સમય સાથે બદલાતા રહેવું
સમય સાથે બદલાતા રહેવું
સમય ના કોઈનો સાથી છે, ના કોઈનો હતો અને આગળ પણ કોઈનો સંગાથ નહીં જ હોય. સમય એ એક પ્રવાહ છે, એક પ્રવાસ છે. જ્યારે એક ઝરણાંનું પાણી સમયની માફક પ્રવાસે નિકળે છે ત્યારે તો એ ખુબ ઉંમગમાં પર્વતો પરથી મધુર ગીતો ગાતું આગળ વધે છે. જેમ આપણું બાળપણ કોઈની ફિકર કર્યા વગર વીતે છે અદ્દલ એમજ શરૂઆત થાય છે. પછી ધીમે ધીમે મોટું થતું જાય છે અને મસ્તીખોર બનતું જાય છે અને નાનકડી નદીનું રૂપ ધારણ કરે છે. ઉછળકૂદ કરતું કરતું, ઘેઘૂર અવાજો કરતું આગળ વધે છે. આ વખતે એ એના જેવા બધા જ ઝરણાંઓને પોતાના માની એમની સાથે પ્રવાસ આગળ ધપાવે છે. ત્યાંથી સહેજ આગળ આવીએ એટલે જાણે એ એની જ મસ્તીમાં ખોવાઈ જાય. જાણે કોઈ યુવાનીમાં મશગૂલ હોય. પોતાના ધસમસતા પ્રવાહમાં લાગણીઓ, જવાબદારીઓ, પ્રેમ, ગુસ્સો, સપના અને દોસ્તી લઈ જબરદસ્ત તાકાત સાથે આગળ વધવા લાગે. ક્યારેક ક્યારેક તો ઢોળાવ મળતાં ભયાનક ધોધ બની જાય અને ક્યાંક સુંદરતાનું પ્રતિક બની જાય. આ એ જ વખત છે જ્યાંથી એનું લક્ષ્ય નક્કી થાય છે અને મંઝિલ સુધી કોની સાથે આગળ વધવું એવા કઠિન નિર્ણયો લેવાય છે.
જોશ અને ભરપૂર શક્તિ સાથે આ મુસાફરી આગળ વધે છે. દરેક શહેર, ગામ,
જંગલ, પહાડ અને ખીણ ને પાર કરી એ મંઝિલ તરફ આગળ વધે છે. રસ્તામાં ઘણાનો સાથ છૂટી જાય છે અને એ ફંટાય છે તો ક્યાંક પોતાના અવિરત ગુસ્સાની છાપ કાઠે કોતરોમાં છોડી જાય છે. આ જુસ્સો અને જોમ લાંબુ તો ટકે છે પણ જો એમાં ઓછાં ફાંટા પડે તો જ મંઝિલ જલદી પહોંચે છે.
ત્યાંથી અંતિમ ચરણમાં પહોંચે છે. આ સમયે આ ધસતો પ્રવાહ ધીરગંભીર બની જાય છે. શાંત અને રમણીય બની જાય છે. પામવાની ઈચ્છા જે એક સમયે દોડાવીને થકવી રહી હતી એ હવે બધાને સાથે રાખી ધીરજથી આગળ વધવાની સલાહ આપતું હોય એવું લાગે. પછી છેવટે તો એ મંઝિલ એટલે કે દરિયાદેવ ને મળે છે.
એક નાનકડું ઝરણું મોજના ગીતો ગાતું ક્યારેક વિકરાળ યુવાન જેવું સ્વરૂપ ધારણ કરે છે તો ક્યારેક ધીરગંભીર વૃદ્ધ બની જાય છે. જેમ પરિસ્થિતિ હોય એમ રેલાતું જાય છે. ક્યારેક મસ્તીખોર તો ક્યારેક એકદમ શાંત સમજદાર બની જાય છે. સમય સાથે એ બદલાય છે. એની આોળખ અને વર્તન બદલાય છે.
બસ એમજ સમય સાથે બદલાતા રહેવું જોઈએ. બદલાવ જ પ્રકૃતિનો નિયમ છે. ક્યારેક અટકવું કે અટકી રહેવું ના જોઈએ. નિયમો, રિવાજો અને આદતો પણ સમય સાથે બદલી દેવામાં જ ફાયદો છે.