તું શરૂઆત તો કર
તું શરૂઆત તો કર
મેં એક વાર્તા વાંચી હતી અને કદાચ તમે પણ વાંચી હશે ! આજે એ વાર્તા કહું છું કે "એક ખેતરમાં પાક કાપણી માટે તૈયાર થઈ ગયો હતો. સુંદર મજાના બાજરીના કણસલાં વાયરા જોડે વાતો કરી રહ્યા હતા. ખેતરનો માલિક પાકની તપાસ કરવા આવ્યો. ત્યાં આવી એણે જોયું કે હવે આપણો પાક કાપણી માટે તૈયાર છે. પછી એ બોલ્યો, "આજે જ જઈશ અને સગાં સંબધીઓને કહીશ કે મારો પાક કાપણી માટે તૈયાર છે. એ બધા આવશે એટલે હું એમની સાથે કાપણી કરી પાક ઘેર લઈ જઈશ." આટલું બોલી ખેડૂત ત્યાંથી ચાલ્યો ગયો. આ ખેતરમાં એક લાવણી રહે. એને ત્રણ બચ્ચાં હતાં. ખેડૂતની વાત એમણે સાંભળી અને કહેવા લાગ્યા હવે તો આપણે આ ખેતર છોડીને બીજે રહેવા જવું પડશે. એટલામાં લાવણી બોલી, "બચ્ચાઓ તમે ગભરાશો નહીં, આપણે આ ખેતર છોડીને ક્યાંય જવાનું નથી."
બચ્ચાઓને નવાઈ લાગી પણ એ તો ખુશ થઈ ગયા. જ્યારે કાપણી થશે એટલે આપણે જતાં રહીશું. બીજાં દિવસે સવારે પેલો ખેડુત તો આવ્યો પણ કોઈ સગાંસંબંધી આવ્યા નહી એટલે એ તો નિરાશ થઈને જતો રહ્યો. એ ફરી બધા સંબંધીઓને કાપણી માટે કહેવા ગયો અને બીજા દિવસે સવારે ફરી કોઈ ના આવ્યું. પછી ખેડૂત ત્યાં ખેતરમાં ઊભા ઊભા બોલ્યો, "જો હું સગાંસંબંધીઓના ભરોસે રહીશ તો મારો પાક બગડી જશે. મને હવે નથી લાગતું કે કોઈ મારી મદદ કરવા આવશે. કાલે સવારે તો હું મારા ઘરનાં સભ્યો સાથે ખવીશ અને કાપણી શરૂ કરીશ." આ વાત લાવણીએ સાંભળી અને એ બચ્ચાઓને લઈ ત્યાંથી જવા લાગી. ત્યારે એક બચ્ચાએ પૂછ્યું કે જ્યારે પહેલીવાર ખેડૂત આવ્યો ત્યારે તો આપણે ત્યાં જ રહ્યાં હતા તો આજે કેમ જઈ રહ્યા છીએ ?"
ત્યારે લાવણીએ એને સમજાવતાં કહ્યું, "બચ્ચા જ્યારે પહેલીવાર ખેડૂત
આવ્યો ત્યારે એ એમ વિચારતો હતો કે મારું કામ હું બીજાના હાથે કરાવીશ અને એ પોતે કંઈ કરવા નહોતો માંગતો પણ આજે એણે નકકી કર્યુ છે કે કોઈ નહીં હોય તો પણ એ જાતે જ આ કામ પુરૂ પાડશે. જ્યારે કોઈ એમ નક્કી કરે કે કામ હું જાતે જ કરીશ ત્યારે એ કામ ચોક્કસ થાય જ છે. એનો અર્થ એમ થાય કે કાલે આ ખેતરમાં કાપણી અવશ્ય થશે જ ! બસ એટલે આપણે જઈ રહ્યા છીએ."બીજાં દિવસે ખેડૂત એના દીકરાં અને એની પત્ની સાથે કાપણી કરવા લાગી ગયો."
આ વાર્તા વાંચ્યા પછી મને એક વાત સમજાઈ ગઈ હતી કે ભલે કોઈ કામ મારાથી પૂરૂ નહીં થાય પણ હું એને શરૂ કરવા માટે કોઈની રાહ નહી જોઉં. હું કોઈ બીજાના ભરોસે નહી બેસી રહું કે ના ક્યારેય કોઈને માથે દોષનો ટોપલો ઠાલવીશ. માન્યું દરેક કામ સરળ નથી હોતું પણ પ્રયાસ તો કરવો જ રહ્યો. આજકાલ શાળાના વિદ્યાર્થીઓ પણ કહેતાં હોય છે અમારે તો હજુ ભણવાનું શરૂ જ નથી થયું પણ કોઈ જાતે પુસ્તકો ખરીદીને શરૂઆત નથી કરી રહ્યા. ઓફિસમાં કોઈ નવું કામ હોય તો બધા ગભરાય છે પણ સામેથી એ કામ કરવાની તૈયારી કોઈ કર્મચારીઓ નથી બતાવતા.
આપણે જાણીએ છીએ કે સાવજ જંગલનો રાજા છે તોય એના શિકાર કરવા જવું પડે છે. બેઠાં બેઠાં તો એના મોઢાંમાં કોળિયા નથી આવતાં કે ના એની પ્રજા એના માટે ખાવાનું લાવે છે. જો રાજાને ખાવાનું શોધવાની કામગીરી જાતે કરવી પડે છે તો આપણે તો ઘરમાં ય રાજા નથી !
કામ જેવું પણ હોય. સંબંધ હોય, મિત્રતા હોય કે ઓફિસનું કામ હોય, અઘરું હોય કે સહેલું હોય, બસ પુરૂ કરાવવા માટે હજાર હાથવાળો બેઠો છે. એની તિજોરીઓ માલામાલ છે. જે આજનું ખાણું આજ આપે છે ને કાલનું ય આપશે.
'બસ, તું શરૂઆત કર... '