JHANVI KANABAR

Others

4.5  

JHANVI KANABAR

Others

ધર્મક્ષેત્ર - કુરૂક્ષેત્ર - 19

ધર્મક્ષેત્ર - કુરૂક્ષેત્ર - 19

5 mins
389


(આગળના અંકમાં આપણે જોયું કે, કુમાર ધૃતરાષ્ટ્ર અને રાજકુમારી ગાંધારીના વિવાહ નિમિત્તે યોજાયેલ ઉત્સવથી હસ્તિનાપુર ગુંજી ઊઠ્યુ હતું, પરંતુ અંધત્વને લીધે પોતાને મળતા અધિકારોનો છેદ ઊડી રહ્યો હતો એ માટે અસંતોષની લાગણી અનુભવી રહેલ ધૃતરાષ્ટ્રનું મન વિચલિત હતું. રાજકુમાર પાંડુ મોટા ભાઈની આ દશાથી અવગત હતા પરંતુ પરિસ્થિતિ તેમના હાથમાં ન હતી. બીજી તરફ દેવવ્રત ભીષ્મના મનમાં એ વાતનું દ્વન્દ્વ ચાલતુ હતું કે, ધૃતરાષ્ટના સામર્થ્યને બિરદાવતી, સન્માનતી હસ્તિનાપુરની પ્રજા કુમાર પાંડુને હસ્તિનાપુરના સિંહાસન પર મનથી સ્વીકારશે ? આ પ્રશ્નનનો જવાબ તેમને પાંડુના દિગ્વિજયમાં મળી ગયો. પાંડુ જો દિગ્વિજય પ્રાપ્ત કર્યા પછી રાજ સિંહાસન પર બેસે તો હસ્તિનાપુરની પ્રજામાં પોતાના ભાવિ રાજા પ્રત્યે સંતોષ અને માનની લાગણી જન્મ લે. આ વાત તેમણે રાજસભામાં મુકવાનું નક્કી કર્યું. હવે આગળ..)

હસ્તિનાપુરમાં રાજકુમાર ધૃતરાષ્ટ્રના સામર્થ્ય અને વિવાહ માટે પાછલા કેટલાય દિવસથી ચાલી રહેલી ઉત્સવની તૈયારી અને ઉજવણી પછીનું આ પ્રથમ પ્રભાત હતું. કુરુવંશની નવવધુ ગાંધારીનું સ્વાગત કરવા રાજપરિવાર તથા પ્રજા ઉત્કટ હતી. આમ પણ દેવી ગાંધારીએ લોકપ્રીતિના જુવાળમાં મહત્ત્વનું સ્થાન મેળવી લીધું હતું. પતિ અંધ હતા એટલે લગ્ન પહેલા જ એણે આજીવન આંખે પાટા બાંધી દીધા હતા. કુમાર ધૃતરાષ્ટ્રની મુખાકૃતિને રાજકુમારી ગાંધારીએ એક જ વાર મલ્લયુદ્ધમાં મેદાને ઉતરતા જોયા અને હતા અને અંતરમાં સમાવી લીધા હતા પછી પતિના સુખે સુખી અને દુઃખે દુઃખી થવા માટે આ મહાસતીએ અંધાપો વહોરી લીધો હતો. નવવધુ ગાંધારીની આ મહાનતા હસ્તિનાપુરની પ્રજામાં વાયુવેગે ફેલાઈ ગઈ હતી. સૌ કોઈ હર્ષોન્મત હતું.

દેવવ્રત ભીષ્મ આજે પાંડુના રાજ્યાભિષેક માટેના કેટલાક અભિપ્રાય રાજસભામાં મૂકવાના હતા. તેમને પાંડુ પર વિશ્વાસ હતો કે, આ સુઝાવ માટે તે સહર્ષ સંમત થશે. રાજસભા શરૂ થઈ. આજે રાજકુમાર ધૃતરાષ્ટ્ર તથા રાજકુમારી ગાંધારી, કુમાર પાંડુ, કુમાર વિદુર, માતા અંબિકા અંબાલિકા તથા રાજમાતા સત્યવતી સાથે મહામંત્રી અને અન્ય સભાસદો ઉપસ્થિત હતા. નવવધુનું રાજસભામાં સ્વાગત કરવામાં આવ્યું તથા તેને ઉચિત સ્થાન આપવામાં આવ્યું. ગાંધાર રાજ્ય સાથેના નવા સંબંધો માટે પ્રસન્નતા વ્યક્ત કરવામાં આવી. દેવવ્રતની નજર ધૃતરાષ્ટ્ર પર પડી, ધૃતરાષ્ટ્રની વ્યથા તેઓ જોઈ શકતા હતા. સૌ સભાસદોને નમન કરી કુમાર દેવવ્રતે કહ્યું, `યોજનાનુસાર કુમાર ધૃતરાષ્ટ્રના વિવાહ સમ્પન્ન થાય એ પછી કુમાર પાંડુનો રાજ્યાભિષેક કરવાની વેળા આવી પહોંચી છે.’

આ સાંભળી કુમાર ધૃતરાષ્ટ્રની વ્યથા અને વિહ્વળતા વધી ગઈ છતાંય આ તો થવાનું જ હતું એમ વિચારી ભાગ્યને દોષ દઈ ચૂપ જ બેસી રહ્યા. કુમાર પાંડુ પણ મોટાભાઈની આ દશા જોઈ પ્રસન્ન નહોતા.

કુમાર દેવવ્રતે આગળ કહ્યું, `મારી વિજ્ઞપ્તિ છે કે, રાજ્યાભિષેક હમણા રહેવા દો. પાંડુકમાર શક્તિશાળી કુરુસેના સાથે દિગ્વિજય પ્રાપ્ત કરવા પ્રસ્થાન કરે. દિગ્દિગંતમાં કુરુકુળનો વિજયધ્વજ ફરકાવી આપનાર પાંડુકુમારના સામર્થ્યને પણ પ્રજા કુમાર ધૃતરાષ્ટ્રના સામર્થ્યની જેમ સ્વીકારે. આ ઉપરાંત અન્ય રાજ્ય પર હસ્તિનાપુરની સર્વોપરિતા સ્થાપિત થાય પછી જો કુમાર પાંડુનો રાજ્યાભિષેક થાય એ ઉત્તમ રહેશે.’

રાજકુમાર પાંડુ ઊભા થઈને દેવવ્રત ભિષ્મને ભેટી જ પડ્યા. સૌ સભાસદો દેવવ્રત ભીષ્મની દીર્ધ દૃષ્ટિને પ્રશંસાભેર જોઈ રહ્યા. કુમાર વિદુરને પણ આ સુઝાવ યોગ્ય લાગ્યો. પાંડુકુમાર જો પોતાનું શૌર્ય બતાવી આપે તો હસ્તિનાપુરનું રાજ્ય ભવિષ્યના લાંબા સમય માટે નિષ્કટંક બની રહે. ધૃતરાષ્ટ્રને પણ એ વાતનો ગર્વ થયો કે, પાંડુને રાજ્ય સ્વીકારવા માટે મારા જેટલા સામર્થ્યવાન બનવું પડશે. આ ઉપરાંત બીજી એક વાતની તેને શાંતિ થઈ કે, રાજ્યાભિષેક થોડા સમય માટે ટળી ગયો હતો.

રાજમાતા સત્યવતી, પુત્રવધુ ગાંધારી, માતા અંબિકા તથા અંબાલિકાને પણ આ વિજ્ઞપ્તિ યોગ્ય લાગી. અન્ય સભાસદો દેવવ્રત ભિષ્મની રાજનીતિ તથા દૂરદર્શિતાને બિરદાવી રહ્યા હતા.

સહસંમતિથી કુમાર પાંડુના દિગ્વજય પ્રસ્થાનની તૈયારી થવા લાગી. દેવવ્રત ભિષ્મએ તેનું માર્ગદર્શન કરવાનું પ્રારંભ કર્યું. આર્યવર્તના રાજાઓ અને રાજ્યો વિશે સમજાવવાનું તથા યુદ્ધના નિયમોનું માળખું નક્કી કરવામાં આવ્યું. સેનાધ્યક્ષ વિક્રમાંકદેવને કુમાર પાંડુનો રણસેનાપતિ નિયુક્ત કરવામાં આવ્યો હતો. અશ્વારોહીઓ, રથીઓ, ગજચાલકો, ધનુર્ધારીઓ, ચક્રચાલકો, ત્વરિત સંદેશાવાહકો માટેના સૈનિકો, અનેકાનેક શસ્ત્રો, પૂરા એક માસ સુધી ચાલે તેટલું સીધુસામાન, પાણીની પોઠો, તંબુઓ વગેરે સજ્જ થવા લાગ્યા.

આખરે એક શુભ મૂહુર્ત જોઈ રાજકુમાર પાંડુએ વિજયપ્રસ્થાન પ્રારંભ કર્યું.

કુમાર પાંડુએ ચેદિરાજ્ય, કાશીરાજ, મગધરાજ તથા પાંચાલરાજ જેવા શક્તિશાળી રાજાઓ પર શસ્ત્ર, અસ્ત્ર તથા અન્ય યુદ્ધનીતિથી વિજય મેળવવા માંડ્યો હતો. સમગ્ર આર્યવર્ત પર કુમાર પાંડુના વિશાળ સૈન્ય અને સામર્થ્યનો જયઘોષ સંભળાવા લાગ્યો હતો. કુમાર પાંડુએ એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું હતું કે, દિગ્વિજયની હાનિકારક અસર કોઈપણ રાજ્યની નિર્દોષ પ્રજા પર પડે નહિ. કુમાર પાંડુ આ રીતે અનેક રાજાઓને હરાવી અખૂટ ધનભંડાર સાથે હર્ષભેર પોતાની પ્રિય નગરી તરફ પાછા ફર્યા. હસ્તિનાપુર તેમણે વિજયસંદેશ પાઠવ્યો, `સો ગાડા ભરીને સુવર્ણ, સો હસ્તીઓ પર રત્નો, મણિ, મુક્તા, પ્રવાલ, ચાંદી સાથે અગણિત અને વિવિધ જાતિઓના અશ્વો, ગાયો, ભેંસો, હસ્તીઓ, ઊંટો, ગધેડા, બકરા આદિથી એક યોજનમાં વિસ્તરેલા વિજયભંડાર સાથે પોતે આવી રહ્યા છે.’

હસ્તિનાપુરની સભામાં કુમાર પાંડુનો વિજયસંદેશ અતિ ઉત્સાહ પૂર્વક સંભળાવવામાં આવ્યો. મહારાણી સત્યવતી તથા ભિષ્મની છાતી ગર્વથી ફૂલી રહી હતી. માતા અંબિકા અંબાલિકાનો આનંદ પણ ચરમસીમાએ હતો. કુમારી ગાંધારીને પણ નાના ભાઈ સમા દિયરની ઉન્નતિથી હરખ માતો નહોતો. એકમાત્ર ધૃતરાષ્ટ્રના ચહેરા પર સંદેશો સાંભળી ફિક્કાસ આવી ગઈ હતી. પેટમાં જાણે કે ગરમ ગરમ તેલ રેડાતું હોય તેવી અગનજ્વાળા થઈ રહી હતી. પાંડુના દિગ્વિજય તરફ પ્રયાણ કરવાની ઘડીએ કદાચ તેના મનમાં વિચાર પણ આવી ગયો હતો કે, `પાંડુ પાછો જ ન ફરે..’ એ જ વિચાર આજે કંઈ વધુ જોર કરી રહ્યો હતો. રાજસિંહાસન પ્રત્યેની ઘેલછા ધૃતરાષ્ટ્ર પર એટલું બળ કરી રહી હતી કે, તેનું મન નાનાભાઈનું અનિષ્ઠ ઈચ્છવા લાગ્યું હતું.

કુમાર પાંડુની સેના હસ્તિનાપુરની નજીક પહોંચી ગઈ હોવાનો સંદેશ મળતાં જ સત્યવતી, ભિષ્મ, વિદુર, અંબિકા, અંબાલિકા, ગાંધારી સહ આખી નગરી હર્ષોન્મત બની ગયાં. રાજેન્દ્ર પાંડુને સત્કારવા નગરીને સજાવવાના આદેશો થવા લાગ્યા.

કુમાર પાંડુ વિશાળ સૈન્ય અને અઢળક ધન-સંપત્તિ સાથે હસ્તિનાપુરમાં પ્રવેશ્યા. અત્યંત હર્ષોલ્લાસથી હસ્તિનાપુરની પ્રજા પોતાના સામર્થ્યવાન ભાવિ રાજાનું સ્વાગત કરી રહી હતી. કુરુવંશમાં કુમાર ધૃતરાષ્ટ્રની જેમ કુમાર પાંડુએ પણ પોતાના શક્તિ અને સામર્થ્યનો પરિચય આપી પ્રજાનો વિશ્વાસ જીતી લીધો હતો.

કુમાર પાંડુએ સભામાં પ્રવેશતાં જ સૌ પ્રથમ પોતાના માર્ગદર્શક, શિક્ષક અને પિતા સમાન કુમાર દેવવ્રત ભિષ્મની ચરણરજ લીધી. ભિષ્મએ કુમાર પાંડુને ખભેથી પકડી ઊભા કર્યા અને આલિંગન આપ્યું. ભિષ્મ જાણે કે, આ જ સમયની પ્રતીક્ષા કરી રહ્યા હોય તેમ બોલ્યા, `પુત્ર ! દિગ્વિજય પ્રાપ્ત કરી તે મારા હ્રદય પર વિજય પ્રાપ્ત કર્યો છે. હવે એક જ અભિલાષા છે...’

`આદેશ આપો રાજપિતા..’ કુમાર પાંડુએ આનંદથી કહ્યું.

`પુત્ર ! કુંતલદેશના રાજા ભોજની પુત્રી કુંતી અત્યંત સુંદર અને સુશીલ કન્યા છે. તે જો કુરુવંશની પુત્રવધુ બને તો...’ ભિષ્મએ ઈચ્છા વ્યક્ત કરી.

`જેવી આપની આજ્ઞા...!’ કુમાર પાંડુના વદન પર ક્ષોભ અને આનંદની રેખાઓ તરી આવી.

ભિષ્મ અને કુમાર પાંડુના આ વાર્તાલાપથી રાજમાતા સત્યવતી તથા માતા અંબિકા અને અંબાલિકા આશ્ચ્રય અને આનંદની બેવડી લાગણી અનુભવી રહ્યા હતા. કુમારી ગાંધારી પણ આ બેવડા આનંદને અનુભવી રહી હતી. કુમાર ધૃતરાષ્ટ્રના મનમાં આજે નાના ભાઈ માટે આનંદને સ્થાને ઈર્ષા આકાર લઈ રહી હતી.

ક્રમશ :


Rate this content
Log in