ચીંકી
ચીંકી
" મા ....કાલે તો રજા એટલે હું તારી સાથે કામે આવીશ, મને શેઠાણી બાનું ઘર ખૂબ ગમે છે, અને શેઠાણીબા કેટલું સરસ ખાવાનું બનાવે છે, પાયલ દીદીના કપડાં પણ મને આપે છે."
ચિન્કી ગંગા સાથે કામે જતી અને ચીંકીની નજર શેઠાણીના ઘર અને ઘરની વસ્તુઓને તાકી રહેતી! આજે સાંજથી જ બહુ ખુશ હતી, શાળાએથી આવી દફતરને દૂર ફંગોળીને ખુશખુશાલ થઈને બોલી!
" ચાલ બેસ...કાલે લેસન પૂરું કરવાનું છે તારે...કશે જવાનું નથી, આ વખતે સારા માર્ક લઈ આવ, હું કેટલી મહેનત કરું છું તારા માટે.....કંઇ ભાન છે? તારો બાપ તો આખો દિવસ દેશી પોટલી ઢીંચીને પડ્યો રહે છે. શેઠાણીબાએ શું કહ્યું હતું યાદ છે? ". ગંગા બેબાકળી થઈ ચિન્કીને કહેવા લાગી.
" ના...મા....મને સ્કૂલે નથી ગમતું, કેટલું વાંચવાનું, કેટલું અઘરું બધું....એક તો મને સમજ ઓછી પડે, કામ કરવામાં કેટલી શાંતિ, ન તો વાંચવાનું કે ન તો લેસન...બસ કામ કરી લીધું કે ખાવાનું અને પૈસા બંને મળી જાય, શેઠાણી બા પણ મને દર વખતે કંઇ ને કંઈ નવું ખાવાનું અને કપડાં આપે છે. પાયલ દીદીના પપ્પા પાસે કેટલાં બધા પૈસા છે .. તે હેં મા......આપણી પાસે કેમ નથી!
દસ વરસની ચીંકી બોલતી અને ગંગાનું હૈયું ચિરાઈ જતું, એ પોતાની ગરીબી પર કોસતી રહેતી અને ખાટલામાં પડેલા પોતાના વરને ધૃણાની નજરે જોતી રહેતી.
" ગંગા... ચીંકીને જરા અંદર મોકલજે." સુહાનીએ સવારમાં ગંગા સાથે આવેલ ચીંકીને જોઇને કહ્યું. ગંગા હંમેશા ચીંકિના ભણતર વિશેના અણગમાની વાત શેઠાણીને કરતી. પેટે પાટા બાંધીને પણ ગંગા પોતાની દીકરીને ભણાવવા માંગતી હતી.
" એ...આવી...શેઠાણી બા....આટલા વાસણ ધોઈ નાખું." વાસણ ધોતાં ધોતાં પાણીમાં છબછબીયા કરી રમતાં રમતાં ચિંકિ બોલી. આજે ભણવાનું નથી એનો અનેરો આનંદ એના મોં પર છલકાતો જોઈ ગંગાનું મુખ કરમાઈ જતું અને વિચારે ચડી હતી કે શું કરશે આ મારી દીકરી! ગરીબના નસીબ ગરીબ જ રહેશે! બાપ તો પીધેલ છે અને પડ્યો રહે છે, કાલે આ દીકરી મોટી થઈ ભણી જાય અને નોકરીએ લાગી જાય તો મારા જેવી અભણ માનો જન્મારો સફળ થાય. નહીં તો એને પણ આખી જિંદગી મારી માફક ઘરકામના ઢસરડા જ કરવા પડશે.
" જો ચિંકી...આ મારા કલાસની છોકરીઓનો ફોટો, દસબાર વરસ પહેલાનો છે, આ લાંબા વાળવાળી કામિની...જે ભણવામાં ખૂબ હોંશિયાર અને મહેનતુ હતી તે આજે બેંકમાં નોકરી કરે છે, પોતાની ગાડી છે, ઘર છે, જાતે કમાય છે એટલે મોજશોખ કરે છે, બાળકોને પણ કરાવે છે, પિક્ચર બતાવવા લઈ જાય છે, બાગમાં ફરવા લઈ જાય છે, નવા નવા કપડાં અપાવે છે, પોતે ભણેલી હોવાના કારણે પતિ પણ ખૂબ ભણેલો મળ્યો છે અને તે પણ ખુબ કમાય છે." સુહાનીએ પોતાની સ્કુલનું આલ્બમ કાઢી બતા
વતાં ચિંકીને કહ્યું.
" અને આ ભવાની....કે જે ભણવામાં એકદમ આળસુ, એની મા બિચારી સમજાવી સમજાવીને થાકી જતી, અમે પણ ભણવા માટે એને બધી મદદ પૂરી પાડતા પરંતુ આખરે નહીં જ ભણી, અને અધવચ્ચેથી સ્કુલ છોડી મા સાથે કડિયાકામની મજૂરીએ લાગી ગઈ! આજે બે બાળકો સાથે એકલી રહે છે અને વર દારૂ પીને ગુજરી ગયો, હવે મારી જ શાળામાં એને અમે સાફસફાઈ માટે રાખી છે. ખાવાના પણ ફાંફાં પડે છે અને હવે એની તબિયત પણ સારી નથી રહેતી. ભગવાને આટલી સરસ જીંદગી આપી છે તો તેને વધારે સારી રીતે જીવવું કે મજૂરી કરી ગરીબાઈમાં કોઈના અહેસાન હેઠળ દબાઈને જીવવું આપણા હાથમાં હોય છે, માણસ એક વખત જો મનથી નક્કી કરી લે તો તે હાંસિલ કરી જ શકે છે એટલી તાકાત આપણને ભગવાને આપી છે. તો તું પણ ભણીને આગળ વધ અને તારી માતાનું સપનું પૂરું કર, એમાં તારી જ ભલાઈ છે."
ચિન્કી સુહાનીની વાત ધ્યાનથી સાંભળી રહી!
"તે હેં શેઠાણી બા, તમે પણ ખૂબ ભણેલા કે? " ચિન્કિ બોલી
એટલામાં જ સુહાનીની પંદર વરસની દીકરી પાયલ ઘરમાં આવી.
સરસ ફ્રોક અને સુંદર વાળમાં પિન અને રિબન બાંધેલી પાયલ બુટ કાઢી ફ્રીઝમાંથી બે આઇસ્ક્રીમ લઈ આવી એક ચિંકીના હાથમાં મૂકી ટીવી જોવા માંડી અને ચીંકીની નજર પાયલના કપડાં, એની રીબીન , બૂટ , રમકડાં પર ફરવા લાગી... પોતાની પાસે આ બધું ન હોવાના અહેસાસ સાથે અને શેઠાણી બા પોતાને કદાચ આજે પણ કંઇક આપશે એવી લાલચે!
"જો બેટા, તારી મા ઘરકામ કરે છે. એ એની મજબૂરી છે પણ તને ભણાવી ગણાવી એ તને બધા સુખો આપવા ઈચ્છે છે, હું પણ મારી પાયલને મોટી સાહેબ બનાવવા માંગુ છું, તો પાયલને જો....આજે એની પાસે બધું જ છે છતાં પણ ભણે છે ને? તો તું કેમ નહીં? ભણવાની ઉંમરમાં તારી મા પણ ભણી નહિં એટલે જો આજે ઘરકામ કરે છે, તું જો નહીં ભણશે તો તારે પણ મમ્મીની જેમ મજૂરી જ કરવી છે? તારા ભણવાનો ખર્ચો હું આપીશ પણ તું દિલ લગાવીને ભણી જા."
સુહાનીના એક એક શબ્દ ચીન્કી સાંભળી રહી અને એની નજરે શેઠાણીબાની સુખ સાહ્યબી તરી રહી! મનોમન કંઇક વિચારી રહી .
..કદાચ એ પાયલના બુટ, કદાચ....કદાચ એ પાયલનો ઝૂલો, કદાચ એ પાયલનું ફ્રોક, કદાચ એ શેઠાણી નું ઘર, કદાચ એ શેઠની ગાડી, કદાચ એ આઇસ્ક્રીમ, એ પોતાના ઘરની સુક્કી રોટલી, રોજનો ભૂખમરો, એજ રદ્દી જેવા પોતાના કપડાં, માતાની મજૂરી, બાપની પીધેલ અવસ્થા અને કદાચ પોતાની જાત વિશે!
" મા આજે રવિવાર છે, કામ પતાવી વહેલી આવી જજે, મારે ઘણું વાંચવાનું છે...મને તારા વિના એકલું લાગે છે. " બીજા રવિવારે ચીંકી ગંગાને ઉદ્દેશીને બોલી.
ગંગા હરખાઈને દીકરીના ઓવારણાં લેતાં આંખના ભીના ખૂણાને સંતાડી રહી.