STORYMIRROR

"Komal Deriya"

Abstract Tragedy

4.5  

"Komal Deriya"

Abstract Tragedy

ફુદીનાવાળી છાશ

ફુદીનાવાળી છાશ

3 mins
381


“મમ્મી તને કેટલી વાર કહેવાનું કે છાશમાં ફુદીનો ના નાખ. મને કે ઘરમાં કોઈને એવી છાશ ભાવતી નથી. તારું ધ્યાન ક્યાં હોય છે છાશ બનાવતી વખતે.” છાશનો એક ઘૂંટડો પીધા પછી તરત જ નિશાએ અકળાઈને કહ્યું. આરતી જવાબ આપ્યા વગર જ નીચું જોઈને ખાવાનું ચાલુ રાખ્યું. વિનોદે પણ દીકરીને ટેકો આપવા ખાતર જ કહી દીધું, “આરતી, નિશાને ના ભાવતી હોય તો હવે પછી આ ઘરમાં ફુદીનાવાળી છાશ નહીં બને.”

બીજા દિવસે ફરી એ જ ઘટનાક્રમ થયો. “આજે પણ છાશમાં ફુદીનો તો છે જ !” નિશા એકદમ બરાડી. તે તરત જ ઊભી થઈ અને ફુદીનાનો ડબ્બો એણે ઘરના આંગણામાં ઘા કર્યો. ફુદીનાનો પાવડર હવામાં ભળી સર્વત્ર ફેલાઈ ગયો. આરતી એકધારી એ ઊડતાં ફુદીનાને જાણે પોતાની અંદર સમાવી રહી હોય એમ ધારી ધારીને જોઈ રહી.

બધા ત્યાંથી ચાલ્યા ગયા. આરતીએ બધુ સાફસૂફ કર્યું અને પરવારીને પોતાના ઓરડામાં જતી રહી. આરતી ઓરડાના એકાંતમાં ખુબ રડી. સાંજે ફરી ઘરકામમાં વ્યસ્ત બની ગઈ. સાંજે જમીને બધા પોતપોતાનાં કામમાં પરોવાઈ ગયા. નિશા ટીવી આગળ ગોઠવાઈ ગઈ અને વિનોદ મિત્રોને મળવા બહાર ચાલ્યો ગયો. આરતી રસોડામાં કામ કરતી હતી. આ સમયે એનો નાનો દીકરો સાહીલ રસોડામાં આવ્યો અને એની મમ્મીને ભેટીને બોલ્યો, “મમ્મી તમે ચિંતા ના કરો હું તમારા માટે ફુદીનો લેતો આવીશ. દીદીએ ફુદીનો ફેકી દીધો એટલે બપોરે તમે રડતાં હતા ને ! પણ હું તમારા માટે બીજો લેતો આવીશ, બસ તમે રડશો નહી.” આરતીએ સાહીલને જોરથી બાથમાં ભરી લીધો. “બેટા, હું નહી રડું. કાલે પણ તને ફુદીનાવાળી જ છાશ પીવડાવીશ બેટા. જા તું જઈને ઊંઘી જા, તારે સવારે નિશાળે જવાનું છે ને !” આરતીએ રસોડાનું કામ શરૂ કરતાં કરતાં કહ્યું.

કામ પતાવીને આરતી ઓરડામાં ગઈ. વિનોદ હજુ આવ્યો નહતો. રાતના અગિયાર વાગી ગયા હતા. આરતીએ દરવાજો અંદરથી બંધ કર્યો અને એક જૂની પેટી ખોલી. પેટીમાંથી એક સાડી, થોડા પુસ્તકો અને એક ગ્લાસ બહાર નિકાળીને એને છાતી સ

રસું ચાંપીને એ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. આ બધુ એની મોટી દીકરી સંધ્યાનું હતું. એની આંખોની સામે એની મોટી દીકરીની તસવીર બની ગઈ. એટલામાં ઓરડાના દરવાજે ટકોરા પડ્યા. ફટાફટ બધુ પાછું મુકીને આરતીએ દરવાજો ખોલ્યો. વિનોદ આવીને તરત જ પથારીમાં જઈને ઊંઘી ગયો. આરતી પથારીમાં આમથી તેમ પડખાં ફેરવવા લાગી. ધીમે ધીમે એ ભૂતકાળમાં જવા લાગી. એની દીકરી સંધ્યાને યાદ કરીને એની આંખો ભીની થઈ ગઈ.

આજથી બે વર્ષ પહેલા આરતીની દીકરી આ દુનિયા છોડીને ચાલી ગઈ હતી. એણે આત્મહત્યા કરી હતી. જો કે આત્મહત્યા તો બધાને માટે હતી પણ આરતી જાણતી હતી કે એની દીકરીના મોતનું કારણ એનો જ પરિવાર હતો. એના પતિએ એની સાથે દગો કર્યો. બીજી સ્ત્રી સાથે સંબંધ રાખ્યો. ઉપરથી એ સંધ્યાની સાથે મારઝૂડ પણ કરતો. રોજ રોજના કકળાટથી કંટાળીને જ્યારે એ પિયર પાછી આવી ત્યારે એના જ પપ્પાએ એને ખરીખોટી સંભળાવીને સાસરે પાછી મોકલી દીધી. એના એક જ મહિનાની અંદર એને ઝેર ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું. મૃત્યુ સમયે એ બે જીવવાળી હતી. બધાએ દોષનો ટોપલો સંધ્યા પર ઠાલવી દીધો અને બધા એને કમજોર ગણાવીને ભૂલી ગયા. આરતી આ વાત ભૂલાવ શકી જ નહીં, કેમકે એણે પોતાની સગી દીકરી ખોઈ દીધી હતી. એ જાણતી હતી કે એની દીકરી કમજોર ન હતી. એ તો એના છેલ્લા શ્વાસ સુધી લડી હતી. વિનોદે તો કહી દીધું કે સંધ્યાનું નામ આ ઘરમાં કોઈ લેશે નહી, કોઈ એને યાદ પણ કરશે નહી. પરંતુ આરતી તો મા છે સંધ્યાની. એ કેવી રીતે એની દીકરીને ભૂલી જાય. સંધ્યાની તકલીફ જીવતા જીવ તો કોઈ ના સમજી શક્યું પણ એના મૃત્યુ પછી પણ કોઈ એને સમજી ના શક્યું.

આ બધું યાદ કરતાં કરતાં આરતી ઊંઘી ગઈ. સંધ્યાની હાજરી હંમેશા આ ઘરમાં રહેશે જ એવું કહેવા માટે બીજા દિવસે સવારે ફરી છાશમાં ફુદીનો નાખ્યો. આરતીએ ફરી પોતાના પરિવાર સામે પોતાનો વિરોધ પ્રગટ કર્યો. બધા આની વિરુધ્ધ હતા કેમકે સંધ્યા હંમેશા ફુદીનાવાળી જ છાશ પીતી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Abstract