સીરિયાનો એક બાપ બોમ્બ ધડાકા વખતે દીકરીને જોરથી હસતા શીખવાડે છે!
સીરિયાનો એક બાપ બોમ્બ ધડાકા વખતે દીકરીને જોરથી હસતા શીખવાડે છે!


એ દરેક બોમ્બનાં ધમાકાની સાથે ફરીહાનાં ઘરમાં એક બીજો અવાજ જોરશોરથી આવતો અને એ હતો, “હા હા હા હા”. મુરાદ અને એની ૪ વર્ષીય દીકરી ફરીહા ચીસો પાડીને હસતાં. એટલું હસતા કે આસપાસનાં પડોશીઓ પણ સાંભળે. અરે પાછળની અને આગળની ગલીમાં ય અવાજ સંભળાય. પણ, સૌને એક સવાલ હતો; 'આ બાપદીકરી આવું કેમ કરતાં હતાં ?
મુરાદ, એની પત્ની ફાતિમા અને દીકરી ફરીહા સાથે સીરિયામાં રહેતો. કુટુંબ સુખદુઃખમાં ખુશીથી રહેતું હતું. પણ, છેલ્લાં કેટલાય વર્ષોથી, એમાય જ્યારથી ફરીહા જન્મી, ત્યારથી આ પરિવાર સતત મોતનાં ઓછાયા હેઠળ જીવતો હતો. ઇસ્લામિક સ્ટેટ(ઈસીસ) અને દેશ વચ્ચેની અથડામણ સતત થતી રહેતી. બે વાર તો મુરાદે એના પરિવાર સાથે બધું વેચીસાઠીને હિજરત કરી. પણ, જ્યાં જ્યાં ગયા આ બે પાવરફૂલ જૂથોનો સંઘર્ષ ત્યાં પણ આવી પહોંચતો. મુરાદ અને ફાતિમાએ નક્કી કર્યું કે જીના યહા, મરના યહાં. પણ, સતત ચાલતી બોમ્બમારી વચ્ચે જીવન નોર્મલ રીતે જીવવું કપરું બનતું જતું હતું.
ફરીહા મુરાદને અત્યંત વ્હાલી. ફરીહા એટલે આસમાની પરી. મુરાદને એ પરીથી કાંઇ કમ ન લાગી. એટલે ફરીહા નામ પાડ્યું. પણ, મુરાદ ફરીહા માટે હંમેશા ચિંતામાં રહેતો. એ જોતો કે બીજા બધા બાળકો જેમ જેમ મોટા થતાં હતાં, બોમ્બમારી અને મોતનો ભય સમજ
તાં હતાં, એટલે હંમેશા ઉદાસ દેખાતા. બાળકો તો કેવા ખીલેલા ખીલેલા હોય ? પણ, એ બધા બાળકો મોટેભાગે ગભરાયેલ અને દુઃખી દેખાતા. મુરાદે એક નિર્ણય લીધો. ફરીહાને આ ડરમાં નહીં જીવવા દઉં. પણ, હવે હિજરત પણ નહોતી કરવી. સંજોગો બદલી શકાય એમ નહોતું. તો પછી કરવું શું ? એણે સંજોગોને અપાતો પ્રતિભાવ બદલવાનું નક્કી કર્યું. મુરાદે એક તરકીબ અપનાવી.
જયારે જયારે બોમ્બ ધડાકો થાય એટલે મુરાદ જોરશોરથી હસતો. આવું મહિનાઓ સુધી ચાલ્યું. હવે તો ફરીહા પણ બોમ્બ ધડાકા વખતે જોરથી હસવા માંડી. ધીરે ધીરે એ આદત બની ગઈ. દરેક બોમ્બ ધડાકા વચ્ચે બાપદીકરી પૂરું જોર લગાવીને હસે છે. કેટલું જીવન છે એ તો કોઈને ખબર નથી. પણ, એટલું ચોક્કસ છે કે જેટલું જીવન છે એ ફરીહા બીના ડરે, ખીલખીલાટથી જીવી રહી છે. એનું બાળપણ મરી નથી રહ્યું. કહેવાની જરૂર છે ખરી કે જયારે આ છોકરી મોટી થશે ત્યારે જીવન પ્રત્યે એનો અભિગમ કેવો હશે ? અરે એ છોડો, જીવનની મોટી મોટી સમસ્યાઓ પ્રત્યે એ કેવું વલણ અપનાવશે !
માબાપ તરીકે આપણે બાળકોને બે સ્કીલ ન શીખવાડીએ તો ચાલશે, સંપત્તિ નહીં આપીએ તો પણ ચાલશે પણ પરિસ્થિતિને હકારાત્મક બનાવતા તો શીખવાડ્યું જ રહ્યું! જો એક બાપ તરીકે મુરાદ ફરીહા માટે કરી શકે છે તો આપણે કેમ નહીં?