Navneet Marvaniya

Comedy Children

4.0  

Navneet Marvaniya

Comedy Children

દિવાળીના ફટાકડા ફૂટ્યા ખરા

દિવાળીના ફટાકડા ફૂટ્યા ખરા

6 mins
333


ધનતેરસના દિવસે જ નિર્ધન બાપના કમનસીબ કરસને સવારથી જ ફટાકડા માટે ભેંકડો તાણીને આખા ઘરમાં કાગારોળ મચાવી દીધી. ચેકડેમના ઓવર-ફ્લોની જેમ તેમની આંસુઓથી છલકાતી આંખોમાં નાક પણ તેની યથા-શક્તિ મદદ કરતુ હતું. કરસનની, મા જીવીબેને આવીને કરસનને એક અડબોથ વડગાડી, “તારા બાપે કોઈ’દી ફટાકડો જોયો સે, તે તને લઈ દિયે...!!” એટલે કરસનના રુદન યજ્ઞમાં ઘી હોમાયું અને આક્રન્દાજ્ઞી વધારે પ્રજ્વલિત થયો ને કરસનના ભેંકડાનો સુર તેની પરાકાષ્ઠાએ પહોંચ્યો.

પડોશમાં રહેતા કરસનના સુખમાં ભાગ પડાવનારા (અને દુ:ખમાં પાટું મારનારા !) ભેરુઓ કરસનનો આક્રંદ સાંભળી તેની મદદે દોડી આવ્યા. પણ કરસનના બાપા ગંગારામનો વિકરાળ ચહેરો જોઈ થોભણ, વસરામ, છગન અને ભીખો ચારેય ડેલીએ જ ખીતો થઇ ગયા. ચારેયમાંથી એકેયને આગળ વધવાની કે રુદનયજ્ઞનું કારણ પૂછવાની હિંમત ના ચાલી. અશ્રુબીન્દુઓથી તરબતર આંખોને ઉલેચીને કરસને ડેલીએ ઊભેલા તેના ભેરુઓને જોયા. જોતા વેંત જ આનંદની એક લહેરખી કરસનની નસેનસમાં ફરી વળી અને કોઈ રાજા હારી જવાની તૈયારીમાં હોય ને પડોસી રાજ્ય પાસેથી મદદ માટે સૈનિકો આવી પહોંચે, ત્યારે રાજા લડવા માટે મરણિયો પ્રયત્ન કરે તેવો પ્રયત્ન કરસને તેના બાપા ગંગારામ સામે કરતા કહ્યું, “આજે તો ફટાકડા લઇ દેવા જ પડશે. કેટલા દી’ થયા કાલ-કાલ કરો છો. હવે તો દિવાળી આવી ગઈ. હંધાયના બાપા લઇ દિયે છે, તમે જ મને નથી લઇ દેતા.

મહા પ્રયત્ને ગંગારામબાપાએ ચૂંટણી સમયના નેતાઓની જેમ “આજે સાંજે લઇ આવીશું” એવો ઠાલો વાયદો કર્યો. કરસનને તો મને-કમને સ્વીકારવા સિવાય છુટકો જ ન હતો. કરસન બુસ્કોટની બાંયથી તેનું મોઢું લૂછી તેના મિત્રો સાથે રમવા ચાલી નીકળ્યો.

સાંજે કરસનના બાપા કરસનને લઈને (જિંદગીમાં પહેલીવાર...!!) ફટાકડા લેવા નીકળ્યા. રસ્તામાં કરસનને મનાવવાનો પ્રયત્ન કર્યો કે ‘ફટાકડા ફોડવા કરતા જોવાની મજા કંઈ ઓર હોય છે’ પણ માને તો ઈ કરસન સાનો ! તેને તો બાપાને ફટ દઈને સંભળાવી દીધું કે ‘ઈ મજા હું તમને કરાવવા ઈચ્છું છું’ એટલે જ ફટાકડા ફોડીશ હું અને જોજો તમે ! અંતે કરસનના કંજૂસ બાપા કરસનને સસ્તા જણાતા ફટાકડાના સ્ટોલ પર લઇ ગયા. કરસને આગ્રહ કરી-કરીને થોડા ધામ-પછાડા કરીને તેને મનગમતા ફટાકડા લેવડાવ્યા. દુકાનદારે પણ કરસનને ટેકો આપ્યો એટલે ગંગારામબાપાનું જાજુ ચાલ્યું નહિ.

ફટાકડા તો લેવાઈ ગયા પણ કરસનના એક અગત્યના સવાલથી ગંગારામબાપા મુંજાયા ! કરસને કહ્યું, “બાપા, બધા ફટાકડા ફૂટશે તો ખરાને ?” અને ગંગારામબાપામાં રહેલો શંકાનો કીડો આળશ મરડીને બેઠો થયો તેણે તો ફટાકડાની દુકાનવાળાને સુકી ધમકી જ આપી દીધી કે “જો કોઈ ફટાકડો ના ફૂટ્યો તો બધા પૈસા પાછા લઈશ” દુકાનદારે હૈયેધરો આપવાનો પ્રયત્ન કરતા કહ્યું કે “ચિંતા નાં કરો બધા આ વર્ષના જ છે એટલે થોડો-ઘણો તો અવાજ કરશે જ” પણ ગંગારામબાપાને થયું કે “માંળું, ટેસ્ટીંગ કર્યા વગર કોઈ માલ ના લેવાય” એટલે એ તો એક બોમ્બ પેકેટમાંથી કાઢીને સ્ટોરમાં જ સળગાવવા મંડ્યા. બોમ્બ સળગતા પહેલાં જ દુકાનદારની નજર ગઈ, તેણે ગંગારામબાપાનાં હાથમાંથી દીવાસળી ઝૂંટવી લીધી. નહી તો આખા સ્ટોરના બધા ફટાકડાની દિવાળી ત્યાં જ પૂરી થઇ જાત !

પાછા વળતા તો જાણે કરસનના પગને પંખો આવી હોય તેમ ઠેકડા મારતો, શેરીઓના કુતરાને ઠેક્તોકને ઘેર પહોંચ્યો. રાત્રે કરસનનો જીવ વાળું કરવામાં જરાય લાગતો ન હતો. તેને તો ક્યારે ફટાકડા ફોડું ને લોકો તાળીઓ પાડીને મારી વાહ-વાહ કરે તેની જ રાહ જોતો હતો. જેમ-તેમ વાળું પતાવી કરસને ફળિયામાં ભોંચકરીથી શરૂઆત કરી. કરસને તેના ધબકતા હૃદય સાથે કંપતા હાથે દીવાસળી સળગાવી અને ભોંચકરીને અડાડી. ભોંચકરી સળગી પણ ખરી, પરંતુ કુંભકર્ણની જેમ ઊંઘી ગઈ હોય તેમ આંટો ફરવાનું નામ જ નો’તી લેતી. “મારું બેટુ, હવે શું કરવું ?” કરસન તો મુંજાણો... તેણે પહેલાં હાથેથી થોડી ફેરવવાનો પ્રયત્ન કર્યો, પણ વ્યર્થ ! ખાલી ભોંચકરીમાંથી ઝળઝળિયાંની સેરો ઊડે પણ સમ ખાવાય એક આંટોય ફરે નહિ. શિયાળાની ઠંડીમાં પણ પરસેવે નીતરતા કરસનને ઘડીક તો એમ થયું કે ભોંચકરી હાથમાં પકડીને પોતે ફુદરડી ફરવા માંડે.

ત્યાંતો થોભણે પાછળથી આવી કરસનના ખભે ધબ્બો મારતા કહ્યું, ‘અરે યાર, પાટુ મારને એની મેળે ફરવા માંડશે’ તેના બાપા પર અકળાયેલા કરસને ફેરવીને એક લાત ભોંચકરીને મારી અને થયું એવું કે ભોંચકરી સુતી રહેવાને બદલે ઊભી થઇ ને માંડી ફરવા. ફરવા તો માંડી પણ સાથે-સાથે ઊભી થઈને દોડવા પણ માંડી. આખા ઘરમાં ધમા-ચકડી મચી. પહેલાં તો જીવીબેન ઠામણાં ઉટકતા હતા ત્યાં પહોંચી. જીવીબેને તો વીજળીનો ઝાટકો લાગ્યો હોય તેમ, “વોય, મારા રોયા...” કરતાંકને હાથમાં રહેલો તવેથો ભોંચકરી તરફ ફેંક્યો. ભોંચકરીને ત્યાંથી નવી દિશા મળી અને ગંગારામબાપાનાં ધોતિયામાં જઈને ભરાણી. ગંગારામબાપા તો માતાજી ખોળિયામાં આવ્યા હોય તેમ વગર ડી.જે. એ ડાન્સ કરવા માંડ્યા. ધોતિયું માંડ્યું સળગવા. ગંગારામબાપાએ શરમ નેવે મૂકીને ફળિયામાં જ આખું ધોતિયું કાઢી નાખ્યું. આ ધમા-ચકડીમાં અને ધોતિયાને ઠારવાની દોડા-દોડીમાં ભોંચકરી ક્યાં ગયી તે કોઈને ખબર ના પડી. અચાનક જ કાળોકેર વર્તાવીને આતંકવાદીની જેમ ગાયબ થઇ ગઈ. જાણે બર્મુડા ટ્રાયેન્ગલમાં વિમાન કે જહાજ ગાયબ થાય તેમ ભોંચકરીનો દારૂ પૂરો થતા, ક્યાં ગઈ તે ખબર ના પડી. કરસનની વાનરસેનાએ બધે શોધ ચલાવી પણ ક્યાંય ભોંચકરીનાં સગડ ના મળ્યા.

ગંગારામબાપા સળગી ગયેલું ધોતિયું સરખું કરતા તાડુકીયા “સાલ્લાઓ, બહાર નીકળો અહીંથી, ખબરદાર જો અહી ફટાકડા ફોડ્યા છે તો...” કરસનતો ભોંચકરીને શોધવાનું માંડીવાળી બચેલા બીજા ફટાકડા લેતોકને તેની ટોળકી સાથે બહાર ભાગવા ગયો, ત્યાં જ અંદરથી જીવીબેને ચીસ નાખી... “એ... દોડો-દોડો.... ડામચિયો હળગ્યો સે...!!” ભોંચકરી ગંગારામબાપાના ધોતીયામાંથી છટકીને ઓસરીની બારીએથી સીધી ડામચિયામાં ઘુસી ગઈ હતી. તે ગાદલા-ગોદડાનો આખો ડામચિયો સળગાવ્યો ! કરસનની ટોળકી પાછી વળી, ને જે હાથમાં આવ્યું તે લઈને ડામચિયો ઠારવા મંડી પડ્યા. કોઈએ કોથળા હાથમાં લઈને ડામચિયા પર લબકારા મારતી અગ્નિજ્વાળા પર નાખ્યા. કરસને ફળિયામાં પડેલું પાણીનું બકળીયું ઉપાડ્યું ને જેવો ઓસરીના પગથીયા ચઢવા ગયો ત્યાં જ પગે ઠેબું આવ્યું ને બકળીયા સાથે ગંગારામબાપા માથે ઢગલો થઇ ગયો. ગંગારામબાપાએ તો ત્યાં જ અનાયાસે જળસ્નાન કરી લીધું. નીતરતા લુગડે બરાડા પાડતા કરસનના બાપા બહાર નીકળ્યા, ત્યાં કોણ જાણે ડામચિયાને શું થયું તે એમાંથી મોટા-મોટા અવાજો આવવા માંડ્યા. ત્યારે ખબર પડી કે કોઈએ ઉતાવળમાં ડામચિયો હોલવવા જતા ફટાકડાની આખી થેલી તેમાં નાખી દીધી હતી. શું કરવું એ કોઈને સમજાતું નો’તુ. બધા બાઘાની જેમ થીજી રહ્યા. શરૂઆતમાં તો ડામચિયામાંથી ચક્લીછાપ ટેટાનાં અને સુતળી બોમ્બના જ અવાજો આવતા હતા. પણ પછી તો અંદર રહેલી ભોંચકરીઓ પણ વિના પ્રયત્ને આખા ઘરમાં આમથી તેમ માંડી આંટા ફરવા.

કોઈ પડોશમાંથી જલુભાઈ જમાદારને આ બધી રમખાણો ઉકેલવા બોલાવી આવ્યું. જલુભાઈએ આવીને બધાને શાંત પાડવા સીસોટી વગાડી ત્યાં તો સામેથી આક્રમણ થયું હોય તેમ ડામચિયામાંથી એક રોકેટ નીકળીને જલુભાઈની સીસોટી ઉડાળતીકને હોઠ પર ઘસરકો કરીને નીકળી ગઈ. જલુભાઈ તો એવા ડઘાઈ ગયા કે હાથમાંથી ડંડો પડી ગયો. પણ ગંગારામબાપાનો મગજ ઠંડો ના પડ્યો. એ તો કરસનીયાને બોચીમાંથી પકડીને માંડ્યા ઢીબવા. સાથે સાથે ફટાકડાની દુકાનવાળાનેય ગાળો ભાંડવા લાગ્યા.

આસપાસના લોકો પણ આ નવતર તમાસો જોવા આવી ગયા હતા અને ટોળું થયું હતું મોટું. કેટલાકે કરસનને ગંગારામબાપાની પકડમાંથી છોડાવવાની હિંમત કરી. ત્યાં તો ગંગારામબાપાને હથિયાર મળી ગયું – “જમાદારનો ડંડો” ડંડો લઈને ગંગારામબાપા તો કરસનને મૂકી પડતો ને તેના ભેરુઓ અને ગામલોકો પર તૂટી પડ્યા જાણે અંગ્રેજ સરકારે ગુલામ ભારતીઓ પર લાઠીચાર્જ કર્યો.

થોડીવારમાં આખું ઘર ખાલી થઇ ગયું. બધા પોતપોતાના ઘેર ચાલ્યા ગયા. ડામચિયો પણ હવે રોકેટો ને ભોંચકરીઓ કાઢી-કાઢીને થાકી ગયો હોય તેમ શાંત થવા પ્રયત્ન કરતો હતો. આખું ઘર ધુવાણાના ગોટાથી ભરાઈ ગયું. અંતે નિર્ધન બાપના કમનસીબ કરસને ગંગારામબાપાની નિર્ધનતામાં વધારો કરતા ગાદલા-ગોદડાથી ભરેલો ડામચિયો ખોયો અને ધનતેરસના દિવસે જ દિવાળી પહેલાં જ બધા ફટાકડાની હોળી કરી નાખી એ નફામાં. પણ છતાં કરસનને એક વાતનો સંતોષ હતો કે બધા ફટાકડા ફૂટ્યા ખરા !


Rate this content
Log in

Similar gujarati story from Comedy