HARSH SHAH #WRiTER

Comedy Drama

4.5  

HARSH SHAH #WRiTER

Comedy Drama

મંગુકાકાનો દહાડો

મંગુકાકાનો દહાડો

7 mins
319


(પ્રસ્તુત રચના સંપૂર્ણપણે કાલ્પનિક છે. અહીં દર્શાવેલા પાત્રો તથા સ્થળના નામનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી. તે ફક્ત લેખકની કાલ્પનિક દુનિયા છે. આ રચનાના કોપીરાઈટ્સ લેખકના હસ્તગત છે. જેથી રચનાને અથવા રચનાના કોઈપણ ભાગને લેખકની પરવાનગી વિના રાઈટિંગ, ઑડિયો, વિડીયો કે કોઈપણ સ્વરૂપે કોઈપણ પ્લેટફોર્મ પર પ્રકાશિત કરવું નહીં. આવું કરનાર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.)

આજનો દિવસ મંગુકાકા માટે યાદગાર દિવસ બની ગયો હતો. બિચારા મંગુકાકા, એમણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે એક દિવસ એમની સાથે આવું પણ થશે. આ દિવસે નસીબ પણ મંગુકાકા પર હસતું હતું. તો હવે તમે પોતેજ મંગુકાકાનો આ દિવસ નિહાળી લો !

ઘરનો મુખ્ય દરવાજો ખોલતાં જ મંગુકાકા બોલ્યા, "મંગુ ઓ મંગુ... હું ઝાવ સુ હો..." ત્યાંજ રસોડામાંથી સાડલાના છેડા પર હાથ લૂછતાં લૂછતાં મંગુકાકીએ એન્ટ્રી મારી, "એ હાંભળોને આજે સેને હું જમવાનું વેલું આપી જઈશ હો..."

"કેમ રી, તારે બીજા લગન કરવા ઝાવાનું સે?"

"સેને... મારે બીજા લગન કરવા હોતને તો ક્યારૂનાય કરી દીધા હોત. તમારા કેવાની વાટ ના ઝોત વો !" આટલું કહીને મંગુકાકી હસવા લાગ્યાં એટલે મોઢું બગાડીને મંગુકાકા જવા લાગ્યા.

રસ્તામાં ચાલીને જતાં જતાં મંગુકાકાના મનમાં વિચારો ભમતાં હતાં, "આજ તો આફિસમાં બહુ કામ સે... એક તો હરિયો આઝે આવનો સે નહીં... એના ભાગુનિય ચીઠ્ઠીઓ મારે અલગ પાડવી પડહે... પાસી બધાના ઘેરય આપવા જવી પડહે. બહુ કામસે માડી." વિચારોને વિચારોમાં ચાલતા ચાલતા મંગુકાકાના પગમાં પથ્થર આવ્યો એટલે પથ્થર સાથે ટકરાઈને મંગુકાકા "ધબ..." કરતાં સીધાં નીચે પડ્યાં ! 

બિચારા મંગુકાકાનો તો ટોલો રંગાઈ ગયો, દિવસના સમયે તારા દેખાય ગયા ! પછી એક હાથ જમીન પર દઈને ઊભાં થતા થતા તેમણે કીધું, "ઓ માડી રે.. !"

હવે, મંગુકાકા આગળ ચાલતા થયા, પણ એમણે જોયું કે બધા તેમની તરફ જોઈને હસતા હતાં એટલે મંગુકાકા છગન છત્રીને ત્યાં જઈને ઊભાં રહ્યાં.

"અલ્યા છગનીયા, આ બધાય મારા હામુ ઝોઈને હસે કેમ સે?" 

"મંગુકાકા, આ ફાટલી ધોતી પેરીને બાર નીકળહો તો બધા હસે ઝને..." 

છગન છત્રીની વાત સાંભળીને મંગુકાકાએ ધોતી તરફ જોયું. ધોતી વચ્ચેથી ફાટી ગઈ હતી !

"આ મારી નાલાયક ધોતી ફાટી કાથી ? પેરી તારે તો હજુ હારી હતી !" આટલું કહેતાં જ મંગુકાકાને પથ્થર યાદ આવ્યો, "હારીનાના પેલા પથ્થરના લીધે જ ફાટી હોએ... હવે હું કરું... ! ઘેર જઈશ ધોતી બદલાવીસ... પાસો આવીસ તો તો બહુ મોડું થઈ જાહે... હાલો, આજે આ ફાટલી જ પેરીને હાલ્યો ઝાવ.. !"

ધોતીને આમતેમ વાળીને આગળ વધતાં મંગુકાકા કહે, "ખબરની હવાર હવારમાં કોનું ડાસુ જોયું તું કે દાહડો જ ખરાબ શરૂ થયો.. !"

મંગુકાકા એકલા એકલા બડબડ કરતા જતા હતા, ત્યાં તેમનો પગ પોદળામાં પડ્યો, "અરરર.. ! છી.. માડી, આજનો દહાડો જ ખરાબ સે... અલ્યા.. ! કોણ સે આ હે કોણ સે ? આમ રસ્તાની વસ્સે પોદળો કરાય હે ?" 

મંગુકાકાએ મોંઢું બગાડતાં આમતેમ જોયું, તો એમની નજર આગળ જઈ રહેલા ગાયના ટોળા પર પડી. તેમણે જોયું તો એ ટોળાના રસ્તે જ છેક સુધી પોદળો પડ્યો હતો ! 

"હારીનાની.. ! ઊભી રે તું... આઝ તો તારી ખેર નથી." આટલું કહીને ટોળા આગળ જઈને મંગુકાકા એક ગાયની પીઠ પર બે ત્રણ વાર હાથ મારતાં બોલ્યા, "આ ભાનુ ભરવાડને કે'વુ પડહે કે ગાયો હારુય સંડાસ બનાવી લે.. !"

મંગુકાકા કહેતાં હતાં, ત્યાં જ એમને જોરદાર લાત પડી અને બિચારા મંગુકાકા પવનના વેગને ચીરતા સીધા કુંભારના ઘડાઓ પર પડયા ! પ્લેનની ટીકીટ લીધા વગર જ મફતમાં મંગુકાકા આકાશની સવારી કરી આવ્યા ! મંગુકાકા જેવા પડ્યા કે બધા ઘડા ચકનાચૂર થઈ ગયાં.

"અલ્યા કુંભારીયા, આપડે ત્યાંની ગાયુંમાં આટલી તાકાત કા'થી આવી રે ! ! !"

"અરે મંગુકાકા.. ! જોવોતો ખરી ઈ ગાય નથી બળદ સે બળદ !" 

આ સાંભળતાં જ મંગુકાકાની આંખો પહોળી થઈ ગઈ, "હે ! ! ! ઓ માડી રે ! હારીનાનું એ તો ધ્યાન ઝ ન ગયું ! આજનો દહાડો જ ખરાબ લાગે સે... કોનું ડાસુ જોયું તું હવારે..." 

હવે એક હાથ જમીન પર દઈને મંગુકાકા માંડ માંડ ઊભાં થયા, પછી કપડાં ઠીક કરીને ચાલતા થયા, ત્યાં કુંભારે એમને રોકતાં કહ્યું, "અરે ઓ મંગુકાકા... આમ કા હાલતા થયા રે... આ માટલા ફોડ્યા એના પેહા કોણ આપહે ?" 

"હવે જાને નવરીના, મેં થોડી તોડ્યા સે ! ઝા... ઝા... પેલા બળદીયા પાહે થી પેહા લે."

"આ હહ...હ, વારે વા ! ડાચું બંધ રાખીને ચુપચાપ પેહા કાઢો ની તો.. !" 

આ સાંભળીને ગળા નીચે થૂંક ઉતારીને મંગુકાકાએ ધીમેથી કહ્યું, "હારૂ ભઈલા હો... કાલે હવારે ઘેર આવીને લઈ જજે વો.. !"

"ઠીક સે કાલે આવું સુ." આટલું કહીને કુંભાર એનું કામ કરવા લાગ્યો અને મંગુકાકા ચાલતા ચાલતા મનમાં બોલ્યા, "હવે તો પેલા ઘેર જ જવું પડસે... હારીનાનો, આજનો દહાડો તો બહુ ભારે સે. હવારથી ખરાબ જાય સે. ખબરની કોનું મનહુસ ડાસુ જોયું તું હવાર હવારમાં ! એમાંય ઉપરથી પેહા નું નુકસાન થઈ ગયું !"

થોડીવાર થતાં મંગુકાકા ઘરે પહોંચ્યા. એમના આ નવા અવતારને જોઈને મંગુકાકીએ પૂછ્યું, "આ હવાર હવારમાં કોની હારે માથાકૂટ કરીને આવ્યા સો?"

"હવે માથાકૂટ કરતાંય ભારે પડ્યું સે.. !" આટલું કહીને મંગુકાકાએ બધી વાત કરતાં જણાવ્યું કે સવારથી એમનો દિવસ કેટલો ભારે રહ્યો !

એમની બધી વાત સાંભળીને મંગુકાકી પેટ પકડીને હસવા લાગ્યાં.

"હસી લે મંગુ હસી લે... આઝ મંગુકાકાનો દહાડો સે ને તો કયારેક મંગુકાકીનો દહાડો આવહે હો !" મંગુકાકાએ ટોન્ટ મારતાં કહ્યું એટલે મંગુકાકીએ મોંઢું બગાડતાં કીધું, "ઠીક સે, વધારે બબડવાની ઝરૂર નથી હો... ઝાવ ઝટ તૈયાર થઈને." 

થોડા સમય પછી તૈયાર થઈને મંગુકાકાએ ઘરના દરવાજા આગળ આવતાં કીધું, "મંગુ, ઓ મંગુ હું ઝાવ સુ હો..." આટલું કહીને બારણું ખોલીને મંગુકાકા પગ મૂકવા ગયા, ત્યાં લપસીને સીધા નીચે ખાબક્યા !

"આ હહહ.. ! માડી. બહુ દુઃખે સે... આજ હવારે કોનું ડાસુ જોયુતું ! એના લીધે ઝ મારો દહાડો ખરાબ ઝાય સે.. !" આટલું કહીને મંગુકાકા ચાલતાં થયા, ત્યાં એમને વિચાર આવ્યો, "સવારે ઉઠીને હું બહાર આવ્યો તો... ત્યારે મનું છાપાવાળો છાપું આપીને ગયો હતો. હમમ..... હારીનાનાં આ મનીયાના લીધેજ... પેલા એના ઘરે જઈને એને ધમધમાવી નાખું."

મંગુકાકા મનુના ઘરની બહાર જઈને ઊભાં રહ્યા, ત્યાં મનુ સફેદ કપડામાં બહારથી આવીને ઉભો રહ્યો, પછી તેણે એની પત્નીને બૂમ લગાવી.

"અલ્યા મગનીયા, તને હવારમાં જોયો ત્યારનો મારો દહાડો ખરાબ ઝાય સે."

"હવે હું હાલી નીકળ્યા સો મંગુકાકા, હાસી વાત તો એ સે કે તમને જોઈને મારો દહાડો ખરાબ થયો સે... તમને હવારે છાપું આપ્યું, પછી આગળ વધ્યો ત્યાં મને ફોન આવ્યો કે અમારે ત્યાં એક છાપાવાળા ભાઈ સ્વર્ગ પોસી ગયા સે... હવે કો કે તમારો દહાડો ખરાબ સે કે મારો?"

મનુ કહેતો હતો, ત્યાં તેની પત્ની ઘરની બહાર આવીને દાદરા ઉતરવા ગઈ, ત્યાં જ પગ લપસ્તા એ સીધી મંગુકાકા પર પડી. બંને જણા ફિલ્મ ચાલતી હોય એમ હીરો-હિરોઈનની જેમ પડ્યા હતાં.

"ભલે અત્યારેય પડ્યો પણ હવારથી અત્યાર સુધીમાં પેલી વાર પડવામાં મજા આવી ગઈ હો.. !" હરખાતા હરખાતા મંગુકાકા મનમાં બોલ્યા. 

મંગુકાકા ખુશ થતાં મનમાં પ્રેમના ગીત ગાવા લાગ્યા હતા, ત્યાં મનુએ તેની પત્નીને ઊભી કરી, એટલે મંગુકાકા પણ ઊભાં થતાં થતાં બોલ્યા, "ભાભીઝી, વાગ્યું સે ની ને !"

"મંગુકાકા, એને વાગ્યું હસે તો હું ઝોઈ લઈશ હો..." મનુએ ડોળા મોટા કરતાં કીધું એટલે મંગુકાકા કહે, "હા, ઠીક સે... હારુ તને માફ કરું સુ... બાકી હમણાં ધમધમાવી નાંખતે તને." આટલું કહીને મંગુકાકા એમના કામે ચાલ્યા ગયા.

ઓફિસ જઈને મંગુકાકા કામ કરતા હતા, ત્યાં ઓફીસમાં જ કામ કરતી ફાલ્ગુની ફિલ્મની હીરોઈન હોય એમ મોર્ડન કપડાંમાં આવીને બોલી, "સર, જોવોને આજે હું કેવી લાગુ છું?" મંગુકાકા તો એને જોતાજ રહી ગયા. 

"તું તો એકદમ સની લિયો-" મંગુકાકા આટલું બોલ્યા ત્યાં જ વાતાવરણ એકદમ શાંત થઈ ગયું ! મંગુકાકા એકદમ ચૂપ થઈ ગયા, કારણ કે પાછળથી મંગુકાકી ટિફિન લઈને આવતાં હતાં, પરંતુ મંગુકાકાનો દિવસ એટલો ખરાબ હતો કે મંગુકાકી એમની વાત સાંભળી ગયા. 

હવે શું ! મંગુકાકીની તલવારની ધાર જેવી આંખ મંગુકાકાને ટગરતગર ખૂંચતી હતી, એટલે મંગુકાકા ઉતાવળમાં બોલી ગયા, "છોકરી, તું સેને સની દેવલ જેવી લાગે સો."

આ સાંભળીને ફાલ્ગુની મોંઢું ફુલાવીને ત્યાંથી ચાલી ગઈ, એટલે મંગુકાકા મંગુકાકી તરફ જોઈને નાનકડી સ્મિત કરતા થોડુંક હસ્યાં પણ મંગુકાકીની લાલઘૂમ આંખ જોઈને તે ટેબલની નીચે ચાલ્યા ગયા.

હવે, મંગુકાકી એક-એક ડગલાં મંગુકાકા તરફ વધારતી હતી, તેમ તેમ મંગુકાકાના દિલના ધબકારા વધતા હતા, "હે ભગવાન ! હવે બસાવી લો... તમે આજનો દહાડો બહુ વધારે ભારી બનાવી દીધો સે હો !" 

મંગુકાકા હજુ મનમાં બોલ્યા, ત્યાં મંગુકાકીએ ટિફિનને ટેબલ પર એટલી જોરમાં મૂક્યું કે ટેબલથી જ મંગુકાકાનો ટોલો રંગાઈ ગયો, પછી તેમણે કીધું, "આ સે ને ઈ ખાય લેઝો, કેમકે સે ને રાતનું ખાવાનું તમને મળવાનું સે નહીં !" આટલું કહીને મંગુકાકી ગુસ્સામાં ચાલ્યા ગયા, એટલે મંગુકાકા માથા પર હાથ મૂકીને ટેબલની બહાર નીકળીને બોલ્યા, "ઓહહહ... માડી, પેલા પગ અને હવે ટોલો... બહુ દુઃખે સે... ! એની માને આજે મારો દહાડો બહુ ભારે સે. એમાંય હવે મંગુનેય મનાવવી પડસે... ઓ માડી રે.. !" 

હવે, માથા પર હાથ દઈને મંગુકાકા ઘર તરફ જવા નીકળ્યા. માંડ માંડ તે ચાલીને જતા હતા, ત્યાં તેમને 'ચીરરરર...' એવો ફાટવાનો કઈક અવાજ આવ્યો, "અલ્યા, આ હેનો અવાજ સે?" મનમાં કહીને તેમણે પાછળ ફરીને જોયું તો કૂતરાએ તેમની ધોતી ખેંચી રાખી હતી એટલે ધોતી ફાટી ગઈ ! 

"અલ્યા નાલાયક કુતરિયા, નવરીના, હવારથી હવે તુજ બાકી રહી ગ્યો તો ! લાય મારી ધોતી.. !" આટલું કહીને મંગુકાકા ધોતી ખેંચીને આગળ વધ્યા, ત્યાં કૂતરું એમની પાછળ દોડ્યું, એટલે "ઓ માડી... ઓ માડી..." કરતાં કરતાં મંગુકાકા દોડીને ઘરે પહોંચ્યા ! 

ઘરનો દરવાજો ખોલીને મંગુકાકાએ હજુ શ્વાસ લીધો, ત્યાં મંગુકાકીએ કહ્યું, "આવી ગયા મેથીપાક ખાવા !"

"એમાં એવું સે ને મંગુ-" મંગુકાકા બોલવા ગયા, ત્યાં એમની વાતને કાપતાં મંગુકાકીએ કીધું, "તમારે સે ને કાઈ બોલવાની ઝરૂર નથી વો. બસ ચૂપચાપ મેથીપાક ખાવ." આટલું કહીને મંગુકાકીએ મંગુકાકાની બરાબર ધોલાઈ કરી નાખી ! 

મેથીપાક ખાધા પછી મંગુકાકા ઓરડામાં જઈને ખાટલા પર બેઠયા, તો એમનું ધ્યાન સામે રહેલા અરીસામાં ગયું, ત્યાં જ તેમને યાદ આવ્યું કે સવારે ખાટલામાંથી ઊભાં થઈને એમણે પહેલાં પોતાનું જ ડાચુ કાચમાં જોયું હતું, "ઓ માડી રે... !" 

બિચારા મંગુકાકા, ખબર નથી પડતી કે મંગુકાકાના આ દિવસ પર હસું કે તેમના માટે દુઃખ વ્યક્ત કરું ! તમારા જીવનમાં આ દહાડા જેવો કોઈ દિવસ આવ્યો તો નથી ને !


Rate this content
Log in

Similar gujarati story from Comedy