંતી પણ ભવ્ય સ્વયંવરની તૈયારીઓ જોઈ. મથુરાપતિ કંસ પોતાના સગા કાકા મહારાજ દેવકની પુત્રી અને લાડકી બહેન દેવકીના સ્વયંવરની તૈયારીમાં ઓતપ્રોત હતા. મથુરાપતિ કંસના હ્રદયમાં બહેન દેવકી માટે ખૂબ જ પ્રેમભાવ હતો.

સ્વયંવરની જાહોજલાલી જોઈ કુંતી પોતાના સ્વયંવરની મીઠી યાદોમાં ખોવાઈ ગઈ. મહારાજ પાંડુ સાથેના મિલનની એ પળોને વાગોળતા કુંતીના મુખ પર શરમ અને ખુશાલીની રેખાઓ અંકાઈ ગઈ. મહારાજ દેવકને એકાંતમાં કશુંક વિચારતા જોઈ મહારાણી કુંતીએ સમયનો લાભ ઉઠાવ્યો.

`કાકા ! હું તમારી વ્યથા સમજુ છું. દેવકી પછી તમારી દાસીપુત્રી સુલભાના વેવિશાળની ચિંતામાં પડ્યા છો ને ?’

`હા દીકરી ! સરળ, સૌમ્ય અને વિચક્ષણ બુદ્ધિશાળી મારી એ દીકરી સાથે કોઈ રાજપુરુષ તો વેવિશાળ નહિ જ કરે...’ ચિંતાતુર થતા મહારાજ દેવકે નિઃશ્વાસ નાખતા કહ્યું.

`હું તમારી એ ચિંતાનું સમાધાન લાવી છું કાકા ! મારા દિયર દાસીપુત્ર વિદુર હસ્તિનાપુરના મંત્રીપદને શોભાવે છે. જો તેની સાથે સુલભાનું વેવિશાળ થાય તો ?’ કુંતીએ ત્વરાથી કહ્યું.

`વાહ ! દીકરી ખૂબ સરસ, તે મારી ચિંતાને પળવારમાં ટાળી દીધી. હવે તો દેવકીના સ્વયંવર પછી હસ્તિનાપુર હું વિવાહ પ્રસ્તાવ જરૂરથી મોકલીશ.’ આનંદિત સ્વરમાં મહારાજ દેવકે કહ્યું.

કુંતીને પણ કાર્ય પાર પડ્યાનો આનંદ થયો. આ બાજુ સ્વયંવરની વેળા આવી પહોંચી. સ્વયંવરમાં ભાગ લેવા આવેલા મોટાભાઈ વસુદેવને જોઈને કુંતી ખૂબ રાજી થઈ ગઈ. બંને ભાઈબહેને એકમેકની સામે સ્મિત આપ્યું. તેને પણ મનોમન વિચાર આવ્યો કે, `જો રાજકુમારી દેવકી જેવી અર્ધાંગિની ભાઈ વસુદેવને મળી જાય તો કેવું સારુ !’

રાજકુમારી દેવકી સુવર્ણપુષ્પોની માળા લઈને સજ્જ હતી. તેની સુંદરતા અને મુખ પરની આભા સૌ નૃપતિઓને આકર્ષિત કરી રહી હતી. રાજકુમારી દેવકીને મદદ માટે સુલભા તેની સાથે ચાલી રહી હતી. એક પછી એક આર્યવર્તના રાજાને નિહાળતી અને તેમનો પરિચય સાંભળતી રાજકુમારી દેવકી આગળ વધી રહી હતી. આખરે તેના પગ થંભી ગયા, મુખ પર સ્મિત આવી ગયું અને સુવર્ણપુષ્પ હાર મહારાજ વસુદેવના ગળામાં પહેરાવી દીધો. સુલભા તો જાણતી જ હતી કે, છેલ્લા કેટલાય સમયથી મહારાજ વસુદેવ માટે સાંભળેલી વાતોથી રાજકુમારી દેવકી પ્રભાવિત હતી. સમગ્ર સભામાં આનંદ છવાઈ ગયો. અન્ય રાજાઓની આંખોમાં વસુદેવ પ્રત્યે ઈર્ષ્યા ઉપસી આવી. મહારાજ દેવક પુત્રી દેવકીના નિર્ણયથી ખુબ જ ખુશ હતા. હર્ષાન્વિત મહારાજ દેવકે તત્કાળ હસ્તિનાપુર પુત્રી સુલભા માટે વેવિશાળનો પ્રસ્તાવ મોકલ્યો. કુંતી પણ આનંદિત થઈ ઊઠી.

મહારાજ દેવકે પુત્રી દેવકીને વસુદેવ સાથે વિવાહ કરી વળાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી. રથ સજ્જ થયા. નવદંપતી દેવકી અને વસુદેવ રથમાં બિરાજમાન થયા. લાડકવાયી બહેન દેવકી અને વસુદેવના રથનું સારથ્ય સ્વયં મથુરાપતિ કંસે સંભાળ્યું. ભાઈબહેનની આવી લાગણી જોઈ સૌ કોઈ ગદગદ્ થઈ ગયા.

મહારાણી કુંતી દિયર વિદુર માટે સુલભાના વિવાહપ્રસ્તાવનું કાર્ય પૂર્ણ કરી હસ્તિનાપુર તરફ જવા પ્રસ્થાન કરી રહી હતી.

અચાનક વાતાવરણે પલટો લીધો. જોરદાર પવન સૂસવાટા લઈ રહ્યો હતો. આકાશમાં વીજળી ચમકારા લઈ રહી હતી. ચાલતા રથની ગતિ ધીમી પડી રહી હતી. આવામાં એક બુલંદ અવાજ આવ્યો, `હે કંસ ! તારું પતન નિકટ આવી રહ્યું છે. જે બહેનના વિવાહ તે આજે ધામધૂમથી કર્યા એ જ દેવકીનો આઠમો પુત્ર તારો કાળ બનશે. તારી હત્યા કરશે.’ આટલું સંભળાતા જ પવન ફૂંકાતો બંધ થઈ ગયો અને જોરદાર વર્ષા શરૂ થઈ ગઈ.

સૌ કોઈએ આ આકાશવાણી સાંભળી. હતપ્રભ બની ગયેલા ત્યાં હાજર સૌકોઈના મનમાં ગડમથલ શરૂ થઈ ગઈ. મથુરાપતિ કંસ પર સત્તા માટે પિતા ઉગ્રસેનને કેદ કર્યાનું લાંછન તો હતું જ. આજે પોતાના અસ્ત્તિત્વ માટે બહેન દેવકી માટે શું નિર્ણય લેશે ? થોડા સમય પૂર્વે દેવકી માટે કંસની નિર્મળ લાગણીને જોનાર લોકો વિચારી રહ્યા હતા કે, `કંસ હવે શું કરશે ? બહેન દેવકી અને તેના પતિ વસુદેવની હત્યા થશે કે કારાવાસ ?’

મથુરાપતિ કંસ આકાશવાણી સાંભળી આઘાતમય સ્થિતિમાંથી બહાર આવ્યો અને પોતાની અસિમાથી તલવાર ખેંચી દેવકીના ગળા પર રાખી દીધી. મહારાજ વસુદેવે તેને રોકતા કહ્યું, `આજ આ કન્યાના સ્વામી તરીકે મેં હાથ ગ્રહ્યો છે. એથી જો એની હત્યા કરવી હોય તો મનેય હણી નાખો. જો તેને કારાવાસમાં પૂરવી હોય તો મને પણ કારાવાસમાં રાખો.’

મહારાણી કુંતી સમગ્ર પરિસ્થિતિ પામી ગઈ. ભાઈ વસુદેવ અને ભાભી દેવકીને કંસથી કઈ રીતે બચાવવા તે વિચારવા લાગી. મથુરાપતિ કંસની નિષ્ઠુરતા અને રાજ પ્રત્યેની લાલચ તે સારી રીતે જાણતી હતી. વિચક્ષણ એવી કુંતીએ થોડો વિચાર કરી એક નિર્ણય કર્યો અને તેણે મથુરાપતિ કંસને લલકાર્યો, `કુરુરાજની શક્તિ તમે જાણો છો. એકલા ભીષ્મદેવ સમસ્ત યાદવ રાજાઓ અને એના સૈન્યોને નષ્ટ કરી શકે એમ છે.’


Rate this content
Log in

Similar gujarati story from Action