Ankita Gandhi

Tragedy Inspirational Thriller

4.6  

Ankita Gandhi

Tragedy Inspirational Thriller

બાળક બદલાયા, મા બદલાઈ !

બાળક બદલાયા, મા બદલાઈ !

8 mins
23.1K


 ૧૧ ડિસેમ્બર ૨૦૦૭, અમરેલીના સરકારી દવાખાનાનો ગાયનેક વિભાગ બે નવજાત શિશુઓની કિલકારીયોથી ગુંજી ઉઠ્યો. એક હતું મુંબઈના મલાડના રહેવતની સુહાસ અને અમિતાનું બાળક અને બીજું ભાવનગરના રહેવાસી દીપક અને સોનલનું બાળક. બંને પુત્રો ! અમિતા અને સોનલનું પિયર અમરેલી હોવાથી આ બંને પરિવારોનો સંજોગ રચાયો હતો !

મુંબઈ નો સોહમ અને ભાવનગરનો યશ પોતપોતાના પરિવારના અસીમ પ્રેમની છત્રછાયા હેઠળ ખુબ ઝડપથી પાંગરવા માંડ્યાં. સોહમ એક અત્યંત પ્રેમાળ પરંતુ જિદ્દી અને ગુસ્સેલ છોકરો બનતો હતો. ભણવામાં ધ્યાન નહીં, ગેજેટ્સમાં સંપૂર્ણ ડૂબી જવું, હંમેશા કાર્ટૂન અને એક્શન મુવીઝના વિચારોમાં ખોવાયેલા રહેવું એ સોહમની લાક્ષણિકતાઓ હતી. ઉપરાંત, નાની નાની બાબતોમાં રડી પડવું, ક્યાં એકદમ ગુસ્સે થવું કે પછી મરવા-મારવાની વાતો કરવી એવો કંઇક એનો મિજાજ બનતો જતો હતો. ૧૦ વર્ષ થતાં તો પરિવારને એકદમ ચિંતા પેસી ગઈ કે આ તો ગુંડો જ બનશે ! કુટુંબનું નામ રોશન કરવાની વાત તો દૂર રહી, એ નામ મીટ્ટીમાં ન મિલાવે એનું ધ્યાન રાખવું રહ્યું. માબાપ સતત કાઉન્સેલિંગમાં અને જ્યાંત્યાં પેરેન્ટીગની શિબિરોમાં જવા લાગ્યાં. અમિતાને એ ખ્યાલ આવી રહ્યો હતો કે પતિપત્નીના સતત ઘર્ષણની અસર સોહમ પર થઇ રહી હતી, પણ સુહાસને એ વાત ગળે ઉતરતી નહીં. એટલે તાળાની ચાવી શોધવાને બદલે બંને જણ હથોડાથી પ્રહાર કરતાં હતાં !

બીજી તરફ યશ એ ભણવામાં ખુબ તેજસ્વી સાબિત થતો હતો પરંતુ પરિવારથી અતડો રહેતો હતો. સ્વભાવે એ ખૂબ અંતર્મુખી હતો એટલે બધા સાથે હળવુંમળવું એના માટે સહજ ન હતું. કરીયાણાના વ્યાપારી પિતાને એ ખૂંચતું હતું. ધીકતો ધંધો અને એકમાત્ર દિકરો, એટલે ગાદી એ જ સંભાળે એવી મોટીમસ અપેક્ષા ! અને યશ લોકોથી વેગળો રહેતો છોકરો ! ઘણાં બધા મેણાટોણા ! ક્યારેક પરિવાર તરફથી અને ક્યારેક સમાજ તરફથી ! એમેય સમાજને અંતર્મુખી લોકો ખૂંચે છે ! ખબર નહિ કેમ? ‘મીંઢો’ શબ્દનો દુરુપયોગ આ અંતર્મુખી વ્યક્તિઓ માટે મોટેભાગે થાય જ છે. અને જયારે માબાપ જ આવું માનતા હોય તો સમાજ તો મેણાટોણા મારવાની રાહ જોતો હોય છે. યશની મમ્મીને હંમેશા એની દયા આવતી ! પરંતુ, પતિની સામે થવા માટે હિંમત હતી જ નહીં ! ક્યાંથી આવે? પૈસો જ જે સમાજમાં મોટો માપદંડ હોય ત્યાં કમાતી ન હોય એ સ્ત્રીને ઘરની બાબતમાં દખલ દેવાની હિંમત આવી શકતી જ નથી, સિવાય કે તે પોતાની જાતને પણ એટલું માન આપતી હોય અને જરૂર પડ્યે દબંગ થવાની તાકાત રાખતી હોય !

એક સંજોગ ૧૦ વર્ષ પૂર્વે રચાયો હતો અને બીજો સંજોગ હવે રચાવાનો હતો. સોહમ અત્યંત બીમાર પડ્યો.. કોઈ ન કોઈ રીતે પણ એની બીમારી સાધ્ય બનતી નહોતી. અમિતા અને સુહાસે એ કોઈ કસર બાકી ન છોડી ! પણ દિકરાની બીમારી પકડમાં આવતી જ નહોતી. સોહમ થેલેસેમિયાનાં રોગથી પીડાતો હતો. થેલેસેમિયા ડિટેકટ થયો એટલે ઉપચાર તો ચાલુ થઇ ગયા હતાં. હવે, સોહમનાં જીવનને કોઈ ખતરો તો હતો નહીં. આ નિદાન થયું એની સામે બીજા કેટલાંક નિદાન પણ બહાર આવ્યાં. સુહાસનો મિત્ર પેથોલોજી લેબનો માલિક હતો. સોહમના ટેસ્ટ બધાં ત્યાં જ થતાં હતાં. ત્યાંથી જ તો થેલેસેમિયાનું નિદાન થયું હતું. મસ્તી મસ્તીમાં એ મિત્રે સુહાસને કહ્યું, “મારે, હવે ડીએનએ ટેસ્ટનું પણ શરુ કરવું છું. ચાલને તારા કેસથી શરુ કરીએ.” એમ કરીને મસ્તી મસ્તીમાં એણે સુહાસનું સેમ્પલ લઇ લીધું. એને ક્યાં ખબર હતી કે આ ડીએનએ ટેસ્ટ આવનારી આફતનાં એંધાણ લઇને આવવાનું હતું. સંજોગો પણ એવાં રચાયા કે જયારે રિપોર્ટ આવ્યો ત્યારે સુહાસ ત્યાં હતો. મજાક કરતાં કરતાં રીપોર્ટ જોયો – ડીએનએ ટેસ્ટનું પરિણામ નેગેટીવ આવ્યું હતું ! રીપોર્ટ ખોટો છે એવું ધારીને બીજે રીપોર્ટ કરાવા મોકલ્યો. પણ, એ જ રીઝલ્ટ ! હવે, શું? બીજી ત્રણ અલગ અલગ જગ્યાએ કરાવ્યો, પણ રીઝલ્ટ નેગેટીવનું પોઝીટીવ ન થયું ! અમિતા પર તો શક પણ કેવી રીતે કરાય? મારા દિલનો ટુકડો મારું લોહી નથી એ વિચારતા જ એનું મગજ ચકરાવા લેતું જતું હતું. થોડી આક્રમકતા અને થોડી લાચારીથી સુહાસે અમિતાને વાત કરી. અમિતાનું તો હ્રદય ચિરાઈ ગયું. એટલે નહીં કે સુહાસ પ્રત્યેની લોયલ્ટીનો સવાલ પેદા થયો હતો. અહીં અમીતાના હ્રદયમાં મોટો ધ્રાસકો એ પડ્યો હતો કે સોહમ સુહાસનો દિકરો નથી એટલે મારો જણેલો પણ નથી. આંસુઓનું પૂર આવી ગયું. ફોર્માલીટી માટે અમિતા અને સોહમનો ડીએનએ ટેસ્ટ થયો અને ધાર્યા મુજબ નેગેટીવ આવ્યો. બંને પતિપત્ની અને આખો પરિવાર ખૂબ રડ્યો. સૌજન્યતા હતી કે સોહમ આ બધી બાબતથી અજાણ હતો.

હવે વૉટ નેક્સ્ટ ? એ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી જ્યાં સોહમ જન્મ્યો હતો. માલુમ પડ્યું કે એ દિવસે બીજા એક જ બાળકનો જન્મ થયો હતો. બંનેનો જન્મ સમય લગભગ એક જેવો જ હતો. સુહાસે વધુ ભાળ કઢાવી. બીજા બાળક યશ વિષે. સુહાસને હવે તાલાવેલી હતી, પોતાના લોહીને શોધવાની, મળવાની, પામવાની, મેળવવાની ! સુહાસ તો દીપકની દુકાને પહોંચી ગયો, સઘળી હકીકત જણાવી. યશ માટે થોડો અણગમો ધરાવતાં દીપકને પણ હવે જીજ્ઞાસા જાગી અને સોહમનું કેરેક્ટર સાંભળીને તો એને લાગ્યું કે મારો પુત્ર તો આવો જ હોવો જોઈએ. એક દુકાનદારનો દિકરો તો કાંઇક આવો જ હોય. આ બાજુ યશનું કેરેક્ટર સુહાસને પોતાના જેવું લાગ્યું. બંને પિતાઓએ ડીએનએ ટેસ્ટનો નિર્ણય કરી દીધો. પણ આ વખતે યશ અને સુહાસ એક તરફ હતાં, જયારે બીજી તરફ સોહમ અને દીપક. નિયતિ વધુને વધુ વળાંકો લેતી હતી. ટેસ્ટનાં રીઝલ્ટ પોઝીટીવ આવ્યાં હતાં ! કઠણ કાળજું કરીને પણ અઘરો નિર્ણય લેવાનું આ બંને સમજદાર પિતાઓ નક્કી કરી ચૂક્યા હતાં. સોહમ દીપકને ઘેર અને યશને સુહાસને ઘેર મોકલવાનું નક્કી કરી નાખ્યું હતું, બધું ફોડી લઈશું એવા અતથ્ય વિચારોને પાયામાં રાખીને !

અમિતા અને સોનલની વ્યથાનું કોઈ માપ નહોતું. માબાપ, સાસુ-સસરા બધાં સહાનુભુતિ જતાવતાં હતાં, પણ તરફેણ તો લોહીના સબંધની જ કરતાં. બંને બચ્ચાઓને તો ખબરેય નહોતી કે એમની જિંદગીઓ એક ઝાટકામાં બદલાઈ જવાની છે. દિવસો રડવામાં કાઢ્યા બાદ, એક દિવસ અમિતા ઉઠી. કોઈને પણ કશું જ કહ્યા વગર, સોહમને લઈને ચુપચાપ ભાવનગર ઉપડી ગઈ. સોનલને રસ્તામાંથી ફોન કરી દીધો અને ભાવનગરની હોટેલમાં બોલાવી. સોનલ પણ ડર્યા અને ડગ્યા વગર યશને લઈને હોટેલ પર આવી. માં-દિકરાઓનું અનોખું મિલન થયું. સોહમને ખોળામાં પકડી રાખીને અમિતાએ યશનું કપાળ ચૂમ્યું. સોનલે પણ યશનો હાથ ઝાલી રાખીને સોહમનાં માથે હાથ ફેરવ્યો. બંને માતાઓની આંખો મળી, જાણે ફેસલો થઇ ગયો હતો. મારો જણ્યો એ જ મારો પુત્ર છે એવું નહીં, પણ હું એની જ માતા રહીશ જેને માટે હું જ એની મમ્મી છું. વાતચીત કરીને બંને માતાઓએ સ્પષ્ટ કરી લીધું કે કોઈ અદલાબદલી કરવાની નથી, જે જ્યાં ઉછેર્યું છે એ બાળક ત્યાં જ રહેશે. તેમ છતાં, બંને પરિવારો એકબીજા સાથે સબંધો મજબૂત કરશે અને બાળકોની ખબરઅંતર લેતાં રહેશે. જેથી બાળકો મોટા થાય અને એમને સત્યની જાણ થાય ત્યારે શોકને ઓછામાં ઓછો કરી શકાય.

પણ, બધું આટલું સરળ થોડું હતું. આ મમ્મીઓ એ તો પતિની વિરુદ્ધમાં, પરિવારની વિરુદ્ધમાં અને સમાજની વિરુદ્ધમાં લડાઈઓ લડવાની હતી. જેવું વિચાર્યું હતું, પરિણામ તો એવું જ આવ્યું. ઘરનાં લોકો એક નાં બે ન થયા. દરેકને પોતાનો સાચો વારસ જ જોઈતો હતો. ઘરનું ઘમાસાણ હવે છોકરાઓ પર અસર કરવાં માંડ્યું હતું. સોનલે યશને અને અમિતાએ સોહમને બાળ ભાષામાં જેટલું જણાવાય એટલું જણાવ્યું અને પ્રશ્ન પૂછ્યો, “બેટા, શું કરશું?” સોહમનો જવાબ- “મમ્મી, પપ્પા મને ગમે ત્યાં મોકલે પણ તારા વગર હું ક્યાંય નહીં જાઉ.” યશ તો કશું બોલી જ ન શક્યો, મમ્મીને વળગીને રડ્યો; મમ્મીને ક્યાંય સુધી છોડી જ નહીં. બંને મમ્મીઓને બળ મળી ગયું. હવે તો આભ ફાટે કે જમીન તૂટે, મારા છોકરાને છોડવું તો નથી જ.

કોર્ટમાં કેસ ચાલ્યો. નીચલી અદાલતે તો ડીએનએ ટેસ્ટને આધારભૂત માનીને ફેસલો સુણાવ્યો, બંને બાળકોની અદલાબદલીનો ! મમ્મીઓએ તો કમર કસી જ હતી. આ ફેસલા પર સ્ટે મેળવ્યો અને હાઈ કોર્ટમાં કેસ ગયો. કોર્ટમાં કેસ જાય તો એક ઝાટકામાં થોડો ઉકેલ આવે. મહિનાઓ પર મહિનાઓ ચડતા ગયાં. વર્ષ થઇ ગયું પણ નિવેડો આવે જ નહીં. પરિવારનાં મેણાટોણા, પતિનાં ચાબખા, બાળક પ્રત્યે પરિવારનું અણછાજતું વર્તન, વારેઘડીએ ઉપેક્ષા, એકલા પડી ગયાંની લાગણી, ડીપ્રેશન બધું જ આ મમ્મીઓ સાથે ઘટિત થઇ ગયું હતું; થઇ રહ્યું હતું. પણ, આ તો માં હતી ! બાળક માટે તો વાઘની સામે થઇ જાય, તો પરિવાર શું ચીજ છે? કોર્ટ કેસ માટે પૈસા પણ ખૂટવા આવ્યાં હતાં. પણ, એ દિવસ આવ્યો. એક દિવસ અમિતાએ કોર્ટમાં પૂછ્યું, “જો હું સુહાસને ડિવોર્સ આપું તો મારા બાળકની કસ્ટડી કોને મળે?”  જવાબ આવ્યો, “જો માં માનસિક રીતે સક્ષમ હોય તો માં ને જ મળે. પિતાએ ભરણપોષણની વ્યવસ્થા કરવી પડે.” સોનલ તરત ઊભી થઇને બોલી, “જજસાહેબ, મારે પણ છૂટાછેડા જોઈએ છે.” ચોંકવાનો વારો પરિવારનો હતો ! નિવેડો તો હજી ન આવ્યો, પણ કોર્ટની બહારનો સીન અકલ્પનીય બની રહ્યો.

બહાર નીકળતા જ અમિતા બોલી, “આજથી અમે તમારી સાથે નથી રહેવાનાં. તમને છૂટાછેડા જોઈતા હોય તો અરજી કરી શકો છો. આજથી અમે બંને માં અને બંને દિકરાઓ અમદાવાદમાં શિફ્ટ થઇએ છીએ. તમારે મળવા આવવું હોય તો આવી શકો પણ શર્ત એટલી કે બંને બાળકોને સરખું હેત આપવું. અને આવું ન ફાવતું હોય તો ન આવવું.” સોનલે પણ સૂર પુરાવ્યો, “સોહમ એ અમિતા અને સુહાસને જ મમ્મીપપ્પા કહેશે. મને અને દીપકને અંકલ-આંટી જ કહેશે. એવી જ રીતે, યશ પણ કરશે.”

અમિતા અને સોનલ કપરી પરિસ્થિતિઓમાં પણ ડટી રહ્યા. અમિતાએ ફૂલટાઈમ જોબ લઇ લીધી. સોનલે ઘરે જ બાળઘર ખોલ્યું જ્યાં નોકરિયાત માબાપ પોતાના બાળકો મૂકી જતાં. સોહમ અને યશને સંસ્કાર અને સમજણ પણ એવાં મળ્યા કે જેથી બાળકો કોઈની ચઢામણીથી બચ્યા. એમણે એમની મમ્મીઓનો કોર્ટનો સંઘર્ષ જોયેલો હતો; એટલે ખબર જ હતી કે કોણે લાગણીનાં સંબંધને સાઈડ પર મૂકીને લોહીના સંબંધને મહત્વ આપ્યું હતું. બધું એમની આંખ સામે જ ઘટેલું હતું. બાળકો તો ઘણા સમજણા થઇ ગયાં. સોનલ અને અમિતાનો પ્રેમ ઘણી બધી કમી પૂરી કરી દેતો હતો. સમય વીતતો ગયો. ઘરવાળા થોડાં ઢીલા પડ્યા, આવતાં જતાં થઇ ગયાં. એમનાં પૂર્વગ્રહો તો ગયાં કે નહીં એ કહેવું મુશ્કેલ હતું. પણ, બાળકોનું વર્તન એમને બધું જ સમજાવી દેતું.

સોહમ અને યશ હવે મોટા થઇ ગયા છે. સોહમે ગારમેન્ટનાં બીઝનેસમાં ઝંપલાવ્યું છે અને યશ એક એગ્રીકલ્ચર કોલેજમાં રીસર્ચ ડીપાર્ટમેન્ટમાં જોડાયો છે. સોનલ અને અમિતા? એ બંનેએ તો હવે બાળઘરની નવી ઓળખાણ ઊભી કરી છે. દરેક મોટા સિટીમાં પ્રેમને કેન્દ્ર સ્થાને રાખે એવાં બાળઘર ઊભાં કર્યા છે. આ બાળઘરની વિશેષતા એ છે કે સાંજે માબાપ લેવા આવે તો પણ બાળકને જવું નથી હોતું. તેની સંભાળ રાખતી બહેનને વળગીને ઊભું રહી જાય છે !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy