દુવા
દુવા
હજી તો ચોત્રીસનો સમીર ! લખપતિ બાપનો એક માત્ર વારિસ ! ચાર ચાર ફેકટરી સુરત જેવા શહેરમાં ધમધમે. નોકર ચાકર, સુંદર પત્ની, બે બાળકો અને લખલૂંટ સંપત્તિ વચ્ચે એશોઆરામ વાળુ વૈભવી જીવન જીવે. હૈ પિતાની તબિયત સારી તેથી સમીર પર ખાસ જવાબદારી પણ ક્યાં હતી ! પિતાજી ખૂબ દયાળુ અને ઉદાર સ્વભાવના. તેથી વખતોવખત વર્કર્સને નાની મોટી મદદ, કપડાં લતાં, વાસણ, જૂની ચીજવસ્તુઓ પૂરી પાડતા.
ગયા જ વીકમાં મેડિકલ ટેસ્ટમાં સમીરનું કોલેસ્ટ્રોલ વધારે આવ્યું, તેથી કસરત અને વોક કરવાનું ચાલુ કર્યું. ઘરની પાસે સાર્વજનિક બાગમાં ગાડી લઈને જાય અને વોક કરીને પાછો ફરે. આજે માથું ફાટી જાય એવા તાપમાં આખો દિવસ સમીર વર્કર્સ સાથે કંટાળ્યો, ફેકટરી ના વર્કર નાના શેઠના ગુસ્સાને પારખી ગયેલા તેથી નાનાશેઠની હાજરી જણાય એટલે એકદમ એલર્ટ થઈ કામ કરે તોયે સમીર એકાદ બે ને તો વગર વાંકે ખંખેરી જ નાંખે ! સાંજે ઘરે આવી બ્લેક ટી પીધી અને ગાડી લઈ બાગમાં જવા નીકળ્યો.
સામેથી એક સાઈકલ સવાર આવે, સાઈકલ પાછળ નાની ત્રણ પૈડાં ની સાઈકલ બાંધેલી, સાઈકલ સવાર કોક જુદા જ વિચારોમાં હતો તેથી સમીર શેઠની ગાડી સામે
આવી જરા ટકરાતાં બચી ગયો, સમીર કાચ ખોલી બેચાર ગાળો ભાંડી દીધી. બે મિનિટમાં તો હોહા કરી નાખી, છતાંયે પેલો મજૂર જેવો દેખાતો સાઈકલ સવાર એક પણ શબ્દ બોલ્યો નહિ.
સાઈકલ સવાર એક પણ શબ્દ બોલ્યાં વિના ઝડપથી સાઈકલ સાઈડ પર લેવા જતાં બેલેન્સ ચૂક્યો અને ભોંયભેગો થયો ! આગળ લટકાવેલ એલ્યુમિનયમનું ટિફિન ખણ ખણ ખણ અવાજ સાથે દૂર જઈ પડ્યું! મજૂર ગભરાઈ ગયો !
સાઈકલ સવાર ની પરિસ્થિતિ જાણ્યાં છતાં સમીરે ગાડી હાંકી મૂકી!
પાછળ બાંધેલી સાઇકલને ઝડપથી ચેક કરી નાની સાઈકલ બરાબર જણાતા "હાશ" નો શ્વાસ લીધો અને બોલી ઉઠ્યો, "સદા સુખી રહો નાના શેઠ...સો વરસના થજો ! આજે મોટા શેઠે આપેલી આ જૂની ત્રણ પેંડાની સાઈકલ જોઈ મારા છોકરાં કેટલાં ખુશ થઈ જશે !
ચૂપચાપ સાઈકલ અને સામાન સમેટી પોતાના ઘર તરફ વળી ગયો !
એજ રાતે સમીરને સિવિયર હાર્ટએટેકનો હુમલો આવ્યો, એમ્બ્યુલન્સ, હોસ્પિટલ, ડોક્ટર્સ,નર્સ, ટ્રીટમેન્ટ સાથે ડોકટરોની ભારી જહેમત પછી સિનિયર ડોકટર બોલ્યાં, "કોકની દુવા કામ કરી ગઈ લાગે છે, નહીં તો અત્યંત મેસિવ અટેક હતો, આવા કેસમાં દર્દીને બચવાની ઉમ્મીદ નહીંવત જ હોય !