જોબ છોડવાની મજા !
જોબ છોડવાની મજા !
સાંજે ૭ વાગે મનસ્વી ઘરે આવી. હાથમાં ફૂલોનો ગુલદસ્તો લઈને ! એના ચહેરા પરનું સ્માઈલ ઘણું બધું કહી રહ્યું હતું. એ તો ગીત ગુનગુનાવતા ઘરમાં આવી. આવીને પ્રેમથી મનસ્વીએ દિકરા માનવને ચૂમ્યો. દિકરાની સાથે ડાન્સ કરવા લાગી. માનવ ૮ વર્ષનો હતો. એટલો નાનોય નહોતો. એને નવાઈ લાગી કે મમ્મી આમ શું કરી રહી છે. પણ જે હોય એ એને મજા આવી. મનસ્વીએ આવીને સ્વીગી પર ચીઝ-પનીર-વેજીટેબલ પરાઠા અને આલું પરાઠાનો ઓર્ડર આપ્યો. ઘરમાં લેમન જ્યુસ બનાવી દીધું. ઓર્ડર આવે એ પહેલા એ શાવર લેવા ગઈ.
શાવર લઈને આવીને એણે માનવને ખોળામાં બેસાડ્યો અને બોલી, “આજે મારો જોબનો આખરી દિવસ હતો. કાલથી હું જોબ પર નહીં જવાની.” માનવનાં મ્હો પર વિસ્મય દેખાતું હતું. એની મમ્મી આખો દિવસ એની પાસે રહેશે એ વિચારે તો રાજી રાજી થઈ ગયો. ક્યાં સુધી મા-દિકરો વહાલ કરતાં રહ્યાં. ડોરબેલ રણકી. સ્વીગીવાળો પાર્સલ લઈને ઊભો હતો. પાર્સલ લીધું. પરાઠા, અચાર અને દહીં કાઢ્યા. સાથે મોન્જીનીસની એ કેક લાવેલી એ મૂકી. લેમનેડ ગ્લાસમાં ભર્યું. અને માનવ સાથે ડાઈનીંગ ટેબલ પર જમવા બેઠી. દિકરાને એક કટકો જાતે ખવડાવ્યો. મનસ્વીને લાગ્યું કે આજનો દિવસ કાંઇક અલગ છે. આટલી ધન્યતા મેં ક્યારેય અનુભવી નહોતી. હૃદયમાં અપાર શાંતિ હતી. માનવને જમાડ્યો અને એ પણ જમી. જમ્યા પછી બેવ મા દિકરાએ થોડી વાર ટીવી જોયું. થોડી વાર બાદ માનવને સૂવડાવવા ગઈ. સૂતાં સૂતાં બંને એ બહુ વાતો કરી. માનવની બાળસહજ વાતો સાંભળીને એનું દિલ ધરાતું નહોતું.
માનવ તો બોલતાં બોલતા સૂઈ ગયો. મનસ્વી વિચારમાં પડી, “આ પહેલાં મારા દિકરાની વાતો મને કેમ મીઠી મીઠી નહીં લાગી? ક્યાંથી લાગે? મારું દિમાગ તો ઓફીસનાં ટેન્શન, ઘરનાં કામ અને ભવિષ્યની ચિંતાથી ઘેરાયેલું પડેલું!” મનસ્વીની સામે આખી જિંદગીની ઝાંખીઓ દેખાતી હતી. માનવ જન્મ્યો એના પહેલા ૩ વર્ષ નોકરી કરેલી. માનવનાં જન્મ પછી ૩ વર્ષ ન કરી. છેલ્લાં ૫ વર્ષથી તો પાછી સતત નોકરીએ લાગેલી. માનવને સંભાળવા બાઈ હતી. એટલે કોઈ વાંધો નહોતો આવતો. સેલ્સ એક્સીક્યુટીવમાંથી સેલ્સ મેનેજર સુધી એ પહોંચેલી. પણ, છેલ્લાં ૬ મહિનાથી બોસનાં ટાર્ગેટ વધતાં જતાં હતા. જૂનાં બોસે રાજીનામું આપ્યું અને નવા બોસે ચાર્જ સંભાળ્યો. નવા બોસને સ્ત્રીઓ પ્રત્યે કાંઇક ખાસ અણગમો હોય એવું લાગતું હતું. કદાચ એ સ્ત્રીઓને ક્મ્પીટન્ટ નહોતા સમજતા. મનસ્વી સાથે
એમનો વરતાવ સારો નહોતો. મનસ્વીને એવું ફિલ કરાવતા કે એ કંપનીને લાયક નથી. એમના ટાર્ગેટ વધતા જ ગયા. અને એને કારણે મનસ્વીનું ઘરે આવવું વધુ ને વધુ મોડું થતું ગયું. માનવ રાહ જોતો બેસી રહેતો. ૯ વાગ્યે ઘરે આવવું તો સામાન્ય થઈ ગયું. મનસ્વીને ખ્યાલ આવી ગયો કે કાંઇક ગરબડ છે. એચઆર ડીપાર્ટમેન્ટમાં ફરિયાદ કરી પણ કઈ વળ્યું નહીં. છેવટે રાજીનામું મૂક્યું અને બસ ત્યારથી કાંઇક સુખદ અનુભવી રહી છે.
આજે મનસ્વી સૂતા સૂતા વિચારી રહી છે, “જોબ ગુમાવી છે. પણ કેટલું બધું મળ્યું છે. નોકરી તો હું આગળ કરવાની જ છું, મારે આર્થિક રીતે કોઈના પર આધાર રાખવો નથી અને મારા જીવનની સાર્થકતા એમાં જ છે કે હું કામ કરતી રહું. પણ હમણાંનો સમય જીવી લઉં. કાલે સવારે હું ઉઠીશ તો દિકરાને પ્રેમથી નવડાવી તૈયાર કરીને સ્કૂલે મોકલીશ. પેલા મંદિરમાં જવાનું મારું કેટલું મન હોય છે! હું મંદિરે જઈશ. અનાથઆશ્રમમાં બાળકોને પ્રેમ આપવાની મારે મનેચ્છા પૂર્ણ કરીશ. અને મારો કિચન ગાર્ડન! બસ, હવે તો થઈ જ જાય. મારો ગાર્ડન હવે લહેરાશે. તને યાદ છે મનસ્વી, સ્કૂલની છુટ્ટીઓમાં તું ક્રાફ્ટ શીખવા જતી. તારી ઢીંગલીઓનાં કપડાં બનાવતી! એમેય માનવનાં જન્મ બાદ તું ત્રણ વર્ષ ઘરે રહી ત્યારેય તે પોસ્ટર અને નાના નાના ક્રાફ્ટ નહીં બનાવેલાં! અરે! હમણાં જાન્યુઆરીમાં જ તો તે પેપરમાંથી નાના ચકલા બનાવેલાં એ યાદ છે! તને ઇન્ટીરીયર ડેકોરેશન કેટલું ગમે છે! હવે તો હું મારા હાથેથી ઘર સજાવીશ. ૧૫ દિવસ પછી માનવને વેકેશન શરુ થાય છે. મમ્મીનાં ઘરે માનવને લઈને જઈશ. મન ભરાય નહીં ત્યાં સુધી હું પાછી આવવાની નથી. શહેરની બહાર આવતાજતા પેલું કમળ ભરેલું તળાવ દેખાય છે. હું ત્યાં જઈશ. ઘડીક એની પાળ પર બેસીશ, માનવની સાથે. અમે બંને સેલ્ફી પાડીશું, ખૂબ બધી વાતો કરીશું. એની કાલીઘેલી વાતો મારે સાંભળવી છે. જીવન, કુદરત અને માતૃત્વને મન ભરીને માણવું છે મારે. હર પળ, ફ્યુચરની ચિંતા કરતાં પૈસા કમાવાની જ ધૂન ચડતી! પણ હવે, જે પૈસા કમાઈને ભેગા કર્યા છે એને થોડા વાપરવા પણ છે મારે.”
બીજા દિવસની સવાર છે. માનવ સ્કૂલે ગયો છે. હાથમાં ચાનો કપ પકડીને મનસ્વી ગેલેરીમાં એક કલાકથી આકાશ, ગાર્ડન અને લોકોને શાંતિથી નિહાળી રહી છે. ઊઠે છે, વોર્ડરોબમાંથી પ્રોફેશનલ કપડા સાઈડ પર કરીને, ખૂણામાં પડેલી ફલોરલ પ્રિન્ટની સાડી પહેરીને, ભીતરની દુનિયામાં કદમ માંડે છે.